ટ્રમ્પને બંધારણની નથી પડી, ‘અમેરિકા ફર્સ્ટ’ના સ્વાર્થને આધારે મહાસત્તાની લોકશાહી ખાડે જશે અને વૈશ્વિક વ્યવસ્થા હચમચી જશે
તુર્કી ભાષામાં એક કહેવત છે, ‘તમે જ્યારે જોકરને મહેલમાં લાવો ત્યારે તે રાજા નથી બની જતો પણ મહેલ જ સર્કસ બની જાય છે.’ આમ તો આ વાત દુનિયા આખીમાં સત્તારૂઢ થયેલા નકામા નેતાઓને લાગુ પડે છે પણ અમેરિકા – ધી યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આવું થશે તો?-ની અટકળો પર સતત ચર્ચાઓ ચાલે છે. આપણે કોઇ વિશ્વનેતાને જોકર કહેતા જ નથી, પણ ઘણીવાર તેમનો વહેવાર જ ઘણું બધું કહી જાય છે.
આ તો આડવાત હતી, હવે મૂળ વાત પર આવીએ. યુ.એસ.એ.ના પ્રમુખ તરીકે ડોનાલ્ટ ટ્રમ્પ ફરી ચૂંટાય એવી વકી છે. હા એમની પર કેસિઝ પણ ચાલે છે અને જાતભાતના કૌભાંડોની ચર્ચા પણ થઇ ચૂકી છે. છતાં ય જો ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો યુ.એસ.એ.ના આંતરિક સમીકરણો જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના સમીકરણો બદલાઇ જશે. જો ટ્રમ્પ ફરી ચૂંટાશે તો તે NATOની ઐસી કી તૈસી કરી નાખશે અને દુનિયા આખીમાં અમેરિકાના પ્રભાવ અને પકડને જ પ્રાધ્યાનતા આપશે. યુરોપીય દેશો સાથેના ગઠબંધનને ફગાવી દેવાય તો વૈશ્વિક રાજનીતિનું વ્યવસ્થા તંત્ર ધરમૂળથી બદલાઇ જશે. NATO અમેરિકાનું સૌથી જૂનું અને મજબૂત ગઠબંધન છે છતાં ય ટ્રમ્પ પોતે રાજકારણમાં નહોતા ત્યારથી તેમણે આ ગઠબંધન પર સવાલ કર્યા છે, તેને નકામું ગણાવ્યું છે અને પોતાને તેની જરા ય પરવા નથી એવું ય જાહેરમાં કહ્યું છે. એ વાત અલગ છે કે ટ્રમ્પ જ્યારે પ્રમુખ હતા ત્યારે કોઇને કોઇ તેમને સમજાવી પટાવીને આવું કોઇપણ આત્મઘાતી પગલું લેતા અટકાવ્યા, પણ તેનાથી NATO અંગે ટ્રમ્પના વિચાર બદલાઇ ગયા છે એવું તો નથી. પહેલી ટર્મમાં ટ્રમ્પની આસપાસ એ લોકો હતા જેના વિચાર તેનાથી જુદા હતા પણ અંતે બધા ‘બિછડે સભી બારી બારી’ વાળા ખેલમાં તેનાથી છૂટા પડી ગયા છે. જો ટ્રમ્પ બીજી વખત ચૂંટાય તો એવી પૂરી શક્યતા છે કે તેની આસપાસ કાં તો એવા લોકો હોય જેમને યુ.એસ.એ.ના સલામતી અને સુરક્ષાને લગતા ગઠબંધન સામ વાંધો છે અથવા એવા લોકો હોય જેમને એના વિશે કંઇ સમજાતું નહીં હોય. ટૂંકમાં ટ્રમ્પને ‘હા એ હા’ કરનારા ચમચાઓનો દરબાર મળે એમ બની શકે છે. આ તો માત્ર એક દૃષ્ટાંત છે કે ટ્રમ્પ કેવી રીતે વિચારે છે. એમ કંઇ NATOને ટાટા – બાય બાય કરવું સહેલું નથી.
દીવાલો ખડી કરીને પોતાના દેશમાં બીજા દેશના લોકો ન આવી જાય પ્રકારનું કાર્ય કરનારા ટ્રમ્પને ‘ઇમિગ્રન્ટ્સ’થી બહુ ચીઢ છે. ટ્રમ્પ જો પ્રમુખ બનશે તો પોતે પોતાના દેશમાં ગેરકાયદે આવેલા 11 મિલિયન લોકોને હાંકી કાઢવા માટે નીતિ ઘડશે એવો દાવો તેણે ટાઇમ મેગેઝિનના ઇન્ટરવ્યુમાં કર્યો છે. ભૂતકાળમાં પોતે પ્રમુખ બન્યા પછી ભલે ટૂંક સમય માટે જ પણ ‘મુસ્લિમ બૅન’ જાહેર કરનારા ટ્રમ્પની વિચારધારાથી કોઇ અજાણ નથી. વળી, ગર્ભાપાતને લઇને રિપબ્લિકન્સના વિચાર જગજાહેર છે. કોઇ ફેડરલ પ્રતિબંધ ન મૂકે પણ દરેક રાજ્યના આ અંગે કડક નિયમો હશે. ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તો ટ્રમ્પે જો પોતે હારશે તો હિંસક માહોલ થઇ શકે છે એવું આડકતરી રીતે કહી દીધું હતું.
