ગાંધીજી સાથે હું 1920થી ’34 સુધી લગાતાર રહ્યો છું તેમ કહી શકાય. પણ એ દરમિયાન મને એકેય એવો પ્રસંગ યાદ નથી આવતો કે, જ્યારે ગાંધીજીએ કોઈને એમ કહ્યું હોય કે, હું બહુ કામમાં છું અને અમુક ફરજ બજાવવા માટે મને વખત નહીં મળે.
ગાંધીજીને આમ તો ચાર દીકરા હતા, પણ ગાંધીજીનો પરિવાર એ લગભગ આખો ભારત દેશ થઈ ગયો હતો. કેરળથી કાશ્મીર સુધી ગાંધીજીના આદેશાનુસાર આશ્રમો સ્થપાયા હતા. અને તેનું સંચાલન પરોક્ષ રીતે પોતે જ કરતા હોય એ રીતે સંચાલકોને ગાંધીજી નાનીમોટી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા. ગાંધીજીને નાના છોકરાથી માંડીને કોઈ મોવડીએ લખેલ દરેક પત્રનો જવાબ તેને વળતી ટપાલે મળ્યો ન હોય તેવું ભાગ્યે જ બનતું.
ગાંધીજી કહેતા કે માનવીને કોઈ કામનો બોજો લાગતો જ નથી. જો માણસનું જીવન વ્યવસ્થિત ગોઠવાયું હોય તો તેનું નાનુંમોટું દરેક કામ સરસ રીતે પાર પડી શકે એવી રીતે રોજિંદું કામ ગોઠવી શકાય. આથી જ આશ્રમના સંયુક્ત રસોડામાં રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં શાક સમારવાનું કામ ગાંધીજી પોતે અચૂક કરતા હતા. કોઈ નાનો કે મોટો માણસ આશ્રમમાં માંદો પડે તો તેની ખરખબર પૂછવા માટે તથા તેની સારવારની વ્યવસ્થા કરવા માટે તેઓ જાતે જ ગયા વિના ન રહેતા. પ્રવાસમાં તેમને જાણવા મળે કે કોઈ ઓળખીતા માંદા પડ્યા છે તો તેમને મળવા જવાનું કદી ચૂકતા નહીં.
પોતાને જ્ઞાનવિકાસ માટે અમુક વાંચન કે ખાસ અભ્યાસ આવશ્યક છે તેમ ખાતરી થાય તો એ માટે પોતાની પાસે સમય નથી એવી ફરિયાદ તેમણે કદી કરી નહોતી.
અમે સૌ જેલમાં સાથે હતા ત્યારે કેટલાક મિત્રોએ ગાંધીજી સમક્ષ એવી ફરિયાદ કરી કે તેમણે હજુ સામ્યવાદી સાહિત્ય જોઈએ તેવું વાંચ્યું નથી. આથી જેલમાં સોમવારના દિવસે, જમતી વખતે પપૈયું ખાતાં ખાતાં કે ખજૂરની પેશી ચાવતાં ચાવતાં પણ તેમને ‘હ્યુમેનીટી અપરૂટેડ’ અને ‘રેડ બ્રેડ’ વગેરે પુસ્તકો મનનપૂર્વક વાંચતા મેં જોયા છે.
જેલમાં એક વાર લીલાવતી મુનશી મળવા આવ્યાં હતાં. એ વખતે તેમણે પ્રેમપૂર્વક એવી માંગણી કરી કે, ગાંધીજીએ મુનશીનાં પુસ્તકો ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’ વગેરે વાંચવાં જોઈએ. આ પુસ્તકો વાંચવા તેમણે ‘લાઇબ્રેરી’માં એટલે કે શૌચાલયમાં મારી પાસે મુકાવ્યાં હતાં, જેથી ત્યાં જેટલો વખત મળે એ દરમ્યાન તે વાંચી શકાય. આ રીતે તેમણે તે પુસ્તકો ત્યાં વાંચી પણ કાઢયાં હતાં.
દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથીઓ મદ્રાસી છે એટલે પોતે તામિલ શીખવું જોઈએ તેમ માનીને તેઓ તામિલ પણ શીખ્યા. બંગાળમાં, નોઆખલીમાં ગામડાંમાં કામ કરવું પડેલું ત્યારે બંગાળીઓ સાથે આત્મીયતા કેળવવા ખાતર બંગાળી શીખવું જોઈએ એવું અંતઃસ્ફુરણ થતાં 78 વરસની ઉંમરે તેઓ બંગાળી પાઠો લખવામાં અને બંગાળી બાળપોથી વાંચવામાં રસ લેતા હતા. (દક્ષિણ આફ્રિકામાં) કોઈ ઓળખીતા વાણંદ કે વેપારીને અંગ્રેજી ભણાવવા માટે કંઈ પણ ફી લીધા વિના પગે ચાલીને તેઓ જતા હતા. હોસ્પિટલમાં ખાટલે પડેલા કોઈ દરદીની પાસે પુસ્તક વાંચવા કે એના પત્રો લખી આપવા જેવું કામ કરવામાં બેરિસ્ટર થયા પછી પણ તેમને એક જાતનું શૂર ચડતું હતું.
આ કામ કરવું છે, એવી ગાંઠ એક વખત મનમાં બંધાઈ, એટલે તે કામ ગમે તેવું અઘરું હોય તોપણ પૂરું કરવા માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા હતા. રોજ 160 તાર કાંતવા છે, કે સવારે ચાર વાગ્યે પ્રાર્થના કરવી છે, કે સવારસાંજ પોણો કલાક ફરવામાં ગાળવો છે એવો સંકલ્પ કર્યો, તો એ સંકલ્પને તેઓ ઝોડની જેમ વળગી રહેતા હતા.
જેમણે ગાંધીજીની આત્મકથા વાંચી હશે તેઓ જાણતા જ હશે કે ગાંધીજીએ દાતણ અને સ્નાન કરતાં કરતાં ‘ગીતા’ના 13 અધ્યાય કંઠસ્થ કર્યા હતા.
‘ગીતા’નું ભાષાંતર તમારે કરી આપવું જોઈએ, એમ સ્વામી આનંદે કહ્યું ને ગાંધીજીએ તે માની લીધું. તુરત જ રોજ એક શ્લોકનું ભાષાંતર કરવાનું તેમણે વ્રત લઈ લીધું. એમાંથી જ આપણને ‘અનાસક્તિયોગ’ પુસ્તક મળ્યું.
ગાંધીજીએ જેટલાં વર્ષ ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ કે ‘હરિજન’નું તંત્રીપદ સંભાળ્યું એમાં એક પણ સપ્તાહ એવું ખાલી ગયું નથી કે જ્યારે આ સાપ્તાહિકોમાં તેઓ પોતાની ધારણા પ્રમાણે લેખ લખી શક્યા ન હોય.
‘મહાભારત’ સળંગ વાંચ્યા સિવાય હિંદુધર્મનું હાર્દ સમજાય નહીં એવું એક વખત તેમને સમજાતાં 1922માં યરવડા જેલમાં ગયા કે તુરત જ ‘મહાભારત’નાં પૂરેપૂરાં અઢાર પર્વ તેઓ ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા.
ગાંધીજી પાસે કોઈ કામ બીજા નંબરનું ગણાતું નહીં. જે કામ જરૂરી છે તે કામ પાર પાડવા માટે સમય અને શક્તિનો અખૂટ ભંડાર તેમની પાસે હતો. આવાં અનેક દૃષ્ટાંતો ગાંધીજીના રોજબરોજના જીવનમાંથી મળે છે. પાયખાના—સફાઈ, રક્તપિત્તિયાના ઘા ધોવા, સાથીઓને પ્રેમપત્રો લખવા, મોટી રાજરમતોના વ્યૂહ ગોઠવવા કે પુસ્તકોનું મનન કરવા જેવાં નાનાંમોટાં કામ માટે જરૂર પડે તો ગાંધીજીને સમય મળી શકતો, ત્યારે આપણા જેવા સામાન્ય માણસને માટે ‘હું કામમાં છું’ એમ કહેવું કેવું બેહૂદું ગણાય?
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર