મુંબઈના નામના સિક્કા પડાવો, ને મુંબઈના માનમાં તોપું ફોડાવો
મુંબઈના નામના સિક્કા પડાવો,
ને મુંબઈના માનમાં તોપું ફોડાવો,
મુંબઈનો ડંકો વાગશે.
(નાટક ‘સંતુ રંગીલી’ની ક્ષમા યાચના સાથે.)
જી.પી.ઓ.ના મકાનમાંની ત્રણ ટનલમાંની એક જાય છે મિન્ટ કહેતાં સરકારી ટંકશાળ સુધી. તો ચાલો, આજે આપણે પણ મુલાકાત લઈએ મુંબઈની મિન્ટની. મુંબઈમાં આજે જે સરકારી સંસ્થાઓ છે તેમાં કદાચ સૌથી જૂની છે મિન્ટ. મુંબઈની મિન્ટની કથા શરૂ થાય છે છેક ઈ.સ. ૧૬૭૧માં. એ વરસે લંડનમાં બેઠેલા કંપની સરકારના મોવડીઓએ કહ્યું કે મુંબઈમાં એક મિન્ટ શરૂ કરવી જોઈએ અને તેમાં સોના-ચાંદીના સિક્કા પાડવા જોઈએ. પણ તેની ડિઝાઈન કે આકાર ગ્રેટ બ્રિટનના ચલણી સિક્કાઓને બિલકુલ મળતો ન આવવો જોઈએ. અને એનો વપરાશ કંપનીના તાબા નીચેના પ્રદેશો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ. મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે જવાબમાં જણાવ્યું કે આ સૂચન અમલમાં મૂકી શકાય તેમ નથી. કારણ એક તો અહીં જે સોનું જમા થાય તે અમારે સુરતના વડા મથકે મોકલી દેવું પડે છે. બીજું, માત્ર સોના-ચાંદીના સિક્કાથી કામ સરે તેમ નથી. તાંબાના અને નિકલના નાની રકમના સિક્કા પણ બહાર પાડવા પડે.
ઈ.સ. ૧૬૭૫ સુધી આ દરખાસ્ત અભરાઈ પર પડી રહી. પછી એ વરસના જાન્યુઆરીની ૧૮મી તારીખે ગવર્નર ઓન્ગીયારે લંડનને લખી જણાવ્યું કે મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની તાતી જરૂર છે. ૧૬૭૬ના ઓક્ટોબરની પાંચમી તારીખે સમ્રાટ શહેનશાહે ખરીતા પર સહી કરીને કંપની સરકારને મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની પરવાનગી આપી. અને સોના-ચાંદી ઉપરાંત જરૂર મુજબના બીજા સિક્કા પણ બહાર પાડવાની તેને સત્તા આપી. પણ સિક્કા પાડવાના કામનો કોઈ જાણકાર અહીં હતો નહિ, એટલે મિસ્ટર સ્મિથ નામના મિન્ટ માસ્ટરને વરસના ૬૦ પાઉન્ડના પગારે મુંબઈ મોકલ્યા.
ઈ.સ. ૧૬૭૨માં મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો
ગવર્નર ઓન્ગીઆરનાં બધાં કામ તડ ને ફડ. લંડનની લીલી ઝંડી મળી કે કામ શરૂ. એ વખતે મુંબઈ સરકારનું બધું કામ થતું ‘બોમ્બે કાસલ’માંથી. એટલે ટંકશાળ પણ ત્યાં જ. પણ તેને અંગેની વિગતો મળતી નથી. પણ બીજે જ વરસે સુરતની ફેક્ટરી(ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસ એ નામે ઓળખાતી)એ ગ્રેટ બ્રિટન કાગળ લખ્યો અને સાથે મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલા સિક્કાના નમૂના પણ જોવા મોકલ્યા. એટલે કામ બહુ થોડા વખતમાં શરૂ થયું હશે. એ પત્રમાં એમ પણ લખ્યું છે કે શરૂઆતમાં બ્રિટિશ સિક્કાના વપરાશ સામે પોર્ટુગીઝોએ અવરોધો ઊભા કર્યા હતા. એટલે લોકોને મન બ્રિટિશ સિક્કા તો નક્કામાં છે એવી છાપ પડેલી. પણ પછી લોકોને બ્રિટિશ સિક્કામાં વિશ્વાસ બેઠો. બધા સિક્કામાં ટીનના સિક્કા સૌથી વધુ ચલણમાં હતા. એટલે બ્રિટનથી વધુ મોટા પ્રમાણમાં ટીન મોકલવાની વિનંતી પણ કરવામાં આવી.
૧૬૭૭ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે ‘ફોર્મોસા મર્ચન્ટ’ નામના વહાણ દ્વારા તાંબાનો મોટો જથ્થો મુંબઈ પહોચ્યો. બ્રિટનથી સૂચના એવી હતી કે તેમાંથી ખપ પૂરતો જથ્થો મુંબઈમાં રાખીને બાકીનો સુરત મોકલવો. પણ ૧૫૭ ખોખાં ભરીને આવેલું બધું તાંબુ મુંબઈમાં જ ઉતારી લેવાયું.
કંપની સરકારે મુંબઈમાં સિક્કા પાડવાનું શરૂ કર્યું ત્યારે બ્રિટિશ સિક્કાની સાથોસાથ અગાઉના પોર્ટુગીઝ સિક્કા પણ ચલણમાં હતા અને અંગ્રેજ સરકાર પણ પોર્ટુગીઝ સિક્કા સ્વીકારતી હતી. પણ ૧૭૧૩ના માર્ચની ૨૭મી તારીખે લખેલા પત્રમાં બ્રિટનના સાહેબોએ મુંબઈ સરકારને જણાવ્યું કે હવે પછી સરકારે માત્ર બ્રિટિશ સિક્કા જ સ્વીકારવા, પોર્ટુગીઝ સિક્કા નહિ. પછી ૧૭૩૩મા બ્રિટિશ સિક્કાને ‘લીગલ ટેન્ડર’(સત્તાવાર ચલણ)નો દરજ્જો અપાયો. એ સિવાયના પોર્ટુગીઝ, મોગલ કે મરાઠા સિક્કા જેમની પાસે હોય તેમને દસ દિવસની અંદર મુંબઈની મિન્ટને હવાલે કરી દેવા એવો વટહુકમ બહાર પાડ્યો. તેના બદલામાં વાજબી કિમતના બ્રિટિશ રૂપિયા આપવાનું પણ ઠરાવ્યું. દસ દિવસની મુદ્દત પછી જેમની પાસેથી બ્રિટિશ સિવાયના સિક્કા મળી આવશે તે તાબડતોબ જપ્ત કરવામાં આવશે અને તેના બદલામાં કશું જ વળતર અપાશે નહિ એવી જાહેરાત કરવામાં આવી.
આ જ અરસામાં મુંબઈની ટંકશાળે બીજી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ મુશ્કેલી તે બનાવટી ચલણી સિક્કાની. આવા સિક્કા મોટે ભાગે ગુજરાતથી મુંબઈમાં આવતા. આ દૂષણને ડામવા માટે સરકારે જાહેર કર્યું કે જે કોઈ વ્યક્તિ આવા બનાવટી સિક્કા બનાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓ અંગે મિન્ટમાં આવીને માહિતી આપશે તેને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. (એ વખતે આ ઘણી મોટી રકમ કહેવાય.)
૧૮૩૦માં મિન્ટનું આ મકાન બંધાયું ત્યારે સામે હતું મોટું ગોળ તળાવ
બોમ્બે કાસલમાં આવેલી આ મિન્ટ ક્યાં સુધી કામ કરતી રહી તે જાણવા મળ્યું નથી. પણ ૧૮૨૪માં મિન્ટ માટેના નવા (હાલના) મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૩૦માં પૂરું થયું. બોમ્બે એન્જિનિયર્સના કેપ્ટન જોન હોકિન્સની દેખરેખ નીચે બંધાયેલા આ મકાન સામે એક મોટું ગોળાકાર તળાવ હતું, જે પછીથી પુરાવી દેવાયું. શરૂઆતનાં ઘણાં વરસ આ નવી મિન્ટ મુંબઈ સરકારની હકૂમત નીચે હતી. ૧૮૭૬માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ તે હસ્તગત કરી લીધી હતી. આઝાદી પછી ૧૯૬૪થી અહીંથી ખાસ વ્યક્તિ કે પ્રસંગના માનમાં વિશેષ સિક્કા પાડવાનું શરૂ થયું. ૧૯૬૪માં આવો પહેલો સિક્કો પંડિત જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં બહાર પડ્યો.
ક ખ ગ ઘ ઙ
આ તો મુંબઈ રંગીલીનો મ, મ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જુલાઈ 2024)