આ તો બધી યુ.એસ.એ.ની આંતરિક સ્થિતિની વાત થઇ પણ વૈશ્વિક રાજનીતિમાં જે વાઇલ્ડ કાર્ડઝ રમાતા હોય છે એ બધું રાતોરાત બદલી નાખે છે. પુતિને જે રીતે યુક્રેન પર હુમલો કર્યો એ તેનું સૌથી મોટું અને તાજું ઉદાહરણ છે. ટ્રમ્પ વૈશ્વિક રાજનીતિનું સૌથી મોટું વાઇલ્ડ કાર્ડ છે. ટ્રમ્પને આખેઆખું તંત્ર એ રીતે બદલી નાખવું છે કે ગણતરીના ધનિકો અને પ્રભાવી લોકો પાસે જ બધી સત્તા હોય, એને કોઇ સરકારી અધિકારીઓ નથી જોઇતા ન તો વિચારીને કાયદા બનાવતા લોકો જોઇએ છે. ટ્રમ્પને મૂળે પૂતિન વાળી કરી નાખવી છે. પેરિસ એગ્રિમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, યુ.એન. માનવાધિકાર કાઉન્સિલ વગેરેને ટ્રમ્પે પહેલાં પણ નથી ગણકાર્યા અને હજી પણ ગણકારવા નથી માગતા.
ટ્રમ્પને એમ છે કે પોતાના દેશના લોકોનું જે થવું હોય એ થાય પણ દેશમાં પૈસો આવવો જોઇએ અને પોતાનું કહ્યું થવું જોઇએ. યુરોપીય દેશો હોય કે ચીન હોય બધાએ ટ્રમ્પના ‘સામ્રાજ્ય’ને ફાયદો થાય એ રીતે જ વ્યવસાયી આર્થિક સોદા કરવાના એવું ટ્રમ્પ ઇચ્છશે. ટ્રમ્પે તો એમ કહેલું છે કે પોતે જીતશે તો આયાતો માટે ‘ટેરિફ વૉલ’ ખડી કરશે અને બીજા દેશોને દસ ટકાના દરે આ જકાત ભરવી પડશે. આવું કંઇ થશે તો વૈશ્વિક વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાવાની છે. ટ્રમ્પનો દાવો છે કે એ યુક્રેઇન અને રશિયા વચ્ચે 24 કલાકમાં જ શાંતિની સ્થિતિ ખડી કરી શકે એમ છે. એ વાત અલગ છે કે આ માટેના વાટાઘાટોમાં ધાક-ધમકી જ હશે, જેમ કે યુક્રેઇનને મદદ ન આપવાની ધમકી અને રશિયાના વિરોધીઓને ખૂબ મદદ આપવાની ધમકી. પોતાની પહેલી ટર્મમાં ટ્રમ્પે ઇરાન સાથે બે વાર યુદ્ધની સ્થિતિ ખડી કરી હતી. ટ્રમ્પ નફટ્ટાઇથી પોતાને ન ગમતા રાષ્ટ્રો પર સીધા હુમલા કે હિંસક ગોબાચાળી કરવામાં જરા ય કચવાશે નહીં. ઇરાયલ ગાઝાના સંઘર્ષમાં પણ ટ્રમ્પ પોતાનો ફાયદો જ જોશે કારણ કે માનવતા તેનામાંથી સાવ બાદ થયેલી છે.
એક સમયે જે લોકતંત્રએ બીજા વિશ્વયુદ્ધ પછી જે અભિગમથી દુનિયામાં એક વ્યવસ્થા ખડી કરી (પોતાનો સ્વાર્થ હોવા છતાં બીજાને સાવ ખલાસ તો નહોતા જ કર્યા) તે યુ.એસ.એ. હવે પોતાની લોકશાહી વિચારધારાને કટિબદ્ધ નથી રહ્યો. ચીનની ગતિ અને પ્રગતિ યુ.એસ.એ.ના બન્ને પક્ષોને ખટકે છે, પણ ટ્રમ્પને સરમુખત્યાર રાષ્ટ્રો સાથે વધારે બને છે, તેને લોકતાંત્રિક લપ્પન છપ્પન નથી ગમતા. આ કારણે ચીન સાથે ટ્રમ્પ એવા સંબંધ ઇચ્છશે જેમાં ફાયદો અમેરિકાને થતો હોય પછી ભલે લોકશાહી વિચાર સાથે ચીનને કંઇ લેવાદેવા ન હોય. ટ્રમ્પનો અભિગમ નફા-ખોટને આધારે હોવાથી ગ્લોબલ સાઉથને વાંધો નહીં હોય કારણ કે વ્યાપારી સંબંધો તો બનશે.
મોદી અને ટ્રમ્પને સારાસારી હશે પણ ટ્રમ્પ અતિ સ્વાર્થી છે. કદાચ ભારતની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષામાં ટ્રમ્પનું પ્રમુખ હોવું તેને ફળે કારણ કે ટ્રમ્પને કારણે ભારત યુરેશિયન – યુરોપ-એશિયાની સિક્યોરિટીની વ્યવસ્થામાં ઉપર ચડશે. આર્થિક સ્તરે ટ્રમ્પ જે જકાત રાજાના લેબલમાં ફિટ થાય છે તેની સાથે વ્યાપારી કરાર કરવાનું ભારત માટે સરળ નહીં હોય. ટ્રમ્પનો સીધો હિસાબ છે જેમાં યુ.એસ.એ.ની ઉપર કંઇ જ નથી અને માટે તેની બધી રાજકીય-આર્થિક-સુરક્ષાને લેવડ-દેવડ માત્રને માત્ર અમેરિકાલક્ષી હશે. બીજા રાષ્ટ્રને નુકસાન થાય છે કે નથી થતું તેનાથી ટ્રમ્પને કોઇ ફેર નથી પડવાનો. જકાતને મામલે ભારતને ટેરિફ કિંગ કહી ચૂકેલા ટ્રમ્પે ભૂતકાળમાં ભારતનો પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ પણ ખતમ કરી દીધો હતો. કારણ એટલું કે તમારા માર્કેટમાં અમને સરળ પહોંચ ન મળતી હોય તો અમે પણ નહીં આપીએ. સદનસીબે આપણે સુરક્ષા માટે યુ.એસ.એ. પર આધાર નથી રાખતા.
ટ્રમ્પનો અભિગમ ‘આઇસોલેશનિસ્ટ’ છે, એટલે કે રાજનૈતિક ભાષામાં પૃથકવાદી અને બોલચાલની ભાષામાં એકલપેટો કે એકલસૂડો છે. પોતાના સિવાય કોઇની ન પડી હોય એવો આ અભિગમ જ્યારે પ્રમુખનો હોય ત્યારે રાષ્ટ્ર પૃથકવાદી બની જાય તેવી બધી જ શક્યતાઓ છે. ટ્રમ્પના ટેકેદારો પણ આ જ અભિગમની તરફેણ કરે છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની ટ્રમ્પની નીતિ એટલે કે બીજા દેશોને પોતાના લાભ વગર મદદ કેમ કરવી જોઇએ એવા પ્રશ્નો ખડા કરવાં. કોઇની સાથે વ્યવસાય કરવાથી આપણને શું મળે છે, કેટલો લાભ થાય છે તે પહેલાં જોવું અને બહાર ભલે બધું ભડકે બળતું હોય પણ ઘરે પૈસાની રેલમછેલ હોવી જોઇએ, પોતાના જ લોકોને લાભ થવો જોઇએ વાળો અભિગમ રાખવો. રશિયા યુદ્ધ અટકાવતો હોય તો ભલે યુક્રેનના કેટલાક હિસ્સાઓ લઇ લે એવું પણ ટ્રમ્પ બોલી ચૂક્યો છે, જે બતાડે છે એને માત્ર ઘર આંગણે ફાયદા જોઇએ છે પછી ભલે તે કોઇપણ રીતે મળતા હોય .. ટ્રમ્પનો પૃથકવાદી અભિગમ યુ.એસ.એ. માટે હાનિકારક હશે. પહેલા વિશ્વયુદ્ધ પછી એકલપેટા અભિગમને પગલે અમેરિકાએ પર્લ હાર્બર અટેકનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાની પરવા વિના ટકી નથી શકાતું એ બોધ ટ્રમ્પને યાદ રહે તો સારું નહીંતર આપણે ચીન અને રશિયા જેવા સરમુખત્યાર સાથે પનારો પાડવો પડશે.
બાય ધી વેઃ
ટ્રમ્પની પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં જે થયું હતું તે બધું સુધારી શકાયું, બીજી ટર્મમાં ટ્રમ્પ જે કરશે એ નુકસાનમાંથી બેઠા થવું અઘરું હશે. ટ્રમ્પને તો સરિયામ સરમુખત્યારશાહી અને એકચક્રી શાસનનો જ મોહ છે પણ એ કરવા માટેની આવડત અને શિસ્ત તેનામાં નથી એવું વિશેષજ્ઞો દૃઢતાપૂર્વક માને છે. વળી સત્તા મળે એ પહેલાંનો આવેશ અને સત્તા મળી જાય તે પછીના જોશમાં ફેર હોય છે. સરમુખત્યારો સ્વાર્થી હોય છે એટલે ટ્રમ્પ આંધળુકિયા કર્યા કરે એ જરૂરી નથી, પણ કંઇ કહેવાય નહીં. હકીકત એ છે કે ભૂતકાળમાં નોર્થ કોરિયા, વેનેઝૂએલા અને સીરિયા સાથે યુદ્ધ છેડવાની ધમકી આપી ચૂકેલા ટ્રમ્પ સત્તા પર આવશે પછી સૌથી મોટો હુમલો તો અમેરિકાના લોકતંત્ર પર થવાનો છે એ નક્કી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2024