બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વાઝેદ માટે લગભગ દોઢ દાયકાની સુખશાંતિ પછી બંગલાદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી અનામતની જોગવાઈના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે અને કહેવાની જરૂર નથી કે આંદોલનકારીઓ યુવાનો છે. તાત્કાલિક અને નિમિત્ત કારણ છે અનામતની જોગવાઈ. બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે. એક છે ઇનામી કે કદરદાની અને બીજી છે ન્યાયલક્ષી. ૩૦ ટકા જોગવાઈ ઇનામી કે કદરદાની પ્રકારની છે જે ત્રીજી પેઢીને પણ વારસામાં મળી રહી છે. બીજી ૨૦ ટકા જોગવાઈ એવા લોકો માટે છે જેઓ વિકાસની સીડી પર નીચે છે અને ઉપર ચડાવવા જેમનો હાથ પકડવો જરૂરી છે અથવા જેમનો અવાજ બુલંદ નથી. એમાંની દસ ટકા વાંશિક લઘુમતીઓ માટે છે (જેમ કે ચટ્ટગાંવના પહાડી પ્રદેશના બૌદ્ધ ચકમા) અને દસ ટકા આર્થિક રીતે પછાત જિલ્લાઓ માટે. એક ટકો બેઠકો શારીરિક રીતે વિકલાંગો માટે છે. કુલ મળીને ૫૬ બેઠકો અનામત છે.
આંદોલનકારીઓના નિશાન પર છે, કદરદાનીની ૩૦ ટકાની જોગવાઈ. ૧૯૭૧માં બંગલાદેશ પાકિસ્તાનથી અલગ થઈને આઝાદ થયું એ પછી ૧૯૭૨માં બંગલાદેશના પહેલા વડા પ્રધાન અને એ સમયના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા (જેમને અત્યારે બંગલાદેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે) શેખ મુજીબુર રેહમાને કહ્યું હતું કે જે લોકો જોખમ ઉઠાવીને અને અંગત ભોગ આપીને બંગલાદેશની મુક્તિ માટે લડ્યા હતા તેમની કદર કરવી જોઈએ. ત્યારે એક કાયદો કરીને તેમને માટે અને તેમનાં સંતાનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી હતી.
દેશ લોહી વહાવીને તાજો આઝાદ થયો હતો એટલે મુક્તિબાહિનીમાં જોડાઈને જે લોકો લડ્યા હતા તેમના માટે લોકોના મનમાં એક આદર હતો. તેમની કદર કરવામાં આવે એ વાતનો ત્યારે કોઈએ વિરોધ નહોતો કર્યો. પણ દરેક વાતનો એક અંત હોય છે અને કદર ક્યાં સુધી કરવાની? વંશજોની પણ કદર કરવાની? પહેલી બે પેઢીની તો કરી, હવે ત્રીજી પેઢીની પણ કરવાની? બીજું બંગલાદેશની આઝાદીની લડત ભારતની આઝાદીની લડત કરતાં સાવ અલગ હતી. ભારતમાં એ લોકોને સ્વાતંત્ર્ય સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે લોકોએ કમ સે કમ છ મહિનાની જેલ ભોગવી હોય અને જેલનો રેકર્ડ હોય. બીજું, કદરદાની રૂપે માત્ર તામ્રપત્ર, મફતમાં રેલવે મુસાફરી કરવાનો પાસ અને આજીવન નાણાંકીય પેન્શન આપવામાં આપતાં હતાં. જેલોનો બ્રિટિશકાલીન રેકર્ડ લાવવો જરૂરી હતો એટલે બોગસ સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા ઓછી હતી. સામે કોઈ મોટા લાભ પણ નહોતા. આની સામે બંગલાદેશમાં લાભ મોટો આપવામાં આવ્યો અને કોણ મુક્તિ બાહિનીમાં હતું અને કોણ નહોતું એનો કોઈ રેકર્ડ જ નથી. એમાં પાકિસ્તાનના લશ્કરના આજી-માજી જવાનો હતા, પોલીસદળના આજી-માજી લોકો હતા, આઝાદી માટે લડનારા યુવાનો અને તરુણો હતા વગેરે. રેકોર્ડ કોઈ પ્રકારનો નહોતો. ૧૯૭૨માં જ્યારે પહેલીવાર અનામતની જોગવાઈ આપવામાં આવી ત્યારે જ હોબાળો મચ્યો હતો. મેં ભી ડીચની માફક દરેક પોતાને આઝાદીના લડવૈયા બતાવીને તેમાં ઘૂસવા લાગ્યા હતા. હવે જો આવો કદરદાનીનો સંદિગ્ધ વારસો પચાસ વરસ સુધી, એ પણ ત્રીજી પેઢી સુધી અને એ પણ ઓછો નહીં, ૩૦ ટકા સુધી આપવામાં આવે તો વિરોધ થાય કે ન થાય!
