‘મુકામ લંડન’ −
હવે આ સાપ્તાહિક કર્મને ય પાંચ દાયકા થવામાં. રૉબિન ડેના વારાથી, નિયમિતપણે દર રવિવારે, સવારે નવને ટકોરે, સાંપ્રત પ્રવાહોને આવરી લેતો રાજકીય વિશ્લેષક કાર્યક્રમ બી.બી.સી. ટેલિવિઝન પરે દાયકાથી માણતો રહેતો હોઉં છું. રૉબિન ડે નિવૃત્ત થયા પછી, સંચાલનપદે ડેવિડ ફ્રૉસ્ટ આવ્યા. એમના પછી, નીક રૉબિન્સન આવ્યા, અને એમના પછી આવ્યા એન્ડ્રુ માર. હવે સંચાલકપદે છે, લૉરા કુન્સબર્ગ. સામાન્યપણે બી.બી.સી.ના રાજકીય બાબતો માટેનાં તંત્રી આ કાર્યક્રમના સંચાલકપદે રહેતાં આવ્યાં છે.
લયલા મોરૅન, ‘હાઉસ ઑવ્ કૉમન્સ’માં, યુનાઈટેડ કિંગ્ડમના લિબરલ ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. ગયા રવિવારે, બી.બી.સી.ના ‘સન્નડે વીથ લૉરા કુન્સબર્ગ’ નામક આ કાર્યક્રમમાં, ઉદ્દઘોષક વિક્ટોરિયા ડાર્બીશરને કહેતાં હતાં : હવે લોકો એમ કહેતાં નથી, અમે ક્યાં સલામત હોઈશું ? એ લોકો હવે સવાલ કરે છે, આપણે જ્યાં મરવાનું છે, તે જગ્યા આપણને મળશે જ કે ?” (“No longer are people saying, where do we go to be safe? The question they are now asking is, where do we want to be when we die?”)
આ સાંસદની માતા ફિલિસ્તાની ઈસાઈ છે અને પિતા બ્રિટિશ. લયલા મોરૅનનાં માવતર ગાઝા નગરના એકાદ ફિલિસ્તાની દેવળમાં અત્યારે શરણાર્થી છે.
આ આઘાતજનક ખુલાસો સાંભળી, ઊંડી હમદર્દી વ્યકત કરતાં કરતાં વિક્ટોરિયા ડાર્બીશર શ્રોતાઓને બસ્સામ આરામીન અને રામી એલહનાનની વાતમાં લઈ ગયાં.
રામી એલહનાન – વિક્ટોરિયા ડાર્બીશર – બસ્સામ આરામીન
પૂર્વ જેરુસલામના કોઈક ઉપનગરમાં આ બન્નેનો વસવાટ. બસ્સામ ફિલિસ્તાની આરબ અને રામી ફિલિસ્તાની યહૂદી. બન્નેની અકેકી દીકરી આરબ-યહૂદી હિંસક ઘમસાણમાં જ હણાયેલી. અબીર આરામીનનું દશની વયે 1997માં ખૂન થયું. સ્મેદર એલહનાનનું પણ એ જ સાલે ચૌદની વયે ખૂન થયેલું.
ફિલિસ્તાની લડતમાં કિશોરાવસ્થાથી બસ્સામ સામેલ હતા. એ દિવસોમાં પ્રાચીન નગર હેબ્રૉનમાં એ રહેતા હતા. એમનું વય હશે માંડ સત્તરનું ને ઇઝરાયલી સેના ઉપર પથ્થરમારો કરવાના કોઈક આરોપસર તે ઝડપાયેલા અને તે પછી ઈઝરાયેલી કેદમાં સાત વરસ ગાળવાના તેને આવે છે. બસ્સામ કહેતા હતા, એ દિવસો દરમિયાન, ફિલિસ્તાની પરચમ હાથમાં ફરકાવતા રહી તે ઇઝરાયલી કબજા સામે હુંકાર કરતા રહેતા. બાકી બીજા કેદીઓ અમને વીરલા લેખતા. પરંતુ જેલરો અમને એકાબીજાને ધીક્કારવાનું તેમ જ પ્રતિકાર જ કરવાનું કહેતા હતા. એવામાં એક દહાડે સૈનિકોનું ધાડું આવી પૂગ્યું. અમને દરેકને નિ:વસ્ત્ર થઈ જવાનું કહેવામાં આવ્યું અને પછી અકેકને પકડીને કોરડે કોરડે વીંઝવા લાગ્યા.
મેં જોયું, બસ્સમ કહેતા હતા, સૈનિકોના મોં પર સ્મિત હતું અને કોઈ પણ જાતના ધીક્કાર વિના અમને ફટકારતા હતા. એમને માટે તો એ કદાચ તાલીમ હતી; અને અમે એ તાલીમ સારુ જીવતાં જાગતાં ઓજાર ! અને લાગલા મને વરસો પહેલાં હોલોકોસ્ટ બાબતની જે ફિલ્મ જોયેલી તેનું સ્મરણ થઈ આવ્યું. એ ફિલ્મ જોતાં જોતાં હું ડૂસકે ચડેલો. યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવામાં આવી રહ્યાં હતાં તે મારાથી દેખી શકાતું જ નહોતું. અને હું તાદાત્મ્ય અનુભવતો રહ્યો.
આમાંથી જ તો સંવાદ પેદા થયો. એકદા હું કેદખાનાના એક રખેવાળ જોડે વાતે વળગ્યો. મારે તો યહૂદીઓને સમજવા હતા, પામવા હતા. એ રખેવાળ મને પૂછી બેઠો, ‘તારા જેવો માણસ આમ આતંકવાદી કેમ બની શકે ?’ મેં લાગલા કહ્યું, ‘ના, હું નથી; આતંકવાદી તો તું છો. હું તો આઝાદી માટે લડતો સૈનિક છું.’ અમે ફિલિસ્તાનીઓ અહીં વસવાટી જ માત્ર છે તેમ એ માનતો હતો. મેં તેને પડકાર્યો અને અમે વસવાટી જ છીએ તે પુરવાર કરવા કહ્યું. અને આમ અમારો સંવાદ વિકસતો રહ્યો. એ રખેવાળને ય પરિણામે સમજાયું કે ખરા વસવાટી તો એ લોકો છે ! અને પછી અમે એકબીજાને સમજતા ગયા. સંવાદ જોડાજોડ અમે ભાઈબંધી બાંધી. ફિલિસ્તાની આંદોલનનો તે ટેકેદાર પણ બની બેઠો. આ સંવાદ, આ સજદારીમાંથી અમને દેખાતું ગયું કે અહિંસક માર્ગે અને શાંતિના પથ પર રહીને જ આ જટિલ કોયડો ઉકલવો જોઈએ. બીજો કોઈ જ ચારો નથી. જોયું ને, એક વારનો સંવાદ અને સામા પક્ષે હૃદયની ખરાઈ તેમ જ પાક્કી લગની મજબૂત બનતી રહી.
અને પછી ‘ઓસલો સમજૂતિ’ થઈ અને દ્વિ-રાષ્ટૃની વાત કેન્દ્રસ્થ બની. સન 2005 પછી તો અમે આવી માન્યતા ધરાવતા લોકો ખાનગીમાં ભૂતપૂર્વ યહૂદી સૈનિકો જોડે સંવાદ પણ કરતા ગયા. અમે ઉભય પક્ષની જવાબદારીઓ જેમ જેમ સમજતા ગયા, તેમ તેમ અમારો સલુકાઈવાળો વહેવાર પણ કરતા રહ્યા. અને પછી 2007ની ઘટના ઘટી. વેળાએ મારી દીકરી અબીરને બંદૂકની ગોળીએ વીંધી નંખાઈ. એ બીચારી દુકાને કેન્ડી લેવા નીકળેલી અને તેમાં તે હણાઈ. હું હતપ્રભ થઈ ગયો; સાડાચાર વરસ સુધી એક પછી એક અદાલતે લડતો રહ્યો. અબીર હમાસમાં સામેલ નહોતી; વળી તે અલ ફતહમાં ય નહોતી. ફિલિસ્તાની આરબ અને ફિલિસ્તાની યહૂદીઓ વચ્ચે જો ભાઈચારો કેળવવો હોય તો સુલેહ આધારિત સમજૂતિ બનવી જ રહી. ઈઝરાયલ આવા ગુનાઓનો સ્વીકાર કરે તેમાંથી ક્ષમાપનાનો ભાવ જાગશે ને. છેવટ, વેરથી વેર સમતું નથી.
વેર વસૂલવાને પંથે હું જઈ શક્યો હોત; એ સરળ માર્ગ હતો. પણ સંવાદિતામાંથી પાછા ફરવાને કોઈ જ કારણ નહોતું. એક સૈનિકે મારી દીકરીને હણી નાંખી, ત્યારે આશરે સોએક પૂર્વ ઇઝરાયલી સૈનિકોએ જ અબીર જે જગ્યાએ હણાઈ તે નિશાળના પટાંગણમાં અબીરની સ્મૃતિમાં એક બાગની રચના કરી.
સન 2005માં બસ્સામે ‘Combatants of Peace’ (શાંતિના સિપાહી) નામક રચનામાં એક સ્થાપક સભ્ય નાતે જોડાવાનું રાખ્યું. ભૂતપૂર્વ ફિલિસ્તાની યહૂદી સૈનિકો તેમ જ ભૂતપૂર્વ ફિલિસ્તાની આરબ સ્વાતંત્ર્ય સૈનિકો આ સંસ્થામાં અહિંસાનો માર્ગ તેમ જ સંવાદ એક માત્ર નીતિ રહેવા પામી છે.
બીજી પાસ, રામી એલહનાન ઇઝરાયલી ગ્રાફિક ડિઝાઇનર છે અને જોડાજોડ શાન્તિ માટે કામ કરનાર એક કર્મઠ કર્મશીલ પણ. એમના પિતા હોલોકોસ્ટમાંથી બચનાર યહૂદી હતા અને 1946 વેળા ઇઝરાયલ આવી વસવાટી બન્યા હતા. જુવાનીમાં રામી ઇઝરાયલી સેનામાં દાખલ થયા હતા અને 1973ના યોમ કિપુર યુદ્ધમાં સૈનિક પણ રહ્યા હતા.
જેરુસલામની એક શેરીમાં ચોપડીઓની એક દુકાનમાં તેમની દીકરી સ્મેદર પુસ્તક ખરીદીએ ગયેલી તે સમયે, સન 1997 દરમિયાન, ત્યાં કોઈક આત્મવિલોપન કરતા બોંબ ધડાકામાં મારી ગઈ. ઉભય પક્ષે ઇઝરાયલી – ફિલિસ્તાની સંઘર્ષમાં માર્યાં ગયેલાં બાળકોનાં સમવિચારી માતાપિતા જોડે ‘Parents’ Circle – Families Forum’ રચના કરાઈ. રામી તેમાં સક્રિય રહ્યા. વળી, ‘Combatants of Peace’માં ય જોડાયા અને સક્રિયપણે ભાગ લેતા રહ્યા. અહીં આ જૂથોમાં રામી અને બસ્સામ નજીક આવ્યા અને ભાઈબંધ બની ગયા. આ બન્નેની ભાઈબંધી તેમ જ સક્રિયતાને કારણે 2012માં ‘વિધિન ધ આઇ ઑવ્ ધ સ્ટોર્મ’ નામક એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરાઈ છે. શેલી હેરમોને તેનું નિયમન (ડિરેકશન) કર્યું છે. વળી, અલહનાન અને આરામીનની ભાઈબંધીને પરિણામે એક આયરીશ લેખક, કોલમ મેકકાને 2020માં, ‘અપિરોગાન’ (Apeirogon) નામે એક મજેદાર નવલકથા ય આપી છે. આ નવલકથાને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.
વારુ, વિક્ટોરિયા ડાર્બીશર સાથેની વાતચીતમાં, ગયા રવિવારે, આ બન્ને ભાઈબંધો કહેતા હતા, અમે ફિલિસ્તાનીઓ બન્ને ભાઈઓ છીએ અને અમારા આંદોલનમાં સાતસો ઉપરાંત માતાપિતાનું સક્રિય યોગદાન રહ્યું છે. જગતના વિવિધ ભાગોમાં અમને બોલાવવામાં આવે છે ત્યાં પરિસંવાદોમાં, સભાઓમાં જોડિયા ભાગીદાર પણ બનીએ છીએ. ફિલિસ્તાનીઓમાં સુમેળનું વાતાવરણ ગોઠવી શકાય અને આ બે કોમોનો આ મુલક બને તેવી અમારી ખ્વાયેશ છે.
રામી કહેતા હતા, એક બાજુ આરબોના મૃતદેહો અને બીજી પાસ યહૂદીઓના મૃતદેહોના ઢેર જોઈએ છીએ અને અરેરાટી થાય છે કે શું આ મુલક માત્ર મોટું કબ્રસ્તાન તો નહીં થઈ બેસે ને ? અમને શાન્તિ અને અહિંસાને મારગે એખલાસ ભર્યા બે કોમોના મુલકો થાય તેવી શ્રદ્ધા છે. આ સિવાય અમને બીજો કોઈ રસ્તો સૂજતો જ નથી. કોઈ જ ચારો નથી.
આ સંદેશ લઈને અમે સાથે ઘૂમીએ છીએ. બાળકોને, કિશોરોને, યુવકોને ય વાત કરીએ છીએ. અમારી વાત બહૂધા કાને પડે છે. એકાદને પણ તેની અસર પહોંચે તો અમને સંતોષ વળે છે.
બસ્સામ તો માનતા હતા કે એમના જીવનકાળમાં આ શક્ય થાય તેમ છે, કેમ કે તેમનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો પહેલાં એ અને એમની ખુદ પેઢી જ આવા આશાવાદના જોરમાં સલુકાઈએ જીવન ગુજારે તેવા એ સૌને ઓરતા છે.
પાનબીડું :
કચ્છના આદિપુરના વસવાટી સિંધી સાહિત્યકાર હૂંદરાજ દુખયાલ [16 જાન્યુઆરી 1910 – 21 નવેમ્બર 2003] આચાર્ય વિનોબાજીની પદયાત્રામાં લાંબા અરસા સુધી સામલે હતા.. પદયાત્રા સારુ એ કૂચગીતો લખતાં અને પછી પદયાત્રીઓને ય ગવડાવતાં. એમની આ રચના ખૂબ પ્રસિદ્ધિ પામી છે. અને અહીં લેખને અનુરૂપ પણ છે.
शांति के सिपाही चले ….
शांति के सिपाही चले, क्रांति के सिपाही चले
लेके खैरख्वाही चले, रोकने तबाही चले
बैर भाव तोड़ने, दिल को दिल से जोड़ने
कौम को संवारने जान अपनी वारने। रोकने तबाही….
विश्व के ये पासवां, लेके सेवा का निसां
भिरुता से सावधान, चल पड़े हैं बेगुमां। रोकने तबाही…
सत्य की संभाल ढाल, अहिंसा की ले मशाल
धरती मां के नौनिहाल, निकल पड़े सुचाल। रोकने तबाही…
जय जगत पुकार के, बढ़ रहे बिना रुके
लेके दिल के वलवले, अपने ध्येय को चले। रोकने तबाही…
− हूंदराज दुखायाल जी
[1,260 શબ્દો]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ, 01 નવેમ્બર 2023
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
બે વીડિયો લિંક :
https://www.bbc.co.uk/news/av/uk-politics-67254147
https://www.youtube.com/watch?v=ppGSDVKO2iM
[પ્રગટ : “અખંડ આનંદ”; મે 2024; પૃ. 67-70]