
‘અમારા પર શું શું નથી વીત્યું ? રંગભેદના પુરસ્કર્તાઓએ એક વખત મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બે વખત અમારા ઘર પર બૉમ્બ ઝીંકવામાં આવ્યા અને મારી પ્રવૃત્તિઓ બદલ મહિનાઓ સુધી મુકદમો ચલાવ્યા વિના મને જેલમાં ગોંધી રાખવામાં આવી હતી. બાર વર્ષ સુધી મારા પર જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પ્રતિબંધ હતો અને મારા ઘરની આસપાસ બે કિલોમીટરના વિસ્તાર સિવાય બીજે બહાર જવાની મનાઈ હતી.’
− ફાતિમા મીર
(તુષાર ભટ્ટકૃત ‘રેતીમાં રેખાચિત્રો’)
°
ગુજરાતી – અંગ્રેજીના વરિષ્ટ પત્રકાર તુષાર ભટ્ટ, વધુમાં, ‘રેતીમાં રેખાચિત્રો’માં નોંધે છે, ફાતિમાબહેન મીર આ વાતો કરતાં હતાં ત્યારે એમના અવાજમાં કોઈ કટુતા નહોતી. એમને પૂછ્યું કે તમને કડવાશ કેમ નથી આવી. સાહજિકતાથી એમણે જવાબ આપ્યો, ‘ગાંધીજીએ શીખવેલું કે જુલમગારો જુલમ કરવા સિવાય બીજી કોઈ રીતે વર્તી શકતા નથી, તેથી એ વિશે આપણે મનમાં કડવાશ સંઘરવી નહીં.’
ફાતિમાબહેને કહ્યું, ‘મારું બીજું ગુજરાતી કનેકશન છે મહાત્મા. હું માનું છું કે ગાંધીની વાત આજે પણ વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે એકસરખી પ્રસ્તુત છે. ભારતથી દૂર બેઠે બેઠે ગાંધી પાસે અમે એ શીખ્યાં કે માણસે પોતે કેવી રીતે પોતાના આત્માનું અનુસંધાન કરવું જોઈએ. આ અનુસંધાને મન્ડેલા અને મારા જેવા અગણિત દક્ષિણ આફ્રિકાવાસીઓને સધિયારો આપેલો કે રંગભેદની રાત્રી ગમે તેટલી ઘેરી અને લાંબી હોય, સમાનતાનો સૂર્યોદય નિશ્ચિત જ છે. આ સૂર્યોદય હવે થયો છે, પણ વાત પૂરી નથી થઈ, અત્યારે અમારા સમાજનું પુન:નિર્માણ-પુનરુત્થાન કરવાનું બાકી છે. રંગભેદની નીતિમાં માનતી સરકાર ભૂતકાળ બની ગઈ છે, પણ તેથી કામ પૂર્ણ થતું નથી.’
તુષાર ભટ્ટના મતાનુસાર, ઘણા અંશે ફાતિમા મીર અને તેમના સાથીઓની લડત ભારતના સ્વરાજની મથામણ કરતાં પણ વધુ કપરી છે. દારુણ ગરીબી અને પુરુષપ્રધાન સમાજમાં સમાનતાના આદર્શો સ્થાપવા સહેલા નથી, પણ આજીવન ગાંધીવાદી ફાતિમાબહેન જીવનસંધ્યાનાં વર્ષોમાં પણ નિરાશ નથી. ‘કામ ચાલતું જ રહે છે, વ્યક્તિઓ હોય કે ન હોય, ગાંધીવિચાર કોઈ ને કોઈ પ્રગટવાનો છે, પાંગરવાનો છે અને ચિરકાળ સુધી રહેવાનો છે.’
અને છેવટે, તુષારભાઈ સો મણનો તોતિંગ સવાલ પૂછી પાડે છે : ‘ગાંધીના દેશ કહેવાતા ભારત અને જન્મભૂમિ કહેવાતા ગુજરાતમાં આવી શ્રદ્ધાનાં કેટલાં કોડિયાં સળગતાં મળે ?’
•••
જાણીતા પત્રકાર, કવિ તેમ જ લેખક સલિલ ત્રિપાઠીકૃત ‘ગુજરાતીઝ’ [Gujaratis] નામક પુસ્તક અનુસાર, હિન્દવી અસ્મિતાની ચાલ મજબૂત થાય તે સારુ મૂસા મીરે ‘ધ ઇન્ડિયન વ્યૂઝ’ સામયિકનો આદર કરેલો. અને એમાંથી પ્રેરણા મેળવીને મૂસા ઇસ્માઈલ મીરનાં આ પુત્રી, ફાતિમા મીરને બહાદુરીનો વારસાલાભ મળેલો. ફાતિમાબહેનની એંશીની વર્ષગાંઠ નિમિત્ત નેલ્સન મન્ડેલાએ ‘ડિયર ફાતુ’…ને ઉદ્દેશીને અંગત કાગળમાં લખેલું, ‘રંગભેદ સામેના આંદોલનમાં તમારા ફાળા માટે તેમ જ લોકશાહીની ઈમારત મજબૂત કરવા માટે તમારું યોગદાન સ્વાભિવકપણે આદરભેર નોંધાયાં છે અને તે કદાપિ નજરઅંદાજ ન બને તેમ ઇચ્છીશ. મને અને મારા પરિવારને અનેકાધિક વરસો લગી હૂંફની જરૂર પડી ત્યારે તમારાં અને ઇસ્માઈલ દ્વારા મળ્યાં જ છે. અને તેનું ઋણ જીવનભેર મને યાદ રહેવાનું છે.’
