લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાની બેઠક બી.જે.પી.એ ગુમાવી એ જોઇને મોઢું છૂપાવવા માટે બી.જે.પી. અને હિન્દુત્વવાદીઓ પાસે જગ્યા નહોતી બચી. એ બેઠક સમાજવાદી પક્ષના અવધેશ કુમાર નામના દલિત ઉમેદવારે ૫૪,૫૬૭ મતની સરસાઈથી જીતી હતી. યાદ રહે, એ બેઠક દલિત ઉમેદવારો માટેની આરક્ષિત નહોતી, જનરલ બેઠક હતી અને છતાં ય ભગવાન રામની ભૂમિમાં એક દલિતનો વિજય થયો હતો અને રામનામ જપનારાઓનો પરાજય થયો.
આવું શા માટે બન્યું? અને આવું વારાણસીમાં પણ બની શકતું હતું, શકતું હતું શું, બનવાનું હતું જો ત્યાંથી ઉમેદવાર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન હોત અને ઉત્તર પ્રદેશની સરકારે અને ભા.જ.પે. પૂરી તાકાત ન લગાડી હોત. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને અમિત શાહ સહિત ભા.જ.પ.ના તમામ કદાવર નેતા છઠ્ઠા રાઉન્ડ પછી વારાણસીમાં આવીને બેસી ગયા હતા. વારાણસી જિલ્લાનું, વારાણસી શહેરનું અને રાજ્યનું વહીવટીતંત્ર વડા પ્રધાનને જીતાડવા માટે કામ કરતું હતું. ગામડે ગામડેથી સરપંચોને બોલાવીને તાકીદ કરવામાં આવી હતી કે તમારા ગામના મત કમલને જ મળવા જોઈએ. ચૂંટણીપંચ તો પોતે જ એક પક્ષકાર હતું. એ પછી નરેન્દ્ર મોદીને માંડ દોઢ લાખ મતની સરસાઈ મળી હતી અને મતગણતરીમાં ત્રણ રાઉન્ડમાં તો પાછળ હતા. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને ચાર લાખ ૭૯ હજાર મતોની સરસાઈ મળી હતી. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને કુલ મતોમાંથી ૬૩.૬ ટકા મત મળ્યા હતા અને આ વખતે ૫૪.૨૪ ટકા મતા મળ્યા હતા. ૨૦૧૯ની તુલનામાં નવ ટકાનો ઘટાડો થયો હતો. જો ચૂંટણી ખરા અર્થમાં મુક્ત વાતાવરણમાં અને ન્યાયપૂર્વક યોજવામાં આવી હોત તો કાશીમાં નરેન્દ્ર મોદીનો પરાજય નિશ્ચિત હતો.
શા માટે? કાશી અને અયોધ્યા તો હિંદુઓ માટે પવિત્ર ભૂમિ છે. વડા પ્રધાને અયોધ્યાને રામમંદિર આપ્યું અને કાશીને કાશી વિશ્વનાથ કોરીડોર, રીવર ફ્રન્ટ, ગંગા નદીમાં ક્રુઝ અને બીજું શું શું નથી આપ્યું! આમ છતાં ય જાકારો? કારણ?
કારણ એ છે કે ત્યાંના સ્થાનિક લોકો નારાજ છે અને તેમની પ્રચંડ નારાજગી, નારાજગી નહીં, રોષ આ લખનારે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પોતાની સગી આંખે જોઈ હતી. લોકોની એક જ વાતની ફરિયાદ હતી કે કાશી અને અયોધ્યા હિંદુઓનાં યાત્રાધામ હતાં જેને આ લોકોએ ટુરિસ્ટ પ્લેસ બનાવી દીધાં. યાત્રાધામોનું ઊઘાડું વ્યવસાયીકરણ કરી નાખ્યું જેનો લાભ પ્રોપર્ટીમાં રોકાણ કરીને તેમ જ ક્રુઝમાં રોકાણ કરીને રાજકારણીઓ અને ગુજરાતીઓ લે છે. બાય ધ વે, ગુજરાતીઓ માટેનો રોષ પ્રચંડ છે. કાશીના લોકો કહે છે કે આખું શહેર ગુજાતીઓને હવાલે કરવામાં આવ્યું છે. અમારી રોજી છીનવી લીધી છે, મોંઘવારી વધારી દીધી છે અને પ્રોપર્ટીના ભાવ એટલી હદે વધ્યા છે કે અમારાં શહેરમાં અમારી પાસે પગ ફેલાવવા માટે સાધન નથી. અમારાં પોતાનાં શહેરમાં અમે દોહ્યલા છીએ. લોકો આંગળી ચીંધીને કહેતા હતા અને આજે પણ કહે છે કે આ ચીજ આ ભાઈની છે. અહીં સ્ટેડિયમ આવવાનું છે અને જ્યાં સ્ટેડિયમ બંધાવાનું છે એ જમીન ફલાણા નેતાની કે શેઠની છે. ગરીબ ખેડૂતો પાસેથી પાણીના ભાવે છીનવી લીધી છે.
આ જે કહેવામાં આવતું હતું એ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકારોની ટીમે સાબિત કરી આપ્યું. અત્યારે તો માત્ર અયોધ્યાનો અહેવાલ આપ્યો છે, આગળ જતા કદાચ કાશીનો પણ આવશે. નેતાઓ (મોટાભાગના બી.જે.પી.ના અને તે ત્યાં સુધી કે અરુણાચલના નાયબ મુખ્ય પ્રધાન પણ), મળતિયા કુબેરપતિઓ, મુંબઈના લોઢા બિલ્ડર, અમલદારો, ભાટાઈ કરનારા કલાકારો, શ્રી શ્રી રવિશંકર ૨૦૧૯થી જમીન ખરીદી રહ્યા છે. અને લાભાર્થીઓમાં અદાણી ન હોય એવું તો બને જ નહીં એટલે જમીન ખરીદનારાઓમાં તેમનું પણ નામ છે. જમીન ખરીદનારાઓની આખી યાદી તેમાં આપવામાં આવી છે. તેમના લાભાર્થે જંત્રીના ભાવ વધારવામાં નહોતા આવ્યા કે જેથી ખેડૂતોને લૂંટી શકાય. અયોધ્યા શહેરમાં અને અયોધ્યાની ફરતે ૨૫ કરતાં વધુ ગામોમાં પંદર કિલોમીટરના પરિઘમાં આ લોકોએ જમીન કબજે કરી લીધી છે જેના ભાવમાં માત્ર પાંચ વરસમાં દસ ગણો વધારો થયો છે. આવું જ કાશીનું છે. કાશીમાં તો હજુ મોટું રોકાણ હિંદુરાષ્ટ્રને વરેલા દેશભક્ત હિંદુઓએ કર્યું છે. ધર્મપ્રેમી દેશભક્ત હિંદુ ગરીબ હિંદુઓનાં ખિસ્સા કાપે છે, દેશભક્તિ અને ધાર્મિકતાના નામે.
પણ ઘેલાઓ સુધરવાના નથી અને આ દેશમાં દર ત્રીજો નહીં તો ચોથો માણસ મૂરખ છે. એટલે તો હાથરસની ઘટના બને છે, એટલે તો પતંજલિના પ્રોડક્ટ્સ વેચાય છે, એટલે તો નિર્મલ બાબા લાલ ચટણી સાથે સમોસા ખવડાવે છે, એટલે તો દેશના જવાબદાર નેતાઓ કાંઈ પણ ફેંકી શકે છે, એટલે બંગાળી બાબાઓ તાવીજ પકડાવે છે, એટલે તો હિંમતપૂર્વક ઇતિહાસસિદ્ધ વિજયને પરાજયમાં અને પરાજયને વિજયમાં ફેરવી શકાય છે. આ બધું ગ્રહણ કરવા માટે બેવકૂફો છે પછી ચિંતા શી વાતની! એ લોકો રાસડા લેતા રહેશે, ગુરખા બનીને આપણો બચાવ કરતા રહેશે, ઘર બાળીને જયજયકાર કરવાના છે માટે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આવા બેવકૂફો છે ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. માત્ર તેમને કેફમાં રાખો અને ડરાવો. એ પછી ભરો ખિસ્સા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2024