
રવીન્દ્ર પારેખ
કોઈ પણ રીતે સત્તામાં આવવું અને કોઈ પણ ભોગે એમાં ટકી જવું એ રાજકીય પક્ષો અને રાજકારણીઓનું એક માત્ર લક્ષ્ય હોય છે. સેવા હવે થતી નથી ને કદાચને થાય તો એમાં કશુંક મળવાની અપેક્ષા સતત હોય છે. દામ નહીં, તો કામ નહીં – એ લગભગ સર્વ સ્વીકૃત સૂત્ર છે. એ ખરું કે સત્તા માટે પ્રજા જરૂરી છે ને એક વખત પ્રજાને ખભે ચડીને સત્તામાં આવ્યા પછી તેને કાંચળીની જેમ ત્યજી દેવાતી હોય છે. પ્રજા ધારે તો સત્તા પરિવર્તન કરી શકે, પણ હાલત બકરું કાઢતાં ઊંટ પેઠું – જેવી વધારે થાય છે, એટલે સત્તા હવે બહુ બદલાતી નથી, બદલાય તો લાકડે માંકડું વળગાવવા જેવું જ થાય છે. આમ દરેક પક્ષને પોતાની નીતિ-રીતિ હોય છે, પણ સત્તા મળતી હોય તો જેનો વિરોધ કર્યો હોય એને ખોળે બેસવાનો કોઈને જ વાંધો હોતો નથી. એ પણ છે કે સત્તા મળે છે, પછી સૌથી પહેલી શરમ છૂટે છે. શરમની સાથે વિવેક પણ વિદાય લે છે ને તેનું સ્થાન વાણી વિલાસ લે છે. નેતાઓના વાણી વિલાસની નવાઈ નથી ને તે છાશવારે લોકોને અનુભવવા મળે છે.
એન.સી.પી.ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર બારામતીમાં એક જનસભાને સંબોધી રહ્યા હતા, ત્યારે મંચની નીચે બેઠેલા કાર્યકરો, પત્ર આપીને પોતાનું કામ કઢાવવા ભલામણો કરી રહ્યા હતા. પહેલાં તો પવારે કાર્યકરોને ટાળ્યા, પરંતુ ભલામણો વધતી જતાં તેઓ ભડક્યા અને ગુસ્સામાં બોલ્યા કે મને મત આપ્યો એનો અર્થ એવો નથી કે તમે મારા માલિક બની ગયા છો. આવાં વિવાદાસ્પદ વિધાનનો જવાબ ન આપવો પડે એટલે ભા.જ.પે. સિફતથી પોતાને અલગ કરી લીધો છે. એક શક્યતા અજિત પવારના એન.સી.પી. અને શરદ પવાર જૂથના પુન: જોડાણની હતી, પણ અજિત પવારે તેને નકારતા રોકડું પરખાવ્યું કે તે કેન્દ્રમાં ભા.જ.પ.નાં નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સાથે અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સાથે જોડાણ જાળવી રાખશે. અજિત પવારે આમ પણ શરદ પવાર સાથેનું સગપણ ભૂલીને છેડો ફાડ્યો હતો, એટલું જ નહીં, એન.સી.પી. પર અધિકાર પણ સ્થાપ્યો હતો, એટલે કાકા સાથે એ ફરી બેસે એવું શક્ય જ નથી, તેમાં ય મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મંત્રી જેવું પદ મળ્યું હોય ત્યારે જૂનો સંબંધ તાજો કરવાની મુર્ખાઈ અજિત પવાર કરે એ વાતમાં માલ નથી, પણ કાર્યકરોને ખખડાવીને તમે મારા માલિક બની ગયા-ની જે વાત તેમણે કરી તે કોઈ રીતે યોગ્ય ન હતી. અજિત પવાર આમ પણ તેમની ઉદ્ધતાઈ માટે જાણીતા છે, પણ જનસભામાં જ જનતાનું જાહેર અપમાન અસહ્ય છે. ચૂંટણી વખતે જનતાને મત માટે અછોવાના કરતાં રાજકીય નેતાઓ સત્તા હાંસલ થતાં કેટલા નગુણા થઈ શકે છે તેનો આ નાદાર નમૂનો છે.
એમાં પણ નારીનું ગૌરવ ચુકાય ત્યારે તો બેશરમીની હદ આવી જાય છે. દિલ્હીમાં ચૂંટણી નજીક છે ત્યારે ભા.જ.પ.ના નેતા અને દિલ્હી વિધાનસભાના ભા.જ.પ.ના ઉમેદવાર રમેશ બિધુરીએ 5 જાન્યુઆરી ને રવિવારે કાઁગ્રેસી સાંસદ પ્રિયંકા ગાંધી માટે એવી ટિપ્પણી કરી કે લાલુ યાદવે બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા કરવાનું કહ્યું હતું, પણ તેઓ ન કરી શક્યા, પણ હું તમને ખાતરી આપું છું કે કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા જરૂર થશે. કાઁગ્રેસે આ મામલે વાંધો ઉઠાવતા બિધુરીને માફી માંગવાનું કહ્યું તો તેમણે કોઈ વિવાદાસ્પદ વિધાન કર્યું નથી તેવું કહીને છટકવાની કોશિશ કરી. કાઁગ્રેસને વાંધો હોય તો તેણે માફી લાલુ પાસે મંગાવવી જોઈએ, કારણ હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનાવવાનો વાયદો તેમણે અગાઉ કર્યો હતો. બિધુરીમાં શરમ તો નથી જ, વધારામાં રીઢાપણું પણ ભારોભાર છે. એક તરફ તેઓ કહે છે કે પોતે વિવાદાસ્પદ વિધાન કર્યું નથી ને બીજી તરફ લાલુનું વિધાન તેમને વિવાદાસ્પદ લાગે છે. એ સાથે જ લાલુ યાદવે હેમા માલિની વિષે કોઈ ટિપ્પણી કરી તો તેવી ટિપ્પણી કરવાનું બિધુરીને લાઇસન્સ મળી ગયું છે એવું માનીને તેઓ પ્રિયંકા ગાંધી વિષે ટિપ્પણી કરવામાં સંકોચ નથી અનુભવતા.
વાત આટલેથી જ નથી અટકતી. તેમણે દિલ્હીના મુખ્ય મંત્રી આતિશી વિષે પણ એવી ટિપ્પણી કરી કે તેમણે બાપ બદલી કાઢ્યો છે. તે માર્લેનાથી સિંહ બની ગયાં છે. આ તેમનું ચરિત્ર છે. ભા.જ.પે. બિધુરીને કાલકાજીમાંથી આતિશી સામે ટિકિટ આપી છે, એટલે પ્રતિસ્પર્ધી અંગે ટિપ્પણી તો થાય, પણ આવી અભદ્ર ટિપ્પણી ને તે એક મહિલા મુખ્ય મંત્રી માટે થાય, એ બિધુરીની હીન માનસિક્તાનો જ પડઘો છે. એક જ દિવસમાં એક મહિલા કાઁગ્રેસી સાંસદ અને બીજા મહિલા મુખ્ય મંત્રી માટે અણછાજતી ટિપ્પણી ભા.જ.પી. નેતા બિધુરીએ કરીને બહાદુરી બતાવી છે ને તેનો જવાબ પ્રેસ કોન્ફરન્સમાં આપતાં, ભાવુક થઈ જતાં આતિશીએ કહ્યું કે રમેશ બિધુરી 80 વર્ષના મારા શિક્ષક પિતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમણે હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેમની સ્થિતિ એવી છે કે કોઈના ટેકા વગર ચાલી પણ શકતા નથી. આવા પિતા માટે આવી રાજનીતિ ન હોય. વધુમાં ઉમેર્યું પણ કે દેશની રાજનીતિ આ હદે ઊતરી શકે છે એવું મેં ક્યારે ય વિચાર્યું ન હતું. રાજકારણીઓ ગરિમાપૂર્ણ રીતે તો હવે અપવાદ રૂપે ય વર્તતા નથી તે દુ:ખદ છે.
રાજકારણ હવે સ્વાર્થકારણ થઈ ગયું છે. સત્તા, સંપત્તિ જમા કરવાનું અને સહયોગ ઉધાર કરવાનું સાધન છે. અવિવેકી ને ઉદ્ધત હોવું એ રાજનેતાનું જ લક્ષણ છે જાણે ! બહાદુરી હવે મહિલા નેતાઓનું અપમાન કરવામાં દાખવાય છે. મહિલાનું માન-સન્માન જળવાય કે તેની ગરિમા જળવાય એ એટલીસ્ટ પ્રતિસ્પર્ધી મહિલા રાજકારણીઓ માટે દુર્લભ બાબત છે. રાજકારણીઓ તો રાજકીય મહિલાઓનું માન નથી જ જાળવતા, પણ સામાન્ય મહિલાને પણ અપમાનિત કરાય છે ને તે પણ રાજકીય પક્ષો ને તંત્રો દ્વારા, તે વધારે શરમજનક છે. વાત ગુજરાતનાં અમરેલીની છે. ‘લેટરકાંડ’ તરીકે બહુ ચર્ચિત એક ઘટનામાં ભા.જ.પ.ના એક ધારાસભ્યને બદનામ કરવા એક પત્ર નિર્દોષ દીકરી પાયલ ગોટી પાસે તૈયાર કરાવાયો. પાયલને ખબર જ ન હતી કે તે શું કરી રહી છે. તેને તો તેના શેઠે કહ્યું ને તેણે પત્ર તૈયાર કર્યો. તેનો વાંક હોય તો એટલો જ કે તેણે કોઈના પણ ઇરાદાથી અજાણ એ રીતે, આદેશનું પાલન કરીને પત્ર ટાઈપ કર્યો ને તે આરોપી બની ગઈ. કૈં સમજે તે પહેલાં પોલીસ તેને અડધી રાત્રે ઘરેથી ઉપાડી ગઈ. આ રીતે પોલીસ ઊંચકી જઈ શકે નહીં, પણ તેને ઉપાડી જવાઈ. રાતભર તેને જેલમાં રખાઈ, એટલું જ નહીં, માર પણ મારવામાં આવ્યો. એટલું ઓછું હોય તેમ પોલીસે તેને પત્રકાર પરિષદમાં આરોપી તરીકે જાહેરમાં ઊભી રાખી. અન્ય આરોપીઓ સાથે એ કુંવારી છોકરીને સરઘસ આકારે સડક પર ફેરવવામાં આવી. અમરેલીમાં આ રીતે કન્યાનો વરઘોડો નીકળે ને તેની કોઈને જ નાનમ ન લાગે તો માનવાનું રહે કે માનવીય સંવેદના, વેદના થવાની પાત્રતા પણ ગુમાવી ચૂકી છે. રાજકીય પ્રશ્ન જે હોય તે કે રાજકીય પક્ષો પણ જે હોય તે કે તંત્રો સક્રિય હોય કે ન હોય, બધું બાજુ પર, પણ નકરી ને નકટી હકીકત એ છે કે એક કુંવારી કન્યા પોલીસનો અને રાજરમતનો શિકાર થઈ. તેના કોઈ વાંક વગર તેને લોકો સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાવાનું આવ્યું.
આ હાલત છે મહિલાઓની આજના રાજકીય અખાડાઓમાં. કોઈ નેતા નિર્લજ્જ થઈને કહી શકે છે કે મતદાતાઓ તેના માઈબાપ નથી. એ જ નેતા મતદાતાઓને મત માટે ભાઈબાપા કરતા થાકતા નથી. સત્તાના મદમાં છકેલા રાજકારણીઓને બોલવાનું પણ ભાન નથી. એ હોત તો કમ સે કમ મહિલાઓનું માન જાળવવાની થોડી શરમ તો બચી હોત ! લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યનો અધિકાર તો હોય, પણ અભદ્ર વાણી વિલાસનો તો ન હોયને ! હજી સુધી તો ભારત લોકશાહી દેશ છે, તે હવે નામનો જ લોકશાહી દેશ ન રહી ગયો હોય તો સારું …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જાન્યુઆરી 2025