Opinion Magazine
Number of visits: 10,204,012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 September 2026

રવીન્દ્ર પારેખ

ગાંધી, સરદારના ગુજરાતમાં દારૂબંધી ચાલે છે ને કાગળ પર તો તે જડબેસલાક ચાલે જ છે. ગુજરાત ડ્રાય રાજ્ય છે, જ્યારે બીજા રાજ્યોમાં દારૂબંધી નથી, કેમ જાણે ગાંધી, સરદાર ગુજરાત સિવાય અન્ય રાજ્યોના હતા જ નહીં ! એ જો આખા દેશના હતા તો દારૂબંધી આખા દેશમાં લાગુ કરાઈ હોત, પણ ગાંધી, સરદારને ગુજરાત પૂરતા જ સીમિત કરી દેવાયા ને એનું પરિણામ એ આવ્યું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરફેર વધી પડી. આપણે ગાંધી, સરદારને આખા દેશના ગણીને ચાલ્યા હોત, તો આખા દેશમાં દારૂબંધી હોત અથવા તો ગુજરાતમાં ન હોત, પણ એવું બન્યું નહીં. દારૂબંધી ગુજરાતમાં જ લાગુ કરી દેવાઈ.

ગુજરાતમાં દારૂબંધી કરીને શું મળ્યું એવો સોંસરો સવાલ સુપ્રીમ કોર્ટે પૂછ્યો છે, એ પરથી પણ ખ્યાલ આવે છે કે દારૂબંધી ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે દારૂની લત અને ઝેરી દારૂથી થતાં અપમૃત્યુમાં કોઈ ફેર પડ્યો નથી. દારૂબંધી ગુજરાતમાં નામની જ છે, કારણ ઘણાંને આજે લાગે છે કે પરાણે લદાયેલી દારૂબંધીથી દારૂની સમસ્યા ઉકેલાઈ હોય એવું આજની તારીખમાં તો લાગતું નથી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં દારૂબંધી દાયકાઓથી છે, પરંતુ ઝેરી દારૂથી થતાં મૃત્યુ અટકાવી શકાયાં નથી, બલકે તેમાં વધારો જ થતો આવ્યો છે. સંપૂર્ણ દારૂબંધી અપેક્ષિત પરિણામો આપે જ એવું ન પણ બને. જો આ સ્થિતિમાં ફેર ન  પડતો હોય તો દારૂબંધી ચાલુ રાખવાનું કેટલે અંશે યોગ્ય છે એ પ્રશ્ન જ છે. અહીં દારૂબંધીની વિરુદ્ધ પડવાનો કોઈ ઈરાદો નથી, બલકે, એ કહેવું છે કે દારૂબંધી સફળ હોય તો તેનાં પરિણામો આટલાં ઘાતક કેમ છે?

દારૂબંધી ગુજરાતમાં 1960થી લાગુ છે, તો બિહારમાં 2016થી લાગુ કરવામાં આવી છે. એ ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડમાં પણ દારૂબંધી છે. ત્યાં પણ દારૂબંધી સફળ થઈ હોય એવું લાગતું નથી. લક્ષદ્વીપના તો એક ટાપુ પર જ દારૂબંધી છે, જયારે તમિલનાડુમાં બસ સ્ટેન્ડ, સ્કૂલ, કોલેજ વગેરે સ્થળોના 500 મીટર એરિયામાં દારૂ વેચી ન શકાય એવી આંશિક દારૂબંધી પણ છે. એથી શો ફરક પડ્યો એ વાત બહાર આવી નથી, પણ ગુજરાતની દારૂબંધી હંમેશ ચર્ચામાં રહી છે. 1960થી ગુજરાતમાં લાગુ દારૂબંધીથી બહુ ફાયદો થયાનું લાગતું નથી, બલકે અપમૃત્યુના કિસ્સાઓ વધ્યા છે. એ સાથે જ ગેરકાયદે દારૂનો વેપાર વધ્યો છે. સુપ્રીમનું કહેવું છે કે દારૂના વેપાર સામે કડક પગલાં જરૂરી છે. એટલું  છે કે દારૂબંધીથી દારૂ પીવાનું અટકતું નથી, ગેરકાયદે દારૂનો વેપાર ભૂગર્ભમાં ધકેલાય છે ને ઝેરી દારૂનું પ્રમાણ વધે છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લઠ્ઠાકાંડ થયા છે ને તેમાં 600થી વધુ લોકોનાં મોત થયાં છે.

