
રમેશ ઓઝા
ઉત્તર પ્રદેશ સરકારના પક્ષપાતી અને બેશરમ કહી શકાય એવા આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો છે. સરકારનો આદેશ એવો હતો કે કાવડયાત્રા કરનારા કાવડિયાઓના માર્ગમાં આવતી હોટેલોની બહાર મોટા અક્ષરમાં લખેલું એક બોર્ડ મૂકવું જરૂરી છે કે આ હોટલનો માલિક કોણ છે અને તેને કોણ ચલાવે છે. અહીં પહેલાં બતાવી દઉં કે જેમ અમરનાથ યાત્રાનો કે પંઢરપુરની દિંડીનો માર્ગ નિશ્ચિત હોય છે એમ કાવડિયાઓનો હોતો નથી. ચારે બાજુએથી તેઓ પોતાને સુગમ પડતા માર્ગે ચાલે છે. બીજું, અમરનાથની યાત્રા કરવાવાળાઓનું લક્ષ કેવળ અમરનાથ હોય છે કે દિંડી માત્ર અને માત્ર પંઢરપુર જતી હોય છે. કાવડિયાઓનું એવું હોતું નથી. કોઈ કાશી જાય, કોઈ ઓમકારેશ્વર જાય, કોઈ મહાકાલેશ્વર જાય અને કોઈ વૈજનાથધામ જાય. આ સિવાય પણ બીજા અનેક સ્થળે. આનો અર્થ એ થયો કે સમગ્ર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારમાં કોઈ સ્થળે મુસલમાનો મુક્ત રીતે ભોજનાલય ન ચાલાવી શકે. કાવડિયાઓ તેમની હોટેલમાં જાય નહીં.
અહીં પહેલો સવાલ તો એ ઉપસ્થિત થાય છે કે આ લોકો પાસે મુસલમાનોને સતાવવા સિવાય, તેમને નુકસાન પહોંચાડવા સિવાય, તેમની પાસેથી કશુક છીનવી લેવા સિવાય હિંદુરાષ્ટ્રનો કોઈ એજન્ડા જ નથી? દસ વરસમાં મુસલમાનો પાસેથી છીનવી લેવાનું કામ તો ઘણું કર્યું છે, હિંદુઓને આપ્યું છે શું? અયોધ્યામાં રામમંદિર, મફતમાં તીર્થયાત્રા અને સ્ટેશનો તેમ જ શહેરોનાં નામમાં પરિવર્તન. અલ્હાબાદની જગ્યાએ પ્રયાગરાજ અને રાજી થાવ. આનાથી પેટ ભરાવાનું છે? આનાથી તમારાં સંતાનનું ભવિષ્ય સુરક્ષિત થવાનું છે?
એકવાર ફુરસદે એક કામ કરો. સંસ્કૃત તો હિંદુઓની દેવભાષા છે. ઈંટરનેટ પર જઇને આઝાદી પછી સ્થાપાયેલી સંસ્કૃત કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શોધસંસ્થાનોની યાદી બનાવો. એ કોણે શરૂ કરી, કોણ સ્થાપકો હતા, સરકારી સંસ્થા હોય તો તેની સ્થાપના કયા પક્ષની સરકારે કરી હતી, કોણ કોણ વિદ્વાનો હતા વગેરે પોતાને સગે હાથે અને સગે દિમાગે તપાસી જુઓ. અને એ પછી આ લોકોએ આ પ્રકારનું કામ કેટલું કર્યું એ તપાસી જુઓ. તમને પોતાને જમા-ઉધારનો ખ્યાલ આવી જશે. કોણ નાદાર છે અને કોણ નક્કર છે તેનો ખ્યાલ આવી જશે.
એમ. પતંજલિ શાસ્ત્રીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ ૧૯૫૧-૫૪નાં વર્ષોમાં ભારતના બીજા મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને સંસ્કૃતના પંડિત હતા. મહામહોપાધ્યાયની કક્ષાના. તેમને સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓના પ્રચાર-પ્રસારમાં ખૂબ રસ હતો. સોમનાથમાં મંદિર બંધાયું એ પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજાઓએ મળીને સંસ્કૃત વિશ્વપરિષદની સ્થાપના કરી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતા, કનૈયાલાલ મુનશી કેન્દ્રીય પ્રધાન હતા અને પતંજલિ શાસ્ત્રી દેશના (સર્વોચ્ચ અદાલતના) મુખ્ય ન્યાયમૂર્તિ હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તો દેશમાં સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓનો પ્રચાર-પ્રસાર કેમ કરાય અને તેના માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપતી એક માર્ગદર્શિકા સંસ્કૃત વિશ્વ પરિષદ વતી તૈયાર કરી હતી અને કનૈયાલાલ મુનશીએ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન મૌલાના આઝાદને અને દેશભરની રાજ્ય સરકારોને તે મોકલી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સંપૂર્ણાનંદ જેવા મુખ્ય પ્રધાનો અને સી.પી.એન. સિંહ જેવા રાજ્યપાલો જેવા બીજા પણ અનેક કૉંગ્રેસીઓ સંસ્કૃત વિશ્વ પરિષદ સાથે જોડાયેલા હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તૈયાર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને ભારતનાં કેટલાંક રાજ્યોમાં સંસ્કૃત માટે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ હતી. કુરુક્ષેત્ર યુનિવર્સિટી આનું એક ઉદાહરણ છે.
અત્યારની પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી એ જાણો છો? આવી જ રીતે અત્યારે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાતી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી એ જાણો છો? પહેલી ૧૯૬૨માં જવાહરલાલ નેહરુએ અને બીજી ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦ની સાલમાં. કોઈને ય જવાહરલાલ નેહરુએ કે ઇન્દિરા ગાંધીએ રોક્યા નહોતા, બલકે તેઓ પોતે તેમાં રસ લેતા હતા, કારણ કે તેઓ અભણ નહોતા. લઘુતા ગ્રંથિથી પીડિત નહોતા. આ સિવાય જેઓ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના મહાઅભિયાનમાં જોડાયા હતા એમાંથી કોઈ મુસ્લિમદ્વેષ્ટા નહોતા. કોઈ કોમવાદી નહોતા. બીજાનું બુરું એ ઈચ્છે જેનામાં પોતાનું ભલું કરવાની ત્રેવડ ન હોય.
હજુ એક ઉદાહરણ આપું, કારણ કે એ મનુસ્મૃતિ વિશેનું છે. ૧૯૭૨માં ભારતીય વિદ્યા ભવને નવ સંસ્કૃત ટીકાઓ સાથે મનુસ્મૃતિનું પ્રકાશન કરવાનું કામ હાથ ધર્યું હતું અને તેના સંપાદક હતા, મહામહોપાધ્યાય જયંતકૃષ્ણ હ. દવે. તેઓ મનુસ્મૃતિના પહેલા ખંડની પ્રસ્તાવનામાં લખે છે: “ભારત સરકારના શિક્ષણ ખાતાના સંસ્કૃત બોર્ડની ઈચ્છા હતી કે મનુસ્મૃતિની ઉપલબ્ધ તમામ મહત્ત્વપૂર્ણ ટીકાઓ સાથે મનુસ્મૃતિની સંપૂર્ણ વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે જેથી સુગમતાથી એક જ સ્થળે મનુસ્મૃતિનો અભ્યાસ થઈ શકે. આ સંપાદકને આ કાર્ય સોંપવામાં આવ્યું અને ભારતીય વિદ્યા ભવન દ્વારા ભારત સરકારની ઉદાર આર્થિક સહાયથી મનુસ્મૃતિ પ્રકાશિત થઈ રહી છે.” કોણ હતું ૧૯૭૨ની સાલમાં વડા પ્રધાન? ઇન્દિરા ગાંધી. અને શિક્ષણ પ્રધાન? એસ. નરુલ હસન. એક મુસ્લિમ. જેમને મનુસ્મૃતિ વહાલી છે એમને તો એ પણ ખબર નહીં હોય કે ભારતમાં સ્મૃતિસાહિત્યમાં કોની કોની સ્મૃતિ ઉપલબ્ધ છે અને તેના પર કોણે કોણે ટીકાઓ લખી છે.
માટે યોગી આદિત્યનાથ માત્ર આવું જ કશુંક કરી શકે. બહુ બહુ તો મુસલમાનોના ઘર પર બુલડોઝર ચલાવી જાણે. જેના દ્વારા મુસલમાનો તો છોડો હિંદુઓનું ભલું થાય એવું રચનાત્મક કામ કરવાનું કોઈ ગજું આ લોકો નથી ધરાવતા. એ બધું “હિંદુધર્મવિરોધી”, “ધર્મદ્રોહી”, દેશદ્રોહી “સેક્યુલરિયા”ઓ કરી ગયા જેને બરબાદ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓના જતન અને સંવર્ધન માટે પહેલાં અંગ્રેજોએ સ્થાપેલી અને આઝાદી પછી કૉંગ્રેસીઓએ સ્થાપેલી શિક્ષણ સંસ્થાનોની આજની સ્થિતિ પર નજર નાખી જુઓ. તેઓ સંસ્કૃત યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફેરવી રહ્યા છે કે જેથી તેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરી શકે. એમાં કોણ બેઠા છે એ જોઈ જુઓ. દિવસમાં એક પાનું વાંચતા હાંફી જાય એવા “વિદ્વાનો”ને ત્યાં બેસાડવામાં આવ્યા છે. ત્યાં શું કામ થઈ રહ્યું છે એ તપાસી જુઓ. પશ્ચિમમાં બેઠેલા ગૈર હિંદુ વિદ્વાનો જેટલું કામ કરે છે તેની સામે આ લોકો ચરકવા જેટલું પણ કામ નથી કરી શકતા. કૂવામાં હોય તો હવાડામાં આવે ને! જ્યાં વિચારવાની અને શંકા કરવાની મનાઈ હોય ત્યાં કદાપિ વિદ્વતા હોય!
ટૂંકમાં જે વિષયો તેમને વહાલા છે એ વિષયો પર મુસલમાનો માટે દ્વેષ નહીં ધરાવતા સેક્યુલર વિદ્વાનોએ નક્કર કામ કર્યાં છે અને કરે છે. ૧૭૮૪માં સર વિલિયમ જોન્સે કોલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી અને ૧૭૯૧માં જોનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ(આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)ની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધીમાં અઢીસો વરસમાં ભારતીય પ્રાચીન ભાષાઓ અને વિદ્યાઓના સંવર્ધન માટે ઉદારમતવાદી સેક્યુલર વિદ્વાનોએ જેટલાં કામ કર્યાં છે એનો એક ટકો કામ પણ હિંદુહિતનો ઝંડો લઈને ફરનારાઓ નથી કરી શક્યા.
જગતમાં હિંદુઓ ગર્વ સાથે માથું ઊંચું કરી શકે એવા રચનાત્મક કામો કરવાનું તેમનું ગજું પણ નથી અને તેમને તેમાં રસ પણ નથી. મુસલમાનોને સતાવો અને હિંદુઓના એક વર્ગને રાજી કરો. પરપીડનમાં આનંદ અનુભવનારા લોકો દરેક સમાજમાં હોય જ છે. એમાં માથે તવાઈ છે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત કેટલાક લોકો યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માગે છે. ઓછામાં પૂરું વિધાસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાંથી પાંચ બેઠકોમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પરાજય થયો હતો. યોગી માટે આકરાં ચઢાણ છે અને પક્ષમાં તેમની સામે બળવો થઈ રહ્યો છે. નબળો નર નારી પર શૂરો એના જેવું છે.
સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોને હસતા હસતા સવાલ કર્યો હતો કે રાંધનારા, પીરસનારા, સાફ કરનારા, અનાજ ઉગાડનારા, ખરીદનારા, વેચનારા, સપ્લાય કરનારા એમ પવિત્ર હિંદુઓ કોના કોનાથી બચશે? અને એક સવાલ જજોએ નથી કર્યો પણ લોકો કરે છે. પવિત્ર હિંદુઓએ હવેથી અમરનાથની યાત્રાએ તો ન જ જવું જોઈએ. ત્યાં ડોળી ઊંચકનારાઓ અને ઘોડાવાળાઓ અપવાદ વિના મુસલમાન છે.
એક હિંદુ એ છે જે રાતના દીવા બાળીને અને આંખો ફોડીને હિંદુઓની (ભારતની) મહાન પરંપરાના ઉજ્વળ પતાકા જગતમાં લહેરાવે છે અને બીજા હિંદુ એ છે જે ભડકા કરીને હિંદુને જગતમાં બદનામ કરે છે. અને હા, મુસલમાનો વિના દેશ અધૂરો છે એમ હજુ મહિના પહેલા કહેનારા અત્યારે ચૂપ છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જુલાઈ 2024