પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામ જોતાં થોડી બહોળા કેનવાસ પર સમગ્રતામાં વાત કરવાની જરૂર ભાસે છે માટે આ લેખશ્રેણી :

રમેશ ઓઝા
જેની કોઈ રાજકીય ગણના નહોતી, જેની એક સમયે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, જેની ભારત વિશેની કલ્પનાને શેખચલ્લીના ખ્વાબ તરીકે જોવામાં આવતો હતો એ લોકો ભારતીય રાજ્ય (સત્તા નહીં, રાજ્ય. સત્તા કબજે કરવી અને રાષ્ટ્ર/રાજ્ય – નેશન સ્ટેટ- ને કબજે કરવું એ બેમાં જમીન-આસમાનનો ફરક છે.) પર કબજો કેવી રીતે કરી શક્યા? થોડા વખત પહેલાં મેં મારા એક લેખમાં કનૈયાલાલ મુનશીને ટાંક્યા હતા. તેમણે આઝાદીની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ માટે લખેલા લેખમાં કહ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સત્તા પર કબજો જમાવશે તો દેશમાં સંપૂર્ણપણે ફાસિસ્ટ રાજ્ય આકાર લેશે, પણ એવી શક્યતા નહીંવત્ છે. સંઘ ફાસીવાદી છે અને તેનો વિજય એટલે રાષ્ટ્ર/રાજ્ય પર કબજો એ વાત મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો જાણતા હતા, પણ એવું શું હતું કે તેઓ એવી શક્યતા નહીંવત્ જોતા હતા? આખરી પરિણામની તો જાણ હતી, પાક્કી ખાતરી હતી, પણ સંભાવના નહીંવત્ લાગતી હતી.
મેં જે અભ્યાસ કર્યો છે એમાં બે વ્યક્તિ મેં એવી જોઈ છે જે એ સમયે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાબતમાં સાવધાન હતી. એક જવાહરલાલ નેહરુ અને બીજા વિનોબા ભાવે. આમ તો ત્રણ કહી શકાય. પહેલા મહાત્મા ગાંધી, પણ તેમની સામેનો સંદર્ભ સંસદીય સત્તાકીય રાજકારણનો નહોતો. ગાંધીજીની નિસ્બત અહિંસક સમાજરચના માટેની અને સાધનશુદ્ધિ માટેની હતી. તેમણે કહ્યું છે અને વિનાયક દામોદર સાવરકરનું તો નામ લઈને કહ્યું છે કે તેઓ હિંસામાં માને છે, એ પણ વળી સમી છાતીએ (બહાદુર ક્રાંતિકારીઓની માફક) પોતે હિંસા કરવામાં માનતા નથી, પણ પાછળ રહીને હિંસા કરાવે છે અને સાધનશુદ્ધિમાં માનતા નથી. આ વાત તેમણે ૧૯૦૯માં મદનલાલ ઢીંગરાએ કર્નલ વાઈલીનું લન્ડનમાં ખૂન કર્યું ત્યારે ‘ઇન્ડીઅન ઓપિનિયન’માં લેખ લખીને કહી હતી. તેમણે તેમના લેખમાં લખ્યું હતું કે ખૂન મદનલાલ ઢીંગરાના હાથે કરાવવામાં આવ્યું છે. ખૂની એ નથી જેણે ખૂન કર્યું છે, ખૂની એ છે જેણે એને ખૂન કરવા પ્રેર્યો છે. પ્રેરકે આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. આ વાત એ પછી પણ બે-ચાર વાર કહી છે. તમારી હિંસામાં શ્રદ્ધા હોય તો વાંધો નહીં, પણ સામે ઊભા રહીને ખુલ્લી છાતીએ કરો. કોઈને ઉશ્કેરીને બીજા દ્વારા હિંસા કરાવવી એ કાયરતા છે.
ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ કારણ કે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સંઘ સાથે એ સમયે સીધો સંબંધ નહોતો, એવું માનનારા કાઁગ્રેસમાં અનેક લોકો હતા અને એ વાત સાચી પણ હતી. પરંતુ આ સિવાય પણ એક કારણ હતું. કાઁગ્રેસની અંદરના જમણેરી નેતાઓને એમ લાગતું હતું કે આ જમાત ત્રણ રીતે કામની છે. એક તો તેઓ મુસ્લિમ કોમવાદને અંકુશમાં રાખી શકે એમ છે. બીજું વખત આવ્યે તેઓ સામ્યવાદ અને સામ્યવાદીઓને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે અને ત્રીજું તેઓ કાઁગ્રેસની અંદર સમાજવાદી વિચારો ધરાવનારા ડાબેરી નેતાઓની વગ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે એમ છે. કોઈકને મુસ્લિમ કોમવાદનો ભય હતો, કોઈકને સામ્યવાદનો ભય હતો (૧૯૫૭માં કેરળમાં સામ્યવાદીઓ લોકતાંત્રિક માર્ગે સત્તા સુધી પહોંચ્યા ત્યારે તો ભય આસમાને પહોંચ્યો હતો) અને કોઈકને કાઁગ્રેસ સમાજવાદનો માર્ગે અપનાવે એ વાતનો ભય હતો. મોટા ભાગના લોકોને આ ત્રણેય ભય એક સાથે સતાવતો હતો. અને એ દરેક લોકોને એક વાતની તો ખાતરી હતી કે આ ગાંડીઘેલી વાતો કરનારી જમાત ક્યારે ય સત્તા સુધી પહોંચી શકે એમ નથી. હિંદુ ઝનૂની બની જ ન શકે. તેમની કલ્પનાનું ભારત હિંદુ પીંડને માફક આવે એવું નથી. કનૈયાલાલ મુનશીએ તો ઉપર ટાંક્યો એ લેખમાં લખ્યું પણ હતું કે આ જમાત સામ્યવાદને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે. મુનશીએ તેમને “a friend in need” તરીકે ઓળખાવ્યા હતા. હા, એક વાતની ખાતરી હતી કે ન કરે નારાયણ અને જો તેઓ સત્તા પર કબજો કરે તો ફાસીવાદી શાસન અવશ્યંભાવિ છે.
સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા એમ.એસ. ગોલવલકરને સલાહ આપી હતી કે સંઘ કાઁગ્રેસમાં જોડાઈ જાય. તેમનો ઈરાદો કાઁગ્રેસની અંદરના ડાબેરીઓનો પ્રભાવ ખાળવાનો હતો. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આ સારુ તેમણે જવાહરલાલ નેહરુને રાજી કરવા જોઈએ. ગોલવલકર સાહેબે એવો પ્રયાસ કર્યો પણ હતો. તેમણે પોતાના નામે સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં નેહરુની પ્રસંશા કરતા લેખો લખ્યા હતા. એક બે નહીં, શ્રેણીબદ્ધ. આહા! નેહરુના આટલા અને આવા વખાણ તો તેમનાં માતાપિતાએ પણ નહીં કર્યા હોય! ભારતનો પનોતો પુત્ર, ગરીબોની આંખોનું નૂર અને બીજું શું નહીં!
નેહરુ પીગળ્યા નહોતા. કારણ? કારણ કે તેમને એ બાબતમાં કોઈ શંકા નહોતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંદુ ફાસીવાદી સંગઠન છે. કાઁગ્રેસના બીજા જમણેરી નેતાઓથી ઊલટું તેમને સંઘનો કોઈ ખપ નજરે પડતો નહોતો. પડતો હોય તો પણ તેઓ તેમને આંગળી આપવામાં માનતા નહોતા. હજુ નજીકના ભૂતકાળમાં યુરોપમાં ફાસીવાદનો વરવો અને વિકરાળ ચહેરો જોવા મળ્યો હતો અને નેહરુ વૈશ્વિક દૃષ્ટિકોણ (world vision) ધરાવતા હતા. તેમણે ઘસીને કાઁગ્રેસમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી. સંઘ ફાસીવાદી સંગઠન છે અને ફાસીવાદી કમજોર હોય તો પણ જોખમી છે એ નેહરુ જાણતા હતા અને એમ એકથી વધુ વખત કહ્યું પણ હતું. હિટલર અને તેનો પક્ષ પણ એક સમયે કમજોર હતા. ઝેરનાં પારખાં કરવાના ન હોય. નેહરુ વૈશ્વિક તેમ જ સાંગોપાંગ ઐતિહાસિક દૃષ્ટિકોણ ધરાવતા હતા અને આવા નેતાઓ તાત્કાલિક લાભાલાભથી દૂરનું જોઈ શકતા હોય છે.
બીજા અને ગાંધીજીને ગણો તો ત્રીજા વિનોબા ભાવે. દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિનોબા સેવાગ્રામ આશ્રમમાં હતા. તેમણે એ દિવસોમાં રોજ સાંજે ગાંધીજી વિષે અને ગાંધીજીની કલ્પનાના વૈશ્વિક સમાજ વિષે પ્રવચનો આપ્યાં હતાં. એ પ્રવચનો મનનીય હતાં. વિનોબાનો દૃષ્ટિકોણ નેહરુ જેવો વૈશ્વિક ઉદારમતવાદી નહોતો, પણ હિંદુ દાર્શનિક માનવતાવાદી હતો. તેમણે કહ્યું હતું કે સંઘની વિચારધારા હિંદુ પરંપરાને સુસંગત નથી, પણ વિસંગત છે. તેઓ હિંદુનો પીંડ બદલવા માગે છે. તેઓ હિંદુ માનસ બદલવા માગે છે. તેઓ જન્મજાત ઉદારમતવાદી હિંદુને સંકીર્ણ બનાવવા માગે છે. તેઓ હિંદુને હિંસક બનાવવા માગે છે. તેમની પ્રેરણા વેદ ઉપનિષદ નથી, પણ પશ્ચિમની વિચારધારા છે. ગાંધીજીની હત્યા એ એજન્ડાના ભાગરૂપે કરવામાં આવી છે, કારણ કે ગાંધીજી પરિપક્વ હિંદુ પરંપરાનું ફળ છે અને નવા યુગનું બીજ છે. તેમણે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું સેવાગ્રામથી નાગપુર(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુંમથક)નું અંતર બહુ ખાસ નથી, માટે સાવધાન રહેવાની જરૂર છે.
તેમણે એ વખતે તો નહીં, પણ અન્યત્ર એમ પણ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં ક્યારે ય અખંડતા જોઈ નથી, જે દેશનું વિભાજન ટાળવા માટેનાં અનેક પ્રયત્નો પછી પણ કોમી વિભાજન થયું, જે દેશમાં વિવિધતાઓનો પાર નથી, જે દેશમાં ઊંચનીચની નિસરણી કલંકરૂપ છે એ દેશનું સમાનતા અને ન્યાયમાં માનનારા પ્રજાસત્તાક લોકતાંત્રિક અને આધુનિક દેશમાં રૂપાંતર કરવું એ રાજકીય એજન્ડા ન હોઈ શકે, રાષ્ટ્રીય એજન્ડા હોવો જોઈએ. રાષ્ટ્રીય યજ્ઞ હોવો જોઈએ. માટે કમ સે કમ ભારતીય રાષ્ટ્ર નામનું બાળક ઘોડિયામાંથી બહાર નીકળીને બે પગે ચાલતું ન થાય ત્યાં સુધી પવિત્ર ભારતીય રાષ્ટ્રીયતાને સત્તાના સંસદીય રાજકારણથી દૂષિત ન કરવું જોઈએ. સત્તાના રાજકારણનો સ્વભાવ જ વિભાજનકારી છે. ટૂંકમાં રાષ્ટ્રીય સર્વસમાવેશકતા અને રાષ્ટ્રીય સર્વસંમતિનો તેમણે આગ્રહ રાખ્યો હતો. કમ સે કમ દાયકો-બે દાયકા વિભાજનકારી રાજકારણ ન કરવામાં આવે અને સત્તાનો સ્વભાવ જ તિરાડો પાડનારો છે. પાર્ટી અથવા પક્ષ જ તિરાડ સૂચવે છે.
તો વાતનો સાર એ કે ગાંધીજીને એ વાતનો વાંધો હતો કે આ જમાત સાધનશુદ્ધિમાં માનતી નથી, ગમે તે માર્ગ અપનાવવામાં અને ગમે તેનો ઉપયોગ કરવામાં તેઓ સંકોચ અનુભવતા નથી અને પોતે સામી છાતીએ મેદાનમાં ઊભા રહેતા નથી. આવા લોકો ગમે ત્યારે ગમે તેને છેતરી શકે છે. જવાહરલાલ નેહરુને એ વાતનો વાંધો હતો કે ફાસીવાદી ગમે એટલો કમજોર હોય એ જોખમી જ છે અને ઝેરનાં પારખાં કરવાનાં ન હોય. વિનોબા ભાવેને એ વાતનો વાંધો હતો કે આ જમાતનો પ્રોજેક્ટ હિંદુ માઈન્ડ છે. તેઓ ઉદારમતવાદી માનવતાવાદી હિંદુ પીંડને અને હિંદુ માનસને બદલવા માગે છે.
તમે એ તો જાણો જ છો કે વર્તમાન શાસકો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીની, સર્વોદય વિચારધારા અને તેની સંસ્થાઓની અને નેહરુ તેમ જ નેહરુનિર્મિત સંસ્થાઓની જેટલી બદનામી કરે છે અને જેટલા પ્રમાણમાં તેને ખતમ કરવા પ્રયત્નશીલ છે એટલી પ્રયત્નશીલતા બીજા કોઈની બાબતે નહીં જોવા મળે.
કારણ? કારણ કે હિંદુ ફાસીવાદનું વારણ ગાંધી-નેહરુ-વિનોબામાં છે.
પણ ખાટલે મોટી ખોડ એ રહી કે આ વાત બીજા લોકોને સમજાતી તો હતી, પણ તાત્કાલિક સત્તાકીય ગણતરીઓને અને સાચાખોટા ભયને તેમણે વધારે મહત્ત્વ આપ્યું. હજુ નજીકના ભવિષ્યમાં યુરોપમાં બર્બરતા જોઈ હોવા છતાં ય. તેમને તો એમ જ લાગતું હતું કે હિંદુ પીંડ જ જ્યારે ફસીવાદને અનુકૂળ નથી તો ડરવાની શું જરૂર? ભારતીય રાજકારણે હિંદુ ફાસીવાદને ઉછેરવાનું કામ કર્યું પણ લાખ રૂપિયાનો સવાલ છે કે હિંદુ પીંડ કેમ બદલાયો? હિંદુ માનસ કેમ બદલાયું? વેદ ઉપનિષદ મહાવીર અને બુદ્ધે તેમ જ મધ્યકાલીન સંતો અને સૂફીઓએ ઉછેરેલો હિંદુ ક્યાં ગયો?
આની ક્રમશઃ વિગતો હવે પછીના લેખોમાં આવશે.
16 મે 2026
e.mail : ozaramesh@gmail.com
![]()

