પંચતંત્રની એક વાર્તા સાંભરે છે. પોપટભાઈ અને કાગડાભાઈ કમાવાધમાવા જાય છે, તેની દાસ્તાઁ તેમાં વણાઈ છે. પોપટભાઈ એની સમજણ અનુસાર કમાયધમાય છે; કાગડાભાઈ તેની મતિ અનુસાર. આવું તો સત્યનારાયણની કથામાં આવતા સાધુ વાણિયાની વાતને પણ આપણે સંભારી શકીએ. ‘જાવે જે કો નર ગયો, ના’વે મંદિર માંય, જો આવે પાછો ફરી, તો પરિયા પરિયા ખાય.’
આળસુ કાગડો અને ઉદ્યમી પોપટની વાર્તા વાટે વાર્તાકાર વાચકને મજબૂત ઓઠા સાથે નીતિમત્તાના પાઠ ભણાવે છે અને વાચકના ઘડતર ચણતરનું કામ સુપેરે પાર પાડે છે. જ્યારે સાધુ વાણિયાની આ કથા દ્વારા કથાકાર આપણને સાચું બોલવાના લાભ શીખવી જાય છે અને ખોટું બોલ્યા કરવાથી જે તે નુકસાન થાય છે તે ભણી ઈશારાઓ માંડે છે.
આવી ‘પરિયા પરિયા ખાય’ની બીજી વાત માંડીએ તે પહેલાં, જાણીતા વિચારક લેખક-પત્રકાર રમેશ ઓઝાના તાજેતરના એક લેખનું આ લખાણ પણ જોઈ લઈએ :
રમેશભાઈ સવાલે છે, ‘વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?’ અને પછી ખુદ જવાબ આલે છે : ‘જરા ય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનાં એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગંતુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સે કહ્યું છે કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઇતિહાસ માનવીય સ્થળાંતરનો ઇતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વઘારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે.’
અને આગળ વધતાં, રમેશભાઈ પૂછી પાડે છે : ‘પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?’
‘એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંના મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટાભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.’
•••
પૂર્વ ઇંગ્લૅન્ડના એસેક્સ પરગણામાં આવ્યા બેઝિલડન બરૉના એક નાના અમથા ગામ ‘રામ્સડેન બેલહાઉસ’ નામના એક ગામની આ વાત છે. પાટનગર લંડનથી આશરે 43 કિલોમિટર દૂરને અંતરે આવેલા, હાલ આશરે નવસો જણની વસ્તીવાળા, આ ગામ અંગે ‘ડૂમ્સડે બૂક’માં તો સને 1086થી નોંધ જોવા મળી છે.
ક્રાઉચ નામનો રળિયામણો એક વોંકળો ય ગામ વચ્ચેથી વહ્યા કરે છે. વળી, ગામ વચ્ચાળે, પાઘડી પને ચર્ચ રોડ છે અને તેની પર એક પા ‘વિલેજ હૉલ’ છે અને સામેની તરફે પબ્લિક હાઉસ છે. વિલેજ હૉલની બીજી બાજુ, Hemmings Too નામે એક મોટી દુકાન છે. જીવન જરૂરિયાતની, ખાધાખોરાકીની સામગ્રીનો ધંધોધાપો કરતી આ દુકાનમાં સબ-પૉસ્ટ ઑફિસ પણ છે. આશરે ત્રણેક દાયકાથી તો કિશોરી અને જય રાવલ સુપેરે આ દુકાન ચલાવે છે. આ દંપતીની દાસ્તાઁની વાત અહીં માંડવી છે.
જય રાવલનાં દાદાદાદી કેન્યાના નકુરુ શહેરે એક વેળા દુકાન ચલાવતાં. જ્યારે કિશોરીનાં દાદાદાદી તો મૂળગત ટૅન્ઝાનિયામાં સ્થાયી થયેલાં. મોશી, અરુશા, મ્બુલુ, મ્ટોવામ્બુ જેવાં નાનાંમોટાં ગામોમાં એમને ધંધાધાપાનો અનુભવ. એ અનુભવ તેનાં માવતરની રગોમાં પણ ઊતરેલો ભળાતો. કિશોરીના દાદા, કેશવજીભાઈના મોટાભાઈ, મગનલાલભાઈ અને નાનાભાઈ, ભગવાનજીભાઈને પણ આવા ધંધાનો નખશીખ અનુભવ. આમ કિશોરી અને જયની નસોમાં લોહી જોડે ધંધાધાપાનો વારસો વહેતો ભળાય.
ગઈ સદીના નવમા દાયકામાં, કિશોરી અને જય પૂર્વ ઇંગ્લેન્ડના પરગણા એસેક્સની મુલાકાતે ગયેલાં. બેઝિડલ નામે ગામની પડખે, ક્રેય્ઝ હિલ નામે નાનકું અને તરત ગમી જાય તેવું નાનું ગામ. રળિયામણો વિસ્તાર. તેમાં જયના મોટાભાઈ દિલીપ કને ‘હેમિંગ્સ’ નામે મોટી દુકાનનો માલિકી હક. પોસ્ટ ઑફિસની સગવડ સમેતનો મોટો ભંડાર જ જાણે જોઈ લો. દુકાન, વેપારવણજ, ચોપાસનો વિસ્તાર દંપતીને મનમાં ખૂબ જ વસી ગયો. ત્રણ દાયકા પહેલાની જ આ વાત. અને એમણે આવા કોઈક વિસ્તારમાં, પલોંઠ લગાવીને મચી રહેવાનો મનસૂબો કર્યો. અને 1993ના અરસામાં, બાજુના રામ્સડેન બેલહાઉસ ગામે એક દુકાન ભાડાપેટે ખરીદી સારુ બજારમાં આવતાં, ખરીદવાનું ગોઠવી કાઢ્યું.
ત્રણ દાયકાને ઓવારે, કિશોરી – જય હવે તો બન્ને એ દુકાનના, ઈમારતના માલિક પણ છે.
રામ્સડેન બેલહાઉસ. નાનું ગામ. રળિયામણું. મોટા મોટા બગીચાવાળા છૂટા પટમાં મકાનોની બાંધણી. આ મકાનોના વસવાટીઓને પરોઢિયે તાજાં છાપાં પહોંચતાં કરવાનું કામ કિશોરીએ હાથમાં લીધું. મીઠી જીભાન અને ઘરાકને સાંચવી લેવાની સમજણ કેળવી. બન્ને યુવાન અંગ્રેજીનાં જાણકાર. કુનેહે ઘરોબો વધારતાં ગયાં. દુકાન ચલાવવા કર્મચારીઓની ગોઠવણ પણ કરી અને દરેક જોડે માનવતાભર્યો એખલાસવાળો વર્તાવ. દરેક ઘરાક સાથે અંગત ઘરોબો જોડાતો ગયો અને મીઠાશ વધતી ગઈ. નિર્વ્યાજ સ્મિત સાથે ઘરાકને આવકારે, નામથી બોલાવે અને ખબરઅંતર પણ પૂછે. આમ જાણે કે ઓરસિયે ચંદન ઘસાતું રહ્યું અને ચોમેર સુગંધી પ્રસરતી ચાલી.
ચોમેર મોંધાદાટ મકાનો હોય અને એકમેકથી ચડિયાતાં વાહનોની દોટમ્દોટ હોય તેવા આ ગામની બીજી ખાસિયત સીધી નજરે ન પડે છતાં, રામ્સડેન બેલહાઉસમાં નકરી બિરાદરી જ નીતરતી જોવાની સાંપડે. અને તેનો પૂરો જશ જૈફ વયના લોકોને વરે છે. જેમ જેમ ગામ વિકસતું જાય છે તેમ તેમ આવા મનમેળ અને ભાઈચારાને પણ મજબૂતાઈનાં મૂળ જોર પકડતાં જાય છે.
‘એસેક્સલાઈવ’ સમાચારસંસ્થા જોડે વાત કરતાં, કિશોરી રાવલે, ફેબ્રુઆરી 2022માં, આ જ વાત જોશપૂર્વક મૂકી આપેલી. જૈફ વયની આ ખેલદિલી, આ સમજણને કારણે આ ભાઈચારો એવો જામ્યો છે કે તે હવે નવાં આગંતુકોમાં ય તે ફરી વળ્યો છે. કિશોરી કહેતાં હતાં, આ બધું મને પોરસાવે છે કેમ કે આ સમાજ કેવો સરસ તેમ જ સમરસ છે તેની સુગંધ ચોમેર પ્રસરતી જ આપણે અનુભવીએ છીએ ને.
અમને દરેકને સાથમાં રાખવા જાણે કે વડીલ જૂથે હામ ભીડી હોય, અને દરેકને જોડતાં જોડતાં સામાજિક પ્રસંગો ઊભા કરાતા હોય, તેવો જાત અનુભવ રહ્યા કર્યો છે. તેથીસ્તો, પરિણામે, અમે જુવાનિયા પણ તેમાં પૂરેવચ્ચ ને સક્રિયપણે સામેલ રહીએ છીએ.
•
કમભાગ્યે, છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન, જયની તબિયત લથડતી ચાલી. એક પા કોવીડનો કેર; બીજી પા, જય ઇસ્પિતાલમાં. મોટે ભાગે તો એ બેભાનાવસ્થામાં જ સરકી પડ્યા. ઘરની, વરની, દુકાનની સઘળી જવાબદારીઓ કિશોરીને માથે આવી પડી. આ હિંમતવાન મહિલાએ દરેક વેળા મગરૂરીથી મારગ કાઢવાનો રાખ્યો. અને આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે જયે, 63 વર્ષની ઉમ્મરે, માયા સંકેલી લીધી. એ દિવસ હતો 11 નવેમ્બર 2022.
અને પારાવાર વેદના છતાં, કિશોરી એકલાં નહોતાં, સારું ગામ એની અડખેપડખે હતું. ગ્રામજનોએ કિશોરીને સાંચવી લીધાં. અને બીજી પાસ, જાણે કે સમગ્ર ગામ, તેમ જ ચોપાસનો અડોશપડોશ જયની અંતિમક્રિયા વેળા હાજરાહજૂર. અંતિમક્રિયા પછી, ગામના વિલેજ હૉલમાં, જાણે કે ગ્રામજન ખડે પગે હાજર ને હાજર. સૌએ જયને વિદાય આપી અને સમાજની રીતિનીતિ અનુસાર, ગ્રામજનોએ જયનાં માનમાં અંગત સ્નેહીજનોની જોડાજોડ, રોટલા/રોટલી, ખીચડી અને શાક આરોગી કિશોરી અને પરિવારને શાતા આપતાં હતાં.
આટલં ઓછું હોય તેમ, વળી, ગ્રામજનોએ સાર્વજનિકરૂપે જયની સ્મૃતિમાં, ‘હેમિંમ્ગ સ્ટોર ટૂ’ની તદ્દન બાજુમાં, કાયમી ધોરણે, એક બાંકડો નિયત કર્યો તેમ જ એ બાંકડા પર તકતી જડી આપી : “Enjoy the sunshine here in memory of Jay. Sit for a while and watch the world go by.”
•
સાડાછસ્સો વરસ પહેલાં ગુજરાતના સંજાણ બંદરે બનેલી ઐતિહાસિક ઘટના સાંભરી આવી. ઈરાનથી આવેલી આ જમાતને તત્કાલીન હિન્દુ રાજા જદી રાણાએ દૂધનો પ્યાલો પાઠવ્યો. તેમાં આગંતુકોએ સાકર ઊમેરી રાજાને પરત કર્યો. કહે છે, રાજા ભારે પ્રસન્ન હતા અને એમણે પારસીઓને રહેવાની પરવાનગી આપી. નજીકના ગામ ઉદવાડામાં આ જમાતે પોતાનું મથક ઊભું કરી કાઢ્યું. આજે ય સમાજના દરેક સ્તરે આ પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ભળીને જ રહ્યાં છે ને. બસ, કદાચ, એમ જ, કિશોરી – જય, અને એમનાં જેવાં બીજાં અનેકો આ ભૂમિમાં ઓતપ્રોત થઈને રહ્યાં છે અને પોતાનું વતન જાણી જીવન વ્યતીત કરતાં આવ્યાં છે.
પાનબીડું :
હું માણસ છું કે?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
– ચંદ્રકાન્ત શાહ
[1,287 શબ્દો]
હેરૉ, 11/2 માર્ચ 2024
e.mail : vipoolkalyani.opinion@btinternet.com