૭
મુંબઈ આવ્યા પછી તરત ફાર્બસ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે કામ કરતી કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયા હતા. તેમાંની એક સંસ્થા તે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ). ૧૮૬૧ના નવેમ્બરની ૨૫મી તારીખે ફાર્બસ તેની કારોબારી સમિતિના સભ્ય બન્યા. ૧૮૬૩ના નવેમ્બરની ૩૦મી તારીખે તેના ચાર ઉપપ્રમુખોમાંના એક ઉપપ્રમુખ બન્યા. હકીકતમાં ૧૮૬૪માં જ્યારે આ સોસાયટીના પ્રમુખ ઓનરેબલ ફ્રેરે નિવૃત્ત થયા ત્યારે ડો. વિલ્સને ફાર્બસને પ્રમુખ બનાવવા અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. પણ ફાર્બસે વિનયપૂર્વક આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો અને ડો. વિલ્સન જ પ્રમુખ બને તેવો આગ્રહ રાખ્યો હતો. તે જ વર્ષે સરકારે યુનિવર્સિટી ઓફ બોમ્બેના વાઈસ ચાન્સેલર તરીકે પણ ફાર્બસની નિમણૂક કરી હતી. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પણ તેઓ પ્રમુખ બન્યા હતા.
ફાર્બસ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમણે અમદાવાદમાં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ગુજરાત બહાર પણ સારી એવી જાણીતી થઇ ચૂકી હતી. આવી એક સંસ્થા મુંબઈમાં પણ શરૂ કરવી જોઈએ, એવો વિચાર મનસુખરામ ત્રિપાઠી અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજીને આવ્યો. તેમણે ડો. વિલ્સનની સલાહ માગી. વિલ્સને આ અંગે ફાર્બસનું માર્ગદર્શન મેળવવા કહ્યું. આથી મનસુખરામ ફાર્બસને મળવા તેમને બંગલે ગયા. મનસુખરામની વાત સાંભળીને ફાર્બસે કહ્યું કે આવો વિચાર મારા મનમાં પણ છેલ્લા કેટલાક વખતથી ચાલતો હતો, પણ આવી સંસ્થા ઊભી કરવા માટે જે નાણાં જોઈએ તે ન હોવાથી હું એ અંગે કશું કરી શકતો નહોતો. પણ હવે તમે મારી પાસે આ દરખાસ્ત લઈને આવ્યા છો તો હું તેને પૂરેપૂરો ટેકો આપીશ. પરિણામે મુંબઈ શહેરની અગ્રણી વ્યક્તિઓને તથા કાઠિયાવાડના રાજવીઓને એક અપીલ મોકલવામાં આવી જેમાં આ સંસ્થાના હેતુઓ અને કરવાનાં કામોની વિગતો આપી હતી. જૂનાગઢ, ભાવનગર, નવાનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, ગોંડળ, વઢવાણ, લીમડી, મોરબી, પાલીતાણા, ચૂડા, સાયલા, જસદણ, બજાણા, માળીયા, કોટડા, વીરપુર વગેરેના રાજવીઓએ બધું મળીને કુલ રૂપિયા ૨૮,૨૦૦ આપવાનાં વચન આપ્યાં. મુંબઈના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ બીજા ૩૭,૫૦૦ રૂપિયા આપવાનાં વચન આપ્યાં. ફાર્બસનો ઈરાદો એક લાખ રૂપિયા ભેગા કરવાનો હતો. આ રકમ તેના કરતાં ઓછી હતી છતાં, સંસ્થા સ્થાપવા અંગે વિચારણા કરવા ફાર્બસે પોતાને બંગલે એક અનૌપચારિક સભા બોલાવી.
તે વખતે નક્કી થયું કે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે ટાઉન હોલમાં એક જાહેર સભા યોજવી. એ પ્રમાણે સભા યોજાઈ ત્યારે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ સ્થાપવાની દરખાસ્ત શેઠ પ્રેમાભાઈ હિમાભાઈએ રજૂ કરી અને શેઠ પ્રેમચંદ રાયચંદે તેને ટેકો આપ્યો. આ સભાના પ્રમુખ સ્થાને સર્વાનુમતે ફાર્બસની વરણી કરવામાં આવી. ‘ગુજરાતી સભા’ની પહેલી કારોબારી સમિતિમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો : અરદેશર ફરામજી મૂસ, રેવ. ડો. જોન વિલ્સન, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, રેવ. ધનજીભાઈ નવરોજી, ડો. ધીરજરામ દલપતરામ, નર્મદાશંકર લાલશંકર (નર્મદ), પ્રેમચંદ રાયચંદ, પ્રેમાભાઈ હીમાભાઈ, ડો. ભાઉ દાજી, મંગળદાસ નથુભાઈ, મનસુખરામ ત્રિપાઠી, રણછોડભાઈ ઉદયરામ, વિશ્વનાથ નારાયણ મંડલિક, વીરચંદ દીપચંદ, અને સોરાબજી શાપુરજી. સભાના પહેલા મંત્રી તરીકે મનસુખરામને નીમવામાં આવ્યા. ૧૯૦૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી – પૂરાં ૪૩ વર્ષ સુધી – તેઓ મંત્રી રહ્યા.
અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાઈ. મુંબઈની ‘ગુજરાતી સભા’ ૧૮૬૫ના માર્ચમાં સ્થપાઈ. બે વચ્ચે લગભગ સોળ વર્ષનો સમય ગાળો. પણ અમદાવાદની સંસ્થાની સ્થાપના માત્ર કેટલાક અંગ્રેજ અધિકારીઓએ મળીને કરી હતી અને ૧૮૫૨ સુધી તેની કારોબારી સમિતિમાં કોઈ બિન-અંગ્રેજનું નામ જોવા મળતું નથી. જ્યારે મુંબઈની સંસ્થાની સ્થાપનાની બાબતમાં ‘દેશી’ઓએ પહેલ કરી હતી અને તેની પહેલી જ કારોબારીમાં ‘દેશી’ઓ બહુમતીમાં હતા. કારોબારીના કુલ ૧૮ સભ્યોમાંથી ફાર્બસ અને ડૉ. વિલ્સન એ બે જ અંગ્રેજ હતા, બાકીના બધા ‘દેશી’ હતા. બીજી ધ્યાનપાત્ર વાત એ કે મુંબઈના પચરંગી પોતનું પ્રતિબિંબ મુંબઈની સંસ્થાની પહેલી જ કારોબારીમાં જોવા મળે છે. અરદેશર ફરામજી મૂસ, ડોસાભાઈ કરાકા, ધનજીભાઈ નવરોજી (જન્મે પારસી, પણ પછીથી ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કરેલો), સોરાબજી શાપુરજી જેવા પારસી આગેવાનોને તેમાં સ્થાન મળ્યું હતું તો ડૉ. ભાઉ દાજી અને વિશ્વનાથ નારાયણ મંડલિક જેવા મરાઠીભાષી અગ્રણીઓનો સાથ પણ મળ્યો હતો. હકીકતમાં, ઓગણીસમી સદીમાં સમાજ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વનાં અનેક કામોમાં મુંબઈમાં ગુજરાતીભાષી હિંદુઓ, પારસીઓ અને મુસ્લિમો તથા મરાઠીભાષીઓ ખભેખભો મિલાવી કામ કરતા હતા. અમદાવાદ અને ગુજરાતમાં જે આવાં કામો થયાં (જેમ કે હોપ વાચનમાળા માટેની સમિતિ) તેમાં બિન-હિંદુને સ્થાન અપાયું હોય એવું જોવા મળતું નથી.
મુંબઈની સંસ્થાની પહેલી કારોબારીના એક સભ્ય તરીકે કવિ નર્મદનું નામ જોવા મળે છે. પણ નર્મદ પોતે આ સંસ્થાની સ્થાપનાથી રાજી થયો નહોતો. ‘ડાંડિયો’માં આ નવી સંસ્થાની આકરી ટીકા પ્રગટ થઇ હતી. ૧૫મી એપ્રિલ ૧૮૬૫ના અંકમાં પ્રગટ થયેલા લેખમાં કહ્યું હતું : “ઘણા દાહાડાની ચરચાતી ‘ગુજરાતી સભા’નો સાતમે મહીને જન્મ થયો છે. માનીતી વહુએ શુંથીયું સાવરણી જણી છે. ઘણું ડોળ ચઢેલું પણ આખરે શરવડાં થયાં છે … કમીટીમાં કેટલા એક પુરુષો જેઓ સરસ્વતીના ખરા શાગ્રીતો પોતાના ઉદ્યમથી, વિદ્વત્તાથી ઠરી ચૂક્યા છે તેઓના નામ અત્રે જણાયાં નથી. કદાચ અમદાવાદ દીનો(?) હિતુશ્રી ફોર્બ્સને અમદાબાદીઓ જ ગમે છે; તથા શ્રીમંતોને જ મ્હો જોઈ ચાંલ્લા કરે છે.”
મુંબઈની સંસ્થા અને અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ વચ્ચેના સંબંધ અંગે પણ શરૂઆતમાં અવઢવ રહી હશે એમ માની શકાય. ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘આનરેબલ ફારબસસાહેબનું મરણ’ નામની લેખમાળામાં દલપતરામ મુંબઈની સંસ્થાને ‘મુંબાઈની ગુ. વ. સોસાયટી’ તરીકે ઓળખાવે છે એટલું જ નહિ તેનું કામકાજ સંભાળવા ફાર્બસે પોતાને મુંબઈ બોલાવ્યા હતા એમ પણ કહે છે. તેઓ લખે છે : “તે સાહેબે (ફાર્બસે) અહીંના શેઠ કાવસજી મનચેરજીની મારફતે એક અંગરેજી પત્ર મારા ઉપર મોકલ્યો, કે તમારે અમદાવાદની સોસાયટીમાંથી રજા લઈને અહીં આવવાની તૈયારી કરવી. તે પત્ર મેહેરબાન કરટીસ સાહેબના વાંચવામાં આવ્યો. ત્યારે તેમને ઘણું માઠું લાગ્યું. કેમ કે તેમનો પણ મારા ઉપર પ્યાર ઘણો, તેથી મને રજા આપવાને ખુશી નહોતા. તેથી જેમ કોઈ વસ્તુને બંને તરફથી લોહચુમ્બકનું આકર્ષણ લાગ્યાથી, તે અધ્ધર લટકી રહે, તેમ ઉભયતાના સ્નેહની વચે મારું મન ઘોળાવા લાગ્યું.” મુંબઈની સંસ્થાની કારોબારીની પહેલી ત્રણ બેઠકોની હસ્તલિખિત નોંધ આજ સુધી સચવાઈ છે તેમાં દલપતરામને આવો કોઈ પત્ર લખાયો હોવાનું નોંધાયું નથી. ‘કવીશ્વર દલપતરામ’માં નાનાલાલ પણ આવી કોઈ વાત નોંધતા નથી. તેમણે માત્ર આટલું જ લખ્યું છે : “ગુજરાતી સભા સ્થપાઈ. બેએ વર્ષે ફારબસનાં સપનાં ફળ્યાં. પણ મુંબઈમાં ફારબસને પડખે દલપત ન હતો, અને ઉત્તરવસ્થામાં દલપત સમો અઠંગ ઇતિહાસઉપાસક નર્મદ અળગો રહ્યો, એટલે સોસાયટીના જેવા ફારબસ સભાના રંગ ઝળક્યા નહિ.” (ભાગ બીજો, ઉત્તરાર્ધ)
(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com