રાજકીય પક્ષો ને વિપક્ષો માટે સામસામે બાંયો ચડાવવા સિવાય કોઈ કામ જ રહ્યું ન હોય એમ સૌ સંસદમાં અને સંસદની બહાર વર્તે છે. એન.ડી.એ.ની સરકાર તાજી જ શરૂ થઈ, ત્યારે 25 જૂન, 1975ને દિવસે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરેલી, તે ઘટનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ને પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યાદ કરેલી. એની અસરો ઓસરે તે પહેલાં તેને વધુ યાદ રાખવા ને રખાવવા વડા પ્રધાને દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે. એ માટે ગૃહ મંત્રાલયે 11 જુલાઈએ રાજપત્ર જાહેર કર્યો છે. આ દિવસ ઉજવવાનું એટલે નક્કી થયું કે કટોકટી પછી તત્કાલીન સરકારે સત્તાનો દુરુપયોગ કરીને લોકોને રંજાડયા હતા. પ્રજાને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે, એટલે સત્તાના દુરુપયોગનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે 25 જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું સરકારે જાહેર કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એ યાદ અપાવ્યું કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપખુદી માનસિકતાને લીધે કટોકટી જાહેર કરીને લાખો લોકોને, કોઈ કેસ ચલાવ્યા વગર જ સીધા સળિયા પાછળ ધકેલી દીધા હતા. વળી મીડિયાનો અવાજ પણ દબાવી દેવાયો હતો. આ કટોકટી 21 મહિના રહી હતી. બંધારણીય હત્યા દિવસ એ કાળાં કરતૂતોને યાદ કરાવશે ને એવા સમયમાં પણ લોકોનાં યોગદાનને યાદ કરાશે ને એ સુનિશ્ચિત કરાશે કે ભવિષ્યમાં કોઈ સત્તાનો દુરુપયોગ ન કરી શકે કે તાનાશાહીને પ્રોત્સાહિત ન કરે. એ અંગેની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હોવા છતાં સરકારનો હેતુ કાઁગ્રેસને કઠેરામાં ઊભી કરીને પ્રાયશ્ચિત કરાવવાનો છે. એ સાથે જ કાઁગ્રેસમાં વિશ્વાસ ધરાવતા સહયોગી દળોને અસ્વસ્થ કરવાનો પણ છે, કારણ રા.જ.દ., સ.પા., ઝારખંડ મુક્તિ મોરચા જેવા ઘણા પક્ષોના નેતાઓ કટોકટી વખતે જેલમાં ધકેલાયા હતા. એ નેતાઓને કટોકટી યાદ અપાવીને એ યાદ અપાવવાનો હેતુ પણ છે કે જેણે જુલમ ગુજાર્યો હતો, એના જ ખોળે બેસવા જેવું તો નથી થયુંને?
દેખીતું છે કે કાઁગ્રેસને આ બધું ન ગમે. એણે પણ પલટવાર કરવામાં કૈં બાકી રાખ્યું નથી. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડા પ્રધાનને રોકડું પરખાવ્યું છે કે સંવિધાન હત્યા દિવસ જાહેર તો કર્યો છે, પણ તમારી સરકાર તો છેલ્લાં 10 વર્ષથી રોજ જ સંવિધાનની હત્યા કરી રહી છે. દેશના ગરીબો, વંચિતોનું આત્મસન્માન દાવ પર લગાવ્યું છે. સંવિધાનની વાતો તમને શોભતી નથી. ભા.જ.પ. અને સંઘ તો સંવિધાનને ભોગે મનુસ્મૃતિ દાખલ કરવા માંગે છે. ‘બંધારણ’ સાથે ‘હત્યા’ શબ્દ વાપરીને ભા.જ.પે. આંબેડકરનું પણ અપમાન કર્યું છે. વાત એકલા ખડગેથી તો ક્યારે ય પૂરી થતી નથી, સાથે અન્ય નેતાઓ પણ જોડાય જ છે. કાઁગ્રેસના મહામંત્રી જયરામ રમેશે એવી પ્રતિક્રિયા આપી કે સંવિધાન હત્યા દિવસ વડા પ્રધાનનો સમાચારોમાં રહેવાનો નુસખો માત્ર છે. તાજેતરમાં લોકોએ ચૂંટણીમાં જે રીતે વડા પ્રધાનને રાજકીય અને નૈતિક હાર આપી તો 4 જૂનને ‘મોદી મુક્તિ દિવસ’ તરીકે ઉજવશે? એ જ રીતે 8 નવેમ્બરે નોટબંધી લાગુ કરેલી તે દિવસને લોકોએ ‘આજીવિકા હત્યા દિવસ’ તરીકે ઉજવવો જોઈએ. એ સાથે જ અન્ય કાઁગ્રેસી નેતાઓએ પણ બંધારણ હત્યા દિવસની આકરી ટીકા કરી છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે કટોકટી કોઈ પણ રીતે આવકાર્ય કે બચાવ યોગ્ય ઘટના નથી, નથી ને નથી જ ! એ સમયના કેટલાક કાઁગ્રેસી નેતાઓએ પણ તેનો વિરોધ કરેલો. 1975ની એ ઘટનાને અત્યારે યાદ કરવાનો કોઈ અર્થ ખરો? જો ભા.જ.પ. સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકે એવી બહુમતીમાં હોત, તો ‘બંધારણ હત્યા દિવસ’ સુધી વિચારવાનું તેને બન્યું હોત, ખરું? ભા.જ.પે. એટલું સમજી લેવાની જરૂર છે કે જેટલું કાઁગ્રેસને નજરમાં રાખીને વિચારાય છે, એટલી કાઁગ્રેસ વધુ મજબૂત બનતી આવે છે. તાજેતરમાં આવેલ પેટા ચૂંટણીનાં પરિણામો પણ એ જ સૂચવે છે કે ભા.જ.પે. અયોધ્યા જ નહીં, બદ્રીનાથ પણ ગુમાવ્યું છે. 7 રાજ્યોની 13 સીટોમાંથી ભા.જ.પ.ને બે જ મળી છે તે સૂચક છે.
એન.ડી.એ.ની આ વખતની સરકાર કાઁગ્રેસને સંભળાવવામાંથી જ ઊંચી નથી આવતી. ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જાણે ટેબલ ટેનિસ ચાલે છે. અહીંથી ભા.જ.પ. સ્ટ્રોક મારે છે તો સામેથી કાઁગ્રેસ જવાબ આપે છે. રાજકારણ આવી નબળી ટેબલ ટેનિસથી આગળ જતું જ નથી, તો સવાલ થાય કે કોઈ રચનાત્મક કામ સરકારે કે વિપક્ષે કરવાના રહે છે કે આમ આરોપો-પ્રત્યારોપોમાં જ ટર્મ પૂરી કરવાની છે? ભા.જ.પ.ના જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બહુ માર્મિક રીતે કહ્યું છે કે 2014માં કાઁગ્રેસની ભૂલોને કારણે તેણે જવું પડ્યું. આપણે પણ કાઁગ્રેસે કરી એ જ ભૂલો કરવાની હોય તો એનામાં ને આપણામાં ફરક શો રહે છે? નથી લાગતું કે કાઁગ્રેસની ટીકા કરવાથી વિશેષ કોઈ એજન્ડા સરકાર પાસે રહ્યો હોય !
એની સામે મોંઘવારી, બેકારીના પ્રશ્નો વકરતા જ જાય છે ને એ જાણે કે સરકારનું કામ જ ન હોય એમ સરકાર એનાથી સાવ અલિપ્ત રહીને જ વર્તે છે. આ બરાબર નથી. રાજકીય પક્ષો પોતાના રોટલા શેકવામાં એટલા મશગૂલ છે કે સામાન્ય માણસો રોટલા શેકી નથી શકતા એ તરફ કોઈનું ધ્યાન જ જતું નથી. બેકારી, મોંઘવારીને કારણે થતી આત્મહત્યાને નજરઅંદાજ કરવાનું કોઈ પણ સરકારને પરવડવું ન જોઈએ. મોંઘવારી અંગેના તાજા જ જાહેર થયેલા આંકડાઓ જોઈએ તો લોકજીવન કેવું ભીંસમાં મુકાયું છે એનો ખ્યાલ આવશે. ગયા જૂન દરમિયાન શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને જતાં રિટેલ ફુગાવો 5.08 ટકાએ પહોંચ્યો છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. ગયા જાન્યુઆરી મહિનાથી કન્ઝ્યુમર પ્રાઇસ ઇંડેક્સ (CPI) નીચલા સ્તરે હતો, તેમાં જૂનમાં ઉછાળ આવ્યો છે. સરકારે રિઝર્વ બેન્કને CPI ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકા રાખવાનો નિર્દેશ કર્યો છે, પણ શાકભાજીમાં 29.32 ટકા અને કઠોળમાં 16.07 ટકા ફુગાવો નોંધાયો હોય તો એ કેટલું શક્ય છે, તે તો સમય જ કહેશે. હકીકત એ છે કે જુલાઈ દરમિયાન કાંદા, બટાકા અને ટામેટાના ભાવ વધે જ છે ને હજી વધે એમ લાગે છે, ત્યારે રિટેલ મોંઘવારી દર 5 ટકાથી પણ વધે એમ છે. એ સ્થિતિમાં મોંઘવારી દર 4 ટકા પર લાવવાનું RBI માટે માથાનો દુખાવો બને એમ છે.
આ વધતા ભાવોને કારણે સાધારણ માણસ મોંઘી શાકભાજી લઈ લે એટલાથી પતતું નથી, એ કોઈ હોટેલમાં જાય તો ત્યાં પણ વધુ ભાવ ચૂકવીને તેણે તો ખંખેરાવાનું જ થાય છે. બારમી જૂને 33 રૂપિયે કિલો મળતાં ટામેટાં, બારમી જુલાઈએ 65 રૂપિયે વેચાયાં છે. આમાં વરસાદ પણ ભાગ ભજવે છે. માલ માર્કેટમાં ન પહોંચતાં શાકભાજીની અછત ઊભી થાય છે ને એને લીધે ભાવ વધે છે. કેટલાક ગઠિયાઓ માલ સંઘરી રાખે છે ને અછત ઊભી થવા દે છે ને વધુ ભાવ મેળવવા મોડેથી માલ બજારમાં મૂકે છે. આ બોજ પણ સાધારણ માણસને માથે જ પડે છે. એ જ રીતે બટાકા, કાંદા પણ સાધારણ માણસને તો વેતરતાં જ રહ્યાં છે ને બાકી, હોય તેમ હોટેલો પણ તે પ્રમાણે ભાવ વધારે છે ને તેનો બોજ ગ્રાહક પર જ પડે છે. સામાન્ય રીતે ત્રીસના કિલો વેચાતાં ટામેટાં નેવું રૂપિયે દિલ્હીમાં વેચાયાં છે ને કોઈ પગાર 300 ટકાની ઝડપે વધતો નથી એ હકીકત છે. એવે વખતે સાધારણ માણસની ચામડી છોલાતી જ રહે છે, તે દેશની તમામ સરકારોને દેખાવું જોઈએ, પણ કમભાગ્યે એ તરફ સરકારો ન જોવા ટેવાયેલી છે. પછી લોકો નથી જોતાં તો અયોધ્યા, બદ્રીનાથ ગુમાવવાનું થાય છે. સરકારે ભૂતકાળના ભ્રમમાં રહેવા જેવું નથી. લોકોને ઓછા આંકવાનું કોઈ પણ સરકારને ભારે પડી શકે એ રીતે લોકોની કોઠાસૂઝ અત્યારે સક્રિય છે. કોઈ પણ સરકાર લોકોની અવગણના કરવાથી સફળ થાય એ શક્ય જ નથી ને આટલી અનુભવી સરકાર એ ન સમજે એ સમજાય એવું નથી.
એટલું છે કે જે સરકાર સમજતી નથી એને પછી પ્રજા સમજાવી દે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 જુલાઈ 2024