મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે
બજેટ જાહેર થયું એ પછી સરકાર અને નાણાં મંત્રી પર છાણાં થાપવાનું કામ પૂરજોશમાં ચાલ્યું છે. આમ જનતા, પગારદાર, નોકરિયાત, મધ્યમવર્ગને બજેટ બહુ ખુંચ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 1લી ફેબ્રુઆરીએ જે વચગાળાનું બજેટ રજૂ કર્યું અને 23મી જુલાઇએ જે યુનિયન બજેટ રજૂ કર્યું તેની વચ્ચે એક મોટી ઘટના ઘટી. આ ઘટના એટલે, લોકસભાની ચૂંટણી અને સ્વાભાવિક છે કે ચૂંટણીનાં પરિણામોને મામલે ભા.જ.પા.ની પોતાની પાસેથી જે અપેક્ષા હતી તેનાથી ઓછા હોવાને કારણે ઘટનાનો પ્રભાવ નાટ્યાત્મક રહ્યો છે. ચારસો પાર એવું કોઇ ભૂલમાં ય આજુબાજુ બોલી દેતું હશે તો ભા.જ.પા. વાળાની ફટકી જતી હશે. ઘટી ગયેલા બહુમત પછી જે બજેટ જાહેર કરાયું તે 1લી ફેબ્રુઆરીના બજેટ કરતાં ઘણું જુદું છે અને આ સાબિત કરે છે કે ધાર્યાં કરતાં ઓછી બેઠકો સાથે અને ટેકેદારોની મદદથી સરકાર બનાવ્યા પછી કેન્દ્રમાં સત્તા પર બેઠેલાઓની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ છે. ગઠબંધનની સરકાર હોય ત્યારે જે રાજ્યો સાથે હાથ જોડ્યા હોય, જેનો ટેકો જરૂરી હોય એમને વધારે નાણાં ફાળવવા પડે એ સ્વાભાવિક છે. મોંઘવારી ઘટાડવા માટે અમુક કમોડિટીઝને ધ્યાનમાં રાખીને પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફંડ – PSF – યોજનામાં પણ સારું એવું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આમ તો વચગાળાના બજેટના વિસ્તરણ જેવું જ બજેટ છે અને એમાં ફરી એકવાર સોસાયટીને નાકે લેંઘો અને સદરો પહેરીને ઊભા રહી “મધ્યમવર્ગની હાલત ખરાબ છે”નું ગાણું ગાનારાઓને સારો એવો મસાલો મળી ગયો છે.
વાસ્તવિક્તા એ છે કે ટૂંકા પગારની નોકરી કરનારા માણસને ટેક્સ ભરવો જ પડે છે અને કોઇ ગામડાંમાં ખેતી કરીને મહિને દોઢ લાખ કમાઇ લેનારા ખેડૂતને ટેક્સ ફ્રી હોવાનો દરજ્જો મળી જાય છે. આ કંઇ એક બજેટની વાત નથી પણ લાંબા સમયથી નોકરિયાત મધ્યમવર્ગ આ જ સ્થિતિમાં રહ્યો છે. આપણે કરચોરીના કિસ્સા સાંભળીએ છીએ પણ પગારદાર વર્ગને એવી કરામત કરવાનો મોકો નથી મળતો અને પગાર મળે એ પહેલાં તેમાંથી ટેક્સ કપાઇ જતો હોય છે. જૂનો રેજિમ અને નવો રેજિમ વગેરેની માથાકૂટ સમજવાની અને પછી રાત-દિવસ એક કરીને, લોકલ ટ્રેનના ધક્કા કે પછી ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે ઑફિસ જઇને, કામ કરીને કરેલી કમાણી જતી જોવાની. માળું ટેક્સને નામે જેટલા પૈસા સરકાર આપણી પાસેથી લે છે એટલી તો આપણને સેવાઓ પણ નથી મળતી. બીજા દેશો પણ છે જ્યાં ભારત કરતાં ટેક્સનો દર વધારે હોય પણ એ એવા દેશો છે જ્યાંની માળખાકીય સુવિધાઓથી માંડીને બીજી સરકારી સેવાઓનો લાભ મેળવવાનું તેમને માટે શક્ય છે એટલું જ નહીં પણ સરળ પણ છે. એ રાષ્ટ્રોમાં જાહેર શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ સારામાં સારી હોય છે. આપણે ત્યાં બન્ને જાહેર ક્ષેત્રનાં હોય તો રેઢિયાળ હોય અને ખાનગી ક્ષેત્રના મોંઘાદાટ છે. વળી આપણી સરકાર પોતાના સ્વાર્થ માટે થઇને અમુક પ્રકારના લોકો પર કરવેરો લાદવા જ નથી માંગતી. ખેડૂતોની હાલત બહુ કફોડી છે પણ આપણા ખેતી પ્રધાન દેશમાં પૈસાદાર કહી શકાય એવા ખેડૂતોની કમી નથી. મોટા મોટા અભિનેતાઓ પોતાની જાતને ખેડૂતના વર્ગમાં મુકાય એવી ગોઠવણ કરતા હોય છે. આવા નાણાં અને વગથી મજબૂત ખેડૂતો કરમુક્તિની મજા લે છે. પૈસા ભરે કોણ? – મધ્યમ વર્ગ – નોકરિયાત વર્ગ. ખેતીની આવક બતાડીને ટેક્સ ન ભરનારાઓનો આંકડો લાખોમાં છે. અમુક સરકારી પેનલ્સે એવો પ્રયાસ કર્યો કે અમુક હદથી ઉપરની ખેતીની આવક પર ટેક્સ લાદવામાં આવે પણ રાજકારણની સંદિગ્ધતા આવા વિચારોને ક્યારે ય અમલમાં નથી આવવા દેતી.
હવે બજેટના બખડજંતરને જરા નજીકથી નાણવાનો પ્રયાસ કરીએ તો મધ્યમવર્ગને ટેક્સમાં કોઇ રાહત નથી મળી. ‘લોંગ ટર્મ’ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ બન્નેમાં એક સાથે ટેક્સ વધારાયો છે. મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે. ઇન્ડેક્સેશન એક એવી સવલત છે જે મોંઘવારીને ધ્યાનમાં રાખી કોઇ પણ ખરીદ કે વેચાણની કિંમતોને સમતોલ બનાવે. ઇન્ડેક્સેશનને કારણે કરદાતાઓનો બોજ ઘટતો. પણ ગયા વર્ષે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પરથી ઇન્ડેક્સેશન હટાવ્યું તો આ વર્ષે રિયલ એસ્ટેટનો વારો કાઢ્યો. રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય અથવા તો અમુક વર્ષો જૂની મિલકત વેચવાની હોય તો પહેલાં આ મિલકતને ‘લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ’માં ગણાતી અને ખરીદ-વેચાણ વખતે કરદાતાઓને થોડી રાહત મળતી. પણ હવે એ ઇન્ડેક્સેશન કાઢી નખાયું છે – દર ભલે ઘટાડી નખાયા હોય પણ લોકોને એમાં કોઇ ફાયદો નથી. પહેલાં ઇન્ડેક્સેશનને કારણે રિયલ એસ્ટેટમાં ટેક્સ ઓછા ભરવાના આવતા પણ હવે એ ઇન્ડેક્સેશન હટાવી દેવાને કારણે ટેક્સનો બોજો તો વેંઢારવો જ પડશે. ટેક્સના તંત્રને સરળ કરવાને નામે સરકારે મધ્યમ વર્ગ પાસે પારંપરિક રોકાણનાં જે પણ વિકલ્પો હતા તે બધામાં મળતી રાહત હવે નહીં મળે.
કેન્દ્ર સરકાર બહુ સલુકાઇથી પોતાનું ધાર્યું કરે છે. સોના-ચાંદીના ભાવ ઘટ્યાં, લોકો ખુશ થયાં પણ જેમણે સોવરિન ગોલ્ડ બોન્ડ લીધા હશે એમને ગેરલાભ છે. તેમના ખરીદેલા બોન્ડ્ઝ પરથી તેમને જેટલું વળતર મળવાનું હતું તે હવે ઓછું થઇ જશે. વળી ગોલ્ડ બોન્ડનો લોકિંગ પીરિયડ પણ હોય એટલે એ પરિબળ પર પણ આધાર રાખવાનો.
વળી જેમ ખેડૂતોને કર મુક્તિ હોય છે એ જ રીતે વકીલો, ડૉક્ટરો અને કોચિંગ સેન્ટર્સ સર્વિસ ટેક્સમાંથી બચેલા છે. સાંસદોને પણ ઘણીબધી બાબતે કર મુક્તિ મળતી હોય છે. વળી તેઓ પોતાના પગાર કર ન કપાય એ રીતે નક્કી કરી શકતા હોય છે. સાથે સાંસદોને મળતા મફતિયા લાભની યાદી પણ કંઇ નાની સૂની નથી, જેમાં ટ્રેન કે વિમાની પ્રવાસ, સ્વાસ્થ્ય સેવાઓ, ભાડું ભર્યાં વિના રહેવા મળતું ઘર અને પેન્શન્સ. સાંસદો આટલું બધું મેળવ્યા પછી નાગરિકો પ્રત્યેની પોતાની સેવાઓ ગુપચાવી જાય છે. ભારતના મતદાતાઓમાંથી માત્ર સાત ટકા લોકો કરવેરો ભરે છે. નોર્વેમાં સો ટકા લોકો વેરો ભરે છે તો યુ.એસ.એ.માં સિત્તેર ટકા લોકો વેરો ભરે છે. સેલ્ફ એમ્પ્લોયડ લોકો કરતાં નોકરિયાત માણસને માટે ટેક્સનો બોજ વધારે હોય છે. આ અસંતુલન સુધરે એ જરૂરી છે.
