૧૨
કર્ટિસે જે બે ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ને સોંપ્યા હતા તેમાંનો કેટલોક ભાગ છેક ૧૯૩૩માં પ્રગટ થયો. પણ તે ‘ગુજરાતી રાસમાળા’ને નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે. મનસુખરામ ત્રિપાઠીના અવસાન પછી અંબાલાલ બુલાખીરામ જાની આ સંસ્થાના મંત્રી બન્યા હતા. તેઓ એક વિદ્વાન સંશોધક હતા. પુસ્તકના કર્તૃત્ત્વ અંગે પણ તેમણે પૂરતી સાવધાની રાખી છે. દલપતરામને પુસ્તકના કર્તા ગણાવ્યા નથી, પણ ટાઈટલ પેજ પર છાપ્યું છે : “ગુજરાતના મધ્ય અને ઉત્તર કાળનાં રાજ્યો તથા રાજવંશો સંબંધી સંગ્રહેલી માહિતીઓ અને કથનીઓ. સંગ્રહી લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ.” ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે નિખાલસતાપૂર્વક લખ્યું છે : “એકંદર જોતાં ગ્રંથ કેવળ અપરિપક્વ – ટાંચણવાળી દશામાં તૈયાર કરેલો છે, તેમ તે સંપૂર્ણ પણ નથી … શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ તે પ્રગટ કરવા ધારણા રાખી ન હતી. પરંતુ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી તે પ્રગટ કરવા માટે પોતાને સોંપવાની માગણી થતાં, તેમ જ આ ગ્રંથ કવીશ્વર પાસે લખાવાયો ત્યારે તે પ્રગટ કરવાનો મૂળ ઉદ્દેશ હતો એ વિચાર લક્ષમાં લેતાં અમારી સભાએ એની ભાષાશૈલી તેમ જ વસ્તુને એમ ને એમ સાચવી, માત્ર પ્રકરણો પાડી, પ્રગટ કરવાનું કામ મને સોંપ્યું અને તેટલું જ કામ મેં કર્યું છે.”
જે ચોપડા પરથી આ પુસ્તક અંબાલાલ જાનીએ તૈયાર કર્યું હતું તે હજી ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે. એ ચોપડા અને તેના પરથી તૈયાર થયેલા પુસ્તક પર ઊડતી નજર નાખતાં પણ સમજાય એમ છે કે આને કોઈ રીતે ‘મૂળ ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવી શકાય એમ નથી. અહીં જે છે તે ફાર્બસે એકઠી કરાવેલી અને દલપતરામે એકઠી કરેલી કાચી સામગ્રી માત્ર છે. તેમાંથી જરૂરી લાગી તે સામગ્રીનો ઉપયોગ ફાર્બસે રાસમાળા લખવામાં કર્યો છે. દલપતરામે જે લખ્યું તેનો તેમણે અંગ્રેજી અનુવાદ કર્યો નથી જ. રાસમાળાનું કર્તૃત્ત્વ સંપૂર્ણપણે ફાર્બસનું જ છે. દલપતરામનો ફાળો માત્ર કાચી સામગ્રી ભેગી કરી આપનાર તરીકેનો છે.
પોતાના પુસ્તકને ફાર્બસે ‘રાસમાળા’ એવું નામ કેમ આપ્યું હશે? રાસ અથવા રાસો એ જૂની ગુજરાતી કે મારુ ગુર્જર ભાષાનો સૌથી જૂનો સાહિત્ય પ્રકાર છે. અપભ્રંશમાં લખાયેલ ‘મુંજરાસો’ આ પ્રકારના મૂળમાં હોવાનું મનાય છે. આ કૃતિ તો આજે અપ્રાપ્ય છે, પણ બારમી સદીમાં હેમચંદ્રાચાર્યે લખેલ પ્રાકૃતના વ્યાકરણમાં તેમાંથી કેટલાક ઉતારા આપ્યા છે તે સચવાયા છે. બારમી સદીથી જૂની ગુજરાતી ભાષામાં આ રાસ કે રાસોનો પ્રકાર વિકસ્યો. તેરમી સદીના મધ્ય ભાગમાં જૈન કવિઓએ આ પ્રકારનું મોટા પાયે ખેડાણ કર્યું, એટલે શરૂઆતમાં આ પ્રકાર જૈન ધર્મ સાથે સંકળાયેલો રહ્યો. પણ સોળમી સદીમાં જૈનેતર કવિઓએ આ પ્રકારને અપનાવ્યો અને રાજા-રજવાડાં, તેમનાં પરાક્રમો અને યુદ્ધો વગેરેના વર્ણન અને પ્રશસ્તિ માટે તેનો ઉપયોગ કર્યો. જો કે તેમાંના મોટા ભાગના કવિઓ કોઈ ને કોઈ રાજાના આશ્રિત તરીકે રહેતા હતા, અને તેથી તેમના નિરૂપણમાં અતિશયોક્તિ જોવા મળે છે, એટલું જ નહિ, રાજા કે તેના પૂર્વજોની અળખામણી લાગે તેવી વાતો કહેવાનું તેઓ સભાનતાપૂર્વક ટાળે છે. સોળમી સદી પછી રાસ અને પ્રબંધ એ બે નામો એકબીજાના પર્યાય તરીકે વપરાતા થયા. પોતે જે મધ્યકાલીન કૃતિઓનો આધાર લીધો હતો તેનો ઋણસ્વીકાર કરવાના ઈરાદાથી ફાર્બસે પોતાની કૃતિને ‘રાસમાળા’ એવું નામ આપ્યું.
અંગ્રેજી રાસમાળા બે ભાગમાં પ્રગટ થઇ હતી અને બંને ભાગમાં બે-બે ખંડ હતા. ૮૦૦ કરતાં વધુ પાનાંમાં વિસ્તરેલા આ પુસ્તકમાં ચિત્રો પણ મૂક્યાં છે, જેમાંનાં કેટલાંક બહુરંગી છે. આ બધાં ચિત્રો પણ ફાર્બસે પોતે તૈયાર કરેલાં છે. પહેલા ભાગના પહેલા ખંડના આરંભે ફાર્બસે ગુજરાતની ભૌગોલિક સીમાની ચર્ચા કરી છે. એ વખતે એક રાજકીય એકમ તરીકે ગુજરાતનું અસ્તિત્વ નહોતું, પણ ફાર્બસે એ વખતે ગુજરાતની જે ભૌગોલિક સીમા આલેખી છે તે ઘણેખરે અંશે આજના ગુજરાત રાજ્યની સીમા સાથે મળતી આવે છે. ત્યાર બાદ લેખક મધ્યકાળના આરંભના ઇતિહાસ તરફ વળે છે અને આઠમીથી તેરમી સદીના સમયગાળાને આવરી લે છે. અલબત્ત, તેમણે મુખ્યત્વે પાટણ અને કાઠિયાવાડનાં રાજ્યોની જ વાત કરી છે. બીજા ખંડમાં તેમણે મુસ્લિમ યુગની વાત વણી લીધી છે. જો કે અહીં પણ તેમણે વધુ ધ્યાન સ્થાનિક હિંદુ રાજાઓના ૧૪મીથી ૧૬મી સદી દરમ્યાનના મુસ્લિમ સુલતાનો સાથેના સંબંધો પર કેન્દ્રિત કર્યું છે. બીજા ભાગના પહેલા ખંડમાં (પુસ્તકના ત્રીજા ખંડમાં) લેખકે મરાઠા કાળને આવરી લીધો છે અને ઇતિહાસને અંગ્રેજોના આગમન સુધી લઇ આવ્યા છે. જો કે બીજા ખંડની જેમ આ ત્રીજા ખંડમાં પણ ફાર્બસને વધુ રસ છે તે તો હિંદુ રાજાઓનાં પરાક્રમ અને શૌર્યગાથાનું વર્ણન કરવામાં. ચોથા ખંડને નામ તો ‘કન્કલુઝન્સ’ એવું આપ્યું છે, પણ અહીં તેમણે ગુજરાતમાં તે વખતે પ્રવર્તતી જ્ઞાતિ પ્રથાની વિગતે ચર્ચા કરી છે, જમીનદારી પ્રથાની ચર્ચા કરી છે, ભૂતપ્રેત અંગેના વહેમોની વાત કરી છે, અને હિન્દુઓના તહેવારો અને ધાર્મિક વિધિઓ અંગે માહિતી આપી છે. આ ખંડમાં ફાર્બસે દલપતરામના ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધના પોતે કટેલા અનુવાદોને લગભગ આખેઆખા સમાવી લીધા છે. અલબત્ત, તે અંગે દલપતરામનો ઋણ સ્વીકાર સ્પષ્ટ રીતે કર્યો છે.
૧૮૭૮માં અંગ્રેજી રાસમાળાની બીજી આવૃત્તિ પ્રગટ થઇ હતી. તેમાં આરંભે એ.કે. નારીનનો Alexander Kinloch Forbes: A Memoir નામનો લેખ મૂકવામાં આવ્યો છે. ફાર્બસ અને તેમના આ પુસ્તકની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ તેમણે બહુ ઉચિત રીતે આ શબ્દોમાં જણાવી છે :
“ફાર્બસે જે લોકો વિષે લખ્યું છે તે લોકોને તેઓ ખરેખર ચાહતા હતા. એ લોકોના પરાક્રમની ગાથા ગાતા કોઈ રાસની વાત કરતી વખતે તેમના મોઢા પર જે આનંદ છવાઈ જતો તેવો ભાગ્યે જ બીજા કોઈ વખતે જોવા મળતો. રજપુતાણી રાણકદેવી અને વીરમતિની વાત તેમણે અહીં (રાસમાળામાં) ચારણોની સાદગીભરી શૈલીમાં જ કહી છે. અને તે વાંચતાં ભાગ્યે જ કોઈ તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકે.”૨૮
“ઇતિહાસના ગ્રંથ તરીકે રાસમાળામાં ખામીઓ નથી એવું નથી. ફાર્બસ પુરાતત્ત્વ વિદ્યાથી માહિતગાર નહોતા અને ગુજરાતના પ્રારંભના ઇતિહાસ વિષે તેમણે અહીં ભાગ્યે જ કશું કહ્યું છે. વલ્લભી વંશ અને તેના તરતના અનુગામીઓ વિશેની દન્તકથાઓમાં રહેલી ગૂંચ તેઓ ઉકેલી શક્યા નહિ. તો કેટલીક બાબતોમાં તેમના નિષ્કર્ષ સાવ ખોટા હતા, જેમ કે અણહીલવાડ પરના મુસ્લિમોના આક્રમણ અંગેનો તેમનો નિષ્કર્ષ. પણ આમ કહેતી વખતે આપણે એ યાદ રાખવું જોઈએ કે ડૉ. બુહલર અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના આ વિષય પર પ્રકાશ નાખતાં સંશોધનો પ્રગટ થયાં તે પહેલાં ફાર્બસે આ પુસ્તક લખ્યું હતું. એ ઉપરાંત પણ આજે જે કેટલાક ગ્રંથો આપણને સુલભ છે તે એ વખતે ફાર્બસને સુલભ નહોતા.”૨૯
ફાર્બસનું વલણ હિંદુ તરફી હોવાનું જણાવતા તેઓ કહે છે :
“ફાર્બસે ગુજરાતના ઇતિહાસની વાત કરતી વખતે કદાચ હિંદુ, એટલે કે રાજપૂતોના ઇતિહાસ તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુસલમાનો અને મરાઠાઓનો તેઓ અછડતો ઉલ્લેખ જ કરે છે. તેમાં ય ફાર્બસ મરાઠાઓને તો લગભગ ગુજરાત પરના આક્રમકો તરીકે જ જુએ છે અને રાજપૂત રાજ્યોને લૂંટવા માટે ફાર્બસ મરાઠાઓને માફ કરી શકતા નથી.”૩૦
ત્રીસ વર્ષના સમયગાળામાં ત્રણ અંગ્રેજ અમલદારોએ પશ્ચિમ ભારતના ત્રણ મહત્ત્વના પ્રદેશોના ઇતિહાસ અંગેનાં પુસ્તકો લખ્યાં એ કદાચ કેવળ અકસ્માત ન પણ હોય. કેપ્ટન ગ્રાન્ટ ડફે ત્રણ ભાગમાં લખેલો History of the Marathas ગ્રંથ ૧૮૨૬માં પ્રગટ થયો. કર્નલ જેમ્સ ટોડ પાસેથી ૧૮૨૯-૩૨ દરમ્યાન બે ભાગમાં Annals and Antiquities of Rajasthan નામનો ગ્રંથ મળ્યો. અને રાસમાળા પ્રગટ થઇ ૧૮૫૬માં. આ ત્રણે લેખકો નહોતા ઇતિહાસવિદ્દ કે નહોતા અધ્યાપન-સંશોધન સાથે સંકળાયેલા. પણ તેઓ જે પ્રદેશમાં કામ કરતા હતા તે પ્રદેશ પ્રત્યે તેઓ આકર્ષાયા હતા, અને પોતાનાથી બને તેટલી સામગ્રી તેમણે એકઠી કરી હતી અને તે તે પ્રદેશ વિષે લખ્યું હતું – સમભાવ, સમજણ, અને કેટલેક અંશે એ પ્રદેશ માટેના પ્રેમપૂર્વક. એ વખતે આ ત્રણે પ્રદેશોમાં અંગ્રેજી જાણતા સુશિક્ષિતોની સંખ્યા બહુ મોટી નહોતી. પણ તેમનો પ્રભાવ સમાજ પર પડવો શરૂ થઇ ચૂક્યો હતો. આવા સુશિક્ષિતો આ ત્રણે ગ્રંથો પ્રત્યે આકર્ષાયા હતા. મરાઠી, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં લખનાર લેખકોએ આ ત્રણ ગ્રંથોમાંથી પ્રેરણા મેળવી હતી. અલબત્ત, આજે આ ત્રણે ગ્રંથો લગભગ ભૂલાઈ ગયા છે અને ગણ્યા ગાંઠ્યા સંશોધકોને બાદ કરતાં ભાગ્યે જ બીજું કોઈ આ ગ્રંથોના વાચન તરફ વળતું જોવા મળે છે.
e.mail : deepakbmehta@hotmail.com