આપણે ત્યાં ભારતમાં ભારતીય જનતા પક્ષનું ચારસો પારનું સપનું તો સાકાર થયું નહીં, પણ બ્રિટનમાં મજૂર પક્ષનું ચારસો પારનું નહીં જોયેલું સપનું સાકાર થયું. મજૂર પક્ષે આમની સભા તરીકે ઓળખાતી બ્રિટનની લોકસભાની કુલ ૬૫૦ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો (સ્પીકર સાથે ૪૧૨) બેઠકો મળી હતી. મજૂર પક્ષે આટલી બેઠકો મળશે તેની કલ્પના પણ નહોતી કરી. ગયા અઠવાડિયે બ્રિટિશ લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચોંકાવનારાં છે. ચોંકાવનારાં એટલા માટે નથી કે મજૂર પક્ષનો જ્વલંત વિજય થયો છે. એટલા માટે પણ નથી કે રૂઢિચુસ્ત પક્ષનો કારમો પરાજય થયો છે, પણ અન્ય કારણ છે અને એ અન્ય કારણ ચોંકાવનારું છે.
બ્રિટનમાં કુલ મતદાન ૫૯.૯ ટકા થયું હતું. જેને ૬૫૦ બેઠકોમાંથી ૪૧૨ બેઠકો મળી એ મજૂર પક્ષને ૩૩.૭ ટકા મત મળ્યા છે. ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મજૂર પક્ષને ૩૨.૧ ટકા મત સાથે ૨૦૨ બેઠક મળી હતી. આવું બને? મળેલા મતમાં માત્ર દોઢ ટકાનો વધારો અને બેઠકો બમણી કરતાં પણ વધુ? સામે રૂઢિચુસ્ત પક્ષને માત્ર ૧૨૧ બેઠકો મળી છે, પણ તેના મતમાં ૧૯.૯ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો મળી હતી. એક ઝાટકે મતમાં ૨૦ ટકાનો ઘટાડો. ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો તો સમજી શકાય એમ છે, પણ માત્ર ૩૨.૧ ટકા મત, માત્ર દોઢ ટકાનો મતમાં વધારો અને ૪૧૨ બેઠકો મળે એ આશ્ચર્ય છે. કોણે તોડ્યા રૂઢિચુસ્ત પક્ષના લગભગ અડધોઅડધ મત જેને કારણે મતમાં મામુલી વધારો થવા છતાં મજૂર પક્ષને લોટરી લાગી ગઈ?
બ્રિટનમાં એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે જેનું જૂનું નામ બ્રેક્ઝિટ પાર્ટી હતું જે હવે ‘રિફોર્મ યુ.કે.’ તરીખે ઓળખાય છે. આ પક્ષને પાંચ બેઠકો સાથે ૧૪.૪ ટકા મત મળ્યા છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી કરતાં પણ બે ટકા વધુ મત. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૧.૧ ટકા મત અને ૭૨ બેઠકો મળી છે. ગયા વખત કરતાં માત્ર ૦.૬ ટકા વધુ મત મળ્યા છે, પણ બેઠકોમાં ૬૪નો વધારો થયો છે. આનું કારણ પણ રિફોર્મ યુ.કે. પાર્ટી છે.
રિફોર્મ યુ.કે.નો જન્મ ૨૦૧૮માં બ્રેક્ઝિટની કોખમાંથી થયો હતો. એટલે તો તેનું શરૂઆતનું નામ ‘બ્રેક્ઝિટ પાર્ટી’ હતું. આમ તો બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ પોતે જ જમણેરી પક્ષ તરીકે ઓળખાય છે, પણ આ નવો પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જો કે આવી (ફાર રાઈટ કે એક્સ્ટ્રીમ રાઈટ) જેવી ઓળખ રિફોર્મ યુ.કે.ને સ્વીકાર્ય નથી અને આવી રીતે ઓળખાવવા માટે બી.બી.સી.એ માફી માગવી પડી હતી. આ પક્ષને ગઈ ચૂંટણીમાં માત્ર બે ટકા મત મળ્યા હતા અને એકેય બેઠક મળી નહોતી. બ્રિટનમાં જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે ત્યાંના છાપાઓ અને ન્યુઝ ચેનલોએ કરેલા સર્વેમાં રિફોર્મને ગણતરીમાં લેવામાં નહોતો આવ્યો. કોઈને નહોતું લાગતું કે આ પક્ષ આટલું ગજું કાઢશે. એ પછી જેમ જેમ ચૂંટણી પ્રચાર જોર પકડતો ગયો તેમ સમજાવા લાગ્યું હતું કે આ પક્ષ બેઠકો તો મેળવશે જ પણ તેનાં કરતાં રૂઢિચુસ્ત પક્ષને મોટું નુકસાન પહોંચાડશે.
પક્ષના નેતાઓ ભલે અસ્વીકાર કરે, પણ આ પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જગત આખામાં સાંકડી વિચારધારાનો વાયરો નજરે પડી રહ્યો છે, હવે તેની લપેટમાં બ્રિટન પણ આવી રહ્યું છે. આનો પ્રચંડ લાભ મજૂર પક્ષને મળ્યો છે. એવું નથી કે મજૂર પક્ષની ઉદારમતવાદી વિચારધારા મતદાતાઓએ સ્વીકારી છે. જો એમ હોત તો તેના મતમાં નજીવો વધારો ન થાત, મોટો વધારો થવો જોઈતો હતો. ફ્રાંસમાં પણ અંતિમવાદી જમણેરી પક્ષને સૌથી વધુ મત મળી રહ્યા છે. જર્મની, ઇટલી, આર્જેન્ટીના, યુરોપિયન પાર્લામેન્ટ એમ સર્વત્ર અંતિમવાદી જમણેરીઓ માથું ઊંચકી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ નહીં બની શકે, એમ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. આ સહિયારા જગત (મલ્ટી-કલ્ચરલ વર્લ્ડ) માટે ચિંતાની વાત છે. સહિયારા જગતમાં ભારત જેવા દેશોનો સ્વાર્થ છે જે કમાવાની વયના લોકોની મોટી વસ્તી ધરાવે છે. વિકસિત દેશો હવે આગંતુકોને આવકારવા તૈયાર નથી. આપણે ઘર આંગણે સહિયારા ભારતમાં લઘુમતીને નકારીએ છીએ, પણ જગત હવે ભારતીયોને અને બીજા વસાહતીઓને નકારતું થયું છે. દૃષ્ટિનો ફલક વિસ્તારશો તો આની ગંભીરતા સમજાશે.
બ્રિટનના હવે માજી બનેલા વડા પ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના હિંદુ છે એ બધા જ જાણે છે. તેમની ધાર્મિકતા કે ધાર્મિક વેવલાઈ જોઇને ભારતમાં ઘણાં હિંદુઓ પોરસાતા હતા અને ગદગદ થઈ જતા હતા, પણ બ્રિટનમાં વસતા હિંદુઓમાં કોઈ પ્રકારનો રાજીપો નહોતો. ઋષિ સુનક હિંદુ છે, ભારતીય નથી. તેઓ રૂઢિચુસ્ત રાજકીય વિચાર ધરાવનારા હિંદુ બ્રિટિશ છે અને એ રીતે જ વર્તતા હતા. પણ રિફોર્મ પાર્ટીને મળેલા મતોએ સાબિત કરી આપ્યું છે કે બ્રિટિશ મતદાતાઓને હજુ વધુ બ્રિટિશ જોઈએ છે જેની ચામડીનો રંગ ગોરો હોય.
‘ધ હિંદુ’માં પીયુ (Pew) રીસર્ચ સેન્ટરનો એક સર્વે પ્રકાશિત થયો છે જે બ્રિટન અને ફ્રાંસનાં ચૂંટણી પરિણામો જેટલો જ ચોંકાવનારો છે. એમાં ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇટાલી, નેધરલેંડ, પોલાંડ, સ્પેઇન, સ્વીડન અને બ્રિટન એમ નવ યુરોપિયન દેશોના માત્ર મૂળ વતનીઓને ૨૦૨૩માં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. તમે નાટો (NATO) માટે સહાનુભૂતિ ધરાવો છો કે રશિયા માટે? તમે રશિયન નેતા પુતિન માટે સહાનુભૂતિ ધરાવો છો કે યુક્રેનના ઝેલેન્સકી માટે ધરાવો છો? આ જ સવાલ એ જ નવ દેશોમાં ૨૦૨૪માં પૂછવામાં આવ્યા હતા. તમને આશ્ચર્ય થશે કે NATO અને ઝેલેન્સકી માટેની સહાનુભૂતિમાં ઘટાડો થઈ રહ્યો છે અને રશિયા અને પુતિન માટેની સહાનુભૂતિમાં વધારો થઈ રહ્યો છે. આમાં ૨૨ ટકાનો ઘટાડો એકલા પોલેન્ડમાં થયો છે જે પોતે પૂર્વ યુરોપનો હિસ્સો છે અને જેની રક્ષા કરવાનો નાટો દેશો દાવો કરે છે. પોલેન્ડ એક જમાનામાં સામ્યવાદી દેશ હતો અને સોવિયેત રશિયાથી ત્રસ્ત હતો અને લોકશાહી મૂલ્યો માટે લડ્યો હતો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2024