મધ્યમ વર્ગ માટે સામાન્ય જીવનશૈલીની કિંમતોમાં વધારો જ ઝિંકાયો છે. બચત કરવાના થોડાઘણા રસ્તા માંડ શોધ્યા હોય ત્યાં સરકાર સાણસામાં લઇને બધા રસ્તા જાણે બ્લૉક કરી દે છે. આ એ જ મધ્યમવર્ગ છે જેણે ભા.જ.પા. સરકારને પ્રેમથી મત આપ્યા છે, ખાસ કરીને શહેરોમાં રહેતા મધ્યમ વર્ગે. હવે લોકો થાક્યા છે અને ભા.જ.પા. – મોદી સરકાર સાથેનો સબંધ મતદારો માટે ‘એક તરફા પ્યાર’ બની ગયો છે. વળી ભા.જ.પા. સરકારનું ગેસલાઇટિંગ અને પોતાની જાતને મોટાભા બતાવવાનો તબક્કો પણ નથી અટકતો. લોકોને રાહત મળતી નથી એટલે સરકાર કેટલી સારી છેનાં ગાણાં સાંભળવામાંથી પણ લોકોને છટકબારી નથી મળતી.
નાણાં મંત્રીએ કાઁન્ગ્રેસનાં 2024ના મેનિફેસ્ટોમાંથી અમુક બાબતો સ્વીકારીને બજેટ જાહેર કર્યું છે પણ તેને કારણે કોઇ નક્કર પ્રશ્નો ઉકેલાયા નથી. બેરોજગારીનો પ્રશ્ન ઉકેલવા ન્યુ એમ્પલોયમેન્ટ જનરેશન સ્કીમને 10 હજાર કરોડ અને ન્યુ ઇન્ટર્નશીપ પ્રોગ્રામને 2 હજાર કરોડ અપાયા પણ કંપનીઓની એટલે માગ જ નહીં હોય તો આ જાહેરતો કંઇ કામની નથી. ખરીદ શક્તિ ધરાવનારો મધ્યમવર્ગ ગુંચવણમાં છે કારણ કે ખાનગી બચત અને ખરીદી ક્ષમતા પર મળતા લાભ તંગ થઇ ગયા છે. ખાદ્ય પદાર્થો પરની મોંઘવારી આસમાને પહોંચી છે. બજેટ નાગરિકલક્ષી નહીં રાજકારણ લક્ષી છે. મોદી સરકાર મજબૂત છે એવું બતાડવા માટે બનેલું બજેટ મતદાતાઓને નિરાશ કરનારું સાબિત થયું છે. આર્થિક સ્થિતિને કળ વળે એ નહીં પણ રાજકીય લાભ આ બજેટની અગ્રિમતા છે.
બાય ધી વેઃ
કેન્દ્ર સરકાર જે બજેટ જાહેર કરે એમાં આપણે મોટે ભાગે શું આપવું પડશે એની જ યાદી લાંબી થતી હોય એવું લાગે છે. વળી સામાન્ય નાગરિક તરીકે આપણને જ્યારે સારા રસ્તા કે પાણી કે શિક્ષણ કે પછી સ્વાસ્થ્યને લગતી સરખી સેવાઓ ન મળે ત્યારે એમ થાય કે આટલો બધો વેરો ભરવાનો અર્થ શું? એ યાદ રાખવું જરૂરી છે કે આ સવલતો આપણને સ્થાનિક સરકાર – મ્યુનિસિપાલિટી પાસેથી મળવી જોઇએ અને કેન્દ્ર સરકારની એમાં સીધી જવાબદારી નથી. છતાં પણ સર્વાંગી દૃષ્ટિકોણથી જોવા જઇએ તો એક સામાન્ય નાગરિક કેન્દ્ર અને સ્થાનિક સરકારો વચ્ચે પિસાય એ પણ યોગ્ય નથી. આપણે જો આપણી ફરજ પૂરી કરતાં હોઇએ તો આપણને આપણાં અધિકારો મળવા જ જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024