પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે :-
એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો –
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે !’
0
કાવ્યમાં મોટાભાઈએ ગાંધીજીને જોયા હોવાનું કહ્યું, તો નાનો ભાઈ એમને જોવાનું ચૂકી ગયો એ વાતે ઓશિયાળાપણું અનુભવતા કહે છે કે અમે તો ત્યારે એકડો ઘૂંટતા હતા, તો મોટાભાઈ કહે છે કે તમે જ નહીં, અમે ય એકડો જ ઘૂંટતા હતા ! મતલબ કે ગાંધીજીને જોવાનું નસીબ તો ઘણાંને મળ્યું હતું, પણ એમને બધાં સમજ્યા જ હતાં એવું ન હતું. એ બધાં ઉંમરે મોટાં હતાં એટલું જ, બાકી ગાંધીજીને સમજવામાં તો એ પણ એકડો જ ઘૂંટતા હતા. આજે પણ ગાંધીજી બધાંને સમજાઈ જ ગયાં છે એવું નથી, તે એટલે પણ કે સત્યનો મહિમા ઘટતો આવે છે ને હિંસાની કોઈને હવે છોછ રહી નથી, જ્યારે ગાંધીજીને મન તો સત્ય જ ઈશ્વર છે ને નૈતિક કારણોસર પણ તેમણે હિંસાને સ્વીકારી નથી. એ સ્થિતિમાં ગાંધીજી સમજાઈ જવાનું સહેલું નથી, એટલે એકડો ઘૂંટનારા પણ હવે તો ગાંધીજીનો એકડો કાઢવાની પેરવીમાં છે. પોતાની લીટી મોટી થાય એમ નથી, એટલે ગાંધીની લીટી નાની કરીને ઘણાં વ્હેંતિયાઓ વિરાટ થવા મથે છે. ગોડસે કે સાવરકર તો જે હતા તે હતા જ, પણ તેમને મોટા કરીને ગાંધીજીને વામન બતાવવાનું ચાલે છે, પણ એ વામનની વિરાટતાને આંબવાનું સહેલું નથી. ગાંધીજીમાં એટલું તો હતું કે હત્યારાએ પણ, મારતા પહેલાં એમને વંદન કરવા પડ્યા. પાકિસ્તાનને 55 કરોડ આપવાની ગાંધીની વાતનો ગોડસેને વાંધો હતો એટલે હત્યા કરી, પણ એ વાત ગળે ઊતરે એમ નથી, કારણ એ અગાઉ પણ ગાંધીની હત્યાના જે પ્રયત્નો થયા એમાં પણ ગોડસેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ને ત્યારે 55 કરોડની કોઈ વાત ન હતી. ગાંધીજીએ તો ગોડસેને મળવા પણ બોલાવ્યો હતો, પણ એ ગયો ન હતો. ગયો હોત તો પરિણામ કદાચ જુદું હોત …
ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એવી વાત પણ છે, પણ તે હિંદુ કે હિન્દુ ધર્મના વિરોધી હતા એવું નથી. હિન્દુ ધર્મની મર્યાદાઓ એમણે ચીંધી છે, પણ હિન્દુ ધર્મમાંની એમની આસ્થા આવી છે, ’દુનિયાના મહાન ધર્મોના ચાળીસથી વધુ વર્ષના અભ્યાસ પછી મને હિન્દુ ધર્મ નામે ઓળખાતા મહાન ધર્મના જેટલો સંપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક કોઈ ધર્મ મળ્યો નથી … મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અને તેથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિન્દુ ધર્મમાં છે જ નહિ.’ આજની પેઢી ગાંધી વિષે ન જાણે એની કોશિશો ચાલે છે, પણ સત્યની જેને ગરજ હશે, તેમણે ગાંધીજી પાસે જવું પડશે એ નિર્વિવાદ છે. આમ તો ગાંધી ઘણાંને ખપતા નથી, પણ ગાંધીજીની ચલણી નોટો બધાંને ખપે છે.
