
રમેશ ઓઝા
પશ્ચિમ બંગાળ અને તામીલનાડુની વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં જે પ્રમાણમાં મતદાન થયું એ જોઇને હંગેરી(સાચો ઉચ્ચાર કદાચ હંગરી, પણ આપણી ભાષામાં હંગેરી રૂઢ છે)ની યાદ આચી ગઈ. પશ્ચિમ બંગાળમાં ૯૧. ૭૮ ટકા મતદાન થયું અને તામિલનાડુમાં ૮૪.૬૯ ટકા મતદાન થયું. પશ્ચિમ બંગાળનું મતદાન આઝાદી પછીનો રેકોર્ડ છે. વાચકોને અહીં પ્રશ્ન થશે કે હંગેરીમાં એવું તો શું બન્યું કે તેની યાદ આવી?

૧૬ વરસ પહેલાં હંગેરીમાં એક વિક્ટર ઓર્બન નામનો એક નેતા વડા પ્રધાનપદે ચૂંટાઈને સત્તામાં આવ્યો. ખંધો રાજકારણી હતો. એ પહેલાં પણ ૧૯૯૮થી ૨૦૦૨ એમ ચાર વરસ માટે તે વડા પ્રધાન રહી ચુક્યો હતો. પણ ૧૬ વરસ પહેલાં બીજી મુદ્દત માટે તેણે ઉમેદવારી કરી ત્યારે તેને સમજાઈ ગયું હતું કે કોમ્યુનિકેશન ટેકનોલોજીના નવા યુગમાં આસાનીથી સત્તા પર આવી શકાય છે અને પછી તેને કબજે પણ કરી શકાય છે. સત્તામાં આવવું એ મહત્ત્વનું નથી, દાયકાઓ સુધી સત્તા કબજે કરવાનું મહત્ત્વ છે અને એ હવે શક્ય છે. તેણે ફેંકવાનું શરૂ કર્યું. હંગેરીની સમસ્યા આર્થિક કે ભૌગોલિક નથી, નેતૃત્વની છે. દેશને તાજી હવાની જરૂર છે. એવા નેતાની જરૂર છે જે નવું વિચારે, જેની પાસે ધીંગી સમજ હોય, જે હટકે (આઉટ ઑફ બોક્સ) વિચારી શકતો હોય, જેની પાસે આઈડીયાઝ હોય, વગેરે વગેરે.

વિક્ટર ઓર્બન
લોકોએ તેની વાત માની લીધી અને તેને વડા પ્રધાન બનાવ્યો. હવે તેનો બીજો એજન્ડા હતો દાયકાઓ સુધી સત્તા પર કબજો જમાવવાનો. પહેલાં તેણે મીડિયાવાળાઓને ખોળામાં બેસાડવાનું શરૂ કર્યું. જે ખોળામાં બેસવા તૈયાર નહોતા તેને પત્રકારત્વમાંથી બહાર ધકેલી દીધા. કોઈકનાં લાઈસન્સ રદ્દ કર્યા તો કોઈ સ્વતંત્ર મીડિયા હાઉસને કોઈને કોઈ માર્ગે ફસાવીને છીનવી લીધા. ચારે બાજુ જયજયકાર કરનારાઓ જ બચ્યા. એ પછી તેણે જૂઠાણાં પેદા કરનાર અને ફેલાવનાર સાઈબર સેલ શરૂ કર્યું. શરૂઆતની બે-ત્રણ લેયર જૂઠાણાં ફેલાવનારા પગારદાર સૈનિકોની હોય. દરેકની પાસે ચોક્કસ સંખ્યામાં લોકો હોય, એ પછીની લેયર પાસે વળી અમુક સંખ્યામાં નંબર હોય અને એ પછી ગમાર લોકો જૂઠાણાને સત્ય માનીને આગળ ફેલાવવાનો મોરચો સંભાળી લે. એ પછી ઓર્બન મહાશયે ટ્રોલ લોકોની એક આર્મી પેદા કરી. એ લોકોનું કામ હજુ પણ કહેલું નહીં બોલનારાઓને, સ્વતંત્ર રીતે વિચારનારાઓને અને શંકા કે પ્રશ્ન કરનારાઓને ડરાવવાનું હતું. અમારી ભાષા નહીં બોલો તો ચાલશે, પણ તમારી ભાષામાં બોલશો તો હાલત ખરાબ કરી નાખશું. તેમને ડરાવવામાં આવતા હતા, મા-બહેનની ગાળો આપવામાં આવતી હતી અને તેઓ જે વિચારધારામાં માનતા હતા તે વિચારના પ્રવર્તકોની બદનામી કરવામાં આવતી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ પણ તેની પાસે હતી જેનો તેણે વિરોધીઓને ડરાવવા ભરપૂર ઉપયોગ કર્યો.
એ પછી તેણે વિરોધ પક્ષોને ખતમ કરવાનું શરૂ કર્યું. લોકપ્રતિનિધિઓની ખરીદી, પક્ષીય વિભાજન વગેરે. સામે મેદાનમાં કોઈ બચવું જ ન જોઈએ. વિરોધ પક્ષોને, મીડિયાને અને વિચારનારા ઈન્ટેલેકચ્યુઅલ્સને મેનેજ કરવા પ્રચંડ માત્રામાં પૈસાની જરૂર પડે એટલે તેણે આંગળિયાત ઉદ્યોગપતિનો સાથ લીધો. એ પછી તેણે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો જમાવવાનું ધરું કર્યું. ચૂંટણીપંચ ઓર્બન કહે એ મુજબ ચૂંટણી યોજે અને અદાલત વિરોધ પક્ષોની ફરિયાદ અદાલત સાંભળે નહીં.
ના આ ભારતની વાત નથી. સમાનતા ભલે હોય પણ વાત હંગેરીની છે. જો ભારતની વાત હોત તો ઓર્બન માટે ચૂંટણીપંચે એસ.આઈ.આર.(સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિફોર્મ્સ)નું શસ્ત્ર વાપરીને વિરોધીઓને મતદારયાદીમાંથી હટાવવાનું કામ કરી આપ્યું હોત. બાય ધ વે ગુરુવારે લંડનના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયન’માં અહેવાલ પ્રકાશિત થયો છે કે ભારતનાં ચૂંટણીપંચે એટલી મોટી સંખ્યામાં મતદાતાઓની છટણી કરી છે કે યુરોપના આખેઆખા લોકશાહી દેશોના તમામ મતદાતાઓ બરાબર છે. આ છે વિશ્વગુરુની ભારત બહાર પ્રતિષ્ઠા! પણ ખેર આપણે વાત હંગેરીની કરી રહ્યા છીએ.
હંગેરીમાં ખુલ્લા લોકતાંત્રિક સમાજની ખેવના કરનારાઓને લાગવા માંડ્યું કે હવે હાથમાંથી બાજી સરકી ગઈ છે. આ માણસે એવી રીતે ભરડો લીધો કે તેનાથી મુક્ત થવું મુશ્કેલ છે. તાનાશાહી તેના મધ્યાહ્ને છે અને હવે કોઈ ઉપાય બચ્યો નથી. ઓર્બનને પણ આમ જ લાગતું હતું અને દુનિયાના તાનાશાહો તેમ જ જમણેરી નેતાઓને પણ લાગવા માંડ્યું કે હંગેરીમાં ઓર્બનની પકડ પ્રચંડ પ્રમાણમાં મજબૂત છે. એટલે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપ પ્રમુખ જે.ડી. વાન્સને બુડાપેસ્ટ ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા હતા. ઇઝરાયેલના નેતાન્યાહૂએ પોતાના પુત્ર યાઅર નેતાન્યાહૂને મોકલ્યો હતો. આ સિવાય બીજા દેશોના જમણેરી અંતિમવાદી રાજકારણીઓ પહોંચી ગયા હતા. પુતીને સીધી મદદ કરી હતી. શેતાનોની ધરી રચાઈ ગઈ હતી અને એ ધરી તૂટી શકે એમ નથી એમ તેમને લાગવા માંડ્યું હતું.
મતદાતાઓ પાસે હવે કોઈ વિકલ્પ જ બચ્યો નથી એવી સાર્વત્રિક સમજ હતી. પણ મતદાતાઓએ વગર બોલ્યે એક ઉપાય શોધી કાઢ્યો. કચકચાવીને મતદાન કરવાનો. એટલા પ્રમાણમાં મતદાન કરવાનું કે જેટલા મત મેનેજ કરવામાં આવ્યા હોય કે ચોરી કરવામાં આવ્યા હોય કે કોઈને મતદાન કરતા રોકવામાં આવ્યા હોય તેનો ખાત્મો બોલી જાય. ભારે મતદાન કરીને ખંગ વાળી દેવાનો. શું આસામમાં, પશ્ચિમ બંગાળમાં, તામિલનાડુમાં કશુક આવું બની રહ્યું છે? ખબર નથી. બીજી અનેક રીતે હંગેરી અને ભારતની તુલના થઈ શકે એમ નથી. હંગેરીની વસ્તી એક કરોડની પણ નથી. પણ હંગેરિયનોએ મતદાન તબલાતોડ કર્યું. દુનિયા ચકિત થઈ ગઈ જે રીતે જ્ઞાનેશકુમાર ચકિત થઈ ગયા. જેને મતદાર યાદીમાંથી બહાર કર્યા તેનાથી દસ ગણા વધારે લોકોએ મત આપ્યા. એવું પણ બને કે ભારે મતદાન ચૂંટણી હાઈજેક કરવાના ભાગરૂપે હોય! અત્યારના શાસકો અને ચૂંટણીપંચ કાંઈ પણ કરી શકે એમ છે.
અહીં મને આપણા કવિ નિરંજન ભગતના કથનની યાદ આવે છે. બે દાયકા પહેલાં તેમણે મુંબઈમાં એક વ્યાખ્યાન આપ્યું હતું અને તેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રો પર, માનવીય સભ્યતા પર જ્યારે સંકટ આવે છે ત્યારે તેનાથી તેને છોડાવવાનું કામ સામાન્ય માનવી જ કરે છે. કોઈ પત્રકાર, કોઈ રાજકીય પક્ષ, કોઈ રાજકીય નેતા એ ન કરી શકે. કારણ એ છે કે તેનું (પ્રજાનું) માનસ જ્યારે કરવત બદલે છે ત્યારે તેને મેનેજ કરી શકાતું નથી. એ અશક્ય છે. કોઈ તાકાત કામમાં આવતી નથી. પ્રજામાનસમાં શાંત કોલાહલ પેદા થાય છે, એ વગર સંપર્કે સંક્રમિત થાય છે અને સંકટનું મોચન થાય છે.
આ કદાચ વિશફુલ થીંકીંગ પણ હોય. પરંતુ હંગેરી અને બ્રાઝીલમાં પ્રચંડ મતદાન દ્વારા પરિવર્તન જોવા મળ્યું છે. જુઓ શું થાય છે. હમણાં કહ્યું એમ આટલું મતદાન ચૂંટણીપંચની રમત હોય તો પણ આશ્ચર્ય નહીં પામતા. ચૂંટણીપંચ બી.જે.પી.ની નિર્વાચન પાંખ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2026
![]()