ગુજરાતમાં દારૂબંધી છે અને 66 વર્ષથી તે નિષ્ફળ ગયાનું કહેવાતું આવ્યું છે, પણ દારુબંધીને સફળ કરનાર અસરકારક પગલાં ન ભરાયાં હોવાથી તે નિષ્ફળ ગઈ છે. આવાં અસરકારક પગલાંની ખોટ આજે પણ વર્તાય છે. દારૂબંધી એક નીતિ તરીકે ઓછી ચર્ચાસ્પદ છે, જ્યારે તેના અમલમાં જે પ્રતિબદ્ધતા હોવી જોઈએ, તેનો અભાવ વર્તાય છે. ગુજરાતમાં દાયકાઓથી દારૂબંધી છે, પણ મિથેનોલયુક્ત ઝેરી શરાબથી જાહેર આરોગ્યનું સંકટ સર્જાયું છે. તાજેતરમાં જ ગુજરાતના ભાવનગર અને મધ્ય પ્રદેશના સાગરમાં બનેલી ઘટનાઓમાં અનુક્રમે તેર અને પંદર લોકો મરણને શરણ થયાં છે.

સુપ્રીમ કોર્ટે દારૂબંધી સાથે જોડાયેલી 5 સમસ્યાઓ ગણાવી હતી. તેમાં કરવેરાની આવકમાં નુકસાન, અમલ પાછળ થતો ખર્ચ, પોલીસ અને આબકારી વિભાગમાં ભ્રષ્ટાચાર, ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને તેને લીધે વધતું નશાનું જોખમ મુખ્ય છે. સુપ્રીમનો આ ચુકાદો મહારાષ્ટ્રના ઝેર સંબંધિત નિયમોને પડકારતી અરજીના સંદર્ભે આવ્યો હતો. નિયમોમાં મિથેનોલની ખરીદી પર નિયંત્રણને બિનદવા ઉત્પાદકોને વેચવા પહેલાં તે પ્રોસેસ કરવામાં આવતું હતું. તેમાં કડવાશ લાવનાર દ્રવ્ય તથા રંગ ઉમેરવાની જોગવાઈ હતી. કોર્ટે આ નિયમોને ગેરબંધારણીય અને મનસ્વી ગણાવી ઉદ્યોગો પરનો નાણાંકીય બોજ ગણાવ્યો હતો. કોર્ટે ગેરકાયદે દારૂની માંગ અને પુરવઠાની સાંકળ તોડવા આંતરરાજ્ય સરહદો પર દેખરેખ વધારવા અને મિથેનોલનાં પરિવહન માટે અલગ વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો. શહેરો અને ગામોમાં ગેરકાયદે દારૂના સંગ્રહ પર પણ ચાંપતી નજર રાખવાની જવાબદારી તંત્રને સોંપાઈ હતી.

મહારાષ્ટ્ર પોઈઝન્સ રૂલ્સ, 1972નાં નિયમ 18A અને 18Bને રદ્દ કરવાનો 18 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. આ નિયમ હેઠળ મિથેનોલની ખરીદી અને સંગ્રહને નિયંત્રિત કરવામાં આવતા હતા. બિન ઉત્પાદકો માટે મિથેનોલમાં રંગ અને કડવો પદાર્થ ઉમેરવાનું અનિવાર્ય હતું. એટલે તે રદ્દ થાય તે જરૂરી હતું. ચુકાદામાં જણાવાયું કે ગુજરાતના ભાવનગર અને મધ્ય પ્રદેશના સાગરમાં બનેલી ઝેરી દારૂની ઘટનાઓ ફરી જાગૃત થવાની ને કાર્યવાહી કરવાની ચેતવણી આપે છે. આ ઉપરાંત ઉપયોગમાં ન લેવાયેલ મિથેનોલની વ્યવસ્થા કરવાનું પણ સુપ્રીમે કહ્યું હતું. નિયમો બધા હોવા છતાં તકલીફ તેના અમલની છે. નિયમોનું વ્યવસ્થિત પાલન થતું નથી- એ દારૂબંધી નિષ્ફળ જવાનું એક પ્રમુખ કારણ છે. નિયમોનું કડકાઈથી પાલન થાય તો ગુજરાતમાં દારૂબંધી સફળ થાય.

