
રવીન્દ્ર પારેખ
ભારતે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો હશે એની ના નથી, પણ શિક્ષણમાં તો તેનો શતમુખી વિનિપાત જ થયો છે. શિક્ષણમાં જેટલાં આડંબર, અહંકાર અને અજ્ઞાન છે એટલાં બીજા કોઈ ક્ષેત્રમાં નથી. દુ:ખદ એ છે કે આ અધ:પતનને બધાં જ શિક્ષણ મંત્રીઓ કોઈ સિદ્ધિની જેમ છાવરે છે. ભૂલો કબૂલ ન કરવાનો મંત્રીઓ જન્મસિદ્ધ અધિકાર માનતા હોય તેમ સામા આક્ષેપો કરીને રાજી રહે છે. મૂળ હેતુ એ છે કે શિક્ષણમાં કોઈ સરકારે એવો રસ દાખવવો જ નહીં કે પ્રજા શિક્ષિત થઈને સામે શિંગડાં કરે. અત્યારની સરકારોને પાળેલી પ્રજા ખપે છે. સરકાર એવો દેખાવ કરે છે કે શિક્ષણની આભા ઊભી થાય, પણ કોઈ ‘શિક્ષિત’ ન થઈ જાય એ પણ જુએ છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી શિક્ષણનાં કારખાનાં ધમધમે છે, ડિગ્રી લઈને વિદ્યાર્થીઓ બહાર પડે છે, પણ તેમનું કૈં ઊપજે નહીં, એ સ્થિતિ છે. શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે કોઈ અંતર ન રહે એટલો પ્રભાવ અત્યારે શિક્ષણનો છે. જતે દિવસે સર્ટિફિકેટ કરતાં કોઈ ચીંથરું વધારે ઉપયોગી થાય એમ બને.
બિહારનું સોનપુર પહેલજા ગામ ડિગ્રીની ફેક્ટરી ગણાય છે. અહીંની 100 જણાંની ટોળકી અભણ લોકોને શિક્ષિત કરી દે છે. કોઈ અભણ ગામમાં જાય તો બે હજાર રૂપિયામાં ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ લઈને પાછો ફરે છે. જુદી જુદી ડિગ્રીઓના ભાવ નક્કી થયેલા છે. કમાલ તો એ છે કે આ નકલી સર્ટિફિકેટનો કાગળ જે તે યુનિવર્સિટીનો જ હોય છે. એ સંજોગોમાં એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે આનું કનેક્શન પેપર છાપનારી કંપની સાથે છે કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી સાથે? માર્કશીટ હોય કે એડમિટકાર્ડ, બધું એટલું પરફેક્ટ છે કે યુનિવર્સિટીનાં અસલી સર્ટિફિકેટ્સ નકલી લાગે, તે એ હદે કે વોટરમાર્ક પણ ચુકાયો નથી. આ હદે કામ થતાં હોય તો સવાલ થાય કે બે હજારમાં ડિગ્રી મળી જતી હોય તો યુનિવર્સિટી કે કોલેજમાં વર્ષો કાઢીને, હજારો-લાખોનું આંધણ કરવાની જરૂર ખરી? આ સર્ટિફિકેટથી નોકરી કદાચ ન મળે, પણ એ તો યુનિવર્સિટીનાં અસલ પ્રમાણપત્રથી પણ મળે જ એની ખાતરી ક્યાં છે?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ 2024ની નીટ-યુ.જી.ની પરીક્ષાનું આયોજન એવી રીતે કર્યું કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી ને એક તબક્કે તો નીટ રદ્દ થાય એવી સ્થિતિ આવી. દેશ આખામાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પણ સિન્સિયર વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય એટલી ગરબડ આ પરીક્ષાઓમાં થઈ. પેપર ફૂટ્યાં, લાખો રૂપિયા લઈને એજન્સીઓએ પરીક્ષાના જવાબો લખાવવાની, કારણ વગર ગ્રેસ માર્કસ આપવાની એવી એવી ઘટનાઓ ઘટી કે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનાં પરિણામો નવેસરથી તૈયાર કરાવીને જાહેર કરાવવાં પડ્યાં. પરિણામ એવું બદલાયું કે 720માંથી 720 માર્કસ લાવનાર 61 જણાં હતાં, તે ઘટીને 17 થઈ ગયાં. ટોપર્સમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ…ના વિદ્યાર્થીઓ છે. પૂરા માર્કસ લાવનાર ગુજરાતમાંથી 4 હતા, તેમાંનો એક પણ નવાં પરિણામોમાં ટક્યો નથી અને 4.2 લાખ વિદ્યાર્થીઓના રેન્ક બદલાયા છે. અગાઉ 67 વિદ્યાર્થીઓ પહેલે નંબરે હતા, પણ 6 વિદ્યાર્થીઓને ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા, સંખ્યા 61 પર આવી, તેમાં પણ 44 વિદ્યાર્થીને ફિઝિક્સમાં ખોટા પ્રશ્નને કારણે ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા આંકડો 17 પર આવી ગયો. આ પરીક્ષા 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સહિત 571 શહેરના 4,750 કેન્દ્રો પર લેવાઈ હતી.
નીટ જેવી જ જાહેર પરીક્ષા યુ.પી.એસ.સી.ની થાય છે. એમાં ગેરરીતિ રોકવા નવી ટેકનિકોને કામે લગાડવાની વાત છે. ડમી ઉમેદવારને પકડવા આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એ ઉપરાંત ફેશિયલ રેકગ્નિઝન અને AI ટેકનિકથી સજ્જ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રેઈની IAS પૂજા ખેડકર વિવાદ અને નીટમાં થયેલી બબાલ વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ઉમેદવારને બદલે કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો જણાય તો તેને રોકવા કયુ.આર. કોડથી સજ્જ એડમિટ કાર્ડ અને રિયલ ટાઈમ એટેન્ડન્સના અમલીકરણની તૈયારી છે. યુ.પી.એસ.સી. 24 પરીક્ષાઓનું આયોજન કરે છે અને આશરે 26 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપે છે. એમને આ નવી પદ્ધતિથી ચકાસવાનું કેટલું શક્ય છે એ નથી ખબર, પણ યુ.પી.એસ.સી.ના ઉમેદવારો IAS અને IPS જેવી કક્ષાએ પહોંચવા આ પરીક્ષા આપે છે, એમને કોઈ એથિક્સ જ નહીં નડતું હોય કે આટલે પહોંચ્યા પછી ડમી ઉમેદવાર બેસાડવો પડે કે પરીક્ષામાં નકલ કરવી પડે કે અન્ય કોઈ ગેરરીતિઓ કરવી પડે? યુ.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પણ નકલ થાય એ કેવું? ને નકલ થાય જ છે એમાં શંકા નથી. એટલે જ તો ઉત્તર પ્રદેશ સેવા આયોગે નકલ કરાવનારને અને નકલ કરનારને એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને અથવા આજીવન કારાવાસની સજા ફરમાવવાનું નક્કી કર્યું છે. વધારે શરમજનક તો એ છે કે શુદ્ધ નિષ્ઠાથી ને પવિત્રતા જાળવીને પરીક્ષા આપનારે પણ પોતાના કોઈ વાંકગુના વગર જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
સાચું તો એ છે કે અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારના એટલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલે છે કે દેશમાં ક્યાં ય સચ્ચાઈ અને સાત્ત્વિકતા બચી જ નથી એમ લાગે. આ પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો તો થાય છે, પણ પરિણામો ઉત્તરોત્તર વરવાં જ હાથ લાગે છે. પ્રાથમિક શિક્ષણથી જ અમુક પ્રકારની ઉપેક્ષા શરૂ થઈ જાય છે. તેમાં ગુજરાત નફ્ફટ અને નિર્લજ્જ છે. શિક્ષણનો પાયામાંથી જ સર્વનાશ કરવાના સરકારે સોગંદ ખાધાં હોય, તેમ બધી જ કરકસર શિક્ષણમાં થાય છે. સ્કૂલ છે, પણ પૂરતા વર્ગો નથી, છે તે બિસ્માર હાલતમાં છે. પૂરતા શિક્ષકો નથી અને લગભગ રોજ તુક્કાઓ પરિપત્રો રૂપે આચાર્યોને ધકેલાતા હોય છે. સરકારને રસ માત્ર ડેટા પૂરતો જ છે, કાગળ પર બધું બરાબર કરવાની કારકૂની કોશિશો ચાલતી રહે છે, પણ વર્ગશિક્ષણ શિક્ષકો વગર ખોરંભે ચડે એની જરા જેટલી પણ ચિંતા શિક્ષણ વિભાગને નથી. ઉત્સવનું ઉજવણું થાય છે, પણ શિક્ષણનું ઉઠમણું થાય એની નાનમ કોઈને નથી. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલીને નચિંત થઈ જાય છે, પણ તે સ્કૂલમાં ભણે છે કે શિક્ષક વગર અટવાતું રહે છે એની કાળજી લેવાતી નથી. 42,000 શિક્ષકોની કારમી ઘટ વચ્ચે શિક્ષક સજ્જતા તાલીમને વાંધો આવતો નથી. પ્રવેશોત્સવ ખરેખર તો વેશોત્સવ અને ગુણોત્સવ, અવગુણોત્સવ જ વધારે છે. પ્રવેશોત્સવ તો રાજકારણીઓની સ્તુતિનો જ ઉપક્રમ છે. હમણાં સક્ષમ શાળાનો વેશ ભજવાયો જેમાં આચાર્ય અને શિક્ષકને ફોર્મ ભરાવીને ઉત્તમ દેખાવ થઈ રહ્યો છે એવું ચિત્ર ઉપસાવવાનું કહેવાયું ને એ બે દિવસ દરમિયાન આચાર્ય અને શિક્ષક વગર વર્ગશિક્ષણ કેટલું સક્ષમ રહ્યું હશે તે નથી ખબર. આ આખો ઉપક્રમ જ શૈક્ષણિક ભાટાઈથી વિશેષ કૈં નથી. એમાં ઉપર સુધી રાજકીય આરતીઓ જ ઊતરે છે. ખરેખર તો ઊપરીઓ તાલીમો દ્વારા ફોટા, વીડિયો અને અહેવાલ બહાર પડાવીને સરકારનું ગુણસંકીર્તન જ કરતાં રહે છે. તમામ ક્ષેત્રે દેખાડા એ રાજરોગથી બદતર છે. પ્રાથમિક શિક્ષકોનો ઘાટ ‘સબ કી જોરુ’ જેવો છે. કોઈ તેને વસ્તી ગણતરી માટે વાપરે છે, તો કોઈ તેને રસી માટે મોકલે છે. કોઈ પરિપત્રોના જવાબ લખવા આગ્રહ કરે છે, તો કોઈ બે-ચાર વર્ગ સાથે કરાવીને ભણાવવાનું કહે છે. એમાં વાંચન, ગણન, લેખનનું ખરેખર કેટલું કામ થાય છે તે પ્રશ્ન જ છે. સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જરૂરી છે, પણ તેનો અતિરેક તે શિક્ષણ નથી એ દરેક રાજકીય અધિકારીઓએ સમજી લેવાનું રહે.
આમાં સરકારની ભૂમિકા નફો કરતા વેપારીની છે. ગમ્મત તો એ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરતાં પહેલાં સરકાર શિક્ષકો પર કાપ મૂકવાનું વિચારે છે. એક બાજુ તે 24,700 શિક્ષકોની કાયમી ભરતીની વાત કરે છે, પણ તેની જાહેરાત આપવા પહેલાં, તે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે, એ સ્થિતિમાં આવતાં પંદર વર્ષમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂર ખાસી ઘટી જશે. સરકારને એમ હશે કે આવનારાં વર્ષોમાં વિદ્યાર્થીઓ પણ નહીં રહે એ સ્થિતિમાં કાયમી નિમણૂક કરીને જાત પર બોજ શું કામ વધારવો? વળી લોકો ખાનગી સ્કૂલો તરફ વળી રહ્યા છે, એ સ્થિતિમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તો 35 વર્ષ માટે તેઓને એમ જ પાળવા-પોષવાના થાય. એવું કરવું કે કેમ એ તેની મૂંઝવણ છે. સરકાર, સરકારી સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એ સાથે જ જ્ઞાન સહાયકો સસ્તા પડે ને કોન્ટ્રાક્ટ પર હોય અને તે રિન્યૂ થાય એટલે પણ વફાદારીથી કામ કરે. આમ તો જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી, એટલે એમનું પરફોર્મન્સ કેવું છે ને એમને લીધે શિક્ષણ ખરેખર કેટલું પ્રભાવી થયું છે એ કહેવું વહેલું છે, પણ સરકારનું વિશફૂલ થિંકિંગ એવું છે કે 35 વર્ષ તો તે જ સત્તા પર રહેવાની છે ને એની ચોખ્ખી દાનત કાયમી શિક્ષકોને પગાર અને નિવૃત્તિનાં લાભો આપવાની નથી જ, એટલે કાયમી નિમણૂકનું કહ્યું છે ખરું, પણ તે કાયમી શિક્ષકો રાખશે જ ને રાખશે તો તે વાયદો પાળશે જ એની ખાતરી નથી. એની સામે સરકારના મંત્રીઓ, અધિકારીઓમાંથી કેટલા પેન્શન લેવાના છે તેની પ્રમાણિક જાહેરાત થવી જોઈએ. એવું તો નથી ને કે પોતે પેન્શન લેવું છે ને શિક્ષકોને જ આપવું નથી? સરકારમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ, જ્ઞાન સહાયક કર્મચારીઓ કે જ્ઞાન સહાયક અધિકારીઓ નથી, તો શિક્ષકો જ જ્ઞાન સહાયક કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. આ બધું પ્રજાના અઢળક ટેક્સમાંથી થાય છે ને છતાં સરકાર નફાના દાખલા ગણે છે એ બેશરમીનો નાદાર નમૂનો છે.
ખબર નથી, પરીક્ષાઓ પાસ કરીને, કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ક્યાં સુધી છેતરાશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2024