
રવીન્દ્ર પારેખ
દેશની જેના પર નજર હતી, તે મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થવાને બદલે નાપાસ થયું. શાસક પક્ષની સમજૂતીઓ છતાં, વિપક્ષે સીમાંકનનો મુદ્દો ન છોડતાં, બિલ 54 મતોથી નામંજૂર થયું. બિલ પાસ થવાં માટે 352 મત જોઈતા હતા, પણ 298 જ મળ્યા ને બિલ મંજૂર થતાં રહી ગયું. આટલા વખતમાં પહેલી વાર સરકાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી. મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા બંધારણીય સુધારા, સીમાંકન અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ સંદર્ભે 21 કલાકની લાંબી ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ (131મો), 2026 પર મતદાન થતાં, જોઈતા 2/3 (352) મતથી 54 મત ઓછા હતા. આ બિલ નામંજૂર થતાં સરકારે બીજા બે બિલ સંસદમાં ન લાવવાનો નિર્ણય કર્યો હતો.
11 વર્ષનાં શાસન દરમિયાન લગભગ તમામ બાબતોમાં સરકારનો હાથ ઉપર રહ્યો છે, એ જોતાં મહિલા અનામત બિલ મંજૂર ન થતાં સરકાર આઘાત પામે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે આવે વખતે વિપક્ષોને સંભળાવવાનું ન ચૂકે. એ જ રીતે વિપક્ષોને પણ મળેલી આ ચપટીક સફળતા પોતાનામાં વિશ્વાસ વધારે ને વિપક્ષો ફૂલીને ફાળકો થઈને ફરે કે ઉજવણું કરે તો તે પણ સહજ છે, પણ હકીકત એ છે કે આપણને જીત અને હાર, બંને પચતાં નથી. આપણે જીત તો છલકાવીએ જ છીએ, પણ હાર પણ ઉછાળવા તત્પર થઈ ઊઠીએ છીએ. મૂળ વાત એ છે કે સરકાર બિલ પાસ કરાવવાની જીદે ચડી હતી ને મહિલા અનામતની વાત છે, એટલે વિપક્ષો પણ બહુ વિરોધ નહીં કરે તેવા વિશ્વાસે રહી, કારણ વિપક્ષો વિરોધ કરે તો, તેઓ મહિલા વિરોધી છે, એમ પ્રજાને ઠસાવવાનું સહેલું થઈ પડે ને એમ જ થયું. બને કે આવનારી ચૂંટણીમાં મહિલાઓ વિપક્ષને મત નહિ આપે ને આપે તો એનો લાભ પણ મળશે તો ભા.જ.પ.ને જ !
સરકારની આટલી તૈયારીઓ છતાં મહિલા અનામત બિલ પસાર કેમ ન થયું? એનું એક કારણ સીમાંકન હતું. સરકારનું કહેવું હતું કે મહિલા અનામત ત્યારે જ લાગુ થશે, જો વસ્તી ગણતરી અને તે પછી બેઠકોનું સીમાંકન પૂરું થશે. વિપક્ષનું માનવું હતું કે હાલ સીમાંકન 543 બેઠકો માટે જ લાગુ કરી દેવું. બેઠકો વધવાની રાહ જોવામાં વિપક્ષને સરકારનું ષડ્યંત્ર લાગ્યું. આમ તો મહિલા વિધેયકની વાતો પહેલી વખત રાજીવ ગાંધીનાં શાસનમાં 1987માં આવી, તેમાં પણ 1/૩ મહિલા આરક્ષણ જોગવાઈ લાગુ કરનાર તે વખતની નરસિંહરાવની સરકાર હતી. મહિલા અનામત અંગેનો બંધારણીય સુધારો મનમોહન સિંહની સરકારમાં આવ્યો. 2023માં મોદી સરકારના વખતમાં બંધારણીય સુધારા 128 માટે વિધેયક મૂક્યું ત્યારે તે રાજ્યસભામાં મંજૂર પણ થઈ ગયું. તેમાં હવે પછીની વસ્તી ગણતરી તેમ જ નવા સીમાંકન લાગુ કરવાની વાત હતી.
રહી વાત સીમાંકનની, તો એમાં પણ પ્રશ્નો છે. દક્ષિણના રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, કેરળ અને તેલંગાણાએ વસ્તી નિયંત્રણમાં યોગદાન આપી, વધતી વસ્તી અટકાવી. તેનો યશ આપવાની વાત તો દૂર રહી, પણ સંસદમાં તે રાજ્યોની બેઠક ઓછી રહી ને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ વસ્તી નિયંત્રણ અપનાવ્યું નહીં, તો વધતી વસ્તી સંદર્ભે સંસદમાં વધુ સીટ્સ મળી. દક્ષિણના રાજ્યો આ અન્યાયનો વિરોધ કરે તે વાજબી છે. હવે લોકસભાની સીટો 800થી વધુ કરવાની વાત છે, પણ એ વખતે પણ, જે રાજ્યોની વસ્તી વધુ એ ન્યાયે ઉત્તરને જેટલો લાભ મળે, એટલો દક્ષિણને મળવાનો નથી. એ જ કારણે સીમાંકનને મુદ્દે લોકસભામાં બિલ પસાર થતું અટક્યું.
અત્યારે પણ ભા.જ.પ. વિરુદ્ધ અન્ય પક્ષો જેવું સમીકરણ રચાયેલું જ છે, તેમાં સીમાંકનને મુદ્દે એ ખાઈ વધુ પહોળી થશે. વસ્તીના પ્રમાણમાં સીટોની વહેંચણી આદર્શની રીતે યોગ્ય જ છે, પણ જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ કરીને સરકારની જ વસ્તી નિયંત્રણ ઝુંબેશમાં યોગદાન આપ્યું હોય તેને ઓછી વસ્તીને નામે લોકસભામાં પૂરતી સીટો ન મળે એ ઠીક નથી. કમ સે કમ આ મુદ્દે વિપક્ષનો વાંક કાઢી શકાય એમ નથી.
એ પણ અકળ છે કે મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલુ હોય એ દરમિયાન કાયદા મંત્રાલયે મોડી રાતે નોટિફિકેશન બહાર પાડ્યું, તેમાં મહિલા અનામતનો 2023નો કાયદો લાગુ કરી દેવાયો. વિપક્ષોને સવાલ એ થયો કે મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા ચાલુ હોય તેવામાં કેન્દ્ર નોટિફિકેશન લાવી કેવી રીતે શકે? ખાસ તો ત્યારે કે 2023નો કાયદો 2034 પહેલાં લાગુ થઈ શકે એમ ન હોય, કારણ કે તેને 2027ની વસ્તી ગણતરી પછી સીમાંકન પ્રક્રિયા પૂરી થવાં સાથે જોડવામાં આવ્યું છે. હકીકત એ છે કે મહિલા અનામત બિલનો અમલ સરકાર 2029થી લાગુ કરવા ઇચ્છે છે. એટલે જ તો સરકાર લોકસભામાં આ બિલ લાવી. ટૂંકમાં, 2029થી લાગુ કરવા ધારેલું બિલ, 2034માં લાગુ થવાનું હોય, તો એ બિલનું નોટિફિકેશન મોડી રાત્રે લાવવાની જરૂર જ શી હતી?
સાચું તો એ છે કે મહિલા કાયદા માટે કશી સ્પષ્ટતા સરકાર પાસે નથી, તેણે મહિલા અનામતને આગળ કરીને સીમાંકનનો મુદ્દો છેડવો છે, તો વિપક્ષો, ઓ.બી.સી., મુસ્લિમ જાતિઓ ઘૂસાડીને હલકું રાજકારણ રમવા ઉત્સુક છે. બંને પક્ષે રાજકારણ જ કેન્દ્રમાં છે. પ્રજા તો દૂર દૂર સુધી ક્યાં ય દેખાતી નથી. તે કદાચ પ્રાયોરિટીમાં જ નથી. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત બધા કરે છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાનું કોઇથી થતું નથી. સાચું તો એ છે કે મહિલાઓ માટે ૩૩ ટકા અનામત દાખલ કરવું હોય તો તેને લોકસભાની કે વિધાનસભાઓની બેઠક વધાર ઝુંબેશ સાથે કોઈ લેવા દેવા નથી. સીટ ગમે એટલી હોય, તો પણ સીટનાં પ્રમાણમાં ૩૩ ટકા મહિલાઓને ફાળવવામાં કોઈ મુશ્કેલી ન નડે, પણ તેમ કરવા જાય તો ઘણાં પુરુષ નેતાઓનું પત્તું કપાઈ જાય. જેમ કે લખનૌ બેઠક મહિલા માટે અનામત થઈ જાય તો રક્ષા મંત્રી રાજનાથ સિંહનું પત્તું કપાઈ જાય ને રાયબરેલીમાં એમ થાય તો વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ હાથ ઘસતા રહી જાય. આવું તો ઘણી સીટ માટે થઈ શકે. આમ પત્તાં કપાવાનું ન થાય એટલે સંસદમાં સીટો વધારવાનો રસ્તો નીકળ્યો. બેઠકો વધારવાનો પ્રયોગ નિષ્ફળ જવાનું લાગતાં સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો ખેલ ગુરુવારે જ નોટિફિકેશન બહાર પાડીને કરી લીધો.
સરકાર વિપક્ષોને વિશ્વાસમાં લેવાનું ચૂકી. તે પહેલાં નોટિફિકેશન બહાર પડવાને લીધે વિપક્ષો એ શંકામાં રહ્યા કે આ કોઈ રાજકીય દાવપેચ છે. સીમાંકન જેવાં સંવેદનશીલ મુદ્દાને મહિલા અનામત સાથે જોડી દેવામાં આવ્યું. સીમાંકન બાજુ પર રખાયું હોત ને માત્ર મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાને મુદ્દે બિલ લવાયું હોત તો બિલ પાસ થઇ ગયું હોત. આ ભૂલ સ્વીકારવાને બદલે વડા પ્રધાને રાષ્ટ્ર જોગ સંબોધનમાં જનતાની માફી માંગતાં એ વાત આગળ કરી કે વિપક્ષોએ આ બિલ પસાર ના થવા દઈને મહિલાઓને અન્યાય કર્યો છે. મહિલાઓ વિપક્ષોને માફ કરશે નહીં, એમ કહીને વડા પ્રધાને દેશની તમામ મહિલાઓની માફી માંગીને પોતાનો હાથ ઉપર રાખ્યો. બીજી તરફ રાહુલ ગાંધીના ઘર સામે ભા.જ.પે. તેમનું પૂતળું બાળ્યું. એટલે હવે સામસામે આક્ષેપો સુધી સંસદ સીમિત નથી રહી, તે સડકો સુધી પહોંચી છે.
બિલને મુદ્દે વિપક્ષોને વાંધો સીમાંકનનો છે, એવી વારંવારની સ્પષ્ટતાઓ વચ્ચે, એ પણ કહેતાં રહેવું પડ્યું કે તેઓ મહિલા અનામતની વિરુદ્ધ નથી, છતાં એ જોખમ હતું જ કે તેઓ મહિલા વિરોધી ગણાઈ જાય, પણ મતદાનનું જે પરિણામ આવ્યું તેમાં આંધળે બહેરું ન કૂટાય એટલું તો થયું. ભા.જ.પે. કે કાઁન્ગ્રેસ સહિતના વિપક્ષોએ આવા મામલામાં સંયમથી વર્તવું જોઈએ, પણ એવું ખાસ બનતું નથી. એ ખરું કે વિપક્ષોની એકતાનો પરચો સંસદને મળ્યો ને બિલ મંજૂર ન થયું. આ પરિણામનો વિપક્ષો બેંચ ઠોકીને હરખ પ્રગટ કરે કે સરકારને કેવી રીતે પછાડી તેનાં ઉજવણાંમાં પડી જાય તો, તે બરાબર નથી. એ દુખદ છે કે સરકાર અને વિપક્ષો એકબીજાની સ્પર્ધામાં ઊતરી પડ્યાં છે.
સૌથી વધુ આહત વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી છે. ગૃહ મંત્રીએ તો કહ્યું કે ખરડાને મંજૂર ના થવા દઈને ઉજવણી કરવી નિંદનીય છે, આગામી ચૂંટણીમાં કાઁગ્રેસે મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે ને ભા.જ.પ.ની મહિલા સાંસદોએ તો વિપક્ષ વિરુદ્ધ રણશિંગુ ફૂંકી પણ દીધું, તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ઇન્ડિયા’એ રોક્યું, ભારતે જોઈ લીધું, બિલનો ઉદ્દેશ નારી ઉત્થાનનો તો હતો જ નહીં, ચૂંટણીનું માળખું બદલવાનો જ હતો, એવું હોય તો જૂનું બિલ લાવો અમે તેને સમર્થન આપીશું. સ.પા. અધ્યક્ષ અખિલેશ યાદવે પણ રોકડું કર્યું કે વિપક્ષોએ મહિલા અનામતનો વિરોધ કર્યો નથી. કાઁગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે આ સૌથી મોટી જીત છે. કાઁગ્રેસી સાંસદ પ્રિયંકા વાડ્રાએ પણ કહ્યું કે લોકશાહી માટે એક મોટી જીત છે. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને પણ કહ્યું કે આ તો હજી ટ્રેલર છે. જે બિલ તમિલનાડુની વિરુદ્ધ આવ્યું હતું તે બિલ હારી ગયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે વિપક્ષો મહિલા વિરુદ્ધ છે. કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી-શાહે દેશની અડધી વસ્તીને ઢાલ બનાવી સીમાંકન કરવાનો પ્રયત્ન કર્યો, તેમની ચાલાકીને એકજૂટ વિપક્ષોએ પારખી લીધું અને બંધારણ સુધારા વિધેયકને પરાસ્ત કર્યું.
એમ લાગે છે કે હવે મહિલા અનામત 2034 પહેલાં લાગુ નહીં થાય ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઍપ્રિલ 2026
![]()