સંસ્થાનવાદના વિરોધી કર્મશીલ, ’ધ ઇન્ડિયન વ્યૂઝ’ના તંત્રી તેમ જ ડરબનના રહેવાસી મૂસા ઇસ્માઈલ મીર [1896 – 30 મે 1963] દક્ષિણ આફ્રિકાની શ્વેત લઘુમતી સરકારના નખશીખ વિરોધી હતા. વળી, રંગભેદી ચળવળના એક કર્મઠ આગેવાન ફાતિમા મીરના પિતા તરીકે ય જાણીતા રહ્યા છે. મૂસાભાઈનો જન્મ સુરતમાં થયો હતો. ઈસ્લામ અંગે એમનો ઉદારમતી મત હતો અને રૂઢિચુસ્ત વિચારધારા બાબત તર્કબધ્ધ ચર્ચાવિચારણા થાય તેમ તેઓ માનતા. સામયિકની બહુ મોટી અસર વાચકોને થઈ જ હોય, પરંતુ એમની પુત્રી ફાતિમાનું ઘડતર એથી જ થયું હતું. ફાતિમાબહેનની કાર્યપ્રવૃત્તિઓ પર તે ઉદારમતની ઝાઝેરી અસર વર્તાતી રહી છે. રેચલ ફારેલ [Racheal Farrell] મૂસા મીરને પરણ્યાં હતાં અને તેમણે અમીના નામ ધારણ કરેલું. આ દંપતીનું સંતાન એટલે ફાતિમા મીર. ફાતિમાબહેનનો જન્મ 12 ઑગસ્ટ 1928ના દિવસે ડરબન ખાતે થયો હતો.
ફાતિમા મીર એટલે દક્ષિણ આફ્રિકાનિવાસી લેખિકા, વિદ્વાન અધ્યાપિકા, પટકથા લેખિકા, તેમ જ અગ્રગણ્ય રંગભેદ વિરોધી કર્મશીલ. ગુજરાતના પ્રતિબદ્ધ પત્રકાર અને કર્મઠ કર્મશીલ આગેવાન પ્રકાશભાઈ ન. શાહ જોડે સન 2009 વેળા દક્ષિણ આફ્રિકા જવાનો યોગ થયેલો. મહાત્મા ગાંધીનાં પૌત્રી ઇલાબહેન ગાંધી અમને અનાયાસે ફાતિમા મીરને મળવા લઈ ગયેલાં. એ જૂન માસની 14મી તારીખ હતી.
“ઓપિનિયન”ના 26 ઑક્ટોબર 1996ના અંકમાં, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી ‘દક્ષિણ આફ્રિકાનાં સાંગોપાંગ ગુજરાતી ફાતિમા મીર’ નામક લેખમાં લખે છે, ‘ફાતિમાબહેન પોતાના પિતાના વારસાને બિરદાવતાં લખે છે : ‘મારા પિતાજીને જોખમ ખેડીને પણ અન્યાય સામે લડતા જોયા. એ જ વારસો મારામાં આવ્યો. મેં 17 વર્ષની ઉંમરે શાળામાં ભણતાં ભણતાં જ રંગભેદની નીતિનો વિરોધ કરવાનું ક્રાંતિકારી પગલું ભર્યું. વાંચવાનો શોખ પણ એમણે વિકસાવ્યો. ‘ઇન્ડિયન ન્યૂઝ’ નામનું છાપું ચલાવતા એટલે છાપાંની દુનિયા પણ ઘરમાં જ હતી. મારા પિતા પછી, એ છાપું મેં ચલાવેલું.’
ફાતિમાબહેન બહોળા પરિવારમાં ઉછરેલાં હોઈ, સ્થળાંતર કરી ગયેલી હિન્દવી કોમમાં અન્યત્ર બને છે તેમ મીર પરિવારને ય ગુજરાતી – હિન્દવી તેમ જ મુસ્લિમ સંસ્કૃતિનો લાભ મળતો રહેલો. રંગભેદી સમાજમાં ટકી જવા, નભી જવા સારુ આથી બળ મળી રહ્યું હતું. આ મીર પરિવારમાંથી કેટકેટલા પુરષ સભ્યોને દક્ષિણ આફ્રિકાની વિવિધ ઇન્ડિયન કૉગ્રેસમાં સક્રિયપણે સેવા કરવાની તક સાંપડી હતી. સોળ વરસની વયે તો ફાતિમાબહેને 1944 વેળા બંગાળમાંના દુષ્કાળના રાહતફાળા માટે એક હજાર પાઉન્ડની રકમ ભેગી કરી હતી. એ દિવસોમાં ફાતિમાબહેન ડરબનની ઇન્ડિયન ગર્લ્સ હાઈ સ્કૂલમાં વિદ્યાર્થિની હતાં. આ જ સમયે એમણે ‘સ્ટૂડન્ટ પાસિવ રેઝિઝ્ટન્સ કમિટી’ ઊભી કરી, વિદ્યાર્થિનીઓને તેમાં સામેલ કરવાનું કામ કર્યું. આ સમિતિએ 1946-1948 વેળા હિન્દીઓના અહિંસક પ્રતિકાર આંદોલનને ટેકો કરવા ભંડોળ પણ ઊભું કર્યું. પરિણામે એમને જાહેર સભાઓમાં બોલવા સારુ આમંત્રણ મળતાં હિન્દીઓનાં આગેવાનો – યુસૂફ દાદુ, મોન્ટી નાઇકર તેમ જ કેસવેલુ ગૂનામ જોડે મળવા હળવાનો ય અનાયાસે એમને જોગ થયો.
ત્યાર બાદ, એમણે યુનિવર્સિટી ઑવ્ ધ વિટવોટર્સરાન્ડ[Witwatersrand]માં એક વરસ ગાળ્યું. ‘નૉન યુરોપિયન યુનિટી મૂવમેન્ટ’ જોડે સંકળાયેલા ‘ટૃોટસ્કીઈઝમ’ના સભ્યપદે ય હતાં. બાદમાં એમણે યુનિવર્સિટી ઑવ્ નાતાલમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી અને તેની પૂંઠે સમાજશાસ્ત્રમાંથી અનુસ્તાનકની ઉપાધિ પણ મેળવી.
નાની વયથી ફાતિમાબહેન ‘ઇન્ડિયન વ્યૂઝ’નાં વિવિધ પ્રકાશન કામમાં પિતાને સહાયક રહેતાં. આમ એમને લિખિત અને બોલાતા શબ્દની તાકાતને પિછાણવાની તક મળી. વળી કિશોરાવસ્થાથી જ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવાનો યોગ થયો. પરિણામે અધ્યાપન ક્ષેત્રે લેખિકા, માનવ અધિકાર ક્ષેત્રે કર્મઠ કર્મશીલ તેમ જ રાજનીતિના જાણકાર તરીકે ય એમનું ઘડતર થયું.
નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારી સમિતિમાં, સન 1950 દરમિયાન, કેસવેલૂ ગૂનામ જોડે ચૂંટાઈ આવનારાં પહેલવહેલાં મહિલા સભ્ય હતાં. દેખાવે નાના અને નાજુક લાગતાં છતાં જાહેર જીવનમાં શક્તિશાળી આગેવાન સ્થાપિત થયાં. આમ એ બુદ્ધિશાળી, હાજરજવાબી, ઉત્કટ ભાવનાશાળી, મજબૂત મનોબળવાળાં અને જોસ્સાવાળાં આગેવાન બની રહ્યાં. બીજાં અસંખ્ય હિન્દવી લોકોની જેમ, સન 1946માં, ફાતિમાબહેન પણ સત્યાગ્રહ આંદોલનોમાં સક્રિય બની ગયાં. દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં શાસન સામે ભારે ઉદ્દામવાદી પ્રતિકારક તરીકેનું સ્થાન આ સત્યાગ્રહોને મળ્યું છે. ફાતિમાબહેન ઉપરાંત મીર પરિવારના બીજા ચારેક સભ્યો આ આંદોલનમાં સક્રિય હતાં. એમને જેલવાસ કરવાનો ય વારો થયો હતો. ઝોહરા મીર અને ઈસ્માઈલ મીરનો આમાં સમાવેશ છે.
સન 1949 વેળા ડરબનમાં કોમી તોફાન ફાટી પડ્યા. પરિસ્થિતિ હળવી થતાં, ફાતિમા મીર શાંતિ જાળવવાના અને રાહત કામોમાં સક્રિય હતાં. હિન્દવી જમાતના લોકો તથા ઝુલુ લોકો વચ્ચે સુમેળ સર્જાય એવાં કામોમાં મચી રહ્યાં. ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ વીમેન્સ લીગ’માં એમણે મંત્રી પદ સંભાળ્યું. જ્યારે બર્થા મખીઝે [Bertha Mkhize] અધ્યક્ષ પદે હતાં. કેટો મેનર જેવી ઝૂપડપટ્ટીમાંના નિર્ધન લોકોમાં દૂધનું વિતરણ કર્યું અને ઘોડિયાઘરની સગવડ ઊભી કરી. ન્યાય, સુમેળ ભર્યો વર્તાવ તેમ જ અહિંસક પ્રતિકારની તરફેણમાં સતત સક્રિયતા જળવાય તે સારુ એમણે દક્ષિણ આફ્રિકી ભેરુઓ જોડે તનતોડ મહેનત કર્યા કરેલી.
આને કારણે ફાતિમા મીરની રાજકીય સમજણ ખૂબ વધવા લાગેલી. 1950માં વિવિધ કાઁગ્રેસ વચ્ચે સંયુક્તપણે આંદોલન થાય તેવું વાતાવરણ પણ ઊભું થયું. તેથી ‘ડિફાયન્સ’ આંદોલને જોર પકડ્યું. અને 1952માં રંગભેદી શાસકોએ ‘સપ્રેશન ઑવ્ કમ્યુનિઝમ એક્ટ’ પસાર કરાવીને અનેક આગેવાનો પર દમનનો કોરડો વિંઝાતો ગયો. બીજી પાસ, ફાતિમાબહેનને ડરબન જિલ્લાની બહાર નહીં જવાનો આદેશ હતો. વળી, સભાબેઠકોમાં હાજરી આપવા બાબત તેમ જ પોતાનાં લખાણને પ્રગટ કરવા પર ત્રણ વરસ લગીનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
આ ગાળા દરમિયાન ફાતિમાબહેન, એમના પતિના સહકારમાં, હિન્દવી જમાત અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસ જોડેના સંબંધને મજબૂતાઈ આપવાનાં કામમાં જોતરાયાં હતાં. તેને પરિણામે નેલ્સન મન્ડેલા, વૉલ્ટર સિસુલુ, ઓલિવર ટામ્બો તેમ જ ચીફ આલબર્ટ લુથુલી સાથેનો નિજી ઘરોબો ઊભો થયો. આઝાદીના સંગ્રામની આનંદ આપતી આમ આ એક કથા બની છે. આ અંગેની સિલસિલાબંધ વિગતો ઇસ્માઇલ મીરની આત્મકથા, ‘ઍ ફોરચ્યુનેટ મેન’માં અપાઈ છે. નેલ્સન મન્ડેલા અને ઇસ્માઈલ મીર વચ્ચેની ભાઈ બંધી વરસો જૂની હતી અને સામે પક્ષે ફાતિમાબહેનને વિની મન્ડેલા જોડે નજીકનો સંબંધ હતો. ‘બ્લેક વિમેન્સ ફેરેશન’માં આ બન્ને મહિલાઓની જોડીએ સક્રિય ફાળો આપેલો છે વળી એ બન્નેને છ માસ માટે જેલવાસ પણ ભોગવવાનો થયો હતો.
મન્ડેલાને ફાતિમા મીરમાં ઊંડો ભરોસો હતો. ફાતિમાબહેનનાં લખાણોની પદ્ધતિમાં વિશ્વાસ હતો. તેથી તો મન્ડેલાની પહેલવહેલી જીવનકથા લખવાને સારુ એમની પસંદગી ફાતિમા મીર પર ઢોળાઈ હતી. પરિણામે આપણને અદ્દભુત જીવનકથા, નામે ‘હાયર ધેન હૉપ’ મળે છે.
સન 1955 દરમિયાન, બીજાઓની જોડે ‘ફેડરેશન ઑવ્ સાઉથ આફ્રિકન વીમેન’ નામે સંસ્થા સ્થાપે છે. આ સંસ્થાના નેજા હેઠળ 1956માં પ્રિટોરિયા ખાતે આવેલી ‘યુનિયન બિલ્ડિંગ્સ’ સામે ’પાસ વિરોધી કૂચ’ આદરી દેખાવો યોજવામાં આવેલા. એ જ વરસે યુનિવર્સિટી ઑવ્ નાતાલમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે ફાતિમા મીર જોડાય છે અને તે વિષયક વ્યાખાનો ય આપે છે. તે દિવસોમાં માત્ર શ્વેત લોકો માટેની આ યુનિવર્સિટી લેખાતી. આવું પદ મેળવનાર એ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ પહેલા અશ્વેત અધ્યાપક હતાં. આ પદેથી એમણે 1988 સુધી અદ્યાપન કામ કરવાનું રાખ્યું હતું.

21 માર્ચ 1960ના દિવસે શાર્પવિલમાં પોલિસના ગોળીબારમાં હત્યાકાંડ રચાયો હતો. અને રંગભેદી શાસકોએ મુલકમાં કટોકટી જાહેર કરી. એની પછેતીએ અસંખ્ય લોકોને ગિરફતાર કરાયાં હતાં. ફાતિમાબહેનના પતિ ઇસ્માઈલ મીરને ય ડરબન સેન્ટૃલ પોલિસ સ્ટેશનમાં અટકમાં રાખેલા. પરિણામે ફાતિમાબહેને ડરબન કેદખાના બહાર સાપ્તાહિક ચોકી પહેરો ભરવાનું ગોઠવી કાઢેલું. ઉપરાંત, અટકમાં લેવાયેલા લોકોના પરિવારો જોડે ગોઠવીને ભાણું પહોંચતું કરવાનું ગોઠવેલું. એ જ રીતે ફિનિકસ વસાહતમાં મહાત્મા ગાંધીના પુત્રવધૂ અને મણિલાલ ગાંધીનાં પત્ની સુશીલાબહેન ગાંધીની આગેવાનીમાં જાગ્રત રહેવા, ચોકી પહેરો રાખવાનું ગોઠવેલું. તેમાં ય ફાતિમાબહેન નિયમિતપણે જોડાતાં હતાં.