ગાંધીજીને છે તેવા સ્વીકારવા જ જોઈએ કે તેમની ભક્તિ જ કરવી જોઈએ, એવું તો ખુદ ગાંધીને જ મંજૂર નથી. વિનોબા ભાવેએ નોંધ્યું છે, ‘ગાંધીજી જેટલે અંશે વ્યક્તિ હતા તેટલે અંશે, તેઓ જેમ ગુણોથી ભરેલા હતા તે જ રીતે દોષોથી પણ ભરેલા હતા, ત્યારે એમના ગુણ-દોષોની છણાવટ કરીને ગુણોનો સ્વીકાર અને દોષોનો પરિહાર કરવો એ અનિવાર્ય થઈ પડે છે.’ ગાંધીજીએ પોતાની વાત સ્વીકારી લેવાનો આગ્રહ ભાગ્યે જ રાખ્યો હશે. એમની વાતો જોઈ તપાસીને સ્વીકારવાનું જ એમણે કહ્યું છે, કારણ એમના ઘણા વિચારો કોઈ આઘાત કે પ્રતિક્રિયામાંથી આવ્યા છે. જેમ કે, હરિશ્ચંદ્ર નાટક જોયું ને તેમને થયું, ‘હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય? એ ધૂન ચાલી.’ ક્યાંક વાંચવામાં આવ્યું, ‘એક પત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ’ ને એમ એક પત્નીવ્રત દૃઢ થયું. પિતાના મૃત્યુ વખતે પોતે સ્ત્રીસંગથી દૂર ન રહી શક્યા એ વાતે ‘બ્રહ્મચર્ય’નાં મૂળ નાખ્યાં. લગ્ન અને બ્રહ્મચર્ય અંગેના ગાંધીજીના વિચારો સ્વસ્થ ચિત્તનાં પરિણામો નથી. લગ્ન કે મૈથુન તેમને અનિવાર્ય જણાતાં નથી, જ્યારે આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંસ્કૃત સુભાષિતોથી પ્રવાહમાં છે. એમને તો શરીર સંબંધ જ શરમજનક લાગે છે, પણ, એમાંથી એ પોતે તો પસાર થયા જ છે. સ્ત્રીને સ્પર્શે કે કાગળને સ્પર્શે ને વિકાર રહિત રહી શકે એ બ્રહ્મચારી એવી એમની વ્યાખ્યા છે. સ્ત્રી અને કાગળ બંનેને એ નિર્જીવની હદે મૂકે છે ને આ નિર્જીવતા સ્ત્રી પૂરતી જ છે, અન્ય સજીવો અંગે એમને વાંધો નથી. આ ભેદમાં જ તટસ્થતા ઓછી ને ભય વધારે છે. જેમ કોઈ કામુક હોય, એમ જ કોઈ બ્રહ્મચારી પણ હોય એવી સહજતાનો અહીં અભાવ છે. બ્રહ્મચર્યને ગાંધીજી વિશાળ અર્થમાં જુએ છે એવું કહેવાય છે, પણ એમની વિચારણા શરીરથી ઉપર ભાગ્યે જ ઊઠી છે.
વળી આ બ્રહ્મચર્ય એમણે પોતાનાં પૂરતું સીમિત રાખ્યું નથી. પોતાને કસોટીએ ચડાવવામાં એમણે ઉપયોગ તો સ્ત્રીનો જ કર્યો છે. 17 વર્ષની ઉંમરે 1946માં મનુબહેન મહાત્માની પર્સનલ આસિસ્ટન્ટ બને છે ને 40ની ઉંમરે મનની સમસ્યાથી અપરિણીત દશામાં મૃત્યુ પામે છે. બાપુમાં મનુબહેનને માતા અનુભવાય છે. બંને નિર્વસ્ત્ર સાથે સૂએ છે. બાપુમાં દુર્ભાવ નથી, પણ દીકરી ને માતા પણ નિર્વસ્ત્ર સાથે નથી સૂતાં, તો આ પ્રયોગ એટલે પણ જોખમી છે કે એમાં સ્ત્રી અને પુરુષ નિર્વિકારી જ રહેશે એમ માની લેવાયું છે. સરદાર પટેલ અને કિશોરલાલ મશરૂવાળાએ તો ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોને વખોડ્યા પણ છે. 25 જાન્યુઆરી, 1947ના પત્રમાં સરદારે ગાંધીજીને આ બધું અટકાવવાનું કહીને, તેમની ભયંકર ભૂલ ગણાવી છે. આમ તો 37ની ઉંમરે બ્રહ્મચર્ય ગાંધીએ સ્વીકાર્યું છે, પણ મનુબહેન સાથેના પ્રયોગમાં ગાંધીજી 77 વર્ષના છે. 77 વર્ષે પણ જો ગાંધીજીને બ્રહ્મચર્ય કસોટીએ ચડાવવા યોગ્ય લાગતું હોય તો તે કેટલું અઘરું છે તે કહેવાની જરૂર ખરી?
