શિક્ષણ ધંધો થયું છે, ત્યારથી સાધારણ માણસને, તેનાં સંતાનોને ભણાવવાનું અઘરું થયું છે. તેમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો તે આભારવશ કે લાચાર થયા વગર લગભગ અશક્ય છે. આમે ય સ્વમાનભેર જીવવાનું ઉત્તરોત્તર મુશ્કેલ થતું આવે છે, ત્યારે કોઇની કંઠી પહેર્યાં વગર કે કોઈનો વિરોધ કર્યા વગર જીવવાની જાણે જગ્યા જ બચી નથી ! યાચના વગર યાતના જ બચે છે. પળેપળ સંઘર્ષ, શાંતિ હણતો રહ્યો છે. માંગ્યા વગર, વિરોધ વગર, કોર્ટકચેરી કર્યા વગર હક મળે જ નહીં એવી સ્થિતિ છે. એવું સાધારણ કે એકલો માણસ ન કરી શકે, એટલે તેણે ક્યાં તો બધું જતું કરવું પડે અથવા તો જીવન ટૂંકાવવું પડે. એક પ્રકારનો અજંપો જ બધે જણાય છે ને તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો આવે છે. બીજી તરફ માંડ સરખું ચાલતું હોય ત્યાં ડિંગલી કર્યા વગર સત્તાધીશોને ચાલતું નથી. ઉપદ્રવ અને અશાંતિ રાજકીય લક્ષણો છે ને તેમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ વગર શિક્ષણમાં અખતરાઓ કરવામાં ગુજરાતને કોઈ પહોંચે એમ નથી. તેમાં પણ સરકારનો હેતુ તો શિક્ષણ દ્વારા કમાણી કરવાનો જ વિશેષ છે. લૂંટનું ગુજરાતી હવે ફી થાય છે ને ફી વધારો ચેપી રોગની જેમ ફેલાય છે.
તાજેતરમાં જ મેડિકલની ફી એવી તોતિંગ વધી છે કે એટલી ઝડપથી તો મોંઘવારી પણ નથી વધતી. NEETની પરીક્ષાનું ગાડું તો ઘોંચમાં પડેલું જ છે ને બીજી તરફ જે પરિણામ આવ્યું છે તે પણ રેકોર્ડ બ્રેક છે. એને લીધે મેરિટનો કટ ઓફ પણ ઊંચો ગયો છે. આટલું ઓછું હોય તેમ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી(GMERS)એ રાક્ષસી રીતે ફી વધારી છે. આ વધારો કરવામાં માણસાઈ અને વિવેક બાજુ પર મુકાયાં છે. એક કાળે કુલ ફી જેટલી ન હતી, એટલો તો હવે ફી વધારો માથે મરાય છે. આમ પણ સરકારી મેડિકલ કોટાની વાર્ષિક ફી 3.30 લાખ જ વધારે છે, તેની સામે ફી વધારો 2.20 લાખનો કરીને વાર્ષિક ફી 5.50 લાખ કરી દેવાઈ છે. આ વધારો 66 ટકાથી પણ વધુ છે. આમાં પાછા કોટા પણ હોય છે. જેમ કે મેનેજમેન્ટ કોટા. તેની વાર્ષિક ફી 9 લાખ હતી, તેમાં પૂરી બેશરમીથી એક બે નહીં, પૂરા 8 લાખ વધારીને ફી 17 લાખ કરી દેવાઈ છે. સીધો 88 ટકાનો વધારો. NRI સીટની ફી 22,000 ડોલર હતી, તેની ફી 3,000 ડોલર વધારીને 25,000 ડોલર કરી દેવાઈ છે. આ વધારો લગભગ 14 ટકાનો છે. NRI પર બોજ ઓછો છે, જ્યારે દેશી વિદ્યાર્થીઓ પર ફીનો 80 ટકા જેવો બોજ અસહ્ય છે. આ વધારો અમાનવીય છે, નિષ્ઠુર ને નિર્દયી છે. આ અગાઉ પણ ફી વધારો થયેલો, પણ વિદ્યાર્થીઓના વિરોધને કારણે ફી વધારો પાછો ખેંચાયેલો.
આ વખતે પણ વાલીઓ ને વિદ્યાર્થીઓ આ અવિચારી ને હિંસક ફી વધારાનો સખત વિરોધ કરી રહ્યા છે. સુરત, અમદાવાદ અને અન્ય શહેરો, જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ અને વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને ફી વધારો પાછો ખેંચવાની અપીલ કરી છે ને બે દિવસમાં એ વધારો પાછો નહીં ખેંચાય તો મામલો કોર્ટમાં પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કરોડ રૂપિયા જો ફીમાં જ જવાના હોય ને બીજા તેને લગતા ખર્ચ બાકી જ રહેતા હોય તો તબીબી શિક્ષણ અબજોપતિઓને જ પરવડે એમ છે એ સ્પષ્ટ છે. આ સ્થિતિ હોય તો એટલું પણ સ્પષ્ટ છે કે ભણતર હવે ગરીબો માટે રહ્યું નથી.
આમે ય આપણે ત્યાંની તબીબી શિક્ષણની ફી એટલી વધારે છે કે ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જઈને એ શિક્ષણ લેવાનું સ્વીકારે છે. એથી એટલું તો સૂચવાય છે કે શિક્ષણ એટલું ઊંચું છે કે કેમ, તેની તો ખબર નહીં, પણ વિદેશની ફી કરતાં અહીંની ફી ઊંચી છે તે નિર્વિવાદ છે. કેટલા ય વાલીઓની સ્થિતિ એવી છે કે આ ફી વધારાને પહોંચી વળવા ઘરબાર વેચવા પડે અથવા તો સંતાને ડૉક્ટરીનું શિક્ષણ છોડવું પડે. એ પણ એટલે વધારે અઘરું છે કે તબીબ બનવાની સફરનાં ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે ને આટલે આવ્યા પછી વધેલી ફીને કારણે પાછા વળવું તો વધારે મુશ્કેલ છે, એટલે ખરેખર તો સ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી જ થઈ છે.
એક તરફ NEETની પરીક્ષાઓમાં ચોરી કરાવવાના દસ દસ લાખ પડાવાતા હોય ને એ આપનારાઓની ખોટ ન હોય તો તેવી રીતે પાસ થનારાઓ કેવાક ડોકટરો થશે તે સમજી શકાય એમ છે ને બીજી તરફ કરોડ રૂપિયા ફી ભરીને જ ડૉક્ટર થવાનું હોય તો તે ડોકટરો પણ ભવિષ્યમાં કેવાક ડોકટરો હશે તેની કલ્પના કરવાનું અઘરું નથી. એ અત્યંત દુ:ખદ છે કે શિક્ષણનો ગુજરાતમાં અનેક સ્તરે ધંધો ચાલે છે ને જ્યાં સરકાર જ ધંધો કરતી હોય ત્યાં એવું ધંધાદારી શિક્ષણ લઈને ડોકટરો પણ ધંધો કરે તો તેમનો શો વાંક કાઢીશું? આમ તો સરકારી સીટોની સંખ્યા 1,500 છે. મેનેજમેન્ટ કોટાની ને NRIની સીટો અનુક્રમે 210 અને 315 છે. આ સીટો વધારવાની જરૂર હતી, તેને બદલે GMERS દ્વારા 80 ટકાનો ફી વધારો ઝીંકાયો. આ વધારો કોઈ પણ રીતે યોગ્ય નથી ને તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચાવો જ જોઈએ. જો કે, ફી વધારાના વિરોધમાં ઇંડિયન મેડિકલ એસોસિયેશન પણ જોડાયું છે ને તેણે મુખ્ય મંત્રીને પત્ર લખીને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી છે. આના પરથી પણ ફી વધારો ન્યાયી નથી તે સમજાય એવું છે. ફી વધારો નહીં ખેંચાય તો જે ડોકટરો પછી સામે આવશે તે માનવીય સંવેદના ધરાવતા નહીં જ હોય. કરોડ રૂપિયા ખર્ચીને દાકતર થનારા પછી ભગવાન ઓછા ને ભગવાનને ત્યાં મોકલનાર વધારે હશે. આટલી ફી ભરીને ડૉક્ટર થવા કરતાં વગર ડિગ્રીએ જ દવાખાનું ખોલનારા ઘણા ફૂટી નીકળશે ને એ બધું જ દર્દીના જીવ પર થશે. આમે ય લેભાગુ ડોકટરોની ખોટ નથી, ત્યાં આવા ફી વધારાથી એવા ડોકટરોની જમાતમાં વધારો જ થશે તે કહેવાની જરૂર નથી.
આટલા ભ્રષ્ટ વ્યવહારો વચ્ચે આજે પણ કેટલા ય સેવાભાવી ડોકટરો પૂરી નિષ્ઠાથી તેમની ફરજો બજાવે છે ને તે એ હદ સુધી કે મફતમાં દવા આપ્યા પછી, જરૂરી ખોરાકની વ્યવસ્થા પણ સહજ ભાવે કરે જ છે ને એવા ય છે જે દર્દીને નોટ છાપવાનું મશીન સમજે છે ને દર્દીની જિંદગી પરનું જોખમ વધારે છે. એક ચેનલમાં પબ્લિશ્ડ રિસર્ચ સ્ટડી મુજબ ભારતમાં 44 ટકા સર્જરી ફક્ત કમાણી કરવાના હેતુથી એમ જ કરવામાં આવે છે. કેન્સર, હાર્ટ, યુટરસ, ની રિપ્લેસમેન્ટને નામે કેટલી ય ખોટી સર્જરીઓ થાય જ છે. એમાં દર્દી તો લૂંટાય જ છે ને તે સાથે તેની જિંદગી જોડે ચેડાં થાય છે તે નફામાં. આવું કદાચ હોસ્પિટલ્સમાં વધારે થાય છે. હોસ્પિટલ્સ હવે ઇન્ડસ્ટ્રીની જેમ ચાલે છે. સેવા ત્યાં આઉટડેટેડ ગણાય છે ને નફો ટોપ પ્રાયોરિટી પર હોય છે. દર્દીઓ તેમને માટે ટાર્ગેટ્સથી વધારે કૈં નથી. ડોકટરોને અમુક ટાર્ગેટ્સ અપાય છે. એ પૂરા કરવામાં દર્દીઓનાં જરૂરી નહીં એવાં ઓપરેશન્સ થાય છે. એથી વધુ કમાણી મરેલાં દર્દીને જીવતો બતાવીને, તેની સારવારના ખર્ચને નામે દર્દીઓનાં સગાંને ખંખેરવામાં થાય છે. આ ઉપરાંત ડૉક્ટરોની બેદરકારીને કારણે દર્દીઓનાં થતાં મૃત્યુના બનાવો છાપે ચડતાં જ રહે છે.
આપણને આવા ડોકટરો પર નફરત થાય તે સ્વાભાવિક છે, પણ જરા વિચારીએ કે જે કરોડ રૂપિયા ફી ભરીને કે NEET જેવામાં રેન્ક મેળવવા લાખો લૂંટાવીને ખર્ચાઈ, ખવાઈ ગયો હોય તે લોન ભરવા કે ઉધારી ચૂકવવા દર્દીને વેતર્યા વગર ક્યાં સુધી રહેશે? તે ડિસ્ટિલ્ડ વૉટરનાં ઇન્જેક્શન્સ નહીં મૂકે તો બીજું કરશે શું? છાતીમાં થતા દુખાવાનો બાયપાસ સર્જરીમાં ઉકેલ બતાવીને, ડૉક્ટર, દર્દીને ડરાવશે નહીં તો આ સિસ્ટમ ચાલશે કેવી રીતે? દુ:ખદ તો એ છે કે સાધારણ માણસ ડૉક્ટર થઈ શકે એમ નથી, એ જ રીતે સાધારણ માણસ દર્દી પણ થઈ શકે એમ નથી, કારણ મફતનું તેને ખપતું નથી ને વધારે ફી તે ડૉક્ટરને ચૂકવી શકે તેમ નથી. આવા સાધારણ દર્દી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જાય તો, ત્યાં દવા કરાવવાને કારણે વધારે માંદો પડે એવી સ્થિતિ છે. ટૂંકમાં, સિસ્ટમ જ એવી છે કે શિક્ષણ અનીતિ પર જ ઊભું છે, પછી એમાંથી બહાર પડનારા શિક્ષિતો ઈચ્છે તો પણ નીતિ મુજબ જીવી શકે એમ જ નથી. આ બધું ઘટે એમ નથી? ઘટે એમ છે જ, પણ કોઈએ ઘટાડવું નથી, કારણ હરામનું હવે બધાંને જ પચી જાય છે. કરુણતા એ છે કે હવે મહેનતનું પચતું નથી. સચ્ચાઈનો વિકલ્પ જ લુચ્ચાઈ હોય ત્યાં બીજું કરવાનું શું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જુલાઈ 2024