દક્ષાબહેનનાં દાદી મહાલક્ષ્મીબહેને અમદાવાદમાં મહિલામંડળની સ્થાપનાની પહેલ કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા પ્રયત્નો કર્યા હતા. આ મંડળમાં ૧૯૨૮માં જવાહરલાલ નહેરુ મહેમાન તરીકે પધાર્યા હતા. દક્ષાબહેનના પિતા દેવપ્રસાદ મહેતા વકીલ હતા અને નાની ઉંમરે તેમનું અવસાન થયું ત્યારે દક્ષાબહેન માતા લીલાવતીબહેનની કૂખમાં ગર્ભરૂપે હતાં, સાલ હતી ૧૯૩૨. મહાલક્ષ્મીબહેને વિધવા પુત્રવધૂ લીલાવતીબહેનને ક્રૂર હિંદુ ક્રિયાકાંડોમાંથી બચાવી લીધાં; વાળ ઉતરાવવા, ચૂડલા ભાંગવા, કાળો સાડલો પહેરવો, ખૂણો પાળવો આદિ અનિષ્ટોમાંથી ઉગારી લીધાં. મહાલક્ષ્મીબહેનની આર્થિક સ્થિતિ પૈસેટકે ઘણી સુખી હતી. દક્ષાબહેનનો ઉછેર બે મોટી બહેનો જ્યોતિર્બાળા (બચુબહેન) અને ઉષાબહેન સાથે ભર્યાભાદર્યા બહોળા સંયુક્ત કુટુંબમાં થયો, જ્યાં અનેક પિતરાઈ ભાઈબહેનો હતાં. તેમાં દક્ષાબહેનનાં ભાનુફોઈબાનાં સંતાનો પ્રેમિલાબહેન, પ્રબોધચંદ્ર અને જ્યોત્સ્નાબહેન પણ ખરાં. જ્યોત્સ્નાબહેન આગળ જતાં ઉમાશંકર જોશીને પરણ્યાં. આમ, આ ત્રણે જણાનો ઉછેર મોસાળમાં એટલે કે દક્ષાબહેનનાં દાદીને ત્યાં થયો હતો.
દક્ષાબહેનનો શાલેય અભ્યાસ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાંથી પૂરો થયો. દક્ષાબહેનને ગાયનનો ખાસ શોખ હતો. રસિકલાલ છોટાલાલ પરીખ લિખિત નાટક ‘મેનાં ગુર્જરી’ની ભજવણી એકસોથી પણ વધુ વાર થઈ, જેમાંની એક ભજવણી વડા પ્રધાન નહેરુની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં થઈ. આ તમામ ભજવણીઓમાં અભિનેત્રીને પાર્શ્વકંઠ આપનાર પડદા પાછળનાં ગાયિકા દક્ષાબહેન હતાં. જો કે, ગાયન માટે શાસ્ત્રીય તાલીમ તેમણે કદી લીધી નહોતી.
લગ્ન થતાં પહેલાં હાઈસ્કૂલ–કૉલેજનો અભ્યાસકાળ દરમિયાન નવલકથા–નવલિકાના વાચનનો શોખ કેળવેલો, ક.મા. મનુશી, ર.વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, અને ચુનીલાલ મડિયાની અનેક કૃતિઓ વાંચી હતી, અને મડિયા સાથે લગ્નનો વિચારસુધ્ધાં પ્રગટે તે પહેલાં મડિયા તેમના પ્રિય ગુજરાતી સાહિત્યકાર થઈ ચૂકેલા. ગુજરાતી અનુવાદો મારફતે શરદબાબુનું સમગ્ર કથાસાહિત્ય વાંચેલું. એકવીસ-બાવીસ વરસની ઉંમરે મોહનભાઈ પટેલની નિશ્રામાં બંગાળી ભાષા શીખીને ટાગોરને બંગાળીમાં વાંચતાં. દક્ષાબહેને મને કહેલું કે, “પ્રોફેસર નિરંજન ભગતની પણ પહેલાં હું બંગાળી શીખી ગઈ હતી.” એ વર્ષોમાં જ બનેવી ઉમાશંકર જોશીને તેમનાં બે સંશોધન પુસ્તકો ‘પુરાણોમાં ગુજરાત’ અને ‘અખો એક અધ્યયન’ની સૂચિ (ઇન્ડેક્સ) બનાવી આપી હતી. ઉમાશંકર જોશીએ મને કહેલું કે, “મારી એકમાત્ર નવલકથા ‘પારકાં જણ્યાં’ને તારાં મમ્મી અને માશીઓ સિવાય બીજા કોઈએ એપ્રિસિયેટ કરી નથી!”
તમન્ના હતી ડૉક્ટર બનવાની, પરંતુ મેટ્રિક પરીક્ષામાં માર્ક્સ ઓછા પડવાથી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો નહીં. અમદાવાદની ગુજરાત કૉલેજ(મુંબઈ યુનિવર્સિટી)માંથી કેમિસ્ટ્રી-બૉટની સાથે બી.એસસી.નો અભ્યાસ પૂરો કર્યો. એ પછી અમદાવાદની માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન મોહનભાઈ પટેલ હેઠળ મદદનીશ લાઇબ્રેરિયન તરીકે ત્રણચાર વર્ષ (લગ્ન થયાં ત્યાં સુધી) કામ કર્યું. આ દરમિયાન ઉમાશંકર જોશીને ઘરે ચુનીલાલ મડિયા સાથે પરિચય થયો અને અંતે પરસ્પર સંમતિથી લગ્ન નક્કી થયાં. લગ્ન વેળા દક્ષાબહેનની ઉંમર ચોવીસ વર્ષ અને મડિયાની ઉંમર ચોત્રીસ વર્ષ હતી.
લગ્નની તારીખ લીલાવતીબહેને નક્કી કરી હતી. અમદાવાદ ખાતે પિયરમાં માતા લીલાબહેનને ઘેર(એલિસબ્રિજની શાંતિસદન સોસાયટી)માં લગ્ન લેવાયાં. એ વેળા પજુસણ ચાલતા હોવાથી મડિયાના જૈન પરિવારમાંથી કોઈ પધાર્યું નહીં (મડિયાનાં માતાપિતા ઘણા સમય અગાઉ અવસાન પામ્યાં હતાં). વરપક્ષના આગેવાન બન્યા ઉમાશંકર જોશી. એમની આગેવાનીમાં એમના નિવાસસ્થાન ચોક્સી નિવાસ ખાતેથી જાન નીકળી. જાનૈયા હતા સ્નેહરશ્મિ, રસિકલાલ છોટાલાલ પરીખ, જયંતિ દલાલ, નિરંજન ભગત, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર આદિ સાહિત્યકારો અને ઉમાશંકરના નાના ભાઈ દેવેન્દ્રભાઈ. લગ્નની ફોટોગ્રાફી ઉમાશંકર જોશીએ કરી, અદ્યતન જર્મન કેમેરા લાઈકાથી.
મુંબઈમાં લગ્નજીવનમાં બાર વર્ષ વીત્યાં. પહેલાં મલબાર હીલ ખાતે ગવર્નરના બંગલાની બાજુમાં એક મકાન ભાડે રાખ્યું હતું. બે વર્ષ પછી એ જ લત્તામાં વીલ્ડરનેસ રોડ પર ચંદ્રલોક ફ્લેટ ખરીદ્યો. ત્રણ સંતાનો અપૂર્વ, પૂરવી અને અમિતાભના જન્મથી પરિવાર ભર્યોભર્યો બન્યો. મડિયા જાહેર સાંસ્કૃતિક જીવનની વ્યક્તિ હોવાને કારણે દક્ષાબહેન માત્ર મુંબઈમાં રહેતાં નહીં, પરંતુ દેશવિદેશની અનેક વિરલ વિભૂતિઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યાં. ઘણીવાર ઘરમાં બહારગામથી આવેલા મહેમાનો ઉતારો કરે. દક્ષાબહેને તેમને સાઉન્ડ ઑફ મ્યૂઝિક, માય ફેર લેડી અને તીસરી કસમ જેવી ફિલ્મો બતાવવા સિનેમા થિયેટરમાં લઈ જાય. મડિયાના સામયિક ‘રુચિ’ની ક્લેરિકલ જવાબદારી દક્ષાબહેન નિભાવતાં.
ઉમાશંકર જોશી મડિયાને ‘મડિયા ધ મધર’ કહેતા, પણ એ જવાબદારી દક્ષાબહેનને હિસ્સે પણ આવી હતી. ગુલાબદાસ બ્રોકર ઘર બહારનું ખાણું ખાતા નહીં, તેથી મેળાવડામાં બ્રોકર માટેની ભોજનવ્યવસ્થા કરવા માટે દક્ષાબહેન ઘરે રાંધેલું ટિફિન મડિયા સાથે મોકલતા. ચંદ્રલોકમાં ઘરકામમાં મદદ માટે એક બહેન ગંગાબહેન રાખેલાં. મુંબઈ છોડ્યા પછી પણ ગંગાબહેન સાથેનો ઘરોબો ગંગાબહેનના અવસાન સુધી રહ્યો.
૧૯૬૮ના અંતમાં મડિયાના છેતાળીસ વર્ષની ઉંમરે થયેલા અકાળ અવસાન પછી ૧૯૬૯માં બાળકો સાથે અમદાવાદ જઈ માતા લીલાબહેન સાથે વસવાટ શરૂ કર્યો. મુંબઈની ન્યૂ એરા સ્કૂલમાં ભણતાં ત્રણે બાળકો અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહારમાં ગોઠવાયાં. અહીં બહેન ઉષા અને બનેવી ભાનુ ત્રિવેદી અને પિતરાઈ ભાઈ શાંતિપ્રસાદ મહેતાનું સાંન્નિધ્ય સાંપડ્યું; ઉપરાંત, ઉમાશંકર જોશીનું સાંન્નિધ્ય તો ખરું જ. ૧૯૬૯-૭૧ બે વર્ષ ‘સંદેશ’માં લીલાબહેન પટેલ સાથે ‘સ્ત્રી’ સામયિકમાં કામ કર્યું. બાળકો મોટાં થતાં જતાં હતાં અને ખર્ચા વધતા હતા, આવક ક્ષીણ થતી જતી હતી અને મોંઘવારી વધતી જતી હતી.
૧૯૭૭માં નવજીવન ટ્રસ્ટમાં જોડાયાં. શરૂઆતમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં છપાતા ગ્રંથોનું પ્રૂફરીડિંગ કરતાં. પછીથી ગાંધીજીનાં લખાણોનાં વિદેશી ભાષાઓમાં અનુવાદ, પ્રકાશન અને કૉપીરાઇટ બાબતે વિદેશી અનુવાદકો–પ્રકાશકો સાથેની વાટાઘાટનો કૉરસ્પૉન્ડન્સ દક્ષાબહેન સંભાળતાં. ૧૯૯૪માં નવજીવનમાંથી નિવૃત્ત થયાં તે પછી પણ ૨૦૦૩ સુધી દક્ષાબહેને એની ઑફિસે જઈ માનદ્દ ધોરણે સેવા કરી. એ પછી નવજીવન દક્ષાબહેનને ઘરે કામ મોકલતું, એ પ્રથા ૨૦૧૫ સુધી ચાલુ રહી. નવભારતમાં પુનર્મુદ્રિત થતાં મડિયાનાં પુસ્તકોનાં પ્રૂફ ચકાસવાનો આગ્રહ દક્ષાબહેને છેક સુધી રાખ્યો. નવજીવનમાં સુશીલા નાયરના સંગાથમાં ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઓવ્ મહાત્મા ગાંધી’ના કેટલાક ગ્રંથોનાં પ્રૂફની જવાબદારી નિભાવી. ગ્રંથ ‘પટેલ એ લાઇફ’ની એક્નૉલેજમેન્ટ નોંધમાં લેખક રાજમોહન ગાંધીએ દક્ષાબહેનનો આભાર માન્યો છે. નવજીવનમાં જોડાયાં, એ પહેલાંનાં સાતઆઠ વરસોમાં અમદાવાદ નિવાસ વેળા તોલ્સ્તોયકૃત નવલકથાઓ ‘વૉર ઍન્ડ પીસ’ અને એના ‘કેરેનીના’, બોરીસ પાસ્તરનાકકૃત નવલકથા ‘ડૉક્ટર ઝિવાગો’, તથા ચૅખોવકૃત નવલિકાઓના અંગ્રેજી અનુવાદ વાંચ્યા. નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ ઇન્ડિયાને એક અસમિયા નવલકથાનો હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ કરી આપ્યો. એ વર્ષોમાં ઘર સગાંવહાલાંથી ભર્યું ભર્યું રહેતું. લગભગ દર અઠવાડિયે પ્રોફેસર નિરંજન ભગત ઘરે આવે અને ઊંચા સાદે જાહેરજીવનની અને રાજકીય ચર્ચાઓ જામે, જેમાં ઉષાબહેન, ભાનુભાઈ અને જો અમદાવાદમાં હોય તો ઉમાશંકર જોશી અને દેવેન્દ્રભાઈ પણ ભાગ લે. તેમનાં સંતાનો તથા અમે બાળકો તો ખરાં જ! દક્ષાબહેનનું પિયરનું લાડકું નામ ‘બેબી’ હતું. લગ્ન અગાઉ મડિયાએ લખેલા પ્રેમપત્રોમાં સંબોધન ‘બેબી’ને કર્યું છે. નિરંજન ભગત દક્ષાબહેનને ‘બેબીબહેન’ કહીને સંબોધતા.
એક નિવૃત્ત ન્યાયાધીશે અંગ્રેજીમાં લખેલું એક કાયદાકીય લખાણ દક્ષાબહેનને પ્રૂફરીડિંગ માટે મોકલાવેલું. વાંચીને દક્ષાબહેને એ મતલબનું સૂચન કર્યું હતું કે, જે રીતે વાક્યરચના કરી છે તેમાંથી આ પ્રકારે અર્થ નીકળે છે, જે લખાણના સમગ્ર સૂર સાથે સુસંગત નથી. એ અર્થ તમને અભિપ્રેત છે કે નહીં, તે નક્કી કરીને આ વાક્યરચના જેમની તેમ રાખશો અથવા આ પ્રમાણે બદલશો. દક્ષાબહેને કાઢેલી ક્વેરીથી ન્યાયાધીશ દંગ રહી ગયા, અને કહ્યું કે, “દક્ષાબહેને એ ક્વેરી ના કાઢી હોત તો છબરડો થાત!” દક્ષાબહેન કહેતાં કે, “પ્રૂફરીડરે લખાણ મારફતે લખનારના મનોગતમાં ઊંડા ઊતરી લખાણ બાબતે સૂચન કરવાનાં હોય. પ્રૂફરીડિંગ એટલે માત્ર જોડણી અને વાક્યરચના તપાસવી એમ નહીં, કમ્પોઝ થયેલું મેટર મૂળ મેટર સાથે સરખાવી જોવું તેમ નહીં.” દક્ષાબહેને પ્રોફેશનલ (વ્યાવસાયિક) મહિલા હતાં.
બાળપણથી નૃત્ય અને ગાયનનો શોખ. પાંચ વર્ષનાં દક્ષાબહેને કરેલું નૃત્ય ‘હું તો નાનું નટબાળ’ ઉમાશંકર જોશીને ૧૯૭૦માં પણ યાદ હતું (લેખ ‘મડિયારાજા’, ગ્રંથ ‘મડિયાનું મનોરાજ્ય’). અમદાવાદ આવીને વસ્યા પછી સમર્થેશ્વર ફ્લૅટ્સમાં તેમણે વર્ષો સુધી નવરાત્રી પર ગવડાવેલા ગરબા હજી મને યાદ છે, અફસોસ છે કે તેમનું રેકૉર્ડિંગ થઈ શક્યું નહીં. ઘરમાં ઘરકામ કરતી વેળા ગરબા કે ફિલ્મી ગીતો ગણગણતાં રહેતાં. આશા ભોંસલે તેમની પ્રિય ગાયિકા હતી. એમનો ગાવાનો શોખ અને સંગીતની સૂઝ અપૂર્વ અને પૂરવીમાં ઊતરી આવ્યાં. એ બંનેએ સી.એન. વિદ્યાવિહારમાં ભણતી વેળા શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી. પૂરવીને કુમુદિની લાખિયા હેઠળ કથ્થક નૃત્યની અને અપૂર્વને ઉમેશભાઈ ઉસ્તાદ પાસે તબલાંવાદનની તાલીમ અપાવી. મારી કલાસાધનામાં એ પ્રેરણાસ્રોત હતા. એમ ત્રણે ભાઈબહેન એમને માનાર્થે બહુવચનથી ‘મમ્મી’ સંબોધતાં.
૨૦૧૯માં પડી ગયાં અને થાપાની સર્જરી કરાવી પછી શારીરિક રીતે ક્ષીણ થતાં ગયાં. ૨૦૨૪ની 25 મેએ બાણું વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામ્યાં. મડિયાના અવસાન પછી પંચાવન વર્ષ જીવ્યાં.
છેલ્લી ઘડી સુધી જીવનરસ ઉત્કટ હતો, સ્મૃતિ અકબંધ હતી, દિમાગ સતેજ હતું. આ ચાર વર્ષમાં પણ સમાચારો વિગતવાર વાંચે, પોતાના રાજકીય વલણ સ્પષ્ટ કરે. ફેસબુક પર પોસ્ટ મૂકે, પ્રતિભાવ આપે. વોટ્સએપ પર રાજકીય ચર્ચાઓ કરે. છેલ્લાં પાંચ વરસમાં ચુનીલાલ મડિયાની તમામ તેર નવલકથાઓનું પુનર્વાચન કર્યું, નારાયણ ગંગોપાધ્યાય કૃત નવલકથા બંગાળી ‘ઝંઝાનિલ’નું તથા શરદબાબુની કેટલીક નવલકથાઓનું પણ. મને કહેલું, “એકૅડેમિશિયન્સ મડિયાનો મહિમા કરવા બાબતે ઊણા ઊતર્યા છે.” આ છેલ્લાં પાંચ વરસોમાં એમેઝોન પ્રાઇમ અને યુટ્યૂબ પર જૂની-નવી અનેક ફિલ્મો જોઈ. શાહરુખ અને આમીર ખાન તેમના પ્રિય અભિનેતાઓ હતા. વિદેશી ફિલ્મો પણ પસંદ હતી, ‘ઇમોર્ટલ બીલવીડ’, ‘અમાડિયસ’, ‘ઓલીવર’ – મ્યુઝિકલ, ‘હ્યુગો’. મારા સહવાસમાં રહીને દક્ષાબહેનને પણ બીથોવન અને મોત્સાર્ટ સાંભળવાનો ચસ્કો લાગ્યો હતો.
પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ, ગોરો વાન, લાંબો ચહેરો. યુવાનીમાં ઘેરા કથ્થઈ વાળ પગની પાની વળોટીને ભોંય સુધી વિસ્તરે. બંગાળી ઢબે કલકત્તી, મહેશ્વરી, ચંદેરી, અને મરાઠી સાડીઓ પહેરે. અજાણ્યા લોકો પહેલી નજરે માની નહોતા શકતા કે દક્ષાબહેન ગુજરાતી છે. માત્ર છત્રીસ વર્ષની ઉંમરે વિધવા થઈને આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને ત્રણ બાળસંતાનોને ઉછેર્યાં, એ સિદ્ધિનો તેમને સંતોષ હતો.
જો કે, ૨૦૨૪ના માર્ચમાં દક્ષાબહેને મને કહ્યું હતું, “મડિયાના સાન્નિધ્યમાં જો તમે ત્રણેય સંતાનો ઊછર્યાં હોત, તો તમારું વ્યક્તિત્વ કંઈક જુદું જ હોત!” ૨૦૨૨માં કહ્યું હતું, “મને ઘણી વાર વિચાર આવતો કે મડિયા જ્યાં હશે ત્યાંથી જાણી શકતા હશે કે હું ક્યાં છું? હું કઈ હાલતમાં છું? હું શું કરું છું?”
અંદરખાને આસ્થા ધરાવતાં હશે પણ ક્રિયાકાંડ અને વિધિઓમાં જરા ય માનતાં નહોતાં. ખુદ્દારી તો તેમને ગળથૂથીમાં મળી હતી. નવજીવનમાં કામ કરતાં ત્યારે એક સહકાર્યકરે તેમને પૂછેલું, “મડિયાના અવસાન પછી તમને કેટલા રૂપિયાની થેલી મળી હતી?” દક્ષાબહેને જવાબ આપેલો, “એક રૂપિયાની નહીં! ઊલટાનું, મડિયાએ પોતાને મળેલા નગદ સોનાના બે સુવર્ણ ચંદ્રકો ૧૯૬૨માં ભીડમાં મુકાયેલી ભારત સરકારને અર્પણ કર્યા હતા.”
0-0-0
સૌજન્ય : “નવનીત – સમર્પણ”; જુલાઈ 2024; પૃ. 121-126
છબિ સૌજન્ય : અમીતાભ મડિયા