ભારતના વડા પ્રધાન મોદીજીની એક જ લાયકાત છે કે તેઓ કોર્પોરેટ કંપનીઓની ચોકીદારી ઉત્તમ રીતે કરી શકે છે ! એટલે જ અદાણી / અંબાણીની માલિકીના મીડિયા મોદીજીની સતત સ્તુતિ કર્યા કરે છે. જ્યાં પણ આલોચના કરવાની ફરજ પડે ત્યાં ‘તંત્ર’ પર દોષનો ટોપલો ઢોળીને મોદીજીને દેવદૂત સાબિત કરે છે ! આ કોર્પોરેટ મીડિયા તથા ગોદી મીડિયા મોદીજીને દેશની સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછવાને બદલે ‘તમે ખિસ્સામાં પાકીટ રાખો છો કે નહીં? કેરી કાપીને ખાવ છો, કે ચૂસીને? આટલી ઊર્જા ક્યાંથી મેળવો છો?’ એવા એવા સાવ વાહિયાત સવાલો પૂછે છે. દેશની આર્થિક કમ્મર તોડનાર નોટબંધી હોય કે કોરોના દરમિયાન 40 લાખથી વધુ મોત થયા હોય, એક સાદી પ્રેસ કોન્ફરન્સ કરી નથી, એક તરફી મન કી બાત જ કરી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પત્રકારોથી ડરે છે કેમ?
‘મોદી હૈ તો મુમકિન હૈ / નોન બાયોલોજીકલ / અવતારી / વિશ્વના સૌથી લોકપ્રિય નેતા’ વગેરેની છાપ કોર્પોરેટ મીડિયાએ બનાવી છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં અમેરિકન પત્રકારે ‘અદાણી સામે શું પગલાં લીધાં?’ આ પ્રશ્ન પૂછતાં કોર્પોરેટ મીડિયાએ બનાવેલ વડા પ્રધાનની કલઈ જ ઊખડી ગઈ !
‘અદાણી સામે શું પગલાં લીધાં’ આ પ્રશ્નનો જવાબ મોદીજીએ આપ્યો : ‘અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ્ની છે. અમે આખા વિશ્વને પોતાનો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારા પોતાના માનું છું. બીજું કે આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશના વડા ન મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે !’
સવાલ એ છે કે અદાણી સામે શું પગલાં લીધાં તેમાં વસુધૈવ કુટુમ્બકમ્ કઈ રીતે આવે? સંસ્કાર અને સંસ્કૃતિ કેમ ઘૂસાડી દીધા હશે? અને વાસ્તવમાં ‘દરેક ભારતીયને પોતાના’ માનતા હોય તો સીધા પ્રશ્નનો જવાબ અસંબંધિત આપે? વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ આપવી તેના ઉપદેશો આપનાર વડા પ્રધાન પોતે પ્રશ્નોના જવાબ કઈ રીતે ટાળે છે, એનું ઉદાહરણ પૂરું પાડતા નથી? અદાણી અંગેનો પ્રશ્ન કઈ રીતે ‘વ્યક્તિગત બાબત’ કહેવાય? એક જ પ્રશ્નએ, મોદીજીની લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ બદલી નાખી ! ત્રણ ત્રણ ટર્મના શાસન છતાં મોદીજીને આ પ્રકારના સવાલનો સામનો કરવાની કોઈ પ્રેક્ટિસ જ નથી; કેમ કે ગોદી મીડિયાની સ્તુતિએ મોદીજીને દિવ્યાંગ બનાવી દીધા છે ! પત્રકાર તુષાર દવે કહે છે : ‘પત્રકારોએ કરોડરજ્જુ ભંગાવીને બંગલા બાંધ્યા છે, એન્કર્સ કરતાં સારા સવાલો કૉમેડિયનો ઉઠાવે છે !’
14 ફેબ્રુઆરી 2025ના રોજ, રાહુલ ગાંધીએ કહ્યું છે : “દેશમાં સવાલ પૂછો તો મૌન ! સવાલ પૂછનારને હેરાનગતિ / જેલ ! વિદેશમાં સવાલ પૂછો તો ‘વ્યક્તિગત બાબત’ ! મોદીજીએ અમેરિકામાં પણ અદાણીના ભ્રષ્ટાચારને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના પડદા હેઠળ ઢાંકી દીધો ! જ્યારે મિત્રનું ખિસ્સું ભરવું તે મોદીજી માટે રાષ્ટ્રનિર્માણ હોય ત્યારે ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ બની જાય છે !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર