ગવર્નર કર્નાકના નામનો પુલ હવે બન્યો સિંદૂર બ્રીજ
૧૮૬૮નો ઓક્ટોબર મહિનો, તારીખ ૧૬, વાર શુક્ર. એ દિવસે મુંબઈના ઘણા લોકો, ખાસ કરીને વેપારીઓ, શુક્રગુઝાર હતા અંગ્રેજ સરકારના. કારણ? ઘણા વખતથી જેની જરૂર જણાતી હતી તે સગવડ આજે મુંબઈના લોકોને મળવાની હતી. ધોબી તળાવથી ક્રાફર્ડ માર્કેટ જતા રસ્તાને ત્યાંના વેપારીઓએ ભાતભાતની રીતે શણગાર્યો હતો. કારણ વર્ષોથી જે સગવડની રાહ જોતા હતા એ જરૂરી સગવડ આજે તેમને મળવાની હતી. એ સગવડ એટલે કર્નાક બંદરને ક્રાફર્ડ માર્કેટ અને તેની આસપાસનાં બજારોને જોડતો પૂલ, જેની સાથે નામ જોડવામાં આવ્યું હતું મુંબઈના અગાઉના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાકનું.

એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈમાં મૂકેલી કર્નાકની અર્ધપ્રતિમા
મુંબઈના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાક, પહેલા બેરોનેટ. તેઓ જન્મેલા મુંબઈમાં જ, ૧૭૮૪ના નવેમ્બરની ૧૧મી તારીખે. ૧૮૦૧માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાયા. ૧૮૨૭થી ૧૮૩૮ સુધીના ગાળામાં અવારનવાર એ કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર રહ્યા હતા. ૧૮૩૭થી ૧૮૩૯ સુધી તેઓ બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તો ૧૮૩૮માં ધ રોયલ સોસાયટીના ફેલો બન્યા હતા. ૧૮૩૮થી ૧૮૪૧ સુધી તેઓ મુંબઈના ગવર્નરના હોદ્દા પર રહ્યા. આ ઉપરાંત ગાયકવાડના વડોદરા રાજ્યના રેસિડન્ટ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. એ જમાનામાં મુંબઈ રાજ્યના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગુજરાતીભાષી વિસ્તારોમાં, ‘બાળહત્યા’નો કુરિવાજ ઘણો ફેલાયેલો હતો. મુંબઈ રાજ્યના ગવર્નર તરીકે અને વડોદરાના રેસિડન્ટ તરીકે આ બદીને દૂર કરવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા. ‘દેશી’ વિદ્યાર્થીઓના શિક્ષણને પણ તેઓ ઘણું મહત્ત્વ આપતા. તેમના આ પ્રયત્નોની કદર રૂપે એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્નાક સ્કોલરશીપ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અને મુંબઈના ટાઉન હોલમાં તેમની આરસની અર્ધપ્રતિમા મૂકવામાં આવી હતી. ૧૮૪૬ના જાન્યુઆરીની ચોથી તારીખે તેમનું અવસાન થયું. કર્નાક મુંબઈના ગવર્નર હતા તે દરમ્યાન લક્ષ્મણ હરિચંદ્રજી નામના એક મોટા વેપારી તેમની મુલાકાતે આવ્યા. તેઓ મુંબઈને પૂર્વ કિનારે એક નવું બંદર બાંધી રહ્યા હતા. તેમણે વિનંતી કરી કે આપ મહેરબાન પધારો, આ નવું બંદર જુઓ, અને તેની સાથે આપ નામદારનું નામ જોડવાની વિધિ આપના શુભ હસ્તે કરો. ૧૮૪૧ના એપ્રિલની ૨૮મી તારીખના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં છપાયેલા અહેવાલ પ્રમાણે નામદાર ગવર્નરસાહેબે આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો અને એ નવા બંદરનું નામ પાડ્યું હતું, કર્નાક બંદર.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કર્નાક બ્રિજની શરૂઆતનો ભાગ
એ વખતે તો પૂર્વ કાંઠે આવેલાં બંદરો અને ક્રાફર્ડ માર્કેટ જેવાં બજારો વચ્ચે માલ-સામાનની હેરફેર સહેલાઈથી થઈ શકતી. પણ પછી વચમાં આવી બોરી બંદરથી ઠાણે જતી રેલવે લાઈન. માલ-સામાન લાવવા લઈ જવામાં મુશ્કેલી પડવા લાગી. અને એટલે નક્કી થયું બોરી બંદર (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને તે પછીના મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચે પુલ બાંધવાનું. અગાઉ આપણે હેન્કોક બ્રિજની વાત કરતી વખતે જોયેલું તેમ એ વખતે માલ-સામાનની હેરફેર માટે બળદ ગાડાં જ વપરાતાં. એટલે બળદો સહેલાથી ચડી શકે એવો ઢાળ આ બ્રિજનો પણ રાખવામાં આવ્યો. અને આ નવા બ્રિજનું નામ પાડ્યું કર્નાક બ્રીજ. આ પુલ બાંધવા પાછળ કુલ કેટલો ખરચ થયો હશે? બે લાખ, તેત્રીસ હજાર, ચાર સો ને સત્યાસી રૂપિયા, ફક્ત! અને આટલા ‘જંગી’ ખર્ચે બંધાયેલો આ પૂલ લગભગ ૧૫૦ વરસ સુધી અડીખમ ઊભો રહ્યો. એટલું જ નહિ, તેની બંને બાજુ સંખ્યાબંધ ગોદામ, વેપારી પેઢીઓ, જથ્થાબંધ અને છૂટક દુકાનોનું જાળું ઊભું થયું. તેમાં ય ખાસ કરીને કાપડ, હાર્ડવેર, અને વહાણોનું સમારકામ કરતી સેવા આપનારાઓની દુકાનો, વગેરે ઊભાં થયાં. હવે દરિયાઈ રસ્તે થતો વેપાર ઘણો ઘટી ગયો છે. છતાં આ વિસ્તાર આજે પણ છૂટક અને જથ્થાબંધ વેપારનું એક મુખ્ય મથક બની રહ્યો છે.

ત્રણ ભાષામાં લખાયેલું કર્નાક બ્રિજનું નામ – હવે આ પથરા છે મ્યુઝિયમમાં
સાથોસાથ એસપ્લનેડ રોડ(આજનો મહાત્મા ગાંધી રોડ)ને ક્રાફર્ડ માર્કેટ સાથે જોડતા રસ્તાનું નામ એસપ્લનેડ ક્રોસ રોડ હતું તે બદલીને કર્નાક રોડ કરવામાં આવ્યું. એ રીતે ગવર્નર કર્નાકનું નામ ત્રણ જગ્યા સાથે જોડાયું: કર્નાક બંદર, કર્નાક રોડ, અને કર્નાક બ્રીજ. કર્નાક બ્રીજનું તોડકામ ચાલતું હતું ત્યારે સેન્ટ્રલ રેલવેના કેટલાક સજાગ અમલદારોનું ધ્યાન ગયું કે આ પુલને બંને છેડે ત્રણ-ત્રણ પથ્થર મૂકવામાં આવ્યા છે અને તેના પર અંગ્રેજી, દેવનાગરી, અને ગુજરાતીમાં પુલનું નામ લખવામાં આવ્યું છે અને તે બંધાઈ રહ્યાનું વરસ પણ લખેલું છે. તેમણે આ છ પથરા સંભાળીને અલગ તારવ્યા. થોડી વાટાઘાટ પછી પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ – સોરી, સોરી, છત્રપતિ શિવાજી મહારાજ સર્વવસ્તુ સંગ્રહાલય – એ પથરાને સાચવવા તૈયાર થયું. અને આજે એ પથરા એ મ્યુઝિયમમાં સચવાયા છે.
હવે એક હનુમાન કૂદકો.
૨૦૨૫નો જુલાઈ મહિનો, તારીખ ૧૦, ગુરુવાર. સ્થળ તો એ જ – ધોબી તળાવથી ક્રાફર્ડ માર્કેટ તરફ જતો રસ્તો. પણ હવે તેનું નામ બદલાઈ ગયું છે : લોકમાન્ય ટિળક રોડ. એમ તો ક્રાફર્ડ માર્કેટનું નામ પણ બદલાઈ ગયું છે : મહાત્મા જ્યોતિબા ફૂલે મંડઈ. પણ આ નામની માર્કેટ ક્યાં આવી એમ તમે એ વિસ્તારમાં પણ કોઈને પૂછશો તો તમે જાણે કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવેલા હો એમ મોઢું વકાસીને તમારી સામે જોઈ રહેશે! કારણ અસલ મુંબઈગરાઓ તો આજે પણ તેને ક્રાફર્ડ માર્કેટ તરીકે જ ઓળખે છે. આજે પણ વહેલી સવારથી અહીં દોડધામ મચી છે. લોકોની નહિ, વાહનોની. મ્યુનિસિપાલિટીના સાહેબોનાં વાહનો, રેલવેના અફસરોનાં વાહનો, મુંબઈ પોલીસનાં ઢગલાબંધ વાહનો. માથા પરનો લાલ મણિ ઝબકાવતી સફેદ જીપો સતત આખા રસ્તા પર ફરીને ‘સબ સલામત હૈ’ની ખાતરી કરતી રહે છે. થોડે દૂર આઝાદ મેદાનમાં ભાડૂતી બસો ઊભી છે. એમાંથી ઊતરતા ‘પ્રેક્ષક-શ્રોતાઓ’ ક્યાં ય આડાઅવળા ન ચાલ્યા જાય અને સીધા તેમને માટે બાંધેળા શમિયાણામાં જઈ ખાલી ખુરસીઓને ભરે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બધી દોડધામમાં કોઈ ઘરાક તો આવવાનું નથી એની ખાતરી હોવાથી ઘણીખરી દુકાનો બંધ છે. મોડેથી ઊઘડે તો ઊઘડે. હવે તો વરસાદ પણ સરકારનો કહ્યાગરો થઈ ગયો છે. એટલે જુલાઈ મહિનામાં પણ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી તો નહિ જ વરસે.
અને ધોબી તળાવ તરફથી પોલીસનાં વાહનોની સાયરનની ચીસાચીસ સંભળાય છે. લાલ-ભૂરી બત્તીઓ ચક્કરડી ભમ્મરડી રમતી હોય તેમ ગોળ ગોળ ફરતી દેખાય છે. પટાવાળાથી માંડીને પ્રધાન સુધીના સૌ કોઈ સાવધાન થઈ જાય છે. સમારંભના મુખ્ય મહેમાનશ્રી પધારે છે. કામચલાઉ મંડપમાં બેઠેલા મહેમાનો ઊભા થઈ જાય છે. હાથ સતત જોડેલા રાખીને મુખ્ય મહેમાન આગળ વધે છે. બે-ચાર મહેમાનો સામે હાથ જોડે છે, બાકીનાને સ્મિતની લહાણી કરે છે. બે ઉપમુખ્ય મંત્રીઓ પાસે ઊભા રહી ખબર-અંતર પૂછે છે. પછી લાલ મખમલથી મઢેલી, સોનેરી હાથાવાળી ખુરસી પર બિરાજમાન થાય છે. રાજ્ય ગીત, આવકારનાં ભાષણો, મુખ્ય મહેમાન ઊભા થઈ નવાનક્કોર બ્રીજ પાસે જાય છે. પાછળ દસ પંદર ખાસ મહેમાનો ચાલે છે. નવા નક્કોર બ્રિજને એક છેડે બાંધેલી લાલ રિબન હવામાં ફરફરે છે. બરાબર વચમાં કેસરી સાડીમાં સજ્જ એક ઠસ્સાદાર અને ભરાવદાર બહેન ચાંદીની પ્લેટમાં ચાંદીના હાથાવાળી કાતર લઈને ઊભાં છે. સ્મિતથી ઊભરાતા મુખારવિંદ સાથે મુખ્ય મહેમાન કાતર હાથમાં લે છે, લાલ રિબન કાપીને ૬૦ કરોડ રૂપિયાને ખર્ચે બંધાયેલા નવા બ્રીજને ખુલ્લો મૂકે છે. અને પછી અનિવાર્ય ભાષણ : બંધુ, ભગિનીનો : આજે આપણે ભેગાં થયાં છીએ તે માત્ર એક નવા પુલનું ઉદ્ઘાટન કરવા માટે નહિ. પણ આપણા દેશના, આપણા પ્યારા મહારાષ્ટ્રના ઇતિહાસમાંનું એક કલંક ભૂંસીને તેને સ્થાને સિંદુરનું તિલક કરવા માટે. બસો કરતાં વધુ વરસ સુધી આપણા દેશને ગુલામ રાખનાર અંગ્રેજ સરકારનો એક પ્રતિનિધિ હતો અંગ્રેજ અમલદાર કર્નાક. આપણા લોકોને માથે તેણે પારાવાર ત્રાસ ગુજાર્યો હતો. અરે, છત્રપતિ શિવાજી મહારાજને હંફાવવા માટે તેણે અનેક પ્રયત્નો કર્યા હતા. આવા એક ઘાતકી અંગ્રેજ અમલદારનું નામ આ બ્રીજ સાથે આજ સુધી જોડાયેલું કેમ રહ્યું એની જ મને તો નવાઈ છે. એ પુલને તોડીને જે નવો પુલ બન્યો છે તે આજથી ‘સિંદૂર બ્રીજ’ તરીકે ઓળખાશે (તાળીઓ). આપણા દેશની લશ્કરી તાકાત અને કાબેલિયતનો દુશ્મન દેશને પરચો બતાવનાર ‘ઓપરેશન સિંદૂર’થી તો કયો દેશપ્રેમી અજાણ હોય? આપણા દેશના ઇતિહાસના આ ઉજ્જવળ પ્રકરણની યાદ આ નવા પુલ દ્વારા કાયમ માટે જળવાઈ રહેશે. હારતોરા, ફોટો સેશન, આભારદર્શન વગેરે સાથે સમારંભ પૂરો થયો.

નવો બંધાયેલો સિંદૂર બ્રીજ
અહીંથી થોડે દૂર આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજનો એક વિદ્યાર્થી લગભગ ભૂલથી આ સભામાં આવી પડ્યો હતો. તેણે હળવેકથી પોતાના મોબાઈલમાં ટાઈપ કર્યું : ‘છત્રપતિ શિવાજી મહારાજનો જીવનકાળ?’ ગૂગલ દેવે તરત જવાબ આપ્યો: ઈ.સ. ૧૬૩૦થી ૧૬૮૦.
પછી એ છોકરાએ ટાઈપ કર્યું : મુંબઈના ગવર્નર સર જેમ્સ રિવેટ-કર્નાકનો જીવનકાળ? ગુગલદેવનો જવાબ : ૧૭૮૪થી ૧૮૪૬. ઉદ્ઘાટન કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે જતાં પેલો વિદ્યાર્થી આખે રસ્તે વિચારતો હતો : ઈ.સ. ૧૬૮૦માં કાળધર્મ પામેલા છત્રપતિ શિવાજી મહારાજને હરાવવા માટે ઈ.સ. ૧૭૮૪માં જન્મેલા ગવર્નર કર્નાકે અનેક પ્રયત્નો કેવી રીતે કર્યા હશે? એ છોકરાને તો હજી સુધી જવાબ મળ્યો નથી. પણ સુજ્ઞ વાચક! આપને આ કોયડાનો જવાબ મળે તો જરૂર જણાવજો. આવજો!

