ખુદના જીવનની, પણ બીજાંને કોઈ અસર ન કરતી હોય તેવી, બાબતો માટે ભારતમાં અસંખ્ય સામાજિક નિયમો છે. પણ બીજાને અસર કરતી હોય તેવી બાબતો માટે કોઈ નિયમ પાળવાના નથી હોતા. જેમ કે, 70 વરસનાં વૃદ્ધને કોઈ યુવતી (કે વૃદ્ધા) સાથે લગ્ન કરવા હોય, કે જેનાથી બીજાને કોઈ તકલીફ નથી પડવાની, તો ય લોકો શું કહેશે તે વિચારવું પડે. પણ રોંગ સાઈડમાં સ્કૂટર લઈને નીકળવું, કે જે બીજા વાહનો માટે અડચણ રૂપ છે, તેને લોકો પોતાનો હક માને છે ! આવા ‘પંચાતકેન્દ્રી’ સામાજિક નિયમોમાંથી ઘણાં નિયમો ઉંમરનાં આધારે નક્કી કરવામાં આવે છે.
એક વણલખ્યો પણ ભારતીય હૃદય પર કોતરાઈ ગયેલો નિયમ છે કે, ઘરડાં લોકોએ ભગવાનનું નામ લેવાનું હોય, જિંદગીની મજા માણવાની ન હોય ! તે એ હદે કોતરાયો છે કે, વૃદ્ધ લોકો ભગવાનનું નામ લેવાને જ મોજમસ્તીની કેટેગરીમાં મૂકવા માંડ્યાં છે. ભારતનાં વૃદ્ધો પ્રવાસ (travel), નૃત્ય-સંગીત (dance), મેળ-મિલાપ (friendship, soft dating) જેવી મજા ભગવાનનાં નામે કરતાં શીખી ગયાં છે. કારણ કે, એક શોખ કે જરૂરિયાત તરીકે આ બધી પ્રવૃત્તિઓ વૃદ્ધો માટે સામાજિક રીતે સ્વિકૃત નથી. ભગવાનનું નામ લેવાથી આંતરિક શાંતિ અને માનસિક સંતોષ મળતો હોય તો ઉત્તમ કહેવાય. પણ દરેક ધર્મનાં ભારતીય વડીલોને મંદિર, મસ્જિદ કે ચર્ચમાંથી પરત આવીને ઘરે કકળાટ ઊભો કરતાં નજરે જોયેલાં છે ! ઇંગ્લેન્ડની લોકલ પ્રજા મહદ્દ અંશે નાસ્તિક છે, સામાજિક બંધનો નથી. તેથી 65 વર્ષનો પુરુષ ઈશ્વરને પ્રસન્ન કરવાના ઈરાદા વગર પહાડ પર ટ્રેકિંગ કરી શકે છે. 68 વર્ષની મહિલા પોતાના મનગમતા પુરુષ સાથે ડેટિંગ પર જઈ શકે છે, ‘લાફિંગ ક્લબ’ જોઈન કર્યા વગર જાહેર બગીચામાં વાતચીત કરી શકે છે.
ભારતમાં વૃદ્ધ વ્યક્તિ જો જીવનની સાવ સામાન્ય મજા લેવા જાય તો તેને ‘કાકા’ કહીને ઉતારી પાડવામાં આવે છે. ‘એ કાકા, આ ઉંમરે તમે ક્યાં હવે …’ આ રીતે શરૂ થતાં વાક્યો ઠેક ઠેકાણે સાંભળવા મળી જશે. અજાણ્યા વડીલ માટે ‘કાકા’ કે ‘માસી’ શબ્દો માનવાચક સંબોધનનાં બહાને તેને તેની ઉંમર આધારિત સામાજિક મર્યાદા બતાવી દેવા માટે વધુ વપરાય છે. જ્યારે અહીં ઇંગ્લેન્ડમાં કોઈને ‘અંકલ-આંટી, કાકા-માસી’ કહેવાના નથી હોતા. ઉંમરનાં કારણે સ્પેશ્યલ માન નથી આપવાનું હોતું, અને તેથી વય આધારિત કોઈ મર્યાદા પણ નથી બતાવવાની હોતી. અહીં કોઈ 60 વરસની લેડી જીમમાં જઈને પરસેવો પાડતી હોય તો તમે એને એવું ન કહી શકો કે, ‘માજી, આ ઉંમરે ભગવાનનું નામ લો! તમારે હવે ફિગર મેન્ટેન રાખીને શું કરવું છે?’ એક્ચુલી એણે ફિગર મેન્ટેન રાખીને ઘણું બધું કરવું હોય છે.
ભારતમાં બાળકો અને ટીનેજેરો પર ડિસિપ્લિનનાં નામે સખ્ખત દાબ રાખવામાં આવે છે, એટલે બાળકો મોટેભાગે નમ્ર હોય છે. પણ વૃદ્ધ લોકોનાં વાણી વર્તનમાં ઘણીવાર રૂક્ષતા હોય છે, બરછટપણું હોય છે. એનાથી વિપરીત, ઇંગ્લેન્ડનાં ઘણાં બાળકો – ટીનેજરો બેફામ વાણી-વર્તન ધરાવે છે, તેમના પર કોઈ અંકુશ નથી. અને એ જ પ્રજા જ્યારે વૃદ્ધ વયે એકલતામાં સરી પડે છે, ત્યારે તેમના સ્વભાવમાં ગજબ અદબ જોવા મળે છે, શિસ્ત જોવા મળે છે. જનરલ ઓબઝર્વેશન છે, આમાં કશું 100% નથી. આપણે ત્યાં પણ વંઠેલા, મેનર વગરના બાળકો ઉછરી રહ્યાં છે. અને અહીં પણ ઘણાં બાળકો વેલ-મેનર્ડ હોય છે. ટૂંકમાં, આપણે ત્યાં શિસ્તથી મોટા થયેલાં બાળકો અંતે વૃદ્ધત્વમાં અડિયલ ટટ્ટુ બનીને રહી જાય છે. જ્યારે અહીંનાં બેફામ બાળકો ઉંમરનાં અંતે એકલતાનો માર ખાઈ ખાઈને ઘણો સ્વીકારભાવ રાખતાં થઈ ગયાં હોય છે.
અહીં વૃદ્ધ લોકોનું જાતીય જીવન ઘણું સમૃદ્ધ છે. જ્યારે આપણે ત્યાં લગભગ પતી ગયેલું હોય છે. ભારતમાં મને એમ હતું કે, પુરુષ હોય કે સ્ત્રી, 60 પછી તો કોઈ સક્રિય ન રહી શકે. અહીં આવીને ખબર પડી કે, એવી કોઈ સીમા નથી હોતી. શરીર હલન ચલન કરી શકતું હોય ત્યાં સુધી બધું શક્ય છે. અહીંની ડેટિંગ સાઈટો પર અનેક વૃદ્ધાઓ/વદ્ધો જોવા મળી જશે. આપણે ત્યાં ડેટિંગ સાઈટો પર છોકરીઓ ફેક હોય છે, અને ફેસબુક ઓરીજીનલ ડેટિંગ સાઈટ હોય છે. જ્યારે અહીં ડેટિંગ સાઈટ જ અસલી ડેટિંગ સાઈટ હોય છે. વયોવૃદ્ધ કપલ કે જે વર્ષોથી પતિ-પત્ની હોય, કે એમ જ ફક્ત સાથે રહેતાં હોય તેમની વચ્ચે મજાનો રોમાન્સ જોવા મળે, પ્રણય જોવા મળે. જ્યારે આપણે ત્યાં વૃદ્વ દંપતી બહુ બહુ તો એકબીજાની કેર કરતાં હોય, પ્રણય ભાગ્યે જ જોવા મળે.
વૃદ્ધોનાં સંતાનો પણ તેમને તેમની રીતે જીવન જીવવામાં સાથ આપે. ‘70 વરસના મારા બાપાએ ગર્લફ્રેન્ડને ઘરમાં ઘુસાડી દીધી’, એમ કરીને ગામ આગળ રડવા ન બેસે. મારી એક બહુ મોટી ગેરમાન્યતા હતી કે, પશ્ચિમમાં બાળકો મોટા થઈ જાય પછી મા-બાપનું કશું જોતા નહિ હોય. એ વાત સાચી કે, 20-22 વરસ પછી કોઈ યુવાન મા-બાપ સાથે રહેતો હોય તેવું અહીં ભાગ્યે જ બને. પણ એ લોકો પણ આપણી જેમ જ વૃદ્ધ મા-બાપ સાજાં માંદા થયાં હોય તો આવીને ઊભાં રહે, ડોક્ટરની અપોઈન્ટમેન્ટ હોય તો સાથે લઈને જાય. ફક્ત સાથે નથી રહેતાં એટલું જ. આપણે ત્યાં ઊલટાનું સાથે રહીને કંકાસનું ઘર થતું હોય છે. વૃદ્ધ પપ્પાની ઘરડી ગર્લફ્રેન્ડને કમરના દુખાવા માટે ડોક્ટરને બતાવવા માટે સાથે લઈને જતી યુવતી પણ જોઈ લીધી. આપણે ત્યાંનાં સ્ટાન્ડર્ડ પ્રમાણે આ ‘સાવકી મા’ કરતાં પણ થોડો દૂરનો સંબંધ કહેવાય.
જેવી રીતે આપણાં વડીલોને પૌત્ર-પૌત્રીઓ ખૂબ વહાલાં હોય છે, તેમ અહીં પણ પૌત્ર-પૌત્રીની વાત કરતાં વૃદ્ધોના ચહેરા પર મસ્ત ચમક આવી જાય છે. વિકેન્ડ (શનિ-રવિ) આવે એટલે રૂના પૂમડાં જેવાં ધોળાં ધોળાં ટેણિયાઓ ઘરે આવે. ઘરમાં દાદા-દાદી ખુશ ખુશાલ થઈ જાય. સોમવારે પાછાં એકલાં પડી જાય. પછી બીજા વિકેન્ડની રાહ જુએ. બહારગામ રહેતાં હોય તો ક્રિસ્મસ પર, ઇસ્ટર પર એમ વરસે બે-એક વખત જ મેળ પડે. બાકી, સાવ એકલાં હોય. કૂતરું પાળ્યું હોય, એને ચલાવવા લઈ જાય. ઘરના બેકયાર્ડમાં નાનો બગીચો હોય, એમાં વાવણી-લણણી (gardening) કર્યા કરે. પુસ્તકો વાંચવાનો પણ ખૂબ શોખ હોય, પણ ધાર્મિક પુસ્તકો તો નહિ જ. નાસ્તિકતા શાશ્વત છે.
[સૌજન્ય : નિમિતા શેઠ, Buckingham]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર