સંભારણાં
અંગ્રેજી બીજીમાં આવ્યો અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. એના બે વરસ પહેલાં વાતાવરણમાં કાંઈ જુદો જ ફેર પડવા લાગ્યો હતો. ચોતરફ એક જ નામનો ઉલ્લેખ સંભળાતો હતો. ગાંધી-ગાંધી-ગાંધી … કો’ક માનમાં, તો કો’ક મજાકમાં – કો’ક ગુસ્સામાં! પણ મારા ઘરમાં ગાંધીજી માટે ભારોભાર આદરભાવના હતી. મુંબઈની ચોપાટી પર એમની સભા ભરાયાનો અહેવાલ નવો કાળમાં સવિસ્તર આવતો. ઘરના વડીલો એ સભાની વિગત જણાવતા. છાપામાં ફોટા આવતા.
મારા આવા જ આઠમાં-નવમાં વર્ષે માથા ૫૨થી કાળી ટોપી ગઈ અને ગાંધીટોપી ચઢી. મેટ્રિક થતાં સુધી એનો મુકામ માથા પર હતો. અઠવાડિયે ક્યારેક વળી એને નાહવા મળતું. એમ તો ટોપી ડાહીડમરી! ધોઈને ગડી વાળીને સહેજસાજ થાબડો એટલે શિરોધાર્ય હતી. એ ટોપીની માફક ગાંધીજીએ અમારા નાનકડા માથાનો કબજો લીધો હતો પણ એમનાં રૂબરૂ દર્શન થયાં નહોતાં.
એકત્રીસ સાલમાં એમનાં પહેલવહેલાં દર્શન થયાં. પાર્લાની પશ્ચિમે એક ચર્ચ છે. એના પટાંગણમાં સભા થઈ હતી. ચર્ચના ત્યારના પાદરીબાબા ગાંધીજીનું આ સંકટ વહોરી લેવા કઈ રીતે તૈયાર થયા હશે એ ભગવાન જ જાણે. પણ ત્યારબાદ ચર્ચના પરિસરમાં ક્યારે ય કોઈ પણ રાજકીય સભા મેં તો જોઈ નથી! એક તો પાર્લાના ખ્રિસ્તીઓ પૂરા રાષ્ટ્રપ્રેમી! અમારા વર્ગમાં પેટ્ટુ, ગોન્સાલ્વિઝ એવા બધા હતા ખરા. પણ સ્વતંત્રતાની ચળવળ એ આપણું કામ નહીં એવું એ લોકો માનતા. આથી ગોકળીબાઈ હાઈસ્કૂલ કે ટિળક મંદિરના પટાંગણને બદલે ચર્ચના પટાંગણમાં સભા હોય એ વાતથી અમે ચકરાઈ ગયા હતા. લોકોનાં ટોળેટોળાં સભાસ્થળ તરફ જઈ રહ્યાં હતાં. સવારનો સમય હતો. નવેક વાગે ગાંધીજી આવવાના હતા. અમે તો ક્યારના ય જઈને જગ્યા રોકીને બેસી ગયા હતા. આજ પહેલાં ક્યારે ય આવી ભીડ જોઈ નહોતી. ઊંચો મંચ હતો. ગાંધીજી આવ્યા અને એમની સાથે ઘણા બધા ખાદીધારીઓ પણ. એ જ અરસામાં મોતીલાલજીનું અવસાન થયું હતું. જેની દુઃખદ છાયા ગાંધીજીના ભાષણ પર જણાતી હતી. પણ ભાષણની તો રીત જ નિરાળી હતી. ગાંધીજી બેસીને બોલી રહ્યા હતા. બોલવામાં ઊતરચઢ નહોતી. આવેશ નહોતો. વક્તૃત્વ ને વાકપટુતા સાથે નિસબત નહોતી. એમ લાગતું’તું કે એ ભાષણ નથી કરતા પણ મનની કોઈ વાત કહી રહ્યા છે.
તે દિવસે જેમ મારા પામર જીવનમાં ગાંધીજી પેઠા તેવા જ સેંકડોના જીવનમાં ય ગજબની સહજતાથી તે પેઠા. એ સભા ….. જેમના નામનો સતત જપ થઈ રહ્યો હતો એમનાં રૂબરૂ દર્શન … કોઈ પણ જાતના નાટકીય ઊતરચઢ વગરની એમની એ કથનશૈલી … હજારોના મુખમાંથી નીકળેલી ‘મહાત્મા ગાંધીની જય’ એવી ગર્જના … એવી કો’ક સંમોહિત દશામાં આખો જનસમુદાય પાછો ફર્યો. અમે તો નિશાળિયાઓ!
એ પછીનાં કેટલાં ય વર્ષોં ગાંધીમય થઈ રહ્યાં. છાપામાં રોજ ગાંધીજી વિષેનો અહેવાલ, એમના ઉપવાસના સમાચા૨, એમના નવા કાર્યક્રમોની માહિતી, એમના લેખ, એમના વિષેના લેખો, એમની સ્તુતિ – એમની નિંદા! અસંખ્યોના માથા પર ગાંધીટોપી દેખાવા લાગી હતી. શરીર પર ખાદી ચઢી હતી. કાંતણકામના વર્ગો શરૂ થયા હતા.
મારું ખેંચાણ ગાવા-બજાવવા તરફ અને કથા-નવલકથા-નાટક તરફ વધુ. હાથમાં રહેલી તકલી કરતાં મોઢાની તકલી (બડબડ કરવું) સાથે મને વધારે ફાવતું. આથી બીજે જ દિવસે કાંતણકામના વર્ગમાંથી મારી હકાલપટ્ટી થઈ. બીજાં છોકરાં-છોકરીઓ તકલી કે ચરખા ૫૨ ઝીણું સૂતર કાંતતાં, સરખું વીંટાળતાં, એની પૂણી-બૂણી બનાવતાં. મારો તા૨ ક્યારે ય વેંત લંબાઈથી આગળ વધ્યો જ નહીં આથી મેં મારી બદલી રાષ્ટ્રીય ચળવળની પ્રભાતફેરીમાં કરાવી લીધી જેમાં ‘પ્રભુ દ્યો હવે સંઘશક્તિ અમોને’ – કાં તો ‘નવહિંદ રાષ્ટ્ર ઝંડા, નમન સ્વીકાર’ આ વગેરે ગીતો ગાનારો સાંસ્કૃતિક વિભાગ હતો. આગળ જતાં રાષ્ટ્રભક્તિનાં શૌર્યગીતો ગાવા સુધીની બઢતી મને મળી. આથી પોલીસની યાદીમાં ક્રાંતિકારી તરીકે મારું નામ તો હોવું જોઈએ એવું નિઃશંકપણે હું માનતો. વચ્ચે વચ્ચે સ્વદેશીનો પ્રચાર ચાલતો. એમાં ઘેર ઘેર ફરીને દેશી સાબુ વેચવા જેવાં કાર્યો થતાં. બધાં જ જો દેશી સાબુ વાપરવાનું ઠેરવે તો મોઢે ફીણ વળીને સાહેબના પ્રાણ જવાના એવી અમો બાળવિક્રેતાઓને ગળા સુધી ખાતરી!
ગાંધીજીએ બધાંને જુદા જુદા કામમાં રોક્યા હતા. મીઠાના સત્યાગ્રહની ચળવળ જુહૂમાં શરૂ થઈ હતી. દાંડી, ધરાસણા, શિરોડા, વગેરે સત્યાગ્રહનાં મોટા કેન્દ્રો હતાં, તેવી જ પાર્લાની છાવણી પણ. કૉંગ્રેસી આગેવાનોનું ભાષણ થયું ના હોય એવો એકેય દિવસ ગયો નહોતો. કોઈ જ ના મળે તો ગોકુળભાઈ ભટ્ટ — એ પાર્લૅના ગાંધી! નેહરુ, પટેલ, બોઝ, રાજગોપાલાચાર્ય, પટ્ટાભિ, સત્યમૂર્તિ, સરોજિની નાયડુ, માલવિયાજી, બે. સેનગુપ્તા ઉપરાંત બાળાસાહેબ ખેર, કે.એફ. નરીમાન, મુનશી, ઝીણાભાઈ દેસાઈ, સ.કા. પાટીલ જેવા મુંબઈના આગેવાનો …. ભાષણોની નરી ઝડી વરસતી. ચોપાટી પર વિરાટ સભાઓ …. લાઠીમાર …. પછી ‘દોડો દોડો’ આગળ દોડે તે …. એવું કરનારાઓને ભૂલથાપ આપીને ભાગી જવું. એમના (એમાં અમો પણ) પગ પર ગોરા સાર્જન્ટના હાથમાંની સોટીનો સટાક દેતોક ફટકો … ત્યારબાદ એ પછીના આઠ દિવસો સુધી આ સોળનું શાળામાં થતું રહેતું જાહેર પ્રદર્શન.
એમ કરતાં કરતાં કૉલેજમાં આવ્યા ત્યાં સુધીમાં યુથ લીગની ચળવળ શરૂ થઈ ચૂકી હતી. પાર્લામાં એક ચિકેરૂ૨ નામે હતા. એમણે અમોને એકઠા કરીને અભ્યાસવર્ગ લીધા. યુથ લીગના તમામ આગેવાનો સોહામણા — અચ્યુતરાવ પટવર્ધન, યુસૂફ મહેરઅલી, લાલઘૂમ એસ.એમ. જોશી, એમ.આર. મસાણી … મને થાય છે કે યુવાનીના દિવસોમાં એ આગેવાનોની બુદ્ધિ કરતાં એમના સોહામણાપણા ૫૨ જ અમો વિશેષ મોહ્યા હોઈશું! જ્યપ્રકાશ નારાયણના ‘સમાજવાદ જ શા માટે?’ કરતાં એમની સુંદર કાંતિ ૫૨ જ અમો લટ્ટુ, ભગવાનને સાક્ષી માનીને કહું તો એ પુસ્તકનાં ચારપાંચ પાનાં પછી મેં એ પુસ્તક જે બંધ કર્યું તે આજ દી’ સુધી પાછું ખોલ્યું નથી. મારું ખેંચાણ હતું એ તો ગડકરી, કોલ્હટકર, ફડકે, ખાંડેકર કે માડખોલકર જેવાનાં પુસ્તકોનું! તો ય અભ્યાસવર્ગમાં તો જવું જ જોઈએ, સમાજવાદ વગેરે સમજી લેવા જોઈએ એવું થતું.
માર્ક્સવાદનો પહેલો પાઠ મીનુ મસાણીના સ્ટડી સર્કલમાં મળ્યો. આજે ખુદ મસાણી જ ‘એ વાદ ભૂલભર્યો’ છે એમ કહીને મૂડીવાદીઓના પક્ષમાં જતા રહ્યા છે. મને તો ત્યારે પણ ખાસ વિચાર કરવા જેવો લાગતો નહોતો. કારણ કે ‘થિસિસ’નો ‘ઍન્ટિ થિસિસ’ થાય અને પછી ‘સિન્થેસિસ’ થાય એથી વધીને કાંઈ પણ મારા ખ્યાલમાં નથી! જગતના કોઈપણ ગ્રંથને આધારે માણસનું વર્તન મૂલવી શકાય એવું મને લાગતું નથી. પછી એ ‘દાસ કૅપિટલ’ હોય, ‘ગીતા’ હોય, ‘કુરાન’ હોય કે ‘બાઈબલ’! બધાં જ માનવીય સવાલોના જવાબો જેમાં જડી આવે એવો એકેય ગ્રંથ આ જગતમાં નથી. રાજકીય તત્ત્વજ્ઞાનના પ્રચારોના ચોપડાઓની મને ભારે ચીડ છે.
આ બધાં ગ્રંથપ્રામાણ્યવાદીઓને અભરાઈએ ચઢાવી દેનારા ગાંધીજી અમને વધુ નિકટના લાગ્યા. એમના લેખો સમજાતા હતા. અંગ્રેજી તો બહુ જ ગમતું. ભલેને રાષ્ટ્રભક્તિનાં ગીતો કેમ ન ગાવાનાં હોય, તો ય એમણે મને એ કાર્યક્રમ તો આપ્યો હતો. સૂતર કાંતવું મને ફાવ્યું નહીં તો પછી ચાલો ખાદી પહેરીને સ્વતંત્રતાની ચળવળમાં હું ભાગ તો લઈ રહ્યો છું ને, એવું મને થતું … વિદેશી વસ્તુઓ ગાંધીજીની આમન્યા રાખીને વાપરતો નહોતો. ગાંધીજીએ ના પાડી’તી આથી વિદેશી ખાંડ ખાતો નહોતો. ક્યારેક ગાંધીજીને તુંકારે બોલાવનારા કે ચરખા માટે ‘ચ૨ અને ખા’ એવો ધારદાર વિનોદ કરનારા પરોણા ઘરે આવે તો એમની ચંપલ આડીઅવળી કરીને અહિંસક માર્ગે એમનો કાંટો ય કાઢતા.
ક્યારેક કો’ક હિંદુત્વવાદી પણ આવતો. એ લોકો હિંસાવાદી હોવાનો ડોળ કરતા. હોઠેથી સાવરકર, ભગતસિંહ વગેરેની તારીફ કરતા રહેતા પણ એમના હાથ પિસ્તોલમાં ન રોકાતાં એકાઉન્ટન્ટ જનરલની ઑફિસ, પોસ્ટ, રેલવે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ એવી સરકારી નોકરીઓમાં કલમ ખરડવામાં રચ્યાપચ્યા રહેતા. ગાંધીજીની ચળવળમાં બહુ મોટા પ્રમાણમાં બહુજનસમાજ જોડાયો હતો. આજ સુધી સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર કયું એની ફક્ત ચર્ચાઓ જ ચાલતી. હવે હજારોની સંખ્યામાં સ્ત્રીઓ સત્યાગ્રહમાં જોડાઈને જેલમાં જઈ રહી હતી. હિંદુત્વવાદીઓને સમાજના બધા જ સ્તરની આ અદ્દભુત ચેતના મહત્ત્વની લાગતી નહોતી. આ લોકોમાં એક વિચિત્ર જાતની અધમદૃષ્ટિ જોવા મળતી. એક મંચ, બે ખુરશી, ત્યારબાદ અધ્યક્ષશ્રીનું જોરદાર ભાષણ, આભારવિધિ એટલું અમથું જ એમના મગજમાં હતું. વાણીવીરતા જ સ્વરાજ અપાવશે. બહુ બહુ તો કો’ક પાંચ-દશ બોમ્બ વગેરે ફેંકી આવવા. (પોતાનો છોકરો એમાં હોવો ન જોઈએ. એને વળી ક્યાંક વળગાડી દેવાની તૈયારી ચાલતી હોય છે.) વારેઘડીએ ઇતિહાસના પૂર્વઅલૌકિક મહાનુભાવોને સંભાર્યાં કરવું — આવી કાંઈક વિચિત્ર વૃત્તિવાળા આ લોકો એમાં વળી આજુબાજુનાં કેટલાંક વયોવૃદ્ધો ‘શું કહે છે તારો પેલો ગાંધી!’ એવું પૂછીને સરવાળે બધા છોકરવેડા જ ચાલે છે એવો શેરો મારીને અમને છંછેડી મૂકતા. બાબુ ગેનુ નામના એક મજૂરે ‘વિદેશી માલ ભરેલી લૉરી આગળ નહીં જવા દઉં’ એવા નિર્ધાર સાથે પોતાની જાતને એ લૉરી નીચે કચડાવી મારી હતી. આવા દાખલાઓ આંખ સામે બનતા હોવા છતાં ય આ ચળવળ હવે સમાજના કયા સ્તરે જઈને પહોંચી છે એનું ભાન ગાંધીજીના વિરોધમાં અંધ થયેલા આ લોકોને થતું નહોતું. એમાં પ્રગતિશીલ(?) રાવબહાદુરો ય ખરા! હિંદુત્વવાળાઓમાંના મોટા ભાગનાની તો ‘આપણે ટિળક સંપ્રદાયના છીએ’ એવી ય ગેરસમજ હતી. કમ્યૂનિસ્ટોનો જુદો ચૂલો હતો. પણ એમાનાં ડાંગે, પાટકર, મિરજક૨, રણદીવે જેવા નેતાઓએ પારાવાર ત્યાગ કર્યો હતો. ‘હિંદુ મહાસભા’ના અનુયાયીઓમાં એમની તોલે આવે એવો કોઈ નહોતો. વ્યક્તિગત જીવનમાં જોતાં હિંદુત્વવાદીઓ સીધાસાદા હતા. એક તો આર્થિક મળતર માપસરનું હતું જેથી સાદાઈ પરાણે પોસાતી હોવી જોઈએ. પણ એ લોકો વિદેશી વસ્તુ વાપરતા નહોતા.
પરંતુ ગાંધીજીની ચળવળનું સામર્થ્ય જ એમના ધ્યાનમાં આવતું નહોતું. ગાંધીજીનું મુસલમાન તરફી હોવું એમની લોલ. ગોરા સાર્જેંટ કે સોલ્જરિયાઓએ સ્ત્રીઓ પર કરેલા અત્યાચારનો નિષેધ કરવા કરતાં મુસલમાન ગુંડાએ કરેલા બળાત્કાર વખતે એમની જીભ અને કલમને જોર ચઢતું! ઠીક, હિંદુ-મુસલમાનોના હુલ્લડોમાં એ લોકોના મહોલ્લામાં જઈને આ લોકો ધાક બેસાડી આવ્યા હોય તો એવું ય કાંઈ નહોતું : આવા જ એક હુલ્લડમાંની ઘટના મને સાંભરે છે.
મુંબઈમાં હુલ્લડો ફાટ્યાં હતા. પાર્લામાં કો’ક બત્તીવાળો કે કો’ક છત્રી સમારવાવાળો કે કાચવાળો વહોરો બાદ કરતાં મુસલમાનો સાથે પનારો પાડતો નહીં. તો ય અહીં તો ‘આત્મસંરક્ષણ’ માટે હિંદુઓના ચોકીપહેરા શરૂ થયા. બધા ડૉન ક્વિકઝોટના ભાઈઓ! રાતબેરાતના લાઠીઓ ઠોકતાં ઠોકતાં અમથા ફર્યા કરવું. એ તો દુ:શ્મનો સામે લડવા માટે મોકાની જગ્યાએ મોરચો માંડવો પડે એમ કહીને બંગલાની અગાશીઓ પર થતો રહેતો પહેરો! અમારી મિત્રમંડળી એકાદો કાર્યક્રમ પતાવીને રાત્રે ઘરે પાછી ફરતી હતી. મોટે મોટેથી વાતોના તડાકા મારતા અમે જઈ રહ્યા હતા. એટલામાં અગાશી ૫૨થી હિંદુત્વરક્ષકોની બૂમ સંભળાઈ, ‘શત્રુ કે મિત્ર!’ અમે બરાડ્યા ‘શત્રુ’. હવે ઉપરવાળા ગૂંચવાયા હતા. ‘શત્રુ’ એવો જવાબ મળ્યો છે. હવે આગળ શું કરવું, બે-ચાર મિનિટ તો અંદરના કિલ્લામાં સોપો પડી ગયો. અમે પાછા બરાડ્યા, ‘શત્રુ’! ઉપરથી અવાજ આવ્યો, જાવ ….
સ્વતંત્રતાના આટલા બધા હવનકુંડો સળગેલા હોવા છતાં આ લોકો કોણ જાણે યા ઐતિહાસિક જમાનાની અમથી અમથી યુદ્ધકલ્પનામાં મગ્ન હતા! બ્રિટિશરો વિરુદ્ધ હરફેય નહોતો. સઘળું બળ અને કળ નર્યું ગાંધીદ્વેષથી ભરેલું હતું. હિંદુ-મુસલમાનોનાં હુલ્લડોમાં અમારા કોંકણી રામલાઓ અને મિલમજૂરો ગુંડાઓના ટાલકા ફોડવા બહાર પડતા. સોડાવૉટરની બાટલીઓની ફ્રી-ફાઈટ થતી. ત્યાં તો સીધો ‘તું મારું માથું ફોડ કે હું તારું ફોડું’ એવો એક જ કાયદો હતો. પણ આ હિંદુ ધર્મરક્ષકો માત્ર હવામાં લાઠી વીંઝીને દુ:શ્મનોના ટાલકા ફોડવાનાં દિવાસ્વપ્નો જોતા હતા.
આવા નમૂનાઓ બાદ કરતાં (એ વખતે) અમારા જેવા અનેકોના સુકાની મહાત્મા ગાંધી હતા. વ્યક્તિગત રીતે એ વખતે પણ એમના કર્મકાંડમાંની કેટલીક વાતો મારે ગળે ઉતરતી નહોતી. ‘આશ્રમ’, ‘મઠ’, નામની સંસ્થાઓ પ્રત્યે મને પહેલેથી જ અણગમો. આવે ઠેકાણે એક અંગભૂત એવી અરસિકતા હોય છે. ગાંધીજીની પ્રાર્થનામાં ભજન ગાનારાઓ અતિ બેસુરું ગાતા. બાલગંધર્વનાં ભજનનો ચસકો લાગેલા અમારા જેવાઓને તે એ ‘વૈષ્ણવજન’ શરૂ થાય તો કે ડો’વાયા જેવું થતું. પણ ગાંધીજીની ચળવળ સામે આવીને ઊભી રહે એટલે પછી મન ખીલી ઊઠતું હતું. ધરપકડનાં સત્રો શરૂ થતાં. હડતાળો પડતી, વિદેશી કાપડની હોળીઓ સળગતી. ગાંધીજીના લાંબી મુદ્દતના ઉપવાસ શરૂ થતા. આ બધી ચળવળો, આવા વિવિધ પ્રકારના નાના-મોટા કાર્યક્રમો આપણને ‘સ્વરાજ’ નામના નંદનવનમાં લઈ જશે એવો વિશ્વાસ ઉત્પન્ન થતો.
આપણા દેશમાંની બધી આધિ-વ્યાધિઓનું મૂળ અંગ્રેજ રાજ છે. એ જતું રહે પછી ભારત બધાં સુખોનો ભંડાર થશે એવી ત્યારે ધારણા હતી. એવા કેફમાં અઢા૨મું વર્ષ ઓળંગતાં ઓળંગતાં વિશ્વયુદ્ધ આવીને ઊભું રહ્યું. જીવનનું ચિત્ર બદલાવા લાગ્યું. એક બાજુએ હિટલર અંગ્રેજોનો કાંટો કાઢશે એવી ખુશી, બીજી બાજુ રંગદ્વેષે ચલાવેલી જ્યૂ લોકોની ક્રૂર પજવણીની વાતો. રંગવર્ચસ્વની એની શેતાની કલ્પનાને લીધે અને જ્યૂ જેટલી જ કાળિયાઓ માટે પણ અંટસ હોવાનું વાંચ્યું હતું. આથી શરૂઆતમાં ‘અંગ્રેજોનો દુ:શ્મન એ આપણો મિત્ર’ એવા સમીકરણના લીધે પ્રિય લાગનારી એની પ્રતિમા ભયંકર લાગવા લાગી. અંગ્રેજોનો જય થાઓ એવું ભલેને લાગતું નહોતું તો ય હિટલ૨નો ય થાઓ એવું પણ લાગતું નહોતું. એમાં વળી સુભાષબાબુ જેવો અમારો હિરો હિટલ૨ ત૨ફ સરકી ગયેલો. એવા સમયે મારી એકલાની જ નહીં પણ મારી સરખેસરખા ઘણા યુવાનોની અવસ્થા અર્જુન જેવી હતી. હિંદુ મહાસભા અને નેશનલ વૉર ફ્રંટવાળા આગેવાનો કહેતા, સેનામાં દાખલ થાઓ. આ તો હવે પ્રજાયુદ્ધ છે એવું કમ્યૂનિસ્ટોએ ઠેરવ્યું હતું. ખરું જોતાં તો હિંદુ મહાસભાને હિટલર માટે ભારે અહોભાવ. મને લાગે છે કે એના ‘આર્ય’ શબ્દને લીધે અને ભલેને ઊંધું રહ્યું તો પણ ‘સ્વસ્તિક’ના ચિહ્નને લીધે કે કેમ, એ લોકોને હિટલર ગોબ્રાહ્મણ પ્રતિપાલક લાગતો હોવો જોઈએ. પણ બીજી બાજુએ બ્રિટિશોની સેનામાં ઘૂસવાનો આદેશ. આવા વલણવાળા એક હિંદુ બંધુ પાસેથી અતિ ચતુરાઈભર્યો ખુલાસો મળ્યો હતો. એટલે કે અંગ્રેજોને પૈસે શિક્ષણ લેવું અને જર્મનસેના સામે આવે કે જલદી જલદી પ્રદક્ષિણા ફરીને આપણાં શસ્ત્રો અંગ્રેજસેના પ૨ તાકવાનાં. અર્થાત્ યુરોપખંડના એકાદા કુરુક્ષેત્ર પર બ્રિટિશરોની અને જર્મનોની બે-ત્રણ ડઝન અક્ષૌહિણી સેનાઓનું આમને-સામને ચાલી રહેલું આ યુદ્ધટાણું છે, એવી એમની સીધીસાદી સમજ હતી.
આવા ધાંધલિયા કાળમાં ફરી એકવાર ગાંધીજી જ મહાન કહેવાયા. એમણે ‘ભારતીયોને આ યુદ્ધમાં સ્વતંત્ર દેશના નાગરિક તરીકે ફાસિસ્ટ વિરોધી યુદ્ધમાં સૈનિક તરીકે લેવાના હો તો જ બ્રિટિશરોને યુદ્ધકાર્યમાં સહકાર આપીશું.’ એવું ગાઈ વગાડીને કહ્યું હતું. સામ્રાજ્યશાહી એ ફાસિઝમનો જ એક પ્રકાર હોવાથી સામ્રાજ્યશાહીમાં ગુલામ રહીને હિટલર વિરુદ્ધ લડવું એટલે ફાસિઝમના એક જૂથે બીજું જૂથ ટકાવવા માટે લડવા જેવું હતું. ગાંધીજીના આ પેંતરાને લીધે દેશની યુયુત્સુ એવી યુવાન પેઢીને થયેલા યક્ષપ્રશ્નનો જવાબ મળી ગયો અને તેથી જ આ પેઢી બેતાળીસની લડતમાં દાખલ થઈ. વિશ્વયુદ્ધ, રાષ્ટ્રીય ચળવળે ધારણ કરેલો રુદ્રાવતાર અને પાકિસ્તાનવાદીઓએ મચાવેલું ધિંગાણું એવી હાલત હતી. મોંઘવારીનો લાયકારો ભભૂકી રહ્યો હતો. માસિક પગારદારોને મોંઘવારી ભથ્થું મળતું હતું. એ સાથે જ ‘કાળાબજાર’ નામના એક નવા બજારનો ઉદય થયો. રેશનિંગ આવ્યું. જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત વરતાઈ. હજારો માઈલ દૂર રહેલું યુદ્ધ પૂર્વમાંથી જાપાનના જોરે ભારતમાં આવી પહોંચશે કે શું એવો ડર લાગવા માંડ્યો. બંગાળમાં દુકાળ પડ્યો. મુસલમાનોએ ત્યાં ક્રૂર અત્યાચાર આદર્યો. દિલ્હીમાં તો વાટાઘાટોનાં સત્રો ચાલી રહ્યાં હતાં. મુખ્ય આગેવાનોની અજ્ઞાત જેલ તરફ રવાનગી થતી હતી. ગોળીબારીમાં નિશાળિયાઓથી માંડીને વૃદ્ધ સ્ત્રીઓ સુધી ગમે તેનો ભોગ લેવાતો હતો. દરેક મોરચે મારામારી થઈ રહી હતી.
પણ આ કોલાહલમાં હવે બધાની આંખ મંડાઈ હતી સ્વરાજ તરફ. એનો અર્થ પૂરી ભારતીય જનતા ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી લડાઈમાં જાતે ઊતરી હતી, એવો જરા ય નહોતો. લોકોનાં રોજિંદાં કામ કાંઈ રોકાયાં નહોતાં. સદીઓથી ચાલતા આવેલા ધર્મ અને સંસ્કારોનો પ્રભાવ હતો. ગામમાં ઘાસતેલની કારમી તંગી હોવા છતાં ય પેટ્રોમેક્સના ઝગમગાટ સાથે જાન લઈ જનારા બડભાગીઓ પણ હતા. અનાજ-કરિયાણાની અછત હોવા છતાં ય લગ્નમાં જમણવારો થતા હતા. વેપારી માલ હડપ કરી જવાની સફાઈ શીખતા હતા, કરિયાણામાં ભેળસેળ કરવાનાં તંત્રો અપનાવાઈ રહ્યાં હતાં. સ્વાર્થ હતો, પરમાર્થેય હતો પણ આ બધા ય રોગનું મૂળ કારણ તો ગુલામી છે, એવું આ બધી હેરાનગતિ સહન કરી લેનારાઓનું માનવું હતું. આ તો સ્વતંત્રતાના પરોઢિયા પહેલાંનું અંધારું છે એવી ધારણા હતી. મુસલમાનોને એક એટલા પાકિસ્તાનના ખ્વાબ દેખાવા લાગ્યા હતા. મુક્તિ બારણે આવીને ઊભી હોવા છતાં પાકિસ્તાનના જન્મની શક્યતાને લીધે આ સ્વાતંત્ર્ય ભારતના ભાગલારૂપે મળવાનું હતું એ વાતનું હિંદુઓ અને રાષ્ટ્રીય વૃત્તિના મુસલમાનોને ભારોભાર દુઃખ હતું અને એ મળ્યું પણ એવી જ રીતે!
પચ્ચીસ વર્ષ પહેલાં પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. ભાગલાને લીધે ખુશીમાં બહુ મોટી તિરાડ પડી હતી. નેહરુનું ભાગલા સાથે થયેલા કરાર વિષેનું ભાષણ સાંભળ્યું. ભાગલાને લીધે થયેલા ક્રૂર અત્યાચારની કરુણ કથનીઓ બીજા જ દિવસથી કોલમો ભરી ભરીને છાપામાં આવવા લાગી હતી. સ્વતંત્રતાનો ઉત્સવ સૂતકી ક્રિયાકર્મ જેવો ઊજવાઈ રહ્યો હતો. બાળપણથી જ ભારતમાતાનો એક સુંદર નકશો મગજમાં અંકાયો હતો. સિંધુ નદી હવે આપણી રહી નથી એ વિચાર જ સહેવાતો નહોતો. બત્રીસ પકવાનનો થાળ આપણી સામે હોય અને કો’ક બિમારીને લીધે આપણી જીભ સ્વાદ ગુમાવી બેસે એવી મનોસ્થિતિ હતી. સ્વાતંત્ર્યના ઉત્સવો ઊજવાતા હતા પણ એકેય ઉત્સવમાં મેં ભાગ લીધો નહોતો. પાકિસ્તાનનું નિર્માણ ભલે આવશ્યક રહ્યું હશે પણ એવું અશુભ તો ક્યારે ય નહીં થાય એવું થતું હતું. એ જ અરસામાં અચ્યુતરાવ પટવર્ધન અને યુસૂફ મહેરઅલીએ લખેલું ‘ધ કોમ્યુનલ ટ્રાયેંગલ ઈન ઇન્ડિયા’ મેં વાંચ્યું હતું. હિંદુ અને મુસલમાન એ ત્રિકોણની બે બાજુઓ અને બ્રિટિશ સત્તા ત્રીજી. આ ત્રીજી બાજુ કાઢી નાખીએ તો આ બંને બાજુ એકબીજીને મળીને એક થઈ જવાની એવી ભૂમિતિ એમાં મંડાઈ હતી. એ જ ભોળીભાળી ધારણા લઈને હું ફરતો હતો. પણ પ્રત્યક્ષમાં તો એ બાજુઓ એકબીજા ૫૨ ભયંકર રીતે ઊંધી વળી હતી. સ્વતંત્રતા પામતાં પહેલાં જિંદગીનો આ સારો ય કાળ જાણે કે સપનાઓનો કાળ હતો પછી આગળ જતાં આ સપનાં સાથે મેળ ખાનારા કદરૂપા સત્ય સાથે ઝઝૂમવાનો કાળ મંડાયો હતો. મુક્તિ પરોઢિયું ઊગ્યાની ઘોષણા કાને પડી રહી હતી. પણ આંખ સામે અંધારું ઘેરાયા જેવું લાગતું હતું.
ચારેકોર આવો અંધકાર ઘેરાયો હોવા છતાં ય હવે આપણે પારકાના ગુલામ રહ્યા નથી. એ કલ્પનાનો આનંદ તો હતો જ. સ્વતંત્ર દેશમાં સમાજની બધી સારી સારી શક્તિઓ હજારગણા ઉત્સાહથી ભેગી થશે. નજીવા મતભેદો માટે કોઈ સ્થાન રહેશે નહીં. ‘સ્વતંત્ર ભારતીય’ એવો ખ્યાલ લઈને આખો ય દેશ ઉન્નતિને માર્ગે ડગ માંડશે. ઇંગ્લૅંડ, ફ્રાન્સ, જેવા સ્વતંત્ર દેશોની જેમ જ આપણો દેશ પણ હવે સ્વતંત્ર થયો છે. જે આ બધા દેશોની બરાબરી કરશે. સ્વતંત્રતા પામવા માટે જેમણે બહુ મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો હવે રાજ્યવહીવટ કરવા માટે આવ્યા હતા. એ લોકો એના જ જોરે બધી મુશ્કેલીઓના ડુંગર પાર કરીને રાષ્ટ્રને ખમતીધર ક૨શે એવું લાગતું હતું.
પણ ધીમે ધીમે હકીકતમાં તો કાંઈ જુદું જ ચિત્ર દેખાવા લાગ્યું. આઝાદીના લડવૈયા નેતાઓ રાજ્યકર્તા થતાં જ એમના વર્તનમાં, રહેણીકરણીમાં, વિચા૨સરણીમાં ગજબનો ફેર પડવા લાગ્યો. શરૂશરૂમાં તો ગાંધીટોપીવાળા મંત્રી સામે અદબથી ઊભા રહેલા કો’ક કલેક્ટર કે પછી કો’ક ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને જોઈને તો છાતી ગર્વથી ગજ ગજ ફૂલતી. કાલે આ લોકો જેમને હથકડી પહેરાવતા હતા, એમને હવે સેલ્યુટ ઠોકવી પડતી હતી. સરકારી ઈમારત પર ત્રિરંગો લહેરાતો હતો. વાઈસરીગલ લૉજમાં એક ધોતિયાવાળો ‘ગવર્નર જનરલ’ થઈને રહેતો હતો. એક બાજુ આવું દૃશ્ય દેખાતું હતું તો બીજી બાજુ ફક્ત જે મહાત્મા તરફ આંખો તાકીને ભારતની જનતાએ આ પહેલાંની જિંદગી વિતાવી દીધી હતી. સ્વરાજ કહો કે એટલે ગાંધીબાપુનું રાજ એ ખ્યાલ સામે જે કરોડો માણસો સ્વરાજનાં સપનાં જોતા હતા –એ ગાંધીબાપુ ઘરબાર છોડીને નોઆખલીમાં હજારો અભાગિયાઓનાં આંસુ લૂછવા માટે ફરી રહ્યા હતા. ‘સત્તાની ગાદી પર જશો નહીં.’ એવું પોતાના સાથીદારોને કહેતા હતા અને અહીં તો રાજ્યે રાજ્યે એમના ગઈ કાલના નિષ્ઠાવાન અનુયાયીઓ માથે મો’ડ બાંધીને સત્તાને માદ્વારે ઊભા હતા.
ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. એક સમયે પોતાનું વર્ચસ્વ ફૂંકીને સ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવનારા સંન્યાસીઓનાં વસ્ત્રો હવે રાજવસ્ત્રો થઈ ચૂક્યાં હતાં. બ્રિટિશરોની આંખમાં ખૂંચનારી ગાંધીટોપીનો પ્રવાસ પહેલાં તો જેલ તરફનો હતો. એ સુકાન હવે રાજમહેલ તરફ ફંટાયાં હતાં. દરિદ્રનારાયણની ચાર આનાવાળી આ ટોપીનો હવે રાજમુગટ થઈ ચૂક્યો હતો. જે ટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાનું ગજું ચાલતું નહીં, એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. ગાંધીજીની વાતોમાં અને લખાણમાં આવતા સ્વરાજ માટે ‘રામરાજ્ય’ એટલે નબળા પ્રત્યે અન્યાય ન થાય એવો રાજ્યવહીવટ, એવી ધારણા હતી. કમનસીબે એ પછી એ સત્તાસ્પર્શી શરૂ થઈ તે આજ સુધી ચાલુ છે. સત્તાના વિકેન્દ્રીકરણનો અર્થ એટલે સત્તાની સ્પર્ધાનું વિકેન્દ્રીક૨ણ એવો થઈ બેસશે એવું ધાર્યું નહોતું.
અંગ્રેજોના રાજમાં રાજ્યકર્તાઓ અને પ્રજાની વચ્ચે એક અદૃશ્ય દિવાલ રહેતી. સ્વરાજનો અર્થ એટલે એ દીવાલ અદૃશ્ય થવી એવો હતો. ‘પેલા’ અને ‘અમો’નો તફાવત ભૂંસાતાં હવે ‘અમો’ જ રહીશું એવું થતું’તું. પણ હકીકતમાં એવું કાંઈ થયું જ નહીં. ફરી એક વાર પાછો સાહેબ જ રાજ્યકર્તાઓ સામે આદર્શ થઈ બેઠો.
લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ ય જૂના નવાબો જેવો જ તુક્કાબાજ. એનાથી ય આટલી અમથી ટીકા ખમાતી નહીં. એનામાં ય વેર રાખવાની એવી જ વૃત્તિ. સ્વતંત્રતા મળતાં પહેલાં વચગાળાના મંત્રીમંડળમાં એનો પરચો દેખાયો હતો. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે એનાં દર્શન મને થયાં છે” એવા ઉદ્દગાર ખુદ ગાંધીજીએ કાઢ્યા હતા. સ્વરાજ મળ્યા પછી વ૨સની અંદર જ ગાંધીજીની હત્યા થઈ. હવે રસ્તો ખુલ્લો હતો. પહેલાં તો લોકોની આંખ શરમને લીધે ય આવતાં-જતાં ક્યારેક ક્યારેક બાપુના આશીર્વાદ ખપતા, પત્યું એ બધું. શોકપ્રદર્શન વિધિસર થયું. ખરેખર દુઃખ થયું હોય તો તે ભારતનાં ગામડાંઓમાં સ્વરાજનાં અજવાળાંની રાહ જોઈને બેઠેલા દીનદલિતોને. એમના હિસાબે તો સ્વતંત્રતા એટલે અનાજ, કપડાં અને મકાનની જોગવાઈ. એ ફિકર તો ફક્ત એમના બાપુએ જ કરી હતી. સ્વરાજમાં ય મામલતદાર આત્મીયતાથી વાત કરતો નહોતો કે કલેક્ટર બારણે ઊભો રાખતો નહોતો. એના જીવનમાં એની સાથે પનારો પડ્યો હોય એવા સરકારી નોકરો અંગેના એના અનુભવમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. બાપુએ લાવી આપવાની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું એમ તેમને લાગતું હતું.
સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક સુંદર લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ખેડૂકવિ ગાતો હતો – સ્વરાજ આવ્યું, હાથી પરથી મહાલતું મહાલતું, અંબાડી પર બેઠેલા રાજેન્દ્રબાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને આગળ ચાલી રહ્યા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથેસાથે ડગલાં માંડીને ચાલી રહ્યા હતા. આ ગીતને વિસ્તૃત વિવરણની જરૂર હોવી ન જોઈએ. ગાંધીજીના રાજકારણમાંના સહકાર્યકર્તાઓએ સત્તા તરફ કૂચ આદરી. એમના વિધાયક કાર્યોવાળા સાથીઓ વિધવાનું જીવન જીવવા લાગ્યા. કેટલાંકને ‘સ્વતંત્રતા સેનાની’ને નામે થોડીઘણી જિવાઈ પણ મળે છે. ડોસીને એકવા૨ની કાશીની જાતરા કરાવી દો એટલે કચકચ મટે.
આઝાદી પામતાં જ જાણે એકાએક જાદુની છડી ફેરવતાં ભારત યક્ષનગરીમાં ફેરવાઈ જશે, એવું મારી યુવાનીમાંનું માનસચિત્ર ભલે ભોળું-ભાલું હશે. પણ એ ચિત્રમાં આ સુંદર રંગો કોણે પૂર્યા હતા? ત્યાગ કરવામાં કોઈ કચાશ બાકી ન રાખનારા નેતાઓએ જ ને? ગાંધીજીના તેજવલયો જોતાં જ આંખો દીપી ઠતી. નેહરુ, પટેલ, રાજગોપાલાચારી, મૌલાના આઝાદ, કૃપાલાનીજી, સુભાષબાબુ, માલવિયાજી, સરોજિનીદેવી બધાં કેવાં બરોબરિયાં! બ્રિટિશરોની ચાકરી કરતાં બેઠા હોત તો વૈભવમાં આળોટતાં હોત. એ લોકો જેલમાં જતાં હતાં, દુઃખો વેઠતાં હતાં.
એકાદા ગામડાંમાં લોકો પાણી વગર ટળવળતા હોય પણ જો એનો યશ કૉંગ્રેસ બહારના પક્ષના આગેવાનને જતો હોય તો પેલા લોકો પાણી પૂરું પાડવાને બદલે એ ગામડાંઓને કૂવા વગર ટળવળતાં રાખવાં! અંગ્રેજ રાજ્યકર્તાઓ માટે ચાલો સમજ્યા કે ગુલામ પ્રજા સામે તોછડાઈપૂર્વક અલિપ્ત રહેવું જરૂરી હતું. એમનો એ ઈતમામ, એ સરંજામ, એ સલામો. એ જરકસી પટાવાળાઓ, એ પોલીસ બંદોબસ્ત આ બધું સામ્રાજ્યશાહીના માનમરતબાનો એક ભાગ હતો. કારણ કે એમાંનો પ્રત્યેક અધિકારી સાત સમુદ્ર પા૨ના રાજાનો પ્રતિનિધિ હતો. જનતાના રાજ્યમાં પહેલા દિવસથી જ આ માનમરતબાને વિદાય આપવી જોઈતી હતી. લોકોએ ચૂંટેલા આ પ્રતિનિધિઓના અંતઃકરણમાં સતત જે ચિંતન થવું જોઈતું હતું તે ગામડાંઓના અને કારખાનાંઓના ભૂખ્યા ખેડૂતો કે મજૂરોનું ઊલટાનું, આ આગેવાનોએ પોતાનાં નિવાસસ્થાનેથી માંડીને જે નિકટતા સાધી તે ધનિકોની-પોતાના મહેલો સજાવ્યા તે શ્રીમંતોના પ્રાસાદો જેવા અને તે ય એમના જ વિસ્તારમાં.
છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં આપણે કોઈ જ પ્રગતિ કરી નથી. એવું કહેવાની ધૃષ્ટતા હું નહીં કરું. ગોવાળિયાઓના હાથમાં ટ્રાન્ઝિસ્ટર જોઈને હું ય પોરસાઉં છું. પરંતુ ન્યાય થકી ચાલનારું રાજ આ નથી એવી ભાવના બધે દેખાઈ રહી છે તે મનને ઉદાસ કરી મૂકે છે. લોકશાહીમાં માણસ સાક્ષર હોય કે નિરક્ષર, શ્રીમંત હોય કે ગરીબ, એમાં નિર્ભયતાની લાગણી હોવી જરૂરી છે. રાજ્યકર્તાઓની ન્યાયબુદ્ધિમાં મૂકેલા પૂરા ભરોસા વિના આ લાગણી ઉદ્દભવતી નથી. ચર્ચિલસાહેબે નેહરુ માટે કહ્યું હતું કે, “આ માણસની આંખોમાં મને ભય દેખાતો નથી.” સ્વરાજમાં હરતીફરતી પ્રજાની આંખોમાં આ નિર્ભયતા મને કેમ દેખાતી નથી?
હજી કાલે જ બાંગ્લાદેશના પ્રકરણમાં મેળવેલા વિજય પછી આપણને કોઈ ડરપોક કહી શકે તેમ નથી પણ રસ્તે જતાં, શાળા-કૉલેજમાં કે પછી સચિવાલયમાં જઈએ તો ત્યાં પણ બધા લોકો જાણે સતત પોતાનું ‘પ્રતિકાર તંત્ર’ ઉપાડીને હરતાફરતા દેખાય છે. ઘરમાં ચોરી થાય તો પોલીસચોકીએ જઈને ફરિયાદ નોંધાવવા નથી જવું એવું થાય છે. ત્યાં વરતાતી બેપરવાઈથી આપણે ગભરાઈએ છીએ. ‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી, એવું થાય છે. સરકારી કચેરીઓમાં એનું એ જ જૂનું અંગ્રેજી અમલવાળું વાતાવરણ. ઉપરી અધિકારી નીચેના અધિકારીને સામેની ખુરશી પર ‘બેસો’ કહેવાનું એક સીધુ-સાદું સૌજન્ય પણ બતાવતો નથી. ‘લિક્ અબોવ એન્ડ કિક્ બિલો.’ એટલે ઉપરીઓને મસકો અને નીચેવાળાને ધક્કો એવું જૂનું સૂત્ર જ ચાલુ છે. પછી કો’ક દિવસ આ ખળભળાટ હડતાળ, ઘેરાવ, વગેરે રૂપે બહાર નીકળે છે. ઉપરીઓ પર ગાળાગાળીની ગંદકી ઠલવાય છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ ને સરકારી નોકરો સામસામા પેંતરા રચવામાં મશગૂલ! પોતપોતાના માનનીય મંત્રીઓના અંગત કામ પાછલે બારણે કરી આપો તો પછી એમના માટે ય મેદાન મોકળું. આ દાવપેચમાં સરકાર સામાન્ય માણસથી દૂર દૂર જ થતી જાય છે. બધી બાજુ એકબીજા વિરુદ્ધ જૂથબંધીઓ ગોઠવાયેલી દેખાય છે. નિયામક મંડળના સભ્ય (મોટા ભાગે અસભ્ય) નિશાળના માસ્તરો સાથે ગુલામ જેવું વર્તન કરતા દેખાય છે. શેઠ-મજૂરના સંબંધમાં પરસ્પર ભરોસાનો અભાવ છે. મજૂરનેતા પોતાના ઠામમાં ઘી ઠાલવવામાં વ્યસ્ત. પોતાના પક્ષનો માણસ એ આપણો માણસ, બાકીના દુ:શ્મન એવી ભાવના. વિદ્યાર્થીઓને વિદ્યાપીઠો પોતાની લાગતી જ નથી. વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓના હિતનો ક્રમ છેલ્લો. નજીવા કારણસર ધીંગાણાં! વાળની લંબાઈ અને પેન્ટની પહોળાઈ ૫૨થી વિદ્યાર્થી અને શિક્ષણસંસ્થાઓ વચ્ચે કુસ્તીબાજી! મંદિરો, ચર્ચ, મસ્જિદો સામે હતાશ ભાગ્યવાદી લોકોની મોટી મોટી હાર. દર અઠવાડિયે એકાદા નવા ભગવાનશ્રીનો ઉદય અને ચલતી.
આપણું ભવિષ્ય હવે ભગવાનના આવા આ દલાલોના હાથમાં છે એવી વધતી જતી સાર્વત્રિક લાગણી. જેમ પહેલાંના સમયમાં ખાનદાનની આબરૂ જશે એ બીકે ખાનદાનના ખરાબ જણના પા૫ ૫૨ જેમ પછેડી ઓઢાડી દેવાતી તેમ પક્ષની આબરૂ જશે એમ કહેતાં તે લબાડ-સ્વાર્થી માણસોનું સંરક્ષણ કર્યાંનાં અનેક ઉદાહરણો. પછી એ માણસ અમસ્તો કેટલો ય બળિયો કેમ ના હોય, એનું એકાદું લફરું પક્ષના નેતાના હાથમાં હોય કે પછી પેલો એ નેતાનો ગુલામ થઈ બેસે છે. ગાંધીજીએ એક કરતાં એક ચઢે એવા બળિયાઓને સહકાર્યકરો તરીકે લીધા હતા. એમાંનો એકાદો કો’ક પોતાનાથી અધિક પ્રબળ થઈને આપણું મહાત્માપદ જોખમમાં મૂકશે એવી બીક એમને લાગી નહોતી. ત્યાં તો જન્મજાત જ શ્રેષ્ઠતા હોય એવી વાત હતી. જ્યારે હવે એક જ પક્ષમાં હોવા છતાં બધા જ નેતાઓને એકબીજા માટે શંકા! એટલે સત્તાના ઉપરીથી માંડીને, સાવ નીચે સુધી બધે જ કોઈ ને કોઈ કારણસર ભયભીત થયેલો સમાજ જોવા મળે છે. પછી લોકો પોતાની રાવ ખાવા એકાદા સંગઠનનો આશ્રય લે છે. મોરચા નીકળે છે. ઘેરાવ થાય છે. આગના ભડકા ઊઠે છે. આડે દહાડે કૂતરાને હટ્ કહેવાની જેનામાં તેવડ નથી એવો બીકણ મોરચામાં દાખલ થાય કે, ભીડના માનસશાસ્ત્ર સમજાવેલી પ્રક્રિયા પ્રમાણે આપણે એકાદ ક્રૂર અજગરનો અંશ છીએ એવું એને થવા લાગે છે. એકલો માણસ પથ્થ૨મારો કરતો નથી. ગિરદીમાં ઘૂસ્યો કે પથ્થરમારો, ભાંગફોડ, આગ લગાડવી જેવા બધા પ્રકારો કરી લે છે. કારણ કે ‘ગિરદી’થી એનામાં ભૂત ભરાય છે. ત્યાં સાનભાનને કોઈ અવકાશ નથી. દરેક યુનિયન એવું જ માનતું હોય છે કે ભાંગતોડ કર્યા વગર નેતાઓની ઊંઘમાં ખલેલ પડતી નથી. ન્યાયબુદ્ધિ પરનો ભરોસો ઊઠી જવાનાં આ બધાં લક્ષણો. આ કાંઈ અચાનક શરૂ થયું નથી. છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં ધીમે ધીમે જમા થતું આવ્યું છે.
આપણી પંચવર્ષીય યોજનાની સફળતાનો અહેવાલ વાંચીએ કાં તો સરકારી ભાટચારણોએ લખેલા લેખો વાંચીએ તો પ્રગતિનાં શિખરો આંબ્યાં હોવાનો ભાસ થાય છે. જુદાં જુદાં કામોમાં કરોડો રૂપિયા ખર્ચાયા એટલે એ બધાં કામ થઈ ગયાં એવો એક સરકારી હિસાબ જોવા મળતો હોય છે. પરંતુ થયેલા કામની ગુણવત્તા જોઈએ તો હાથમાં નિરાશા જ આવે છે. શાળાનાં મકાનોની સંખ્યા વધી એટલે શિક્ષણ આપવું અને લેવું એ વિષય પરત્વે આસ્થા વધી એવું માનવું એટલે જે ગામમાં પુષ્કળ પ્રમાણમાં મંદિરો અને મસ્જિદો છે ત્યાંના લોકો ધરમના અવતાર છે એવું માની લેવું રહ્યું. એક વિદ્યાપીઠને બદલે હવે ચાર ચાર વિદ્યાપીઠો છે, તો પછી વિદ્યાર્થીઓનો અસંતોષ એક ચતુર્થાંશ થવાને બદલે ચાર ગણો કેમ વધ્યો? અને ત્યારે આ વિદ્યાપીઠો સ્થાપવા પાછળના હેતુ પ્રત્યે શંકા ઊભી થાય છે. સરકાર તો બધું કાંઈ આંકડાવારીમાં ઠરાવવા માગે છે. પણ એમાંની ગુણવત્તા સિવાય લોકોનો ભરોસો વધતો નથી. પાણીનો પટ અમુક આટલા માઈલ લાંબો વિસ્ત૨વાથી એટલા લાખ એકર જમીન પાણીથી ભીંજાવાની એવી આંકડાવારી હોય છે. પણ એ પાણીની ગેરકાયદે ઉચાપત કરનારા ખેડૂતો પ્રધાનોની મોટરમાંથી કાં તો મંત્રી એમની મોટરમાંથી જતા-આવતા દેખાય એટલે પેલી આંજી નાંખનારી આંકડીવારીનો કોઈ અર્થ રહેતો નથી. સમાજવાદી રાજકારણમાં ખેડૂતોને કનડનારા શાકમાર્કેટના દલાલોને જ્યારે ચૂંટણીમાં ટિકિટો મળે છે એ વખતે એ સમાજવાદ પરનો ઠીક પણ લોકશાહી પરનો પણ એનો વિશ્વાસ ઊઠી જાય છે. અને પાછો એક વા૨ એ ‘ભોગ મારા’, બાધા-આખડી, રણછોડરાયની કૃપા, સાડાસાતી, આવી બધી ઉપાધિઓમાંથી એ છૂટતો નથી કાં તો પછી એ જૂઠાણાંમાં ભાગીદાર થઈને ગુંડો થવાને રસ્તે પડે છે.
લોકશાહીમાં મત મેળવવાની ચાલાકીનું ભારે મહત્ત્વ પણ એ સાધ્યું એટલે લોકશાહી સાધી લીધી એવું નથી. એકલા મહારાષ્ટ્રમાં આટલા હજાર ગ્રામપંચાયતો સ્થપાઈ તો એટલા આંકડા પરથી લોકશાહીમાં જરૂરી એવું નિર્ભય કે કોઈપણ જાતના દબાણ કે વ્યક્તિગત પ્રલોભનને વશ ન થતાં થયેલું મતદાન થયું એવું માનવાને કોઈ કારણ નથી, ચૂંટણી થઈ એટલે લોકશાહીનું તત્ત્વજ્ઞાન લોકોને સમજાયું એવું નથી, અર્થાત્ સરમુખત્યારશાહી એ એનો ઈલાજ નથી, ક્યારે ય નહીં. પરંતુ મત ખેંચવામાં જ્યાં ‘જાત’ ફાયદેમંદ હોય ત્યાં જાત, અંધશ્રદ્ધાથી માનતા રખાતી હોય ત્યાં અંધશ્રદ્ધા, જ્યાં દહેશત ફાયદેમંદ હોય ત્યાં દહેશત, જો આવા આવા રસ્તે લોકશાહીની ચૂંટણીઓ થવા લાગે તો એનો લૂણો કૉલેજનાં મંડળોની ચૂંટણી સુધી જઈ પહોંચવાનો. સાર્વજનિક ચૂંટણીઓ શાંતિથી પાર પડ્યાની વાતો આપણે વાંચીએ છીએ પણ થોડા ઊંડા તરીને જોઈશું તો આ શાંતિ કેટલી બનાવટી છે એ ધ્યાનમાં આવે છે. ચૂંટણીના ધંધામાં પાવરધા થયેલા રાજકીય ક્ષેત્રોમાંના જ નહીં પણ શૈક્ષણિક ક્ષેત્રોમાંના નવા ગુંડાઓના હાથમાં લોકશાહી જવી એ ઘટના આજે મને સૌથી વધુ જોખમકારી લાગે છે.
કોઈ એક વ્યક્તિની વર્ષગાંઠ હોય તો આનંદોત્સવ ભલે કરવો પણ રાષ્ટ્રના જીવનમાં આવા પ્રસંગો થોડા કઠોર આત્મપરીક્ષણ માટેના હોય છે એવું માનવું જોઈએ. આ કામ અકારું લાગે છે. બીજા દેશોના સરમુખત્યારોએ ત્યાંની પ્રજાનું જીવન લાચાર કરી મૂક્યું છે, આપણી લોકશાહી એશિયાની સૌથી મોટી લોકશાહી છે. આપણે વિશાળ બંધો બાંધ્યા, ગામડે ગામડે વીજળી પહોંચતી કરી છે. (મહારાષ્ટ્ર વિદ્યુત મંડળની વીજળી આવવા કરતાં જવા માટે વધુ જાણીતી છે એ વાત બીજી. પૂનાના એક મકાનમાલિકે ઉપલા માળવાળા ભાડૂતની વીજળી આસ્તેકથી કાઢીને સરકારી વીજળી ઉપર પહોંચતી નથી એવું કીધાનું મેં સાંભળ્યું છે.) સરકારી ક્ષેત્રોમાં ગંજાવર કારખાનાંઓ ઊભાં થયાં છે. અનાજની હાલત સુધરી છે જેના આંકડા સરકારી ચોપડે મળી આવે છે. (તો પછી આપણી થાળીમાં રેશનના આવા ખરાબ ઘઉં કેમ?) છેક ગામડાં સુધી એસ.ટી. પહોંચી છે. કૉલેજો નીકળી છે. સહકારી ખાંડનાં કારખાનાંઓ ઊભાં થયા છે. (ખાંડ બાકી ગજબનો ભાવ ખાઈ રહી છે!) કાયદાની રીતે અસ્પૃશ્યતા નષ્ટ થઈ છે. (શિરસગાવ, વાવડા વગેરે ગામો ભૂલી જવાં!) એક બાજુ સ્વતંત્રતા પછી જુદાં જુદાં ક્ષેત્રોમાં ગજાવેલાં પરાક્રમોનાં શૌર્યગીતો પ્રચારતંત્ર દ્વારા ગવાય છે, તો પણ બધે અસંતોષ કેમ દેખાય છે?
સ્વતંત્રતા પૂર્વેના કાળમાં ગાંધીજીએ જાણકાર એ અજાણ લોકોને સ્વતંત્રતાની લડતમાં સહભાગીદારીની ભાવના આપી હતી. સ્વાતંત્ર્ય મળ્યા પછી રાષ્ટ્રના પુનઃનિર્માણ વખતે આ પુટનાં રખોપાં થયા નહીં. લોકશાહીનો દરજ્જો વ્યવસ્થિત રીતે તપાસી જોવાની આ વેળા છે. ચૂંટણીની તજવીજ માટે ગુંડાઓના હાથમાં રહેલી ભૂગર્ભ પ્રવૃત્તિ જરૂરી થઈ પડી છે. લાંચ લેવી અને લાંચ દેવી એ તો રોજનો વ્યવહાર થઈ પડ્યો છે. દિલ્હીના મોટા મોટા મૂડીવાદીઓના પંડાઓ ‘લાયૅઝન ઑફિસર’ના રૂપાળા નામે મદિરા અને મદિરાક્ષીઓની સહાયથી ઉચ્ચપદાધિકારી સરકારી ઑફિસો મારફતે ભાવતા-ફાવતા નિર્ણયોના હુકમો પોતાના ખોળામાં પધરાવી લેતા દેખાય છે. આપણે સમાજવાદી રાષ્ટ્રના ઘડતરનો ઢંઢેરો પીટ્યો છે. આવા વખતે પેલા સમાજવાદી રાષ્ટ્રના ચૂંટણીફંડમાં મોટા પૂંજીવાદીઓ પાસેથી લાખો જોરજુલમ કરીને પડાવી લેવાય છે, એ તો ઉઘાડું રહસ્ય છે. હવે નફાખોરી એ જેમના જીવનનું એકમાત્ર ધ્યેય છે એવા પૂંજીવાદીઓ, સમાજવાદી રાજ આવે, એવા તલસાટથી ચૂંટણીફંડને આટલી મોટી રકમ આપતા હોય છે, એ વાત પર તો ઘોડિયામાંનું બાળક પણ વિશ્વાસ મૂકે નહીં. પૂંજીવાદીઓની દરેક દેણ એ કોઈ ને કોઈ નફા માટે કરેલું રોકાણ હોય છે. સમાજવાદી સરકાર આવે તે માટે થઈને એણે આપેલા સહકા૨ને સાચો માનવા જેટલી જાત સાથેની છેતરપિંડી બીજી એકેય નથી. કસાઈએ ગોગ્રાસ શા માટે કાઢી રાખ્યો છે એ તો બધાં ય જાણે છે.
અંગ્રેજ રાજ સાથે સરખાવતાં એ રાજમાં અડધી જિંદગી વિતાવી ચૂકેલા, અંગ્રેજોનું પ્રત્યક્ષ-પરોક્ષ અપમાન સહન કરી ચૂકેલા માણસ તરીકે મને એ વાતનો ય આનંદ થાય છે કે આપણે સ્વતંત્ર છીએ. પણ આજે જે છોકરાંઓ વીસી-પચ્ચીસીમાં છે તેમણે શું જોયું? રોજનાં છાપાંમાં શું વાંચ્યું? ગાંધી-નેહરુના નામનો જાદુ એમના પર કઈ રીતે ભૂરકી નાંખશે? ગાંધી ટોપી અને ખાદીનો ગલેફ ચઢાવનારા જિલ્લા પરિષદના અધ્યક્ષને દારૂ પીને ગાળાગાળી કરતો એમણે જોયો છે. નિશાળમાં ય અને પછી ય રખડપટ્ટી કરવામાં દહાડો પૂરો કરનારા મંત્રીના દીકરાને બાપાના મૃત્યુ પછી વારસાહકે મંત્રી થઈને મહાલતો ય એમણે જોયો છે. જેમણે શાંતિ અને સુવ્યવસ્થા જાળવવાની છે એવા પોલીસ ફોજદારોને ગુંડાઓ સાથે હાથ મિલાવતો એ જોઈ રહ્યો છે. શાળાના સજ્જન માસ્તરો પર ધાકધમકી અજમાવીને છોકરાઓના માર્ક વધારાવડાવતા અભણ સરપંચને જોયો છે!
આ પહેલાં નિશાળમાં ક્યારે ય સરખી રીતે નહીં ભણાવેલી એવી અંગ્રેજી ભાષામાં એને કૉલેજનું શિક્ષણ લેવું પડે છે. ત્યાં પોતાની અસમર્થતાની ગ્રંથિ વધે છે. પોતાને માટે જીવ બાળનારું અહીં કોઈ જ નથી, એવું એ જુએ છે, ‘અમે છીએ ને તારે પડખે’ એવું કહેનારું કોઈ દેખાતું નથી. ધર્મનિરપેક્ષ રાજમાં ય ડગલે ને પગલે જન્મસિદ્ધ ઊંચનીચતાની એને જાણ થાય છે. સમાનતાની ભાષા સંભળાતી હોવા છતાં ભાર વહેવડાવનારા અને ભાર વહેનારા એવા ચોખ્ખા બે વર્ગો દેખાઈ આવે છે! પોતાના ઘરે વાસણ માંજવા આવનારી કામવાળીને એમ કાંઈ સહજભાવે એક સાદા અમથા ‘હળદીકંકુ’ વ્રત માટે પણ તેડાવવાનું આપણી સંસ્કૃતિસંગોપક મહિલાઓને સૂઝતું નથી. અને ધારો કે એને તેડાવી તો જે સહજતાથી પાડોશણને તેડાવશે તેવી રીતે તો તેડાવતી નથી પણ એમના એ તેડા પાછળ સૂક્ષ્મ ઉદારતાની ભાવના જ રહેલી હોય છે. આજે ય હરિજનોના ઉદ્ધાર વગેરેની સૂધબૂધ વગરની ભાષા કાને સંભળાય છે.
આજનો યુવાન આવું જ કાંઈ જોતો જોતો ઊછર્યો છે. ધર્મનિરપેક્ષ રાજમાં આકાશવાણી પરથી સવારના પહોરમાં ‘પ્રભુ તુજ વિણ નહિ, અમ કો આશરો’ એવા ઘાંટા-બરાડા એ સાંભળતો આવ્યો છે. એનાં ખરાં આશાસ્પદ વર્ષોમાં એણે ભાષાનુસાર પ્રાંતરચનાના વાદ જોયા. ભાષાદ્વેષની પરાકાષ્ઠા જોઈ. જે સમાજમાં શિક્ષણનાં દ્વાર બંધ હતાં એ સમાજમાંથી નવા સુશિક્ષિત વર્ગનો જન્મ થયો. એણે પોતાના તરછોડાયેલા સમાજનું અંતરંગ ખુલ્લું કરી બતાવવાની શરૂઆત કરી. જેમાંથી ખળભળાટનાં દર્શન થવા લાગ્યા.
આજના યુવાનોએ સભ્યતાની હદ ઓળંગી છે એવી બૂમાબૂમ સંસ્કૃતિના રખેવાળો તરફથી થવા લાગી. સત્યની ઝાંખી કરાવનારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરનારા યુવાન લેખકો પર દબાણ આવવા લાગ્યું. સ્વતંત્રતાના પચ્ચીસ વર્ષો થયાં તોપણ ન્યાયખાતું તો અંગ્રેજ રાજના પેલા ન્યાયખાતા જેવું જ. એ જ ઇન્ડિયન પીનલ કોડ અને એ જ ક્રિમિનલ પ્રોસીજર કોડ. દીવાની કાયદામાં એક ભારતીય નાગરિક માટે એ હિંદુ હોવાથી કાયદો જુદો અને બીજા માટે મુસલમાન હોવાથી જુદો. એમાંથી ઊભો થતો વેરભાવ.
એક બાજુ પાંત્રીસ પાંત્રીસ માળની ઈમારતો ઊભી થતી એ જુએ છે, તો સાથોસાથ વધતી જતી ઝૂંપડપટ્ટીઓ પણ એના જોવામાં આવે છે. લોકનેતાઓના ઉચ્ચાર અને આચારમાં તાલમેલ દેખાતાં નથી. અને પછી એનો આક્રોશ ઉછાળા મારે છે. જે નવા કવિઓની કવિતામાંથી ક્યારેક નિરાશાના, ક્યારેક કંટાળાના સૂર કાઢતો બહાર નીકળે છે. તો ક્યારેક વિધ્વંસની ભાષા બોલતો આવે છે. યુવામનની આવી હાલતથી વડીલ પેઢી અસ્વસ્થ થવાને બદલે બેજવાબદારીને નામે એમને વખોડતી દેખાય છે. દરેક પેઢીઓ વચ્ચે ખાઈ તો હોય છે જ. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ વધુ ભયાનક થવા લાગી છે. આજની પેઢીને મૂલ્યોની કદર નથી એવું કહેવું તો નિષ્ઠુરતા છે. સારાં મૂલ્યોની સારસંભાળ કરવા માટે જિંદગીની આહુતિ આપનારા માણસો છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં એમણે જોયા જ નથી. એમને દેશી ભાષામાં ભણાવી પોતાનાં બાળકોને અંગ્રેજીમાં હોશિયાર કરનારા નેતા એમણે જોયા છે. સમાજવાદની વાતો હાંકતા હાંકતા પોતાનાં છૈયાંછોકરાંઓને ઘી-કેળાં ખવડાવનારા લોકનિયુક્ત પ્રતિનિધિઓ એમણે જોયા છે. કયે મોઢે વયની વડીલાઈને આધારે એમને ઉપદેશ આપવો? આજની પેઢીમાં આદરભાવના નથી એ કહેતી વખતે કોઈ માટે આદર થાય એવા કેટલા માણસો આખા ય દેશમાંથી આપણે એમને ચીંધી શકીશું?
સ્વતંત્રતા પ્રાપ્તિના પચ્ચીસમા વર્ષે, આવતીકાલની નાગરિકને જિંદગીનો સામનો કરવા માટેનું અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ કે કેમ, એનો વિચાર કરવાની વેળા આવી પહોંચી છે. માણસને હતપ્રભ અને પુરુષાર્થહીન કરનારા ભાગ્યવાદને પોસનારાં ઠેકાણાં ક્યાં? એ કેવી રીતે નષ્ટ થઈ શકે એની વિચારણા કરતી ઉપાયયોજના આ પચ્ચીસ વર્ષોમાં તૈયાર થશે એવું લાગ્યું હતું પણ બધું કાંઈ અડસટ્ટે જ ચાલી રહ્યું હોય એવું લાગે છે. એટલે કે ગુલામીના અંધારામાંથી સ્વતંત્રતાના અંધારામાં ફંફોસવાનું ચાલુ જ છે. એક ચોક્કસ દિશા અને એ દિશા તરફ દૃઢતાપૂર્વક પગલાં માંડનાર શાસન એવું ચિત્ર કાંઈ જોવા મળ્યું નહીં.
રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ ચૂકેલા એક વૃદ્ધ સંબંધીને મેં પૂછ્યું,
“છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં સૌથી મોટું પરિવર્તન શેમાં થયેલું આપને લાગે છે?”
“ગાંધીટોપીમાં.” એમણે કહ્યું.
“એ કઈ રીતે?”
“પહેલાં ગાંધીટોપી પહેરતી વખતે અંગ્રેજ સરકારની બીક લાગતી હતી. હવે આપણી જનતાની લાગે છે.”
“એવું કેમ કહો છો?”
“તું જ જો ને, ગાંધી ટોપી, પાનીઢક ધોતિયું, ખાદીનો ઝભ્ભો અને બંડી પહેરીને, હાથમાં ચામડાની બૅગ લીધેલા માણસને જોતાં જ તારું શું કહેવું હોય?”
હું બોલ્યો નહીં. મને એક જૂની વાત સાંભરી આવી. મીઠાના સત્યાગ્રહના દિવસો હતા. લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. લોકો પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. એણે પોતાના શરીર પરનાં ઘરેણાં ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં આપ્યાં, પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું.
“મારા ઘરે આટલાં ઘરેણાં પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું. પેલા ભાઈએ પૂછ્યું, બહેન, તમો મને ઓળખતાં પણ નથી. તમારાં આ ઘરેણાં હું તમારા ઘરે પહોંચાડી દઈશ એટલો ભરોસો કઈ રીતે?”
‘તમારા અંગે ખાદી છે અને માથે ગાંધી ટોપી છે ને, તેથી.”
આટલી પોતીકાઈથી અને ભરોસાથી ભારતીયોને જોડનારી ગાંધી ટોપીની આજે જે દશા થઈ છે એને આપણા છેલ્લાં પચ્ચીસ વર્ષોનાં સ્વતંત્રતાનાં માર્ગની કમાણી ગણવી કે શું? હવે ગાંધી ટોપી પર ધોળાને અધિક ધોળું કરનારું ટિનોપૉલ-બિનોપૉલ જેવું કાંઈ દ્રાવણ નીકળ્યું છે. એ ચકચકાટ અને કડક ઈસ્ત્રીને જ જો પ્રગતિ માનીને આત્મસંતોષથી રહેવું હોય તો વાત જુદી છે. મારા સ્વરાજની કલ્પનામાં હતો એ ગાંધી ટોપીનો પ્રવાસ આ દિશા તરફનો નહોતો.
[‘પુલકિત’માંથી ટૂંકાવીને]
સૌજન્ય : “અકાલ પુરુષ” (માસિક), સળંગ અંક 97, મે–જૂન : 2023; પૃ. 06-16
યુનિકોડ વાટે મુદ્રાંકન આયોજન : કેતનભાઈ રુપેરા