સપનું જોનાર જ નહિ, સપનાને સાચું પાડનાર સર આદમજી પીરભોય
અંધારૂં અરધાંગમાં, અરધે અંગ ઉજેશ,
જાણે પર્વત લાવીઓ અર્ધનારીનો વેશ.
આ શબ્દો છે કવીશ્વર દલપતરામના. લખાયા હતા માથેરાનમાં. તેઓ લખે છે : “સવારમાં પહાડ ઉપરની રચના રમણિક (રમણીય) દેખાતી હતી. જેમ જાદુના ફાનસમાંથી પડદા ઉપર દેવના, અને રાક્ષસ વગેરેના આકાર ઝડપથી બદલાતા દેખાય છે, તેમ જ ઈશ્વરી રચનાથી પહાડ ઉપર ઝડપથી બદલાતા તરેહ તરેહના આકાર દેખાતા હતા. એક જ સમે અડધા પર્વત ઉપર દહાડો, અને અડધા ઉપર રાત દેખાતી હતી.” (કોણ જાણે કેમ, પણ દલપતરામનાં ગદ્ય લખાણોના કોઈ સંપાદનમાં આ લેખ જોવા મળતો નથી.)
હા, જી. અમને ખબર છે કે ઘણા વાચકો પૂછશે કે કવિ દલપતરામ વળી માથેરાન ગયા હતા? ક્યારે? કઈ રીતે? હા, જી. ગયા હતા. શેઠ મંગળદાસ નથુભાઈએ દલપતરામની કવિતા સાંભળવાના ‘શોખથી’ દલપતરામને માથેરાન બોલાવ્યા હતા અને ૧૮૭૦ના મે મહિનાની ૨૫ તારીખે તેઓ માથેરાન ગયા અને સાતેક દિવસ ત્યાં શેઠના મહેમાન તરીકે રહ્યા. આ મુસાફરી પર આધારિત તેમનો લેખ ‘માથેરાનની મુસાફરી’ ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના એ જ વરસના જુલાઈ અંકમાં છપાયો હતો. દલપતરામ નેરળથી માથેરાન પગરસ્તે ગયા હતા (કારણ એ વખતે બીજો કોઈ રસ્તો હતો જ નહિ.) પણ એ રસ્તા અંગે તેમણે ઝાઝું લખ્યું નથી.

૧૮૯૧માં પ્રગટ થયેલું ગુલબાઈ ફરામજી પાઠકનું પુસ્તક ‘માથેરાન’
એ માહિતી મળે છે ૧૮૯૧માં પ્રગટ થયેલા ગુલબાઈ ફરામજી પાઠકના ‘માથેરાન’ નામના પુસ્તકમાંથી. તેઓ લખે છે: “૧૮૫૩ના વરસ અગાઉ કરજત થઈને ચોકને રસ્તે આ ટેકડી ઉપર જવાતું હતું, પણ ત્યાર પછી નેરળથી ઉપર જવાનો રસ્તો મિસ્ટર ઈ.વી. વેસ્ટ નામના સિવિલ એન્જિનિયરે રૂપિયા દસ હજારના ખર્ચે યોજ્યો હતો અને તે ૧૮૫૩માં પૂરો થયો હતો.” આ રસ્તે ચાલીને, અથવા ડોળીમાં કે ઘોડા પર બેસીને માથેરાન પહોંચી શકાતું.
એક તો અઘરું ચડાણ, આવવા-જવાનું મોંઘુ, એટલે અંગ્રેજ સરકારના નોકરો કે બીજા બ્રિટીશરો, માલેતુજાર પારસીઓ કે બીજા શેઠિયાઓ સિવાય બહુ ઓછાને માથેરાન જવાનું પોસાતું. પરિણામે એ વખતે માથેરાનમાં બજારમાં ફક્ત દસ દુકાન હતી, અને ફક્ત છ હોટેલ હતી,. સૌથી સારી હોટેલમાં એક રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા પાંચ, જેમાં આખા દિવસની ખાણીનો પણ સમાવેશ થતો (પણ ‘પીણી’નો નહિ).

સર આદમજી પીરભોય
મુંબઈના બીજા માલેતુજાર શેઠિયાઓની જેમ સર આદમજી પીરભોય પણ અવારનવાર મુંબઈથી માથેરાન જતા. અને આ સર સાહેબ હતા ગયે અઠવાડિયે આપણે જેની વાત કરેલી તે વહોરા જમાતનાં એક અગ્રણી, મુંબઈના એક મોટા વેપારી. પણ આ માણસ હતો જરા જુદી માટીનો. એને વિચાર આવ્યા કરે કે મારા જેવાને તો આવી મોંઘી મુસાફરી પોસાય. પણ ‘આમઆદમી’નું શું? એને બિચારાને આ અઘરી અને મોંઘી મુસાફરી કઈ રીતે પોસાય? અને એક દિવસ મનમાં વિચાર ઝબકયો : ‘નેરળથી માથેરાન જતી ટ્રેન શરૂ થાય તો એ મુસાફરી બધાને પોસાય.’ અંગ્રેજ સરકારના ‘સાહેબો’ સાથે ઊઠવા-બેસવાને કારણે તેમની સાથે ઘરોબો. તેમને કાને વાત નાખી. એ વખતે મુંબઈથી નેરળ (અને પછી આગળ) જતી ગ્રેટ ઇન્ડિયા પેનેનસ્યુલા રેલવે હતી ખાનગી માલિકીની. તેણે તો તરત નનૈયો ભણી દીધો. અને સરસાહેબે મનોમન ગાંઠ વાળી : નેરળથી માથેરાન સુધીની ટ્રેન હું સુરુ કરસ જ.
પણ આ સર આદમજી પીરભાઈ હતા કોણ? કાઠિયાવાડના ધોરાજી ગામમાં ૧૮૪૬માં જન્મ. માતાપિતાનું નામ સકીનાબાનુ અને કાદરભાઈ. ઘરમાં ગરીબીના આંટાફેરા સતત ચાલુ. ધોરાજીમાં રહીને કાંઈ આશાનો સૂરજ ખીલવી શકાશે નહિ એમ લાગતાં ખિસ્સામાં પાંચ રૂપિયા (એ વખતે એ બહુ નાની રકમ નહીં) લઈને નસીબ અજમાવવા મુંબઈ આવ્યા. મહીને એક રૂપિયાના ભાડામાં ‘ઘર’ મળ્યું. હવે સવાલ એ કે ઓછામાં ઓછી મૂડીમાં ધંધો શો કરવો? અને આદમજીના ભેજામાં બત્તી થઈ : ‘કોટ વિસ્તારની ફૂટ પાથ પર બેસીને માચીસની પેટીઓ વેચવી. બાકીના મહિનામાં તો ટાઢ-તડકો વેઠીને ફૂટ પાથ પર બેસીને માચીસ વેચાય પણ ચોમાસામાં? કોટ વિસ્તારમાં જ લુકમાનજી શેઠની એક દુકાન. તેના એક ખૂણામાં બેસીને માચીસ વેચી શકાય. પણ એ માટે ભાડું આપવાનાં ફદિયાં તો ખિસ્સામાં મળે ની. અને કોઈનું બી કસ્સું બી મફતમાં લેવાય કે વપરાય નહિ. એટલે આદમજીએ લુકમાનજી શેઠ આગળ દરખાસ્ત મૂકી: રંગ અને બ્રશ તમારાં, મહેનત મારી. તમારું આખું ઘર હું એક દમડી બી લીધા વનાં રંગી આપસ. પછી તો રાત-દિવસ જોયા વગર રંગવા લાગ્યા ઘર. શેઠ કહે કે વરસાદમાં આવ-જા કરવા કરતાં અહીં જ રહી જા. આખો દિવસ કામ કર્યા પછી આદમજી રાતે હાથમાં કિતાબ લઈને બેસે. ધીમે ધીમે, જાતમહેનતે થોડું થોડું ગુજરાતી વાંચતાં-લખતાં શીખ્યા. થોડા સરવાળા-બાદબાકી શીખ્યા.
લુકમાનજી શેઠનો એક અંગ્રેજ મિત્ર, લેફ્ટનન્ટ સ્મિથ. અવારનવાર આવનજાવન. આદમજીએ જે રીતે ઘરને રંગીને શોભીતું કીધું હુતું તે આ સ્મિથ સાહેબને પસંદ પડી ગયું. કહે કે હવે મારો બંગલો રંગી આપ. આદમજીએ રંગેલો બંગલો જોઇને તો સ્મિથસાહેબ ખુશ ખુશ. લશ્કરનાં અને સરકારનાં બીજાં મકાનો રંગવાના કન્ત્રાક પણ એક પછી એક આદમજીને મળવા લાગ્યા. પછી મળ્યું લશ્કર માટે તંબુ બનાવવાનું કામ, સૈનિકો માટે બૂટ બનાવવાનું કામ. બે વરસ વીત્યાં. ખિસ્સામાં પાંચ રૂપિયા લઈને મુંબઈ આવેલા આદમજી પાસે મૂડી થઈ ગઈ રૂપિયા પાંચ લાખની. પણ મૂડી કરતાં ય વધુ કિંમતી તે તો મુંબઈની બજારમાં બંધાયેલી એવનની શાખ.
પછી તો આદમજી કી સવારી નિકલ પડી. વીસ વરસની ઉંમરે મલબાર હિલ પર પોત્તાનો બંગલો બંધાવ્યો, પીરભોય પેલેસ’ (પછીનું નામ સૈફી મહાલ). ઘરમાં બે ઘોડાવાળી ગાડીઓ, નોકર-ચાકરનો કાફલો, રજવાડી રાચરચીલું. પણ બધી પસીનાની કમાણી.
પૈસો આવતો ગયો તેમ જમાતના અને પછી બીજા બધા લોકોના હિતનાં કામ કરવા લાગ્યા. સખાવતો માટે દિલના દરવાજા ખુલ્લા. પોતે ઝાઝું ભણી શક્યા નહોતા પણ જમાતના અને બીજાં બાળકો માટે ૨૭ નિશાળ શરૂ કરાવી. એ નિશાળો ચલાવવા માટે દર વરસે ૧૨-૧૩ હજાર રૂપિયા ખરચતા. ૧૮૮૫મા સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ચારની રોડ સ્ટેશન સામે ‘સર આદમજી પીરભોય સેનેટોરિયમ બંધાવ્યું. આ ઉપરાંત તેમણે આદમજી પીરભોય હોસ્પિટલ અને ૧૯૦૩મા પત્નીના અવસાન પછી અમનબાઈ ચેરીટેબલ હોસ્પિટલ પણ બંધાવી. તેમની લોકસેવાને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે તેમને પહેલાં જસ્ટિસ ઓફ પીસ (JP)ની પદવી આપી. ૧૮૯૭માં મુંબઈના પહેલવહેલા શેરીફના સ્થાને આદમજી શેઠ નિમાયા. ઈ.સ. ૧૯૦૦માં ‘કૈસરે-હિન્દ’નો મરતબો આપ્યો. અને ૧૯૦૭માં ધોરાજીનો આ લગભગ અભણ છોકરો બન્યો સર આદમજી પીરભોય. ૧૯૧૩ના ઓગસ્ટની ૧૧મી તારીખે તેઓ જન્નતનશીન થયા.

મલબાર હિલ પરનો ‘પીરભોય પેલેસ’
પણ હવે પાછા જઈએ નેરળ-માથેરાન ટ્રેન તરફ. જી.આઈ.પી. રેલવે આ કામ કરવા માટે તૈયાર ન હોય તેથી શું થયું? હિંમતે મર્દા તો મદદે ખુદા. ખુદાનું નામ લઈ સર આદમજી પીરભોયે નક્કી કર્યું કે આ કામ હું પોતે કરસ. પણ એવન પાક્કા વ્યવહારુ પણ હતા. જે લાઈનમાં બે પાટા વચ્ચે અઢી ફૂટનું અંતર હોય તે તે વખતે નેરોગેજ રેલવે લાઈન. એવી લાઈન શરૂ કરવા માટે દિલ્હી જ નહિ, લંડન સાથે પણ લાંબી લખાપટ્ટી કરવી પડે. એટલે પહેલાં તો નક્કી કર્યું કે નેરળ-માથેરાન લાઈનના બે પાટા વચ્ચેનું અંતર અઢી ફૂટ નહિ, પણ બે ફૂટ રાખવું. આમ કરવામાં બે ફાયદા. એક તો આવી લાઈન શરૂ કરનારી કંપની કાયદાની દૃષ્ટિએ ‘ટ્રામ વે કંપની’ ગણાય. એ શરૂ કરવા માટે સરકારી ઓફિસોનાં પગથિયાં બહુ ઘસવાં ન પડે. અને લંડન સુધી જવાની તો જરૂર જ નહિ. બીજો ફાયદો એ કે માથેરાનના ડુંગર પર ચડવા માટેનો રસ્તો થોડો ઓછો પહોળો રાખી શકાય. તેના વળી બે ફાયદા. ખરચ થોડો ઓછો, અને કામ થોડું ઝડપથી થાય.
યાદ રહે કે આ કામ ૨૦મી સદીના પહેલા દાયકામાં થયેલું. આજના જેવાં મશીનો નહિ. મોટા ભાગનું કામ મજૂરો પાસે કરાવવાનું. ડુંગરના વળાંકોને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે પહેલાં કેડી તૈયાર કરવાની. એ તૈયાર થઈ ત્યારે તેમાં કુલ ૨૦૦ વળાંકો! પછી કામ શરૂ થયું પાટા નાખવાનું. સર આદમજી પીરભોયે ગજબની દૂરંદેશી વાપરીને નક્કી કર્યું કે નામ ભલે ટ્રામનું, પણ કામ તો ટ્રેન પ્રમાણે જ કરવું. એટલે રેલવેમાં વપરાય તેવા વધુ મજબૂત પાટા નખાવા લાગ્યા. પહેલાં તો કેટલાંયે ઝાડ કપાયાં. ડુંગરના કાળમીંઢ પથ્થરો તોડાયા. કુદરતી ઢોળાવને ધ્યાનમાં રાખીને કેડી બનાવી. નેરળથી માથેરાન વચ્ચે ૧૩ માઈલના અંતર પર પાટા નખાયા. એ કામ ૧૯૦૧માં શરૂ થયું અને ૧૯૦૭માં પૂરું.

નેરળથી માથેરાન જતી પહેલી ટ્રેન, ૧૫ એપ્રિલ,૧૯૦૭
એક બાજુ આ બધું કામ ચાલતું હતું અને બીજી બાજુ સરસાહેબ ઊપડ્યા જર્મનીની મુલાકાતે. આ ‘ટોય ટ્રેન’ માટે એન્જિન ખરીદવા. ત્યાંથી પહેલાં બે એન્જિન – નંબર ૭૩૮ અને નંબર ૭૪૧ – લાવ્યા. તેમાંનું ૭૩૮ નંબરનું એન્જિન આજે પણ નેરળ સ્ટેશનના ઉત્તર દિશાના ખૂણામાં ગોઠવાયેલું જોવા મળે છે. તેની બાજુમાં જે લખાણ છે તે પ્રમાણે સરસાહેબ જ્યારે એન્જિન ખરીદવા જર્મની ગયા ત્યારે આ એન્જિનમાં બેસીને તેમણે થોડી મુસાફરી કરી હતી, એન્જિનને ચકાસવાના ઈરાદાથી. ૧૯૦૭માં બીજાં બે એન્જિન મગાવ્યાં. અને ૧૯૧૭માં પાંચમું એન્જિન આવ્યું. નેરળ-માથેરાન ટ્રેન ૧૯૮૨ સુધી સ્ટીમ એન્જિનથી ચાલતી રહી. અને ત્યાં સુધી એ કામ આ અસલ પાંચ એન્જિન જ કરતાં રહ્યાં!
અને છેવટે એ દિવસ આવ્યો: ૧૯૦૭ના એપ્રિલ મહિનાની ૧૫મી તારીખ. સવારે સાડા દસ વાગ્યે પહેલવહેલી ટ્રેન (કાયદાની દ્રષ્ટિએ ટ્રામ) નેરળથી ઊપડી અને બપોરે બે વાગ્યે માથેરાન પહોંચી! એ વખતે એક બચુકડું સ્ટીમ એન્જિન, તેને જોડેલા પાંચ ડબ્બા. ફર્સ્ટ ક્લાસના એક ડબ્બાને માથે છાપરું. આ લખનાર જેવા માટેના થર્ડ ક્લાસના ડબ્બાને માથે છાપરું નહિ! આ લાઈન બાંધવાનો કુલ ખર્ચ, એ જમાનામાં, અધધધ ૧૬ લાખ રૂપિયા, જે સર આદમજી પીરભોયે પોતે ઉપાડી લીધેલો.
સર આદમજી પીરભોયે આ કામ પોતે ઉપાડીને પૂરું કર્યું એટલે જ આજે મુંબઈના મધ્યમ વર્ગનું બાળક પણ ગાય શકે છે : ‘મમ્મી ચાલને માથેરાન!’
***
ખુલાસો: શનિવાર, તા. ૧૮ એપ્રિલના રોજ આ કોલમમાં પ્રગટ થયેલા લેખમાંના સૈફી હોસ્પિટલના ઉલ્લેખ અંગે હુસેન આદમજી પીરભોયે ઈ-મેલ દ્વારા નીચે પ્રમાણે જણાવ્યું છે :
The property in question is, in fact, still owned by the family of Sir Adamjee Peerbhoy. Syedna Saheb holds the position of a Trustee and is not the owner of the property.
આ અંગે જણાવવાનું કે ઉપરોક્ત લેખમાં સૈફી હોસ્પિટલની જગ્યા નામદાર સૈયદનાસાહેબની માલિકીની છે/હતી એવું ક્યાં ય જણાવ્યું નથી. માત્ર આટલો જ ઉલ્લેખ કર્યો છે : “આ બહુમાળી હોસ્પિટલ ઊભી કરવાનો મૂળ વિચાર સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો.” કોઈ પણ જમાતની આંતરિક બાબતો અંગે આ કોલમમાં ક્યારે ય ટીકાટિપ્પણ ન જ કરવી એવો નિયમ રાખ્યો છે. – દી.મ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 ઍપ્રિલ 2026
![]()