આમ તો આ નિયમો 1991માં મુંબઈથી છાયા બારમાંથી ખરીદેલો નકલી દારૂ પીધા પછી, થયેલ મૃત્યુને કારણે લાગુ કરવામાં આવ્યા હતા. બારમાંથી 250 લોકોએ ઝેરી દારૂ પીધો હતો ને તેમાંથી 93 લોકોનાં મિથેનોલને કારણે મોત થયાં હતાં. સુપ્રીમે આ નિયમો અંગે કહ્યું કે આ નિયમો ઝેરી દારૂની દુર્ઘટનાઓની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન કરતા નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અનેક નિર્દેશો સરકારોને આપ્યા છે. કોર્ટે કહ્યું કે નગરપાલિકાની ઘણી શાળાઓનાં ખુલ્લાં મેદાનોનો ઉપયોગ ગેરકાયદે દારૂનો સંગ્રહ કરવામાં થાય છે. કોર્ટે સરકારોને કેમિકલ સોલ્વન્ટ બનાવતી ઔદ્યોગિક એકમો પર દેખરેખ રાખવાની સલાહ પણ આપી છે. આવાં સોલ્વન્ટ ગેરકાયદે દારૂ બનાવનારાઓને વેચવામાં આવે છે.

બને છે એવું કે દારુબંધીને કારણે દારૂની અછત દૂર કરવા નકલી દારૂ વેચવામાં આવે છે. તેનું સેવન કરનારને દારૂ ન મળતા તે ડ્રગ્સ તરફ દોરવાય છે. જે બકરું કાઢતાં ઊંટ પેઠું -જેવું જ છે. દારૂબંધી માત્ર દારૂ રોક્વાનો જ પ્રયાસ નથી, પણ તેનાં સામાજિક, આર્થિક ને કાયદો અને વ્યવસ્થાનાં પરિણામો તરફ ધ્યાન જવું જોઈએ ને તેને લગતી ગંભીર ચર્ચાઓને પણ અહીં પૂરતો અવકાશ છે.

સાચું તો એ છે કે પોલીસ સહિત કેટલાંક તંત્રો પણ નથી ઇચ્છતા કે દારૂબંધી હટે. દારૂબંધી હટે તો ચોરીછૂપી દારૂ શોધવાનું ને પીવાનું બંધ પડી જાય, કારણ દારૂ છૂટથી મળતો થાય તો દારૂ માટેના વલખાં મારવાનું બંધ થઇ જાય. બીજું કારણ એ છે કે દારૂબંધી હટે તો ઘણાને હપ્તા મળતા બંધ થઈ જાય ને ઉપરની આવક અટકી પડે. નકલી દારૂ બનાવવાનો જ ન રહેતો હોવાથી ઝેરી તત્ત્વોનો ઉપયોગ પણ ઘટે ને આકસ્મિક મૃત્યુને પણ ટાળી શકાય. એ પણ છે કે કોઈ રાજકીય કારણોસર રાજકીય પક્ષોએ દારૂબંધીની સફળતા અંગે સવાલો નથી ઉઠાવ્યા, પણ સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા છે ને દારૂબંધીથી શું મળ્યું એ અંગે પૂછ્યું છે. દારૂબંધી સફળ હોત તો શું મળ્યું હોત-જેવો સવાલ જ ઊભો ન થયો હોત ! સુપ્રીમને જો દારૂબંધી અંગે સવાલ થતો હોય તો તે અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ. નામ પૂરતી દારૂબંધી તો ગુજરાતમાં 66 વર્ષથી છે, પણ તેમાં લાભ કોઈ નથી. દારૂબંધીનો કાયદો ગેરકાયદે દારૂને જન્મ આપતો હોય કે તેને લીધે આનુષાંગિક જોખમો વધતાં હોય તો તે ક્ષમ્ય નથી.

એનો અર્થ એવો નથી કે દારૂબંધી ન હોવી જોઈએ. દારૂબંધી હોય જ તો તે એવી જડબેસલાક હોવી જોઈએ કે ઝેરી દારૂનું વેચાણ જ શક્ય ન બને. એ શક્ય ન હોય તો દારૂબંધી નિરર્થક છે એ કહેવાની જરૂર નથી ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 સપ્ટેમ્બર 2026

Loading

21 September 2026 Vipool Kalyani
← डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા →

Search by

Opinion

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359

Diaspora

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved