Opinion Magazine
Number of visits: 10029949
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 

આશા બૂચ|Opinion - Opinion|28 July 2026

આશા બૂચ

વ્યક્તિથી માંડીને દેશની વગ, શક્તિ અને અગુઆઈના માપદંડ કયા છે? જે વ્યક્તિ, સંસ્થા કે દેશ બીજા પર પોતાના વિચારો અને માન્યતાઓ બળપૂર્વક માન્ય કરાવી શકે તેની ‘વગ’ વધુ છે એમ કહેવાય. જે દેશ પાસે મોટી સંખ્યામાં અને વધુ હિંસક શક્તિ ધરાવતાં શસ્ત્રો હોય એ દેશ ‘સુપર પાવર’ કહેવાય. જેની પાસે અંગત વિમાન, મોટા મોટા મેન્શન, આલીશાન બાગ-બગીચા અને વિદેશી કાર હોય તે ‘ધનવાન’ લેખાય. અને જે વ્યક્તિ યેનકેન પ્રકારેણ સરકારમાં સર્વોચ્ચ હોદ્દા પર આરૂઢ થઈ જાય તે ‘આગેવાન’ ગણાય! અને એ ‘નેતા’ બીજાનાં મંતવ્યોને વ્યક્ત થવાની તમામ બારી બંધ કરી દે તે ‘આગેવાન’ કહેવાય!

આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ કે અમેરિકા અને રશિયા ‘સુપર પાવર’ છે. મનમાં કાયમ સવાલ ઉઠતો, એ દેશોને ‘સુપર પાવર’ કયા આધારે માનવામાં આવે છે? ‘પાવર’ – ‘શક્તિ’નો અર્થ શું? અમેરિકા એક ‘ધનાઢ્ય દેશ’ છે એ માન્યતા પણ ઘણી પ્રચલિત. તો પ્રશ્ન થતો, ધનવાન હોવું કોને કહેવાય? છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા દેશોમાં આંતરિક સંઘર્ષો અને બે કે તેથી વધુ દેશો વચ્ચે સશસ્ત્ર સંગ્રામની જાણે ભીડ વધતી જાય છે ત્યારે આવાં યુદ્ધ છેડવાની અને અણુશસ્રોની માલિકી ધરાવવાની શક્તિને જ ‘પાવરફુલ’ કહેવામાં આવે છે એમ સમજાયું. આ વિષે વધુ માહિતી મેળવવા મન લલચાયું.

સેવાગ્રામ પ્રતિષ્ઠાન – વર્ધા સ્થિત લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર ફોર ગાંધીઅન સ્ટડીઝના ડાયરેક્ટર સી.બી. જોસેફ લિખિત એક લેખ તાજેતરમાં વાંચવામાં આવ્યો, જેમાં તેમણે યુદ્ધ અને ખાસ કરીને અણુશસ્ત્રો પર કરવામાં આવતા ખર્ચ અને તેનાથી નિપજતા સંહારની વિગતો આંકડા સાથે આપેલી, જે તેમની અનુમતિથી આ લેખમાં સમાવી લેવા કોશિશ કરીશ.

સી.બી. જોસેફ સ્વિત્ઝરલેન્ડ સ્થિત ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ દ્વારા બહાર પડેલા આંકડા આપતાં લખે છે; 2025ની સાલમાં અણુશસ્ત્રો પાછળ દર સેકન્ડે $ 3,768 ના હિસાબે કુલ $118.8 બિલિયનનો ખર્ચ થયો. એ શસ્ત્રો બનાવતા દેશો જ ‘પાવરફુલ’ કહેવાય છે. સામૂહિક સંહાર કરવા માટે આવો પાગલ વિચાર કોણ પૂરો પાડે છે? શું એ લોકો સાચા શક્તિશાળી છે? કે જે શસ્ત્રો બનાવનારી કંપનીના માલિકો અમર્યાદ નફો કરે છે એ ધનવાન કહેવાય? અને એ શસ્ત્રોના વપરાશથી જેમનાં જીવનનાં બલિદાન લેવાય છે, જે કુટુંબો અને સમાજ આખો બરબાદ થઇ જાય છે, એની પાસે કેમ કોઈ સત્તા નથી હોતી?

દુનિયામાં નવ દેશો અણુશસ્ત્રોના માલિક છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અવ્વ્લ સ્થાને. બાકીના આઠ દેશોના કુલ ખર્ચ કરતાં વધુ ખર્ચ અમેરિકા કરે છે. એ દેશને કયા દેશનો આટલો બધો ભય છે? ‘સુપર વાપર’ તેને જ કહેવાય! ચીન બીજા નંબરે, તો યુનાઇટેડ કિંગ્ડમ પણ કેમ પાછળ રહી જાય? રશિયાને ધક્કો મારીને એ વળી ત્રીજા નંબર પર ઉભેલો દેશ છે.

શીત યુદ્ધની અવધિ સમાપ્ત થઇ. રશિયા અને અમેરિકાના અણુશસ્ત્રોમાં 80%નો ઘટાડો થયો. જે ખરી સત્તા, શક્તિ અને સમજણ ધરાવે છે તે પ્રજાએ હા…….શ કહ્યું. તેના ત્રણ દાયકા વીત્યા ન વીત્યા ત્યાં તો ચીને બીજા દેશો પર કબજો જમાવવાની મનીષા પૂરી કરવા જમીન, આકાશ અને દરિયા માર્ગે વાપરવાના અણુશસ્રોની સંખ્યા ઝડપથી વધારવા માંડી. શસ્ત્રોનાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ લાવનારી વ્યવસ્થા ભાંગી પડી. યુ.એન. જેવા સંગઠનના પોતાના સભ્યો જ શસ્ત્ર વેચાણના ધંધામાં વ્યસ્ત રહેતા હોવાને કારણે તે બિનઅસરકારક થઈ ગયું. જેને પરિણામે બીજા કોઈ વિકલ્પ પર શ્રદ્ધા ન હોવાને કારણે ફરી અણુશસ્ત્રોનું શરણું લેવા હોડ ચાલવા લાગી. અધૂરામાં પૂરું ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતો જુગ જૂનો સંઘર્ષ એક બીજાના અણુમથકોનાં વિનાશની અણી પર આવીને ઊભો રહ્યો, જેની અસર બીજા ‘ધનાઢ્ય દેશો’ પર પડવાનો સંભવ ઊભો થયો એટલે ફરી અણુશસ્ત્રો વધારવા તરફ દોટ મૂકી. જોવાનું એ છે કે જે દેશો પાસે વિનાશક શસ્ત્રો નથી તે પોતાને ગરીબડા, અસહાય અને પછાત માનવા લાગ્યા છે. કરુણતા તો એ છે કે જે દેશના વડાઓ પોતાના જ દેશના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો સંતોષવાને બદલે ‘ડિફેન્સ’ને નામે લશ્કરી તાકાત વધારવા પાછળ અઢળક ખર્ચ કરે તે દેશને ‘સુપર પાવર’ કહેવાય, તે પ્રેસિડન્ટને ‘આગેવાન’ કહેવાય અને જો સંરક્ષણ પાછળ સ્વાસ્થ્ય, શિક્ષણ કે સામાજિક સુરક્ષા કરતાં વધુ ખર્ચ કરવામાં ન આવે તો એ વડા પ્રધાનને પદભ્રષ્ટ કરવામાં આવે! આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં આશરે 674 મિલિયન લોકો એટલે કે દુનિયાની 8.2 ટકા વસતી ભૂખે મરે તો એ નાગરિકોને શક્તિવિહીન જ કહેવાય ને?

આપણને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું તેનાથી એવી સમજણ કેળવાઈ હતી કે આગેવાન તેને કહેવાય, જે પ્રજાને સન્માર્ગે દોરે. જેના જીવનમાંથી પ્રેરણા લઈને ભટકેલા લોકો સાચે રસ્તે ચાલે. એવા આગેવાનો 21મી સદીમાં મળે? માનવ સમાજ પાસે ખરું ધન તે કુદરત દીધી સંપત્તિ છે, તો જે એનું સંરક્ષણ, સંવર્ધન અને વહેંચણી કરીને પોતાને અને બીજાને માલામાલ કરે તે ધનવાન કહેવાય. જે કુદરતી આફતો, અન્યના અન્યાયી વહીવટ અને જુલમથી ડર્યા વિના તેનો સામનો કરે તેને શક્તિશાળી કહેવાય. વિરોધી મત અને હિત ધરાવતી વ્યક્તિથી માંડીને દેશનેતાઓ વચ્ચે વાટાઘાટ મારફત સુલેહ-સંધિ કરાવીને કાયમી શાંતિ સ્થાપી શકે તેને વગદાર કહેવાય. આ બધા શબ્દોની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ?

તકલીફ એ છે કે દુનિયાની આઠેક અબજ વસતીમાં પ્રચલિત વ્યાખ્યા મુજબના ચપટી ભર આગેવાનો, ધનવાનો, શક્તિશાળી અને વગદાર લોકો છે. સમાજ અધઃપતનને માર્ગે જતો હોય ત્યારે મોટા ભાગની પ્રજા એવા આગેવાનને પગલે કેમ નથી ચાલતી જે તેમને સન્માર્ગે દોરે, નહીં કે વિભાજીત કરીને વિનાશને હવાલે કરે? જે ધરતીમાં કણ વાવીને મણ અનાજ પેદા કરે, જે નીતિમત્તાથી વેપાર કરીને માનવ જરૂરિયાતો સંતોષે તેને સાચો ધનપતિ કેમ નથી માનતા? લશ્કરી બળને બદલે આત્મબળ દ્વારા શાંતિ ટકાવનારાને ખરા બળવાન-શક્તિશાળી કેમ નથી કહેતા?

આ ચારેય પરિભાષાઓની વ્યાખ્યા બદલવાથી કદાચ માનવ જાત માનવતાભર્યું વર્તન કરીને વ્યક્તિથી માંડીને સમષ્ટિ સુધ્ધાંનો પરિતાપ હરિ લે. હવે કોઈ અવતારી પુરુષ કે મહામાનવ નથી અવતરવાના, એટલે મારી નજર આવનારી પેઢી તરફ મંડાય છે. આશા અમર છે.

e.mail : 71abuch@gmail.com

Loading

28 July 2026 Vipool Kalyani
← મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું? →

Search by

Opinion

  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved