
રમેશ સવાણી
નાની એવી બાબતમાં દલિતની હત્યા કરવી એટલે જાણે કોઈ જંતુને પગ તળે કચડી નાખવું ! આ સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં જેવી સામંતશાહી માનસિકતા છે એટલી દક્ષિણ ગુજરાતમાં નથી. ભૂતકાળમાં, 1989માં, ઉત્તર ગુજરાતના સાંબરડામાંથી ગઢવીઓના ત્રાસથી દલિતોએ હિજરત કરી હતી.
15 મે 2025ના રોજ, અમરેલીના સાવરકુંડલા રોડ પર ઝાખરિયા ગામે એક દુકાન પર એક બાળક ચીજવસ્તુ વેચતો હતો. ત્યાં એક દલિત યુવક નરેશ રાઠોડ નમકીન લેવા ગયો. નમકીનનું પેકેટ ઉપર હતું જ્યાં બાળકનો હાથ પહોંચતો ન હતો. એટલે નરેશે કહ્યું કે “બેટા, રહેવા દે. હું નમકીનનું પેકેટ લઈ લઉં છું !” દરમિયાન બાળકના પિતા ચોથાભાઈ ભરવાડ આવતા “મારા છોકરાને બેટા કેમ કીધો?” તેમ કહીને ઝઘડો કર્યો. નરેશ સાથે બીજા ત્રણ દલિત યુવકો હતા તેમણે પણ નાની વાતમાં ઝઘડો ન કરવા કહ્યું. દરમિયાન ચોથાભાઈએ ફોન કરી બીજાને બોલાવ્યા, તેમણે લાકડી, કુહાડીથી ચારેય દલિત યુવકોને ઢોરમાર માર્યો. નિલેશભાઈને માથાના પાછલા ભાગે કુહાડીનો ઘા માર્યો.
નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 22 મે 2025ના રોજ તેણે દમ તોડ્યો હતો અને મારામારી હત્યામાં પરિણમી હતી.
અમરેલી રૂરલ પોલીસે આરોપી ચોથાભાઈ ભરવાડ, વિજયભાઈ ટોટા, ભાવેશભાઈ મુંધવા, જતીનભાઈ મુંધવા સહિત 15 સામે BNS કલમ-103 (હત્યા) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીને એરેસ્ટ કરેલ છે.
‘જૂથબળ’ની એક ઘટના 15 મે 2025ના રોજ સુરત બારડોલી રોડ પર પલસાણા તાલુકાના કારેલી ગામમાં બની હતી. ગ્રામપંચાયતના આદિવાસી સભ્ય હસમુખભાઈ ઢોડિયાએ રહેણાંક વિસ્તારમાં ટ્રેક્ટર થોડું ધીમે ચલાવવા માલધારી યુવકને કહ્યું. ત્યાં તો માલધારીઓનું આખું ટોળું આવી ગયું. અને હસમુખભાઈને એમના ઘરના લોકોની નજર સામે ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધા. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પોલીસ પણ કંઈ ન કરી શકી. ગામની મહિલા સંરપચે આક્રમક બની લાખોના ખર્ચે બનેલા RCC રોડ પરનું દબાણ દૂર કરાવ્યું. આરોપીઓ પકડાય અને હસમુખભાઈના પરિવારને ન્યાય મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પર બેસવું પડ્યું હતું. ‘જૂથબળ’ને કાયદાથી નિયંત્રિત કરવું પડે અને તે સરકાર જ કરી શકે. પરંતુ સરકાર પણ ગરીબોને માણસ ગણતી નથી !
આ નિલેશભાઈને ખબર ન હતી કે માનવીય સંવેદના વ્યક્ત કરવાની પણ તેમને છૂટ નથી, કેમ કે દલિતોને; ઉપલા વર્ણના / OBC વર્ગના લોકો માણસ ગણતા જ નથી ! આ કરુણ અને શરમજનક ઘટના સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં ઉપલા વર્ણમાં અને OBC જ્ઞાતિઓમાં; દલિતો પ્રત્યે કેટલી નફરત છે? વિચારજો : નાના બાળકને ‘બેટા’ કહેવાની સજા નિલેશભાઈ રાઠોડને મળી; તેની જગ્યાએ ઉપલા વર્ણની કોઈ વ્યક્તિએ ‘બેટા’ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો તેના માથામાં ચોથાભાઈ ભરવાડે કુહાડી મારી હોત?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર