સોનલ અને હીરાબાને આજે એક સમારંભમાં જવાનું હતું. સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું.
એટલે હીરાબાએ સોનલને કહ્યું,
“બેટા, સમારંભમાં તારે અને તારી માતાએ જવાનું છે. તેને બોલાવી લે.”
“ના બા, આપણે બંનેએ જવું છે. તમે જ મારી માતા અને સાસુ છો.”
હીરાબા સોનલના આગ્રહને અવગણી ના શક્યાં. ક્યાંક સોનલ નારાજ થઈ જાય તો. હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો. કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ-વહુ છે, કે માતા-દીકરી.
સમારંભમાં વાનગી બનાવવાની, ગીત સંગીત અને “માતા” “દીકરી”માં કોને શું ગમે છે એ માતાએ દીકરી માટે અને દીકરીએ માતા માટેની પ્રશ્નોતરીના જવાબ આપવાના હતા.
આ સ્પર્ધા પચાસ જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે એકથી ત્રણ અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા.
સ્પર્ધા પૂરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે. બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા તેને જે તે સ્પર્ધકને આપવામાં આવ્યા. જે ટીમને બીજું ઇનામ મળ્યું હતું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય હતાં.
પણ પછી શું થયું કે જેને બીજું ઇનામ મળ્યું હતું. તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા-દીકરી નહીં પણ સાસુ-વહુ છે. તેમણે આયોજકોને રજૂઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે.
આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું,
સોનલે કહ્યું કે “વાત સાચી છે. હીરાબા મારાં સાસુ છે પણ મારા માટે માતાથી વિશેષ છે.”
સોનલે આયોજકોએ કહ્યું, કે “સ્પર્ધા માતા-દીકરી માટેની આયોજિત કરી હતી. પણ નિયમમાં ક્યાં ય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી. છતાં સ્પર્ધાના નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઈનામ જતું કરું છું. પણ મારી એક વિનંતી છે કે મારે સ્પર્ધકોને કંઈક કહેવું છે.”
આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી. સોનલે ઊભા થઇ અને કહ્યું ……..
“માતાઓ અને મારી બહેનો, મારે તમને કંઈ કહેવું નથી પણ મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે જે આપણા લગ્ન સુધીનો હોય છે, અને પછી આપણી સાસુ, પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એક બીજાના અંત સમય સુધીનો હોય છે. ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતાં સાસુ સાથેનો સમય વધુ હોય છે. આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો.”
“મારી જેમ તમને પણ અનુભવ થયો હશે કે સાસુ તમને કંઈપણ કહેશે પણ બીજાને કંઈ કહેવા નહીં દે, ઢાલ બની ઊભાં રહેશે. ઘરની રસોઈની પદ્ધતિ, રહેણીકહેણી શીખવાડશે. સામાજિક સંબંધોની આટીઘૂંટી સમજાવશે અને કોઈ પણ સમયે પહેલો હોંકારો તે આપશે. માતા તો આપણાથી ક્યાં ય દૂર બેઠી હશે. તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમા જોઈને તેમને માતાનો દરજ્જો કેમના આપી શકીએ?”
“મેં હીરાબાને સાસુ નહીં માતા જ માન્યાં છે અને આજે જે જીત થઈ એ તેનું જ પ્રતિબિંબ છે અને પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો એ ઇનામ મારે નથી જોઈતું.”
“મને એ નથી સમજાતું કે જો અમે માતા-દીકરી હોત તો ઇનામના હક્કદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ-વહુના છે, તો તે ઇનામના હક્કદાર નહીં. સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબાએ લીધો હતો છતાં હું નિર્ણય તમારી ઉપર છોડું છું.”
સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ સ્તબ્ધ હતા. વાત સાચી હતી. વિચારવા લાયક હતી. આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શતી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો. અને નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો.
આયોજનના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, “આજે સોનલ અને હીરાબાની સાસુ-વહુની જોડીએ આપસી સંબંધોને જુદી રીતે પરિભાષીત કર્યા છે. વિચાર માટે નવી દિશા આપી છે અને તેમના પ્રત્યક્ષ દાખલાથી એ પુરવાર કરી દીધું કે સંબંધોને કોઈ સીમાડા નથી કે એ અશક્ય નથી.
સૌએ તાળીઓના ગગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું, અને આયોજકોએ જાહેર કર્યું કે હવે પછીની સ્પર્ધા સાસુ-વહુની જોડીની યોજવામાં આવશે.
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com
![]()

