Opinion Magazine
Number of visits: 10027352
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  

સોનલ પરીખ|Opinion - Opinion|27 July 2026

જે પિતાએ આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. ઉષ્માભર્યું એક આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. તેમની સાથે તમે પણ ધન્ય થઈ જશો … 

સોનલ પરીખ

આજે ફાધર્સ ડે. પિતાના પ્રેમ, સમર્પણ અને આશીર્વાદને વ્યક્ત કરતી સુંદર ફિલ્મો આપણે ત્યાં અને વિદેશોમાં પણ બની છે. યાદ કરવાનું મન થાય છે ૧૯૬૮માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશીર્વાદ’. એક કમનસીબ પિતાના દીકરી માટેના ઝુરાપાની વાત આટલી સંવેદનશીલતાથી અને રડારોળ કે નાટકીયતા વિના કરવા માટે જબ્બર ગજું જોઈએ. 

વાર્તા આમ છે : બંગાળના એક ગામમાં રહેતો સરળ અને પ્રેમાળ જોગી ઠાકુર એક શ્રીમંત જમીનદારનો ઘરજમાઈ છે. મિલકતનો વહીવટ તેની શાસક સ્વભાવની પત્ની કરે છે. એક વાર પત્નીના આદેશથી એસ્ટેટનો એકાઉન્ટન્ટ ચાલાકીથી ગરીબોના ઘર બાળી નાખવાના હુકમ પર જોગી ઠાકુરના હસ્તાક્ષર લઇ લે છે. છેતરપિંડીથી આઘાત પામેલો જોગી ઠાકુર લગ્ન તોડી, ઘર છોડીને ચાલ્યો જાય છે, વ્હાલસોઈ દીકરી નીનાથી પણ દૂર. મુંબઈ જઈ તે એક પાર્કમાં બાળકોનું મનોરંજન કરીને ગુજરાન ચલાવે છે. ત્યાં તેને નીના નામની એક નાનકડી છોકરી ખૂબ ગમી જાય છે. જ્યારે એ છોકરી બીમાર પડીને મૃત્યુ પામે છે ત્યારે જોગી ઠાકુર પોતાની નીના વગર તરફડી ઊઠે છે ને ગામમાં પાછો ફરે છે પણ નીનાને મળે તે પહેલા તેના હાથે મિત્ર બૈજુની પુત્રીને બળાત્કારમાંથી બચાવવાની કોશિશમાં એસ્ટેટના એ જ એકાઉન્ટન્ટની હત્યા થાય છે. અદાલતમાં ગુનો કબૂલી એ જેલમાં જાય છે. નીનાને સંબોધીને કાવ્યો લખતાં અને જેલનો બગીચો સંભાળતાં વર્ષો વીતે છે. 

જેલના ડૉક્ટર બિરેનને આ સૌમ્ય અને શાલીન વૃદ્ધ કેદી તરફ એક જાતની મમતા છે. સંયોગથી, જોગી ઠાકુરની પુત્રી નીના, આ ડૉક્ટર સાથે લગ્ન કરવાની છે. જોગી ઠાકુર નીનાને જુએ છે, પણ ઓળખ છુપાવી રાખે છે. જે દિવસે તે જેલમાંથી છૂટે છે તેના બીજા દિવસે નીના અને બિરેનનાં લગ્ન છે. દીકરીને નવવધૂના રૂપે જોવા તે ખૂબ બીમાર હોવા છતાં લાંબી અને કઠિન સફર ખેડી એ લગ્નસ્થળે આવે છે – ઇચ્છતો નથી કે કોઈ તેને ઓળખે, પણ દીકરી તેને ઓળખી જાય છે. જીવનભર જેને માટે ઝૂર્યો છે એ દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપી એ મૃત્યુ પામે છે. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિચર ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. અશોકકુમારને શ્રેષ્ઠ અભિનય માટે બે ઍવોર્ડ મળ્યા હતા. 

શું જોઈતું હોય છે એક પિતાને? ફાધર્સ ડેના દિવસે આધુનિક સંતાનો પિતાને ભેટ આપતા હોય છે, એમનું ભાવતું જમાડતા હોય છે કે પછી ક્યાંક ફરવા લઇ જતા હોય છે. પણ જો પિતાને સાચે જ કઈં મૂલ્યવાન આપવું હોય તો તેમની આંખમાં આંખ પરોવી પ્રેમભર્યું સ્મિત આપજો. એક ઉષ્માભર્યું આલિંગન આપજો. નક્કી કરજો કે દિવસમાં બેપાંચ મિનિટ એમની સાથે બેસવું અને અમસ્તી અમસ્તી, કામ વગરની, મજા આવે એવી વાતો કરવી. જે પિતાએ આપણને જન્મ આપ્યો, આપણે જન્મ પામીએ એ પહેલાથી આપણા માટે સ્વપ્નો જોયાં, આપણા જન્મ પછી આપણને માણસ બનાવવા ખુવાર થતા રહ્યા એ પિતા માટે આપણી પાસે થોડી મિનિટો ન હોય, એમની સામે જોવાની કે સ્મિત કરવાની ઇચ્છા થતી ન હોય, એમણે સ્પર્શવું ગમતું ન હોય, એ કેવું? 

ભલભલા રેશનલ પુરુષો વૃદ્ધાવસ્થામાં થોડા ઈમોશનલ થઈ જાય છે. પત્ની હયાત હોય તો તેઓ સચવાઈ જાય છે, પણ જ્યારે મા ચાલી જાય અને એકલા પિતાને સંભાળવાની સ્થિતિ આવે ત્યારે સંતાનોએ આ હકીકત સમજવી જોઈએ. વૃદ્ધાવસ્થા સારી રીતે કેમ વિતાવવી તેનું કાઉન્સેલિંગ કરતા નિરંજનભાઈ પોતે વૃદ્ધ થયા ત્યારે શું થયું? ધીરે ધીરે પગ થાક્યા અને બહારની દુનિયા સમેટાતી ગઈ. આંખો થાકી પછી વાંચનલેખનના શોખ પર પણ કાપ આવ્યો. મગજ પણ થાક્યું. પત્નીને અલ્ઝાઇમરની અસર થઈ. એમનાં સંતાનો એ જ શહેરમાં રહેતાં અને જરૂર પડે તો અડધી રાતે દોડી આવતાં. ૮૬ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું ત્યારે એમની ડાયરી મળી. ‘દીકરો-દીકરી શહેરમાં છે અને તકલીફ વખતે હાજર હોય જ છે. પણ એમને એ સમજાતું નથી કે હું તકલીફમાં જ છું. મને કોઈના સ્પર્શની જરૂર છે. કોઈ હોય જે અમસ્તો જ હાથ પકડે, સરસ સ્મિત આપે, બરડે હાથ ફેરવે, વાળ સરખા કરે, મને બાથમાં લે – આ શું બહુ મોટી ઇચ્છા છે? હું મારા દીકરા-દીકરીને આવું કહેતો નથી. સંકોચ થાય છે. પણ મને એમના સ્પર્શની, એમના વહાલભર્યા સ્મિતની ખૂબ જરૂર છે.’ 

મોટેભાગે આવું થઈ શકતું નથી. એવું નથી કે યુવાન થતાં કે ઢળતી યુવાની પહોંચેલાં આજનાં સંતાનો ખરાબ છે કે ખોટાં છે. એમણે એમના પ્રશ્નો હોય છે, સંઘર્ષો હોય છે, જવાબદારીઓ હોય છે. તેમના અગ્રતાક્રમ બદલાયા હોય છે. પોતાનાં સંતાનોને દુનિયામાં પગ મૂકવાલાયક બનાવવાની ચિંતા હોય છે. પોતાની દોડાદોડી વચ્ચે તેઓ માબાપની સુવિધાઓની વ્યવસ્થા તો કરે છે, ખાવાપીવાનું, દવાઓનું ધ્યાન રાખી લે છે, પણ ત્યાર પછી માબાપે ચૂપચાપ જીવ્યા કરવું ને આડા ન આવવું એવી આશા રાખે છે. એમને સમય, સ્પર્શ, સ્મિત કે સન્માન  આપવાનું ભૂલી જાય છે. ભૂલી જાય છે કે શરીરની સાથે મન પણ જીર્ણ થયું છે. લાગણીઓ પણ ટેકો માગે છે.

નાના બાળકની જેમ વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર પણ હાસ્ય ખૂબ સુંદર અને નિર્દોષ લાગે છે. જેમના ચહેરા પરની દરેક કરચલીમાં પ્રસન્નતા પ્રસરેલી હોય તેવા વૃદ્ધ ચહેરા ખૂબ વહાલસોયા લાગે છે. આપણી ભારતીયોની સંવેદના લાઉડ હોય છે અને સૌંદર્યની વિભાવના છીછરી, એટલે આપણે વૃદ્ધત્વમાં રહેલા આ વ્હાલસોયા નિર્દોષ સૌંદર્યને જોઈ શકતા નથી. જાણે શરીર જીર્ણ થાય એટલે સમજ પણ જતી રહી હોય એવા ભાવથી એમને એક જવાબદારી ગણીને ઉપકાર કરતા હોઈએ એમ ચડેલા મોઢે બધું કર્યા કરી છીએ. તેઓ સ્મિત કરે કે વાત કરવાની કોશિશ કરે તો અવગણી કાઢીએ છીએ ને પછી જો ક્યારેક તેઓ કડવા થાય તો એમના હજારો વાંક બતાવીએ છીએ. જાણે આવા શરીરે આટલું જીવીને એમણે અપરાધ ન કર્યો હોય! આ અસંસ્કાર છે. યુવાનીના તોરમાં આપણને પિતાની સંવેદના સમજાતી નથી અને પોતે પણ વૃદ્ધ થઈશું એ તો કદી યાદ જ આવતું નથી. 

દીકરાઓને ઘણીવાર પિતા માટે ફરિયાદ હોય છે, કે તમે અમારા માટે કઈં કર્યું નહીં, તમારામાં અક્કલ ઓછી વગેરે. દીકરીઓ દૂર રહેતી હોય છે, પણ ક્યારેક એ પણ ભાઈની વાતમાં સંમત થતી હોય છે. માતાપિતા પણ માણસ છે. તમે ઇચ્છયું હોય, ધાર્યું હોય તે બધું જ તમારા માટે ન પણ કરી શક્યાં હોય. પણ તેમણે તમને દુનિયા દેખાડી છે, સાચુંખોટું સમજાવ્યું છે. આજે દુનિયામાં પગ મૂકીને માબાપનો વાંક કાઢવા જેવા થયા છો તે પણ એમના જ લીધે. આ જો ભૂલી જાઓ તો તમે ગમે તેટલું ધન ને માન મેળવ્યું હોય, માણસ તરીકે તમે નાપાસ, નિષ્ફળ, નકામા, નપાવટ.

એમણે આપણે માટે શું કર્યું તે નહીં, પણ આપણે એમને માટે શું કર્યું તે વિચારીશું તો જિંદગીનો સાચો આનંદ પામી શકીશું. શરૂઆત આ ફાધર્સ ડેથી જ કરીએ તો? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જૂન 2026

Loading

27 July 2026 Vipool Kalyani
← ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?

Search by

Opinion

  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?
  • ચલ મન મુંબઈ નગરી—351
  • યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ … 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved