![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/Chandubhai_Maheria-223x300.jpg)
ચંદુ મહેરિયા
મુખપોથી મિત્ર ડો. ઈરફાન સાથિયાએ થોડા સમય પહેલાં તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “દુનિયા આખીમાં કેન્સર સામાન્ય બીમારી બની રહ્યું છે, ત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં તે દિવસે ને દિવસે જીવલેણ બનતું જઈ રહ્યું છે. મુસ્લિમોમાં કેન્સરથી થતા મોતનો આંક ચોંકાવે તે રીતે વધી રહ્યો છે.” આ વાંચીને કોઈ રોગને પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ, દેશ, પ્રદેશ સાથે સંબંધ હોઈ શકે એ વાતનું આશ્ચર્ય થયું હતું. જો કે ડોકટરરસાહેબે તેમના નિરીક્ષણના સમર્થનમાં કમ્યુનિટી મેડિસિનના અભ્યાસનો હવાલો આપ્યો હતો.
અમેરિકામાં ગોરી મહિલાઓ કરતાં કાળી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં સૌથી ઘાતક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર(ટી.એન.બી.સી.)નું પ્રમાણ વધારે હોય છે અને શ્વેત કરતાં શ્યામવર્ણની આફ્રો-અમેરિકન મહિલાઓમાં આ કેન્સરને કારણે ત્રીસેક ટકા વધુ મોત થતા હોવાનો અભ્યાસ પણ વાંચવામાં આવ્યો હતો.
તાજેતરમાં વિજ્ઞાન સંશોધન સામયિક ‘લાન્સેટ’માં પ્રગટ અધ્યયન જણાવે છે કે કેન્સર થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે, પરંતુ કેન્સરને કારણે મહિલાઓ વધુ મરે છે. ભારત માટે તો આ અધ્યયન એવી ચિંતાજનક બાબત નોંધે છે કે ભારતીય મહિલાઓના કેન્સરને કારણે થતાં મોતમાં ૩૭ ટકા મોત સમયસર નિદાન અને સારવારના અભાવે થાય છે. ૬૭ ટકા મહિલાઓને જો સમયસર કેન્સરની તપાસ અને ઈલાજ મળ્યાં હોત તો તેમનો રોગ આગળ વધતો અટકાવી શકાયો હોત.
માનવ શરીરના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ એટલે કેન્સર. આજે પણ અસમય મોતનાં ત્રણ કારણો પૈકીનું એક કારણ કેન્સર છે. એટલે કેન્સર એટલે કેન્સલ એમ કહેવાય છે. પરંતુ હવે સાવ એવું નથી. કેન્સરની સારવાર મોંઘી અને લાંબી છે એ ખરું પણ ઈલાજ શક્ય છે.
‘વિમેન, પાવર એન્ડ કેન્સર’ શીર્ષક હેઠળનું ‘લાન્સેટ’નું અધ્યયન વિશ્વના ૧૮૫ દેશોના ૩૦ ‘થી ૬૯ વર્ષના લોકોના અસમય મોતના કારણો પર આધારિત છે. અભ્યાસમાં જણાવાયા પ્રમાણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણોથી મહિલાઓમાં કેન્સરથી થતા મોતનું પ્રમાણ પુરુષોના મુકાબલે ઘણું વધારે છે. જો ‘લાન્સેટ’ રિપોર્ટમાં દર્શાવાયેલાં આ કારણો દૂર કરી શકાય તો ભારતમાં ૬૯ લાખ મહિલાઓના કેન્સરથી થતાં મોત રોકી શકાયાં હોત અને ૪૦.૩ લાખનો ઈલાજ થઈ શક્યો હોત.
મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર સવિશેષ જોવા મળે છે. કેન્સરના દર સોએ વીસ કેસ સ્તન કે બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેમાંથી અડધોઅડધના મોત થાય છે. ભારતમાં દર ત્રીજી મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે અને દર છઠ્ઠી મિનિટે એક મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ૨૩ લાખ બ્રેસ્ટ કેન્સરના કેસો બન્યા હતા અને તેમાંથી ૬.૮૫ લાખના મોત થયા હતા. કેટલાક કેન્સર સાઈલન્ટ હોય છે અને છેલ્લા તબક્કામાં જ તેની જાણ થાય છે. જ્યારે બીજા કેટલાકને મટાડી શકાય છે.
ના માત્ર ભારતમાં લગભગ આખા વિશ્વમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ અને તેમની વચ્ચેની સત્તા કે શક્તિની અસમાનતા જોવા મળે છે. રોગના ઈલાજમાં પણ તે દેખાય છે.આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો મહિલાઓના કેન્સરના ઈલાજની આડે આવે છે. સમાજના સત્તા સમીકરણો અને કેન્સરની તપાસ, નિદાન અને ઈલાજ સુધી મહિલાઓની પહોંચ વચ્ચે સીધો સંબંધ છે. નિર્ણય પ્રક્રિયા અને આર્થિક સત્તામાં મહિલાઓની ભાગીદારીનો અભાવ તેમને કેન્સરની સમયસર તપાસથી દૂર રાખે છે. તેને કારણે તે કેન્સરની આશંકા વર્તાય કે તરત જ તપાસ કરાવી શકતી નથી. ઘરના કામનો બોજ અને સામાજિક જવાબદારી પણ કારણભૂત છે.
કેન્સર જેવા રોગની ગંભીરતા અને ઘાતકતાની જાણકારીનો અભાવ અને ઘરના પુરુષ સભ્યોનું કે પિતૃસત્તાક સમાજનું મહિલાઓના આરોગ્ય પ્રત્યેનું ઉદાસીન વલણ પણ મહિલાઓના મોતમાં વધારા માટે જવાબદાર છે. મહિલા પોતાના રોગની સારવારનો નિર્ણય જાતે લઈ શકતી નથી અને ઘરના પુરુષ સભ્યો તેની બીમારીની ઉપેક્ષા કરે છે. નાણાંકીય સગવડનો અભાવ કે મહિલા માટે વધુ નાણાં નહીં ખર્ચવાનું વલણ પણ મહિલાઓને મોતના મુખમાં ધકેલે છે.
જેમ સ્ત્રી-પુરુષ તેમ શહેર અને ગ્રામ, અમીર ને ગરીબ, શિક્ષિત અને અશિક્ષિત જેવા ભેદ પણ કેન્સરના ઈલાજમાં જોવા મળે છે. ઘરની દીકરી માટે સરકારી શાળામાં ભણતર તેમ ઘરની મહિલાની સારવાર માટે સરકારી દવાખાનાની પસંદગી કે સારવાર બાબતે જ કુટુંબનું નિમ્ન પ્રાથમિકતાનું વલણ સાવ સહજ મનાય છે. કેન્સરની બીમારીના ઈલાજ માટે પણ મહિલાઓને સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડે છે. વળી આ સેવાઓની સ્થિતિ બદતર છે તેથી પણ મહિલાની યોગ્ય સારવાર થતી નથી. ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓમાં આરોગ્ય સંભાળની ઓછી જાણકારી હોય છે. મહિલાઓ પુરુષ ડોકટરો પાસે શરીરની તપાસ કરાવતાં સંકોચાય છે કે ગભરાય છે અને મહિલા ડોકટરોની સંખ્યા ખૂબ ઓછી છે તે પણ જવાબદાર પરિબળ છે. ઘરકામ આટોપીને કે તેને પડતું મૂકીને મહિલાઓ નજીકના નગરો કે મહાનગરોમાં સારવાર માટે જઈ શકતી નથી તેથી પણ તેમનો ઈલાજ યોગ્ય રીતે થતો નથી.
મહિલાઓમાં થતા કેન્સર અંગે વધુ સંશોધનોની પણ આવશ્યકતા છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરની આરંભિક અટકાવની શક્યતા ઓછી છે. તે દિશામાં સંશોધન થવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર થવાનાં કારણો (જેનેટિક અને રિપ્રોડક્ટિવ ફેકટર) વિશે વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ-સંશોધનની જરૂરિયાત વર્તાય છે. સરકારી આરોગ્ય યોજનાઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે સવિશેષ છે તેની સાથે મહિલા આરોગ્યના અન્ય પાસાં વિષે પણ યોજનાઓ ઘડાવી જોઈએ. કેન્સર જાગ્રતિના કાર્યક્રમો તથા બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી-સોનોગ્રાફીની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનવી જોઈએ. લિંગ ભેદ જો કેન્સરની સારવારનું મહત્ત્વનું પરિબળ હોય તો જેન્ડર એન્ડ સેક્સ ઈન્કલુઝિવ પોલિસીસ એન્ડ ગાઈડલાઈન્સ સત્વરે ઘડાવી જોઈએ.
યુનાઈટેડ કિંગડમનો ૨૦૧૯નો એક અભ્યાસ દર્શાવે છે કે દારુ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય જોખમી કારક છે, તેવી જાણ કેન્સરની તપાસ કરાવનારી ૭૯ ટકા મહિલાઓને નહોતી ! શહેરીકરણ પણ કેન્સરના કેસો વધવાનું અગત્યનું કારણ છે. પરંતુ શું આ કારણ દૂર કરવું શક્ય છે ? મેદસ્વીતા, બેઠાડું જીવન, મોડા લગ્ન, બાળકોને સ્તનપાન ના કરાવવું, ધૂમ્રપાન, દારુનું વ્યસન જેવાં કારણો પણ મહિલાઓના કેન્સરમાં મહત્ત્વના છે તે કઈ રીતે દૂર કરી શકાય તે માટો પ્રશ્ન છે.
અમેરિકામાં મહિલાઓના ઘણા કેન્સર પહેલા કે બીજા તબક્કામાં જ ઓળખી શકાય છે જ્યારે ભારતમાં એમ થઈ શકતું નથી. સરકારી કાર્યક્રમો હેઠળ માંડ ત્રીસ ટકા મહિલાઓની કેન્સરની તપાસ થઈ શકતી હોય તો તેનું પ્રમાણ વધારવાથી અને મહિલા તબીબોની કમી દૂર કરવાથી કદાચ કેન્સરની સરવારમાં રહેલો લિંગભેદ ઘટાડી શકાશે.
e.mail : maheriyachandu@gmail.com