બંગલાદેશમાં અનામતની જોગવાઈનો જે વિરોધ થઈ રહ્યો છે એ કદરદાનીવાળી જોગવાઈનો વિરોધ થઈ રહ્યો છે, ન્યાયનિષ્ઠ અનામતની જોગવાઈનો વિરોધ નથી થઈ રહ્યો. અલબત્ત થોડા લોકો એવા પણ છે જે બાકીની ૨૧ ટકાની ન્યાયલક્ષી જોગવાઈનો પણ વિરોધ કરી રહ્યા છે. પણ તમે જોયું હશે કે ભારતનાં ગોદી મીડિયા એવી રીતે બંગલાદેશના આંદોલનને રજૂ કરી રહ્યા છે કે જાણે બંગલાદેશમાં સમૂળગી અનામતની જોગવાઈનો વિરોધ થઈ રહ્યો હોય. તેમનો ઉદ્દેશ ભારતમાં અનામતવિરોધી હવા પેદા કરવાનો છે. સાચું કહું, નરેન્દ્ર મોદીને આજ સૌથી વધુ નુકસાન ગોદી મીડિયા પહોંચાડી રહ્યા છે, જે તેમણે પોતે પેદા કર્યા છે. જો બી.જે.પી.ને ચારસો બેઠક મળશે તો તે બંધારણ બદલશે અને અનામતની જોગવાઈ હટાવશે એવી એક ધારણા બની હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માર પડ્યો હતો. પણ ગોદી મીડિયાને તો ખિસ્સા ભરવા સાથે સંબંધ છે.
પાંચ દાયકાથી સંદિગ્ધ લોકોને ૩૦ ટકા અનામત નોકરીઓ આપવામાં આવી રહી છે તેની સામે લોકોનો અસંતોષ છે. બંગલાદેશની હસીના વાઝેદની સરકારે યોગ્ય રીતે જ ૨૦૧૮ની સાલમાં સ્વાતંત્ર્ય સૈનિકો માટેની અનામતની જોગવાઈ રદ્દ કરી હતી. એ પછી બન્યું એવું કે કેટલાક લોકોએ તે નિર્ણયને અદાલતમાં પડકાર્યો અને રાજશાહીની વડી અદાલતે સરકારના નિર્ણયને ગેર બંધારણીય ઠરાવીને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી લાગુ કરી. આની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી અને સર્વોચ્ચ અદાલતે અનામતનું પ્રમાણ ઘટાડીને પાંચ ટકા આઝાદીના લડવૈયાઓના ત્રીજી પેઢીનાં સંતાનો માટે, એક ટકો વાંશિક લઘુમતી કોમ માટે અને એક ટકો વિકલાંગ માટે એમ કુલ સાત ટકા અનામતની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પ્રમાણ ઘટાડ્યું હોવા છતાં પણ આંદોલન શમતું નથી, કારણ કે આઝાદીના લડવૈયાઓની ત્રીજી પેઢીના સંતાનો માટેની પાંચ ટકાની જોગવાઈ પણ બેહુદી છે. હવે તેનો સમૂળગો અંત આવવો જોઈએ.
એની વચ્ચે ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશમાં ત્યાંની લોકસભાની ચૂંટણી યોજાઈ. હવે એ તો તમે જાણતા જ હશો કે બંગલાદેશમાં લોકતંત્ર નામનું છે, દેખાવ પૂરતું છે અને લગભગ એકપક્ષીય છે. બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાનો બંગલાદેશ નેશનાલિસ્ટ પક્ષ લગભગ ખતમ થઈ ગયો છે. આ સિવાય બેગમ ઝિયા બીમાર છે, પુત્ર વંઠેલ છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારના સાબિત થઈ ચૂકેલા ગુના માટે જેલ ભોગવી ચુક્યાં છે. આનો લાભ અત્યારના શાસક પક્ષને મળી રહ્યો છે. શેખ હસીના વાઝેદ ૨૦૦૯ની સાલથી બંગલાદેશનાં વડાં પ્રધાન છે અને ગયા જાન્યુઆરી મહિનામાં ચોથી વાર તેમની સરકાર બની છે. જો કોઈ મોટું વિઘ્ન નહીં આવે તો વીસ વરસનો લાંબો તેમનો કાર્યકાળ નીવડશે.
પણ વિઘ્નો છે અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ કદાચ એ વિઘ્નનું પરિણામ છે. પ્રારંભમાં કહ્યું એમ અનામત તો એક નિમિત્ત છે. બંગલાદેશમાં એક વર્ગ એવો છે જે ઈસ્લામને વરેલો છે અને તે એમ માને છે કે બંગાળી અસ્મિતા કરતાં ઇસ્લામની અસ્મિતા સર્વોપરી છે. ઇસ્લામ એક સંપૂર્ણ ધર્મ છે અને બંગાળી હોવાપણું તેમાં સમાહિત છે. ૧૯૭૧માં બંગલાદેશ મુક્તિ સંગ્રામ ચાલતો હતો ત્યારે મોટી સંખ્યામાં ઇસ્લામવાદી બંગાળીઓ સ્વતંત્રતાનો વિરોધ કરતા હતા અને પાકિસ્તાનને મદદ કરતા હતા. ઇસ્લામ સારુ પાકિસ્તાનની રચના થઈ અને બંગાળી ભાષા અને બંગલા અસ્મિતા માટે પાકિસ્તાનનું વિભાજન થાય એ તેમને સ્વીકાર્ય નહોતું. તેમણે પાકિસ્તાનના લશ્કરને મદદ કરી હતી અને એ મદદ કરનારાઓ ત્યારે રઝાકાર તરીકે ઓળખાતા હતા. રઝાકાર અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે, સ્વયંસેવક જે કોઈ ઉદ્દેશ માટે સામેથી વગર વેતને મદદ કરે. હૈદરાબાદના નિઝામે ભારતમાં જોડવા બાબતે આડોડાઈ કરી ત્યારે હૈદરાબાદના કહેવાતા ઇસ્લામિક રાજ્યને ટકાવી રાખવા નિઝામને મદદ કરવા કેટલાક મુસલમાનો આગળ આવ્યા જે રઝાકાર તરીકે ઓળખાતા હતા.
હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે રઝાકાર નેતાઓ ડરીને પાકિસ્તાન ભાગી ગયા અને બાકીના રઝાકાર મુસલમાનો સમય વર્તીને શાંત થઈ ગયા, પરંતુ બંગલાદેશમાં એવું નથી થયું. ત્યાં આજે પણ ઇસ્લામવાદીઓ સક્રિય છે અને તેઓ એમ ઈચ્છે છે કે બંગલાદેશ બંગાળી દેશ નહીં, પણ ઇસ્લામિક દેશ હોવો જોઈએ. છેલ્લાં વર્ષોમાં તેમની પ્રજાની અંદર સ્વીકૃતિ વધી રહી છે અને આજે જે મઝહબી સ્વીકૃતિ છે એ આવતીકાલે રાજકીય સ્વરૂપ પણ લઈ શકે છે. શેખ હસીનાને આ વાતનો ડર છે. એટલે જ્યારે સાવ નાબૂદ કરવામાં આવેલી અનામતની જોગવાઈને પાંચ ટકા કરીને સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી એ જોઇને શેખ હસીના ગેલમાં આવી ગયાં હતાં. એક તો ચૂંટણીમાં ત્રીજી વાર વિજય અને ઉપરથી અનામતની જોગવાઈને મળેલી મંજૂરી. વિરોધીઓને ભૂંડા લગાડવા તેમણે કહ્યું કે “દેશને આઝાદી અપાવનારા નરબંકાઓનાં સંતાનોને અનામત નહીં આપી એ તો શું રઝાકારોના સંતાનોને આપશું?”
આપણે ત્યાં જેમ હિન્દુત્વવાદીઓ હિંદુઓનું દેશપ્રેમી અને દેશદ્રોહી એવું વિભાજન કરે છે એમ બંગલાદેશમાં શેખ હસીના બંગાળીઓનું સાચા બંગાળી અને રઝાકાર બંગાળી એવું વિભાજન કરે છે. ૨૦૦૯થી જ્યારે પણ મોકો મળે ત્યારે રઝાકારોને નીંદવાનો અને દંડવાનો મોકો તેઓ ચૂકતા નથી. બંગલાદેશ આઝાદ થયું એ પછી ચાલીસ વરસે રઝાકારોને મૃત્યુદંડ આપવાની ઘટના પણ બની છે. પણ આ વખતે રઝાકારની રમત ઊંધી પડી રહી છે. ક્યાં સુધી ડરાવીને રાજ કરશો? ક્યાં સુધી કોઈના પર ગદ્દારીના લેબલ ચોડીને રાજ કરશો? ક્યાં સુધી ઠેકેદાર બનીને રાજ કરશો? દરેક રમતનો અંત હોય છે અને શેખ હસીનાનાં બંગાળી અસ્મિતાના રાજકારણનો પણ કદાચ અંત આવી રહ્યો છે.
રોજગારી વિનાની બંગાળી અસ્મિતા શા કામની? યુવાનોનો આ સવાલ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024