એનું આશ્ચર્ય જ છે કે સ્ત્રીને કાગળ માનનાર ગાંધીજી સાથે આઠેક સ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે. તેમાં મોખરે સરલાદેવી છે. સરલાદેવી ટાગોરનાં ભાણેજ હતાં ને કુશળ વક્તા હતા. તેમના પતિ રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળ નિમિત્તે જેલવાસ ભોગવતા હતા, ત્યારે 57ના ગાંધી 47નાં સરલાદેવીને મળે છે ને તેમની બૌદ્ધિકતાથી એવા અંજાય છે કે સરલાદેવીને ‘બૌદ્ધિક પત્ની’ ગણવા લાગે છે. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક … એવી પણ હોય? 1920માં તેમણે કબૂલ્યું છે કે તેઓ સરલાદેવી સાથે સંબંધ વિકસે એવું ઇચ્છતા હતા. પછી તો પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાશે એવું લાગતા તેમણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું.
સ્ત્રીઓ સંદર્ભે તેમના વિચારો સમયથી આગળ હતા, એટલે જ આઝાદીની ચળવળમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધ્યું, પણ પત્ની સંદર્ભે તો જૂનવાણીપણું જ કામ કરી ગયું છે. કસ્તૂરબાને કાઢી મૂકવાને મામલે કે આંદોલનમાં જોડવાને મામલે એ ખાસા અનુદાર રહ્યા છે. બા પોતાનાં દબાણને કારણે જેલ જવા તૈયાર થાય એ તેમને મંજૂર નથી. બાને એ વાતની બીજેથી ખબર પડે છે તો એ સ્પષ્ટ કહે છે, ’હું હારીને (જેલમાંથી) છૂટી આવું તો મને ન સંઘરવી. મારાં છોકરાંયે સહન કરી શકે, તમે બધાં સહન કરી શકો, અને હું એકલી સહન ન કરી શકું, એવું તમારાથી કેમ ધારી શકાય?’ બાપુએ સંતાનો માટે, પત્ની માટે અગાઉથી ધારી લઈને લીધેલા નિર્ણયોમાં ન્યાય નથી થયો તે નોંધવું ઘટે.
મિત્રના કહેવાથી ગાંધીએ માંસાહાર કર્યો ને સૉલ્ટના પુસ્તકમાં માંસાહારની વિરુદ્ધ વાત આવી તો અન્નાહાર તરફ પણ વળ્યા. એ ખરું કે ગાંધીજીએ સ્ખલનો સ્વીકાર્યાં છે, પણ સત્યને તો એ પ્રાણપણે વળગી રહ્યા છે. વારુ, એમણે આગ્રહો, હઠાગ્રહોમાંથી ક્યારે ય કૈં મેળવ્યું નથી. કોઈ વાતનો એમણે અંગત રીતે લાભ લીધો હોય એવો અપવાદ પણ નથી, બલકે, પોતાને નામે સંતાનોને કોઈ લાભ અજાણતા પણ ન મળી જાય એની તકેદારી એમણે રાખી છે. હરિલાલ ગાંધી એનું જીવંત ઉદાહરણ છે. ગાંધીજીની માન્યતાઓથી એ વિપરીત ચાલ્યા છે. આ એ જ હરિલાલ છે જે દક્ષિણ આફ્રિકામાં બાપુને પગલે ચાલવામાં ‘છોટે ગાંધી’ તરીકે ઓળખાયેલા, પણ પછી રાષ્ટ્રપિતા, પિતા તરીકે ઊણા ઉતરતા હરિલાલ એમનાથી દૂર થયા. એ હરિલાલ કસ્તૂરબાને માને છે એટલે જ નાગપુર સ્ટેશને બાને સંતરું આપીને કહે છે કે એ બાપુ માટે નથી ને બાપુના જયકાર વચ્ચે ‘બાની જય’ બોલાવે છે. બાપુ પણ એ કાળજી રાખે છે કે ‘સત્યના પ્રયોગો’માં હરિલાલ પ્રવેશી ન જાય. પાત્રતા હોવા છતાં પિતાનાં નામનો લાભ લેવાઈ જવાના ખ્યાલે સંતાનોને ન્યાય ન થયો. ગાંધીજીએ એ ન્યાય થવા દીધો હોત તો પણ સત્યનો મહિમા થયો જ હોત, પણ એ ન બન્યું. સત્યને લીધે પોતાને હાનિ થતી હોય તો તેમણે તે થવા દીધી છે. ઇંગ્લેન્ડના દરબારમાં પોતાનાં વસ્ત્રો અંગે પુછાય છે તો ગાંધીજી, રાજાને સંભળાવે છે કે મારાં વસ્ત્રોની તો છોડો, મારા દેશનાં વસ્ત્રો આપ દબાવીને બેઠા છો, એમાં નિર્ભીક્તા તો છે જ, પણ સોંસરું સત્ય ઉચ્ચારનારું કાળજું પણ છે તે ભૂલવા જેવું નથી.
આજે સંપત્તિનો, ધર્મનો, સત્તાનો દેખાડો રાજરોગની ચરમસીમાએ છે, ત્યારે ઓછામાં ઓછી જરૂરિયાતથી સ્વમાનભેર કેમ જીવાય તે ગાંધીજીએ પોતાના દાખલા દ્વારા બતાવ્યું છે. ગાંધીવાદીઓ ગાંધીની પેદાશ નથી. પોતાનું વસ્ત્ર પોતે તૈયાર કરવું એ પદ્ધતિ રેંટિયાની મદદથી ગાંધીએ વિકસાવી. એમની ખાદી તો ગાદી મેળવી આપવાનું નિમિત્ત બની કે અમીરોની ફેશનમાં ખપી. ગરીબોને સ્વાવલંબી કરવાનું તેમણે વિચાર્યું ને આજે ગરીબો પરાવલંબી થયા છે એ વક્રતા છે. ગરીબો સ્વનિર્ભર નથી, સરકારનિર્ભર છે. ગાંધીજી આઝાદી પછી કોઈ પક્ષમાં રહ્યા નથી, બલકે, કાઁગ્રેસને વિખેરી નાખવાની વાત એમણે કરી છે. કોઈ પદ એમણે સરકારમાં લીધું નથી. દેશના ભાગલામાં એમની સંમતિ હતી એવું માનવામાં આવે છે, પણ એ સાચું નથી. ભાગલાથી એ નારાજ હતા, એટલે જ દેશ આઝાદી ઊજવી રહ્યો હતો ત્યારે એ પોતાની ઉદાસી સાથે નોઆખલીમાં ખૂણો પાળી રહ્યા હતા.
ગાંધીજીએ અહિંસાનો મહિમા કર્યો છે ને જેમણે હિંસાને માર્ગે આઝાદીની કોશિશો કરી એમની સાથે એ રહ્યા નથી. એટલે જ નેતાજી એમની રીતે આગળ વધ્યા, પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાનું સુભાષચંદ્ર ચૂક્યા નથી. ગાંધી તો ભગતસિંહના માર્ગમાં પણ નથી આવ્યા. તેનો અર્થ એવો નથી કે એ ભગતસિંહની ફાંસીની તરફેણમાં હતા. ગાંધીજી ભગતસિંહની ફાંસી રોકી શક્યા હોત, પણ તેમણે તે કર્યું નહીં, એવું ઘણાં માને છે, પણ એ સાચું નથી. લોર્ડ ઇરવિન સાથે 1931માં ચર્ચા શરૂ થઈ તે પહેલાં ભગતસિંહ અને તેના સાથીઓની ફાંસીની સજા જાહેર થઈ ચૂકી હતી, છતાં, લોર્ડ ઇરવિન સાથે એમણે છેવટ સુધી ફાંસીની સજા રોકવા કોશિશો કર્યે જ રાખી. ઇરવિન માન્યા નહીં ને ફાંસીની સજા થઈને રહી. દિલ્હીની એક જાહેરસભામાં ગાંધીજીએ કહ્યું છે, ‘મારો અહિંસાધર્મ તો ચોરો, ધાડપાડુઓ અને ખૂનીઓને સુદ્ધાં સજા કરવાની હિમાયત કરતો નથી, પછી ભગતસિંહ જેવા વીર પુરુષની તો વાત જ શી?’ યાદ રહે કે ભગતસિંહને તેમણે ‘વીર પુરુષ’ કહ્યા છે. આ પછી પણ ગાંધીજીએ ક્રાંતિકારીઓની ફાંસીની કે કાળાપાણીની સજા માફ કરાવી છે તે ભૂલવા જેવું નથી.
ગાંધીજીની સ્વદેશીની ચળવળનો વાંધો તો રવીન્દ્રનાથ ટાગોરને પણ હતો. વિદેશી કાપડની હોળી થતી જોઈને ટાગોર વ્યથિત હતા. કાપડ ભલે વિદેશી હોય, પણ તે બાળવાથી તો બનાવનારની મહેનત અને કિંમતનો વ્યય થતો હતો, છતાં ગાંધીજીને ‘મહાત્મા’ની ઓળખ ટાગોરે આપી તો બાપુ પણ ટાગોરને ‘ગુરુદેવ’ કહેવામાંથી ન જ ચૂક્યા. બંને વચ્ચે મતભેદ હતો, પણ મનભેદ ન હતો.
‘સત્યના પ્રયોગો’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘હિન્દ સ્વરાજ’ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ જેવાં પુસ્તકો ગાંધીજીએ આપ્યાં છે, તો ‘નવજીવન’, ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘ઇંડિયન ઓપિનિયન’ જેવાં વર્તમાનપત્રો દ્વારા ચાળીસેક વર્ષ પત્રકારત્વ પણ ખેડ્યું છે. બાળલગ્નો, લોકશિક્ષણ, સ્ત્રી કેળવણી, હરિજનો વર્ણવ્યવસ્થા જેવા મુદ્દે લોકજાગૃતિનું કામ કર્યું, જ્યારે આજે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રખાય છે. તો આશ્ચર્ય થાય છે. કરુણતા એ છે કે મુસ્લિમો જ નહીં, હિન્દુઓ પણ ગાંધીજીને પક્ષપાતી માનતા રહ્યા છે. જે પિતાએ પોતાના પુત્રોની તરફેણ કરી નથી, એ કોઈ કોમની તરફેણ કરે એવું લાગે છે? જે તે સંજોગોમાં જે સાચું લાગ્યું એ જ ગાંધીજીએ કર્યું છે. બને કે જે તે કોમને એ પોતાની તરફેણમાં આવતું ન લાગે, પણ સત્યને વળગી રહેનાર પક્ષપાતી ન હોય તે સમજી લેવાનું રહે.
ગાંધીજી એવી કક્ષાએ હતા કે કેટલી ય વાતો પોતે છુપાવી શકય હોત, પણ પોતાનાં સ્ખલનો એમણે ઢાંક્યાં નથી. સાચું કહેવું અને સાચું જીવવું એક નથી. ગાંધીજીએ એ એક કરી બતાવ્યું, એટલે જ 155મી વર્ષગાંઠે પણ ગાંધી તરોતાજા લાગે છે. મૃત્યુને પણ 75 વર્ષ થયાં છતાં આ માણસ મરતો નથી ! એને માનીએ કે ન માનીએ, એ છે અને જેમ જેમ એની હત્યાઓ થતી જશે, એ વધુને વધુ સજીવ થતો જશે. ખરેખર ! જે હત્યા પછી પણ જીવતો રહી જાય છે એ મહામાનવને મારવાનું અઘરું છે.
એ અનંત સજીવને કોટિ કોટિ વંદન !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑક્ટોબર 2023