ફક્ત નાનકડીને મોકલો ને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે
૧૯મી સદીના મુંબઈમાં કન્યા કેળવણી
ગયા શનિવારે પ્રગટ થયેલું લખાણ વાંચીને એક મિત્રે બહુ ધારદાર સવાલ પૂછ્યો : ટ્રેન, ટ્રામ, બસમાં સ્ત્રીઓને અલાયદી સગવડ મળી એ વાત તો સારી છે. પણ એ વખતની નિશાળો, કોલેજો વગેરેમાં શું? તેમાં છોકરીઓ માટે, સ્ત્રીઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા હતી? એ વખતે સ્ત્રીઓના ભણતરનું પ્રમાણ કેટલું? એ વખતે એ મિત્રને કહ્યું કે જવાબ માટે તમારે એક અઠવાડિયાની રાહ જોવી પડશે.
આપણે ત્યાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નહોતી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી. બોમ્બે પ્રેસિડેન્સીનાં બધાં શહેરો અને ગામડાંઓમાં કુલ ૧,૭૦૫ નિશાળો હતી જેમાં કુલ ૩૫,૧૫૩ છોકરા ભણતા હતા. એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની કુલ વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી ફક્ત એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી. આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધપાત્ર છે : એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. નિશાળ કાં મહેતાજીને ઘરે કે પછી મંદિર અથવા ધરમશાળા જેવી કોઈ જાહેર જગ્યાએ બેસતી. એવી કોઈ સગવડ ન હોય તો ખુલ્લામાં ઝાડ નીચે પણ છોકરાઓ ભણતા. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાં ય નોંધાયો નથી. તેવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય તેવું નોંધાયું નથી. એટલે કે બ્રિટીશ પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું ત્યાં સુધી આપણે ત્યાં છોકરીઓને ભણાવવાનો ચાલ હતો જ નહિ.
૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ ‘દેશી’ છોકરી ભણવા આવતી નથી.
૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા બે અધ્યાપકો માત્ર અભ્યાસક્રમ પ્રમાણે ભણાવવાથી જ પોતાની ફરજ પૂરી થઈ એમ માનતા નહોતા. એ વખતે મુંબઈમાં અને પશ્ચિમ ભારતમાં જે નવજાગૃતિનો જુવાળ આવ્યો તેને અનુરૂપ કામો સાથે તેઓ પોતાના વિદ્યાર્થીઓને સાંકળતા હતા. આ બે અધ્યાપકો તે એ.એમ. પેટન અને આર.ટી. રીડ. આ બન્નેએ પોતાના વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટીફિક સોસાયટી’ની સ્થાપના કરવાની પ્રેરણા આપી. ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે આ સંસ્થાની સ્થાપના થઈ. શરૂઆતમાં આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખવા, જાહેર ભાષણો કરવાં, અને તેના પર ચર્ચાઓ કરવી, એટલી જ હતી. પણ થોડા વખતમાં જ બંને પ્રોફેસરોને સમજાયું કે કે માત્ર લેખો કે ભાષણો વડે સમાજમાં પરિવર્તન લાવવાનું શક્ય નથી. એટલે વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય સાથે સક્રિય રીતે જોડવા જોઈએ. આ માટે તેમણે કન્યાકેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી બે સ્કૂલ મરાઠી છોકરીઓ માટેની, તથા ચાર સ્કૂલ ગુજરાતી (જેમાં પારસીઓનો પણ સમાવેશ થતો હતો) શરૂ કરી. આ નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાવના વિસ્તારોમાં શરૂ થઈ. આ નિશાળો માટે પગારદાર માસ્તરો રોકવાનું સોસાયટીનું ગજું નહોતું. એટલે રોજ સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થીઓ વગર પગારે આ સ્કૂલોમાં ભણાવવા જતા.
માનશો? આ સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટીફિક સોસાયટીએ ૧૮૮૪માં સ્થાપેલી છોકરીઓ માટેની મરાઠી માધ્યમની એક હાઈ સ્કૂલ હજી ગઈ કાલ સુધી જીવતી હતી. અગાઉ બીજે શરૂ થયેલી આ સ્કૂલ ઠાકુરદ્વાર પાસેના એક સો વરસ જૂના મકાનમાં આવેલી હતી. ૨૦૧૮-૧૯ સુધી આ સ્કૂલમાં ૧,૨૦૦ છોકરીઓ ભણતી હતી. ૨૦૨૨માં આ સ્કૂલમાં છોકરાઓને પણ દાખલ કરવામાં આવ્યા. મરાઠી માધ્યમની આ સ્કૂલે વિદ્યાર્થીઓની સંખ્યા વધે એવા આશયથી અંગ્રેજી માધ્યમના વર્ગો પણ શરૂ કરવાની પરવાનગી માગી. પણ સરકારી જવાબ હતો કે તમારી સ્કૂલથી એક કિલો મીટરના વ્યાસમાં બીજી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે એટલે તમને આવી પરવાનગી આપી શકાય તેમ નથી. આ વરસ(૨૦૨૬)ની શરૂઆતમાં માત્ર ૬૮ વિદ્યાર્થી ત્યાં ભણતા હતા. ૨૦૧૪-૨૦૧૫માં આ સ્કૂલમાં ૨૫ શિક્ષકો હતા. છેલ્લે પ્રિન્સિપાલ સહિત માત્ર છ રહ્યા હતા. આ શૈક્ષણિક વરસની શરૂઆતથી તેના બધા વિદ્યાર્થીઓને આસપાસની બીજી સ્કૂલોમાં મોકલીને સરકારે આ સ્કૂલ બંધ કરી દીધી.

વિલા ભાયખળા
૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર થયા અને હોદ્દાની રૂએ બોમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ થયા. ‘દેશી’ વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ એમ દૃઢટાથી માનતા હતા. એટલે એ વખતે હિંદુ ગુજરાતીઓ, પારસી ગુજરાતીઓ અને હિંદુ મરાઠીઓ, માટે અલગ અલગ સ્કૂલોની તેમણે શરૂઆત કરેલી. શરૂઆતમાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ ‘બનીયન’ (વાણીયા) ગુજરાતી અને પારસી ગુજરાતીમાં અલગ અલગ છપાતાં.
પણ એ વખતે ય કેટલાક લોકો અંગ્રેજી માધ્યમની તરફેણમાં હતા. ‘દેશી’ વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાની તક મળવી જોઈએ તેમ માનતા હતા. સરકારે થોડી ઢીલ મૂકી. ‘દેશી’ ભાષાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી સાતમા ધોરણ પછી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ થઈ શકે. પણ તે માટે બે પરીક્ષા આપવી પડે. એક, તેની પોતાની ‘દેશી’ ભાષા, એટલે કે ગુજરાતી, મરાઠી, વગેરેની. અને બીજી, અંગ્રેજીની. અને આ પરીક્ષા વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતો હોય તે સ્કૂલમાં નહીં આપવાની. અંગ્રેજી માધ્યમની જે સ્કૂલમાં દાખલ થવું હોય તે સ્કૂલ એ પરીક્ષા લે. અને બંને ભાષામાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક મળે તો જ તે વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રવેશ મળે. અર્વાચીનોમાં આદ્ય એવો કવિ નર્મદ તેની આત્મકથા ‘મારી હકીકતમાં’માં જણાવે છે કે તેણે મુંબઈમાં અભ્યાસની શરૂઆત પાયધુની પર આવેલી બાલગોવિંદ મહેતાજીની નિશાળમાં કરી હતી. આઠમા ધોરણમાં દાખલ કરતાં પહેલાં તેની અંગ્રેજી અને ગુજરાતીની પરીક્ષા એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસે પોતે લીધી હતી. અને તેમાં પાસ થયા પછી નર્મદ અંગ્રેજી માધ્યમની એ સ્કૂલમાં દાખલ થયો હતો.

૧૯મી સદીની પારસી કન્યાશાળા
આ જોન હાર્કનેસ તે એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા પ્રિન્સિપાલ. તેઓ ક્લાસિકલ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા. નેપિયન સી રોડથી રીજ રોડ સુધી જતા રસ્તાની સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું. કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા. આઝાદી પછી આ રોડને બે ભાગમાં વહેચીને એક ભાગને જમનાદાસ મહેતા રોડ, અને બીજા ભાગને નારાયણ દાભોલકર રોડ નામ આપવામાં આવ્યાં. પણ હજી આજે ય લોકજીભે તો હાર્ક્નેસ રોડ નામ જ પહેલું આવે.

૧૯મી સદીની મરાઠી કન્યાશાળા
નામદાર જગન્નાથ શંકરશેઠ એટલે ૧૯મી સદીના મુંબઈનું એક ખૂબ ઊજળું નામ. જન્મ ૧૮૦૩માં, અવસાન ૧૮૬૫માં. બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાથી જ તેની સાથે નાનાનો મનમેળ. પણ થોડા વખતમાં સમજી ગયા કે અહીંના લોકોને, ખાસ કરીને છોડીઓને શિક્ષણ આપવાનું કામ માત્ર આવી સંસ્થા કે સરકાર કરી શકે તેમ નથી. લોકોએ પણ આગળ આવીને આ કામ ઉપાડી લેવું જોઈએ. એટલે તેમણે મરાઠી અને ગુજરાતી છોડીઓ માટે નિશાળ શરૂ કરી. પણ ક્યાં? ગીરગામ રોડ પર આવેલા પોતાના વિશાળ વાડા (‘બંગલા’ માટેનો મરાઠી શબ્દ)ની પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં. એ વખતે લોકો ‘છોડીઓની નિશાળ’ તરફ શંકાની નજરે જોતા. એટલે લોકોને ધરપત આપવા નાનાએ પોતાના વિશાળ કુટુંબની છોકરીઓને એ નિશાળમાં ભણવા મૂકી.

૧૮૮૪માં શરૂ થયેલી અને આ વરસે બંધ થયેલી ઠાકુરદ્વારની મરાઠી કન્યાશાળા
છોકરા-છોકરી એક જ સ્કૂલમાં ભણે એ માટે અહીંનો સમાજ હજી તૈયાર નથી એ વાત ગવર્નર એલ્ફિન્સ્ટનને સમજાઈ ગઈ હતી. એટલે તેમણે મરાઠી, ગુજરાતી જેવી ‘દેશી’ ભાષાઓમાં ‘છોડીઓ’ માટેની અલગ નિશાળો શરૂ કરી હતી. પણ તેમાં જે કાંઈ ભણાવાતું તે ‘દેશી’ સમાજ અને રહેણીકરણીને અનુકૂળ આવે તેવું હતું. મિશનરી પાદરીઓએ પણ છોકરીઓ માટેની સ્કૂલ શરૂ કરી હતી. પણ માત્ર હિંદુઓ જ નહિ, ‘સુધરેલા’ ગણાતા પારસીઓ પણ આવી સ્કૂલોમાં પોતાની છોકરીઓને ભણવા મોકલતાં અચકાતા. કારણ તેમને છોકરીઓને ‘વટલાવવામાં’ આવશે એવી બીક લાગતી. એટલે ૧૯મી સદીના મુંબઈના એક અગ્રણી વેપારી અને સમાજ સુધારક માણેકજી ખરશેદજીએ ૧૮૬૩માં ધ એલેકઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત ભાયખળામાં આવેલા પોતાના ‘વિલા ભાયખળા’ નામના બંગલાના એક ભાગમાં કરી. પહેલે વરસે તેમાં માત્ર તેર છોકરીઓ દાખલ થઈ. તેનું મુખ્ય કારણ હતું પારસી પંચાયતે કરેલો ઉગ્ર વિરોધ. પંચાયતનું માનવું હતું કે આવી સ્કૂલમાં ‘પરદેશી’ વિષયો ભણીને છોકરીઓ ‘વંઠી’ જશે. વખત જતાં આ સ્કૂલને કોટ વિસ્તારમાં આવેલા વૂડબી રોડ (આજનું નામ હજારીમલ સોમાણી માર્ગ) ખાતે ખસેડવામાં આવી.
૧૮૭૫ના વરસમાં મુંબઈને છોકરીઓ માટેની અંગ્રેજી માધ્યમની બે સ્કૂલ મળી. બોમ્બે ઇન્ડિયન ફિમેલ નોર્મલ સ્કૂલ, જે ભાયખળામા શરૂ થઈ. તેનું આજનું નામ ક્વીન મેરી સ્કૂલ. ૧૯૧૧માં બ્રિટિશ સામ્રાજ્ઞી ક્વીન મેરી હિન્દુસ્તાન આવ્યાં ત્યારે તેમણે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. એ વખતે સ્કૂલનું નામ બદલીને ક્વીન મેરી સ્કૂલ રાખવામાં આવ્યું. બીજી સ્કૂલ પણ શરૂ થઈ ભાયખળાના ડિલાઈલ રોડ પર. ૧૮૫૨માં સ્થપાયેલ ઝનાના બાઈબલ એન્ડ મેડિકલ મિશન સાથે સંકળાયેલ હેરિયેટ બટ નામની મિશનરીએ એકલે હાથે હોસ્ટેલની સગવડ સાથે એ સ્કૂલ શરૂ કરેલી.
ઓગણીસમી સદીમાં સ્ત્રીશિક્ષણનો મહિમા કરતી કવિ દલપતરામની પંક્તિઓને યાદ કરીએ :
નાનકડીને મોકલો ને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે,
બાળપણથી નિશાળે જો બેસે, પૂરા પંડમાં સદ્ગુણ પેસે.
પુત્રી હોય પોતાને જો પ્યારી, સારું શીખવીને કરો સારી,
કથ્યાં કથન સ્વદેશીને કામે, રૂડી રીતથી દલપત્તરામે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 ઓગસ્ટ 2026
![]()