1970ના દાયકાઓથી તો ફાતિમા મીર દક્ષિણ આફ્રિકા ભરમાં રંગભેદ વિરોધી આગેવાન રૂપે છવાઈ પણ ગયાં. આ દિવસોમાં એમની પ્રવૃત્તિથી એમનો પરિવાર તેમ જ ઇન્ડિયન કાઁગ્રેસ માંહેના એમના સાથીદારો ભારે નારાજ રહેતા હતા. ફાતિમાબહેન શ્વેત અસ્મિતાનો સ્વીકાર કરતાં થયાં અને સ્ટિવ બીકો સંચાલિત ‘સાઉથ આફ્રિકન સ્ટૂડન્ટ ઑર્ગનાઇઝેશન’ને ટેકો આપતાં રહ્યાં.
બીજી તરફ, 1972 દરમિયાન પ્રાદ્યાપક ફાતિમા મીર ‘ઇન્સિ્ટટ્યૂટ ઑવ્ બ્લેક રિસર્ચ’ની સ્થાપના કરે છે, અને પરિણામે એ પછીના ત્રણ દાયકાઓ વેળા એમની તમામ પ્રવૃત્તિઓ એના નેજા હેઠળ થવા લાગેલી.
સન 1975માં ફાતિમા મીર પર એમના રંગભેદ વિરોધી જલદ ઉચ્ચારણોને કારણે બીજા પાંચ વર્ષ માટે પ્રતિબંધ જાહેર થયો. વિદ્યાર્થીઓના આંદોલનોને લીધે એમના પુત્ર રશીદને અટકમાં લેવામાં આવ્યો. તે ઘટનાના નવ દિવસ બાદ વીની મન્ડેલા અને ફાતિમા મીરને ય અટકમાં લેવાયાં હતાં. અને એમને જ્હોનાસિબર્ગના નામચીન ફૉર્ટ કેદખાનામાં લઈ જવામાં આવેલાં. કોઈ પણ પ્રકારના મુકદમા ચલાવ્યા વગર એમને છ માસ માટે આ રીતે જ ગોંધાઈને એકાન્ત કેદમાં રાખવામાં આવેલાં.
ડિસેમ્બર 1976માં ફાતિમાબહેનને કેદમુક્ત કરવામાં આવ્યાં, વળી, એમને મારી નાંખવાનું ષડયંત્ર રચાયું હોય તેમ એમના નિવાસસ્થાન પર પેટૃોલબોમ્બ ફેંકવામાં આવેલો. પરંતુ એ બચી ગયાં. જો કે એમના મહેમાન પર ગોળીબાર કરવામાં આવ્યો, એમને ઈજા પહોંચી. રંગભેદમાં માનનારા કોઈક એજન્ટ દ્વારા આ અપકૃત્ય કરવામાં આવેલું. આ ઘટના પછી પણ ફાતિમાબહેનની રંગભેદ વિરોધી વિચારધારામાં કોઈ જ ધોવાણ થયું નહીં. એ રંગભેદ વિરોધી લખાણો કરતાં રહ્યાં અને કોઈક કુટુંબીજન અને સાથીસહોદરને નામે પ્રગટ કરતાં કરાવતાં રહ્યાં. આ ગાળા દરમિયાન પ્રતિબંધક ધારા હેઠળ એમના પર જે પ્રતિબંધ મુકાયો હતો તેમાં બે’ક વાર ભંગ પાડવાને કારણે કામ ચલાવાયું હતું. પરંતુ પોતાના દીકરા રશીદને ફરજિયાત દેશવટો આપવાને કારણે સ્વાભાવિક ચિંતામાં રહેતાં હતાં. એકાદ દાયકા બાદ એ હવે રશીદને મળી શકે તેમ બનતું હતું.
પોતાની પ્રતિબંધક ધારા અનવયે થયેલી સજાનું ઉલ્ધંન કરીને એમણે 1979માં મહાત્મા ગાંધીએ સ્થાપેલી ફિનિક્સ વસાહતમાં ‘ટેમ્બાલીશી [Tembalishe] ટુટોરિયલ કૉલેજ’ ઊભી કરવાનું કામ કર્યું. સેક્રેટરી પદ માટે જરૂરી કસબમાં કચાશને કારણે ગેરલાભ અનુભવતાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં સહાયતા કરવાનો આમાં આશય હતો. ફાતિમાબહેન તદુપરાંત, આ વસાહતમાં હસ્તકલા કારીગરીના હુન્નર માટેના કેન્દ્રની ય સ્થાપના કરી. આ કેન્દ્રમાં બેકાર લોકોને ‘સ્ક્રીન પ્રિન્ટીંગ, સિલાઈકામ, ભરતકામ, ગૂંથણ કામ શીખવાની જોગવાઈ કરવામાં આવેલી. 1982 દરમિયાન આ બન્ને વ્યવસ્થાને સરકારે બંધ કરી, કેમ કે ફાતિમાબહેનનાં કહેવાતા આ ‘ગુના’ અનુસાર ડરબનના ભૌગોલિક વિસ્તારની બહારના આ કેન્દ્રો પર ફાતિમાબહેન દેખભાળ રાખતાં હતાં.
ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી જોડે થયેલી વાટાધાટ મુજબ સંખ્યાબંધ આફ્રિકન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવીને ભારતમાં તબીબી, રાજ્યશાસ્ત્ર વગેરેના ભણતર માટેની જોગવાઈ પણ ફાતિમાબહેને કરી આપેલી. 1986 વેળા ફાતિમા મીરે ‘ફામબિલિ [Phambili] હાઇ સ્કૂલ’ શરૂ કરી જેમાં 3,000 જેટલા આફ્રિકન વિદ્યાર્થીઓને પ્રવેશ પણ અપાવેલો. સાતેક વરસ બાદ, સન 1993માં એમણે ‘ખાનીસા [Khanyisa] સ્કૂલ પ્રોજેક્ટ’ પણ ઊભો કર્યો. આટલું ઓછું હોય તેમ, ફાતિમા મીરે 1996માં ‘ખાન્યા વીમેન્સ સ્કીલ્સ ટેૃયનિંગ સેન્ટર’ની રચના કરી. દર વરસે આશરે 150 મહિલાઓને નમૂના અનુસાર વાઢકામ, સિલાઈકામ, પુખ્ત વયના લોકો માટેનું શિક્ષણ, બિઝનેસ મેનેજમેન્ટ બાબત તાલીમ આપવાની અહીં વ્યવસ્થા કરવામાં આવી.
સન 1992 દરમિયાન, છાપરી હેઠળના વસવાટીઓ, અને ઝૂંપડપટીના રહેવાસીઓ તેમ જ ગ્રામ્ય વિસ્તારના લોકોને ધ્યાનમાં લઈ એમણે ‘ક્લેર એસ્ટેટ એન્વાયરમેન્ટ ગ્રૂપ’ની રચના કરી. શાસનના આદેશ મુજબ આવા લોકોને શહેરી વિસ્તાર અંગે કોઈ જ અધિકાર નહોતો. આવા બધા લોકોને સારુ સ્વચ્છ પાણી, પેશાબપાણીની વ્યવસ્થા તેમ જ ઉચિત રહેઠાણના અભાવ છે, તેમ ફાતિમાબહેન પ્રતિપાદન કરતાં હતાં.
રંગભેદ અને જુલમગીરી સામેનાં આંદોલનો ઉપર જાણે કે જીત મળી હોય તેમ દક્ષિણ આફ્રિકાને આઝાદી પ્રાપ્ત થઈ અને મુલકમાં 1994 દરમિયાન પહેલવહેલી વખત લોકશાહી રસમ અનુસાર સાર્વત્રિક ચૂંટણી થઈ. ફાતિમા મીરને સંસદની કોઈ એક બેઠક માટે ઉમેદવારી કરવાનું સૂચન કરાયું, પણ એમણે બિન સરકારી કામોમાં એમને વિશેષ ફાવે છે કહીને આ સૂચનનો ઉચિત જવાબ વાળીને અસ્વીકાર કર્યો. એમ છતાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસની સરકારને અનેકવિધ ક્ષેત્રે એમણે સહાયતા કરવાનું રાખેલું. લલિતકળા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને યંત્રોદ્યોગશાસ્ત્ર ક્ષેત્રના પ્રધાનના સલાહકાર રહ્યાં હતાં. શાસનની અનેક સમિતિઓ જોડે પણ ફાતિમાબહેનનો જીવંત સંપર્ક રહેતો હતો.
છેલ્લાં વરસો ફાતિમાબહેન માટે વરવાં હતાં. દેશવટાને કારણે બે દાયકા પછી માદીકરાનું મળવું શક્ય બનતું હતું, તે દીકરા રશીદનું એક કાર અકસ્માતમાં અવસાન થયું. પાંચ દાયકા વેળાના સાથીદાર અને મિત્ર તરીકેનો સંબંધ જેમણે ઉજમાળો કરેલો તે પતિ, ઇસ્માઈલનું પણ મરણ થયું. આટઆટલા ફટકા પછી, એમને હૃદયરોગના અને સ્ટૃોકના કેટલાક હુમલા આવ્યા, પરંતુ, આશરે એંશી વરસનાં આ વિલક્ષણ મહિલા છેવટ લગી લડાકુ જ બનીને રહ્યાં. સાથે વળી છેવાડાના માણસોની નિરંતર સતત ચિંતા કરતાં ય રહ્યાં. એમના આ તમામ કામો કરતી વેળા ઇસ્લામે ચીંધ્યા પ્રમાણેના ઊસૂલો એમણે નજરઅંદાજ થવા દીધા નહોતા. ટૂંકમાં, એ એક આદર્શ માનવ બનીને જીવ્યાં. ફાતિમા મીરનો 12 માર્ચ 2010ના દિવસે 81, વર્ષની વયે, દેહ પડ્યો. ડરબનના બ્રૂક સ્ટૃીટ [Brooke Street] કબ્રસ્તાનમાં એમને વિધિવત દફનાવાયા હતાં. આ દંપતીને શમીન અને શેહનાઝ નામે બે પુત્રીઓ પણ હતી. શેહનાઝ ‘લેન્ડ ક્લેઇમ્સ કોર્ટ જડ્જ’ તરીકે સેવા આપે છે, જ્યારે શમીમ ‘સોશિયલ સાયન્સ કનસલટન્ટ’ તરીકે સેવા આપે છે.
યુનિવર્સિટી ઑવ્ નાતાલમાં 1956થી 1988 સુધી ફાતિમા મીરે અધ્યાપનકામ કર્યું. આ સમયગાળા દરમિયાન એમનાં શિક્ષણ, અધ્યાનકામને કારણે આંતરરાષ્ટૃીય કીર્તિ અને ગૌરવ મેળવ્યાં. વળી એમણે આશરે ચાળીસેક પુસ્તકોનો ફાલ પણ આપ્યો છે. આમાં સંપાદન કરેલાં અને પ્રકાશક તરીકે પ્રગટ થયેલાં પુસ્તકોનો ય સમાવેશ છે. આમાંનું એક મહત્ત્વનું પુસ્તક એટલે, ‘પોર્ટેટ ઑવ્ ઇન્ડિયન સાઉથ આફ્રિકન્સ’ એમાંના પુરોવચનનો આરંભનો ભાગ આ મુજબ છે :
દક્ષિણ આફ્રિકામાં વસવાટી હિન્દીઓ, આમ જોવા જઈએ તો મુલકમાંના શેરડીના ખેતરો માટે 1860 અને 1911 વચ્ચેના સમયગાળામાં, નાતાલ પ્રાંતમાં આવેલા ગીરમીટિયાઓના વારસદારો છે. ખેતમજૂરોની કમીને કારણે સંસ્થાનમાંની ખેતી માટે જરૂરી સંસાધનોની અછત અંગે શ્વેત લોકોને ચિંતા રહેતી. ગુલામીની પ્રથા નાબૂદ કરાયેલી અને ઝૂલુ પ્રજા પોતાના ખુદના આદિવાસી અર્થતંત્રથી સંતોષ માનતા. અને આથી પોતાની મજૂરીને બજારમાં મૂકવામાં તે માનતા નહોતા.
બ્રિટિશ શાસકોના જડબેસલાક અંકુશને લીધે હિન્દુસ્તાને સૂચવ્યું કે હિન્દવી નસ્સલના લોકોને કરાર વાટે ગોઠવી નાતાલ પ્રાંતમાં મોકલવા જોઈએ. ખેડૂતો અને કસબીઓને આવા કામ માટે નિર્લજ્જ વચેટિયાઓ અને ભરતી કરનાર લોકો સ્વાર્થ અનુસાર લઈ જાય તેના કરતાં પાંચેક વરસના કરાર વાટે લઈ જવાય તેમ થવું જોઈએ. આમ 1834થી જગતમાં એક જુદા પ્રકારની ગુલામીનો ચાલ ઊભો થયો કહેવાય. આ પદ્ધતિ સાઠેક વરસ ચાલી. મોહનદાસ કરમચંદ ગાંધીનાં આંદોલનને કારણે અંતે 1920માં આ પદ્ધતિને તિલાંજલિ આપવામાં આવી.

ડાહ્યાભાઈ મિસ્ત્રીના મતાનુસાર, ‘ગાંધીજીના 21 વર્ષના દક્ષિણ આફ્રિકાના વસવાટની ગાથાઓ અને એમના જીવનનો વળાંક આપતી ઘટનાઓ સવિસ્તારથી એમનાં બીજાં અનન્ય જીવનચરિત્ર પુસ્તક, ‘એપરેન્ટીસશીપ ઑવ્ ઍ મહાત્મા’માં એમણે આલેખી છે. ઐતિહાસિક અને દસ્તાવેજી દર્શન એટલું સચોટ અને આકર્ષક છે કે ભારતના વિશ્વવિખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે તથા ભારત અને દક્ષિણ આફ્રિકાની સરકારોએ મળીને ફિલ્મ બનાવવાનો નિર્ણય ત્રણ વર્ષ પહેલાં લીધો હતો અને ચારથી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ બંને સરકારો વચ્ચે વહેંચી લેવાયો હતો. 20 જુલાઈ 1996ના યુરોપના કેઇન ફિલ્મ ઉત્સવમાં ફિલ્મનો પ્રથમ શો રજૂ થયો ત્યારે તેને ઘણો સારો આવકાર મળ્યો હતો. ત્યાર પછી દક્ષિણ આફ્રિકામાં પ્રમુખ મન્ડેલાની હાજરીમાં બીજો શો થયો હતો. પ્રમુખનો પ્રતિસાદ લાગણીસભર અને ભાવ ભીનો હતો. ઑગસ્ટમાં લંડનમાં ભારતના એલચી લક્ષ્મીમલ્લ સિઘવીની હાજરીમાં શો થયો ત્યારે બ્રિટનના માહાનુભાવો જોવા ઉમટ્યા હતા. ફાતિમા મીરે પોતાનો ભાવભીનો એકરાર અને ગાંધીજી પ્રત્યે ઋણ આ શબ્દોમાં રજૂ કર્યું હતું : ‘ગાંધીજી પોતે મારા માટે પ્રેરણારૂપ હતા. આજ સુધી એ વ્યક્તિત્વ મારામાં જીવંત છે.’

ડાહ્યાભાઈનાં આ લખાણમાંથી આટલું આ અહીં સાદર લઈએ, ’ઘનિષ્ટ અને નિકટના સંબંધો સાથે નેલ્સન મન્ડેલાનું જીવનચરિત્ર Higher Than Hope (આશાથી ઊંચેરા) લખવામાં એમને મોટી સફળતા મળી છે અને પુરસ્કારો પણ મળવા લાગ્યા છે. ચિકાગોનો ‘ક્વાન્સ’ ઍવોર્ડ મળ્યો છે અને ગુજરાતથી ‘વિશ્વગુર્જરી’ ઍવોર્ડ મળ્યો. આ પુરસ્કારને આવકારતાં ફાતિમાબહેન કહે છે, ‘વિશ્વગુર્જરી ઍવોર્ડ મેળવતા જે લાગણી અનુભવી હતી એની રજૂઆત કરવામાં મારી પાસે શબ્દો નથી. આ ઍવોર્ડની સરખામણી કોઈ પણ ઍવોર્ડ સાથે થઈ ન શકે.’
1994માં ફાતિમાબહેનને ‘વિશ્વગુર્જરી’ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સ્વીકારતી વખતે અમદાવાદની ‘ગાંધી શ્રમ સંસ્થા’માં એમના દસ મિનિટના વક્તવ્યની શરૂઆત : ‘દીકરા અને દીકરીઓ’ શબ્દોને જે ઉમળકાથી, જે હલકથી અને જે ભાવથી હવામાં વહેતા મૂક્યાં, એ શ્રોતાગણનાં કાનમાં સતત ગુંજતા રહેવાના. ગુજરાતની ગૌરવગાથાઓ યાદ કરી, ગુજરાતીઓને સંદેશો આપતાં એમણે કહ્યું હતું : ‘ગુજરાતના લોકો વેપારમાં કુશળ છે. વેપાર કરવો આપણા ગુજરાતની પરંપરા છે, પણ આપણું ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે એ આપણે ન ભુલવું જોઈએ. આપણા પૂર્વજોએ ગુજરાતની જે ઓળખ ઊભી કરી હતી તે સાંચવવાની આપણી ફરજ છે. નૈતિકતા, સદાચાર, નિષ્ઠા વગેરે ગાંધીયુગના ગુણો આપણામાં હોવા જોઈએ. નૈતિકતા વગરનો ગુજરાતી અધૂરો છે.’
રેતીમાં રેખાચિત્ર’માં તુષાર ભટ્ટ નોંધે છે, ‘ગાંધીની વિદાયનાં 52 વર્ષે આપણે એમના અનુયાયીઓને ફાતિમા મીર દ્વારા નવાજ્યાં તે વિશે કદાચ એટલું જ કહી શકાય કે આપણને આ કરવાનું ફાતિમા મીર હરતાંફરતાં હતાં,અવારનવાર ભારત આવતાં હતાં, તે વખતે કેમ નહીં સૂઝેલું ?’ વિશેષે તુષારભાઈ નોંધે છે :… ‘ગુજરાતી ભાષાની પકડ કહેવી હોય તો પકડ, મોહિની કહેવી હોય તો મોહિની, પણ આ બધાં છતાં ફાતિમા સુંદર ગુજરાતી બોલે છે. એમના ઘરમાં ગુજરાતી બોલાય છે અને એમના વહેવારમાં ગુજરાતી નરમાશ વરતાય છે.’
એક અધ્યાપક તેમ જ રાજદ્વારી કર્મશીલને નાતે ફાતિમા મીરને અનેક જગ્યાએથી અભ્યાસ સંબંધી તેમ જ અન્ય પરિષદોમાં ભાગ લેવા આમંત્રણ મળતું. આવા દરેક પ્રસંગે તે મુલકના રંગભેદ અંગે ડર્યા વિના રજૂઆત કરતાં. એમનાં અનેક અભ્યાસ લખાણોને લીધે એમની આબરૂમાં સતત વધારો થતો આવેલો. વળી, એમને અનેક પારિતોષિકો અને બહુમાન પણ મળ્યાં છે. 1994માં એમને જેમ ‘વિશ્વગુર્જરી’ સન્માન મળેલું. તેમ 2003માં ‘પ્રવાસી ભારતીય સન્માન’ પણ. વળી, 2009 ‘સાઉથ આફ્રિકન નેશનલ ઑર્ડર’ અંગેનો રૌપ્ય ચંદ્રક, 2017 વેળા, ‘ધ ઑર્ડર ઑવ્ લુથુલી’ રૌપ્ય ચંદ્રક પણ એનાયત થયેલા. એમનાં લખાણોનું સંપાદન ‘વોઇસીસ ઑવ્ લિબરેશન’ નામે 2019માં બહાર પડેલું. એમનાં ચિત્રો અને ચિત્રકામનું એક પ્રદર્શન પણ 2017 વેળા ‘કૉન્સ્ટિટ્યૂશનલ હિલ’ ખાતે યોજાયેલું.
સંદર્ભ :
- Professor Fatima Meer; South African History Online
- Fatima Meer Biography; Britannica
- Fatima Meer, Wikipedia
- ફાતિમા મીર; ’રેતીમાં રેખાચિત્રો’
- A Fortunate Man’ by Esmail Meer
- ‘Gujaratis’ by Salil Tripathi
- “ઓપિનિયન”; 26 ઑક્ટોબર 1996
23 ઍપ્રિલ 2026
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
![]()

