Opinion Magazine
Number of visits: 9797457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબાજી અને વિજ્ઞાન

આશા બૂચ|Opinion - Opinion|19 April 2026

 વિજ્ઞાનમ બ્રહ્મ 

આચાર્ય વિનોબાજી

એક એવી માન્યતા પ્રચલિત છે કે ખુદ ગાંધીજી અને તેમના સાથીદારો તથા તેમના અનુગામીઓ વિજ્ઞાન, મશીન અને આધુનિકતાના વિરોધી હતા અને જો હજુ પણ વિદ્યમાન હોય તો આધુનિક પ્રગતિના રાહને સ્વીકૃત નથી કરતા. આ માન્યતા સત્યથી ઘણી વેગળી છે.

ગાંધીજીએ પોતે જ કહેલું કે આ શરીર પોતે જ એક અત્યંત જટિલ તંત્ર છે. હું ચલાવું છું એ ચરખો પણ એક તંત્ર જ છે. હું એવાં યંત્રોનો વિરોધ કરું છું જે વ્યક્તિની આજીવિકા છીનવી લે, જે કુદરતી સંસાધનોનો અમર્યાદિત ઉપયોગ કરે, જે સ્થાનિક ઉદ્યોગોનો નાશ કરીને કેન્દ્રિત ઉત્પાદન અને ખરીદ-વેચાણની વ્યવસ્થા ઊભી કરે, જે અંતે મૂડીવાદ અને સંપત્તિની અસમાન વહેંચણીમાં પરિણમે. એ જ રીતે જો ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હોત તો તેમની આત્મકથાનું શીર્ષક ‘સત્યના પ્રયોગો’ રાખ્યું હોત? તેઓ સતત પ્રયોગશીલ અને વિકસતા માનવી હતા. તેમણે માનવકેન્દ્રી વૈજ્ઞાનિક પ્રગતિને ખુલ્લે દિલે સ્વીકારેલી જ હતી

આજે વાત કરવી છે વિનોબાજીની. અણીશુદ્ધ રચનાત્મક કાર્યકર, ઉચ્ચતમ કોટિના આધ્યાત્મિક ચિંતક એવા વિનોબાજીનો વિજ્ઞાન પ્રત્યેનો વિશ્વાસ મને હંમેશાં આશ્ચર્યમુગ્ધ કરતો રહે છે. ‘ભૂમિપુત્ર’ના સપ્ટેમ્બર માસના અંકમાં વિનોબાજીનો ‘વિજ્ઞાનમ  બ્રહ્મ’ લેખ વાંચીએ તો માનવ, વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો અનુબંધ સમજાય અને તો આજે કહેવાતા ‘ધર્મ’ને નામે જે દુરાચાર આચરાઈ રહ્યો છે એ સંભવ બન્યો જ ન હોત એનો અહેસાસ થાય. (એ લેખની કેટલીક વિચાર કણિકાઓનો ઉપયોગ કરવા બદલ ‘ભૂમિપુત્ર’ માસિકનો ઋણ સ્વીકાર કરું છું.)

વિનોબાજી કહે છે, સૃષ્ટિના અન્ય પ્રણીઓનું જીવન પ્રાણપ્રધાન હોય છે જ્યારે માનવીનું જીવન મન પ્રધાન છે. એટલે જ તો માનવીમાં ભાવના, વાસના, કામના, પ્રેરણા વગેરે ઉદ્દભવે છે. તેનામાં ભય, આશા-નિરાશા, હિંમત, માન-અપમાન, આસક્તિ-અનાસક્તિ વગેરે કાબૂ જમાવે છે અને પરિણામે મારું-તારું, અમે અને તમે, આપણે અને તેઓના ભેદ ઊભા થાય, જે દ્વેષ, નફરત અને તિરસ્કારમાં પરિણમે. વિશ્વમાં છેડાતા આંતરવિગ્રહ અને યુદ્ધો નેતાઓના મનમાં ઉદ્દભવેલ લાલસાઓનું જ અંતિમ ઉદાહરણ છે. વિનોબાજી કહે છે, વિજ્ઞાનયુગમાં માણસે મનથી ઉપર ઉઠવાનું છે અને તો જ વિજ્ઞાન આપણો વિકાસ કરશે.

આપણે જોઈએ છીએ કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં ખૂબ ‘પ્રોગ્રેસ’ થયો છે, ‘ડેવલપમેન્ટ’ થયું છે, પણ એ માનવ મનને ઉર્ધ્વ કરનાર નથી બન્યું. તે શાથી?

વિનોબાજીએ આપણને ચેતવેલા કે વિજ્ઞાનની સહાય લેવાને બદલે મન અને વાસનાથી દોરવાઈને જાતિ, સમાજ કે દેશના પ્રશ્નો હલ કરવામાં આવશે તો ભવિષ્યમાં માણસ ટકવાનો નથી. અને આજે આપણે અનુભવી રહ્યા છીએ કે યુધ્દ્ધ શાસ્ત્રના વિજ્ઞાનમાં નભને આંબી જતી પ્રગતિ થઈ છે. પરિણામે માનવ જગત વિનાશને આરે ઉભું રહ્યું છે કેમ કે અનેક દેશના નેતાઓ ધર્મ અને અધ્યાત્મ જેવા ક્ષેત્રમાં જૂના વિચારોને અનુસરે છે, નહીં કે વૈજ્ઞાનિક યુગના પ્રગતિશીલ વિચારોને.

માનવી જ્યારે ધરતી પર એક જગ્યાએ સ્થિર થઈને જીવવા માંડ્યો ત્યારે તેને આસપાસની પ્રાકૃતિક રચનાઓ, અને સમગ્ર પ્રાણી સૃષ્ટિ વિશે અનેક સવાલો થયા; જેમ કે આ બધું કઈ રીતે ઉદ્દભવ્યું, કોણે પેદા કર્યું, કોણ સંચાલન કરે છે, તેનો નાશ અને પુનઃ નિર્માણ કેવી રીતે થાય છે વગેરે. પરંતુ વિનોબાજી સમજાવે છે કે આદિમાનવના ધર્મ વિશેના ખ્યાલો કલ્પનામાંથી જન્મ્યા હતા. આજે વિજ્ઞાનની મદદથી આપણે એમાંના મોટા ભાગના સવાલોનો આધારભૂત માહિતી દ્વારા ઉત્તર મેળવી શકીએ તેમ છીએ એટલે હવે આધ્યાત્મિક શક્તિઓનું સામાજિકરણ કરવું જરૂરી છે. એમ થશે તો જ માનવી ધર્મને નામે અધર્મ આચરતો બંધ થશે.

વિનોબાજીની ગહનતમ વાતને પણ સરળ ભાષામાં સમજાવવાની શક્તિ અદ્દભુત હતી. તેઓ કરણ અને ઉપકરણનો તફાવત સ્પષ્ટ કરે છે. માણસની ઇન્દ્રિયો કરણ છે, જેના થકી એ કૃત્ય કરે છે. હથિયાર ઉપકરણ છે, તેનાથી પણ કૃત્ય (કે અપકૃત્ય?) કરે છે. પુરાતન કાળમાં લોકો કરણ પ્રધાન હતા એટલે ઋષિમુનિઓ ઇન્દ્રિય નિગ્રહની વાત કરતા. આધુનિક જમાનામાં લોકો ઉપકરણપ્રધાન જીવન જીવતા થઈ ગયા છે, અને તે પણ અત્યંત ઉત્કટપણે અને તીવ્રતાથી. અહીં માત્ર સંહારક શસ્ત્રોને જ ઉપકરણ તરીકે ગણનામાં લેવાની વાત નથી. સમાચાર માધ્યમો, સંદેશ વ્યવહારના અને વાહન વ્યવહારના સાધનો, મનોરંજનના વિવિધ સાધનો વગેરે કેટલેક અંશે લાભદાયી છે, તો સાથે સાથે એ ઉપકારણોએ માનવ મનને એટલું બટકણું બનાવી દીધું છે કે એ જ ઉપકરણો એવાં ખતરનાક સાબિત થાય છે કે ક્ષણ વારમાં ભય, અસંતોષ અને દ્વેષથી દોરવાઈને માનવી માનસિક ક્ષુબ્ધતા અનુભવી હિંસક બની જવા સંભવ રહે છે. તો, વિજ્ઞાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ વિચારવું રહ્યું. આપણે કાં તો વિજ્ઞાન પર અંકુશ રાખવો પડશે અથવા પોતાના મન પર. વિજ્ઞાન જે જ્ઞાનની સુરા લઈને આવ્યું છે એ વિના આપણે હવે પ્રગતિ નહીં કરી શકીએ, પણ વૈજ્ઞાનિક ઉપકરણો ભસ્માસૂર સાબિત ન થાય તે માટે માનવ મનને નાથવું અનિવાર્ય થઈ પડ્યું છે. નહીં તો એ જ વિજ્ઞાન અમૃતને બદલે ઝેર આપશે. પહેલાના જમાનામાં કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનની ભૂમિકા સર કરતો, એ મહાપુરુષ કહેવાતો. હવે વિજ્ઞાન યુગમાં બધાએ આધ્યાત્મિક ચિંતન દ્વારા મનના આધિપત્યને સંકોરીને વિશિષ્ટ જ્ઞાન આધારિત સમાજ રચવાનો છે.

આજે આપણી પાસે અણુની ઉત્પાદક અને સંહારક શક્તિ આવી, અવકાશમાં નવા ઉપગ્રહ મોકલ્યા અને બીજા ગ્રહ પર ઉતરાણ કર્યું. કંઈક અંશે માણસ જાણે ઈશ્વરની હેસિયત ધરાવતો થઈ ગયો. પણ આથી જ તો તેની સમગ્ર માનવ જાતિ અને પ્રાણીસૃષ્ટિ પ્રત્યે જવાબદારી વધી. વિનોબાજી દૃઢપણે માનતા કે આવા કઠિન કાર્યો પણ વિજ્ઞાનની મદદથી પાર પાડવા શક્ય બનશે.

અભિનવ વિજ્ઞાનયુગમાં દુનિયાની સામાજિક અને માનસિક એકરૂપતામાં અંતર પડવા લાગ્યું છે. વિનોબાજીની ચેતવણી હતી કે આ આણ્વિક યુગમાં માણસનું મન બદલાશે તો જ એ આગળ જતાં ટકી શકશે નહીંતર આખી માનજાતિનો વિનાશ આ જ વિજ્ઞાનના ઉપરકરણો મારફત થશે. તેઓએ  વિજ્ઞાનને વિજ્ઞાનમ બ્રહ્મ સ્વરૂપમાં જોયું અને આપણને પણ એ દૃષ્ટિ આપી.

વિનોબાજી જેવા મનીષીએ વિજ્ઞાનનું માનવ કલ્યાણકારી સ્વરૂપ જોયું, એના સદુપયોગનો માર્ગ બતાવ્યો, હવે એ માર્ગે ચાલવાની જવાબદારી આપણી.

e.mail : 71abuch@gmail.com

Loading

19 April 2026 Vipool Kalyani
← નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીઃ જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?
રિએક્શન →

Search by

Opinion

  • સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો
  • રિએક્શન
  • નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીઃ જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?
  • ચલ મન મુંબઈ નગરી—337
  • આ પણ પોલિસ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved