(ભારતસ્થિત ‘બેઝિક ઇન્કમ અર્થ નેટવર્ક ગ્રુપ’માં જોડવાને પરિણામે બારનીલ્સ – કેટેલોનિયા નિવાસી આર્ટર ડોમિન્ગોનો પરિચય થયો. એમનો લેખ ‘Making Gandhi Legacy useful in today’s world’ ડો. શોબના નેલાસ્કો દ્વારા સંપાદિત પુસ્તક ‘ગાંધી – અ ગ્લોબલ પર્સપેક્ટિવ’માં વાંચ્યો. એ દ્વારા પરસ્પર વિચારોની આપ-લે થતી રહી. તાજેતરમાં તેમની લંડનની મુલાકાત દરમિયાન થયેલ વાર્તાલાપને આર્ટરે લેખિત સ્વરૂપ આપ્યું, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.)
મારો જન્મ 1953માં. મારી પેઢીના ઘણા યુવાનોની માફક મને ક્રિશ્ચિયન – કેથોલિક પદ્ધતિનું શિક્ષણ પ્રાપ્ત થયેલું; પરિણામે સામાજિક ન્યાય માટેની નિસબત મને વારસામાં મળેલી. એ સમયે સ્પેઇન ફ્રાન્કોની તાનાશાહી શાસનની યાતના ભોગવતું હતું, તેમ જ એ શાસન દ્વારા કેટેલોનિયા પ્રાંતના સાંસ્કૃતિક અને ભાષાકીય અધિકારો જે રીતે રૂંધવામાં આવતા હતા, તેનાથી મુક્તિ મેળવવામાં જાગેલા મારા રસને કારણે 17 વર્ષની ઉંમરે 1968માં શરૂ થયેલી પ્રતિકારની ચળવળ તરફ હું ખેંચાયો. આ ચળવળમાં જુદા જુદા સ્વરૂપોના માર્ક્સિઝમનો સહુથી વધુ પ્રભાવ હતો, જો કે થોડે ઘણે અંશે વિપ્લવવાદ અને સંઘર્ષનો શાંતિમય પ્રતિકાર કરવાની ચળવળનો પણ પ્રભાવ હતો.
આ રીતે 18 વર્ષની વયે હું ટ્રોટ્સ્કીની વિચારધારા તરફ ઢળતા માર્ક્સિસ્ટ સમૂહમાં જોડાયો. મારા કિસ્સામાં મને લાગે છે કે એ મારું સદ્દનસીબ હતું, કેમ કે ટ્રોટ્સ્કીની વિચારધારા સ્તાલિનની વિચારધારા અને તે સમયે રશિયામાં પ્રવર્તતી તાનાશાહીને ટીકાત્મક દૃષ્ટિથી જોતી હતી અને તેનો અસ્વીકાર કરતી હતી, તથા કેટલાક દેશોમાં માઓવાદી વિચારધારા પ્રસરેલી તેને પણ એ નકારતી હતી. હું જે પક્ષમાં જોડાયો હતો તેના સભ્યો બીજાની સરખામણીમાં આંતરિક લોકશાહીનો આનંદ લેતા હતા. તેમાં કોઈ જનરલ સેક્રેટરી નહોતો જે પોતાના ધારાધોરણો બીજા પર લાદે અને ત્યાં ચર્ચા વિચારણા તથા કાયમ અભ્યાસ કરતા રહેવા તરફ વધુ ઝોક રહેતો હતો.
હું માનું છું કે માર્ક્સવાદે સમાજને કાયદો, સમાજ, રાજ્ય, નીતિ ઇ.નાં બંધનોમાંથી મુક્ત કરવા માટે મૂલ્યવાન યોગદાન આપ્યું છે. એક ઇતિહાસવિદ્દ હોવાને નાતે હું એમ પણ માનું છું કે તે વિચારધારાએ માનવ ઇતિહાસ અને તેના પરિવર્તનની પ્રક્રિયા પાછળના ચાલક બળની સમજણનું સંવર્ધન કરવામાં પણ ભાગ ભજવ્યો છે. ઉપરાંત એ પણ ગણનામાં લેવું જોઈએ કે માર્ક્સવાદની ઘણી શાખાઓ અસ્તિત્વમાં હતી અને હજુ પણ છે.
જો કે ગઈ સદીના એંશીના દાયકાના મધ્યના અરસામાં અન્ય લોકોની જેમ મને પણ પ્રતીત થવા લાગ્યું કે માર્ક્સવાદ આ દુનિયાની બધી સમસ્યાઓ અને મારા દેશના તમામ સવાલોનો ઉકેલ નથી આપી શકતો, અને તેથી જ યુરોપ અને બીજા દેશોમાં બીજી વિચારધારાઓ અને કાર્ય પ્રવાહો પ્રચલિત હતા એ તરફ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને જર્મનીમાં ગ્રીન ચળવળ શરૂ થઇ તેને કારણે મને પર્યાવરણની સુરક્ષામાં વધુ રસ પડવા લાગ્યો. વળી હું સ્ત્રીઓના સમાન હકોની હિમાયતમાં પણ વધુ રસ ધરાવતો થયો; એ માત્ર એટલા માટે જ નહીં કે એ મહિલાઓના અધિકારોનું સમર્થન કરતું હતું, પરંતુ તેને પરિણામે રોજિંદા જીવનમાં અને માનવ સંબંધોને મૂલવવામાં જે સકારાત્મક અસર થતી હતી તેથી હું આકર્ષાયો. માર્ક્સિઝમના દાયરામાં પણ હું Wilhelm Reich, એરિક ફ્રોમ અને અન્ય લેખકોના લેખોને આધારે Freudo-Marxism તરીકે જાણીતી થયેલી વિચારધારામાં વધુ દિલચસ્પી ધરાવતો થયો.
મારો એ સમય આંતરિક શોધ અને પરીક્ષણ કરવાનો હતો.
આ વિસ્તૃત સંદર્ભમાં જોઈએ તો, રજાઓના સમયમાં હું રિચર્ડ એટીનબરો નિર્મિત ‘ગાંધી’ ફિલ્મ જોવા જઈ ચડ્યો. મારે કબૂલ કરવું જોઈએ કે મારા પર એ ફિલ્મની જે અસર થઈ તેને માટે હું તે વખતે જે મનોસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો તે કારણભૂત હતી. હું મહાત્મા ગાંધીનાં વ્યક્તિત્વ અને કાર્યો વિષેની જાણકારી પહેલી વખત વિગતે મેળવી રહ્યો હતો. દેખીતી રીતે જ મને તે વિષે પહેલાં માહિતી હતી, પરંતુ મેં જે આદર્શોની પસંદગી કરી હતી તેને કારણે મેં આ વિચારધારાને ખાસ ગણનામાં નહોતી લીધી, જો કે કેટાલાન માટે લડત આપી રહેલા Lluís M. Xirinachs જેવા, જેઓ ગાંધીને સમજવાનો દાવો કરે છે તેમને માટે થોડી સહાનુભૂતિ હતી. વધુમાં ભારતીય સંસ્કૃતિમાં મને હંમેશાં રસ હતો, જો કે મેં તેનો ઊંડાણથી અભ્યાસ નહોતો કર્યો. હું હંમેશાં કહું છું કે કોઈ ફિલ્મ, પુસ્તક કે અનુભવ આપણા ઉપર ઓછે વત્તે અંશે અસર કરતા હોય છે જેનો આધાર એ તમારા જીવનના કયા તબક્કા પર પ્રવેશતા હોય છે તેના પર હોય છે, અને મારે માટે કદાચ એ એકદમ બંધબેસતી પળો હતી.
બસ, ત્યારથી હું ગાંધી વિષે વાંચવા લાગ્યો, શરૂઆત જૂનાં પુસ્તકો વેંચનારી બજારમાંથી ઇતિહાસવિદ જ્યોર્જ વૂડકોક લિખિત ગાંધીના જીવન ચરિત્રથી કરી, અને ત્યાર બાદ લુઇ ફિશર લિખિત જીવન કથા, કે જેના પર એટીનબરોની ફિલ્મ આધારિત છે એ વાંચી. તે પછી તો ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી, જેણે મને મંત્રમુગ્ધ કરી દીધો. જીવન ચરિત્રો અને ગાંધી વિષે લખાયેલાં પુસ્તકો વાંચવાનો દોર ચાલ્યો, જેમાં સ્ટેનલી વૉલપેર્ટ (Stanley Wolpert), જ્યુડિથ બ્રાઉન (Judith Brown), કૅમિલ ડ્રેવેટ (Camille Drevet), રોમાં રોલાં (Romain Rolland) અને એરિક એરિક્સન (Erik Erikson) લિખિત પુસ્તકોનો સમાવેશ હતો; તે ઉપરાંત વિવિધ પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલા કેટાલાન, સ્પેનિશ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષામાં ગાંધીનાં લખાણો પણ વાંચવામાં આવ્યાં. મેં ગાંધીના ‘આશ્રમ વાસીઓને પત્રો’ (યરવડા મંદિરમાંથી લખેલા), ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘હિન્દ સ્વરાજ’ વગેરે પુસ્તકો પણ વાંચ્યાં. અને આ કારણોસર મેં ગાંધી અને તેમના વારસાને મારા અભ્યાસનું કેન્દ્ર બનાવવાનો અને તેના વિશે લેખો લખવા, સહિયારા કાર્યોમાં જોડાવું, પ્રવચનો આપવા, લોકો સાથે સંવાદ કરવો અને પરિષદોમાં વક્તવ્ય આપીને પ્રસાર કરવાનો નિર્ધાર કર્યો. હાઇસ્કૂલના ઇતિહાસ શિક્ષક તરીકેની જવાબદારીને કારણે શરૂઆતમાં મારું પ્રદાન થોડું મર્યાદિત હતું.
ગાંધીનાં કાર્ય અને તેમના વારસાને સારી રીતે સમજવા માટે મેં ભારતમાં સાબરમતી આશ્રમ અને સેવાગ્રામ ઉપરાંત અન્ય સ્થળોનો એકથી વધુ વખત પ્રવાસ ખેડ્યો. 2017માં મેં સેવાગ્રામમાં ગાંધીજી વિષે યોજાયેલી પરિષદમાં ભાગ લીધો અને ‘ગાંધીના વારસાનો 21મી સદીમાં પ્રસાર: યુરોપીયન દૃષ્ટિકોણ’ એ વિષય પર નિબંધ રજૂ કરેલો.
ગાંધીજી 1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા આવેલા ત્યારે નિવાસ કરેલો એ કિંગ્સલી હોલ-લંડનની મેં તાજેતરમાં મુલાકાત લીધી. એ સ્થળ ક્વેકર સંપ્રદાય સાથે સંલગ્ન છે અને તેમના મિત્ર અને અનુયાયી મ્યુરિયલ લેસ્ટરના આમંત્રણનો સ્વીકાર કરીને તેઓ ત્યાં રહ્યા હતા. આશા બૂચ અને ગાંધી ફાઉન્ડેશન દ્વારા એ મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવેલી અને ગાંધી ફાઉન્ડેશનમાં કાર્ય કરનાર મોર્ગન અંબર મારી સાથે હાજર રહ્યાં જેને માટે હું આભારી છું. હંમેશની જેમ જ્યાં ગાંધીજીએ નિવાસ કર્યો હોય એ સ્થળની મુલાકાત લેવી ખૂબ હૃદયસ્પર્શી હોય છે.
હાલમાં હું ભારત અને બ્રિટિશ સામ્રાજ્યના સંદર્ભમાં ગાંધીજીનાં જીવન, કાર્ય, તેમના આદર્શો, વિચારધારા અને તેની આજના યુગમાં સુસંગતતા વિશે પુસ્તક પૂરું કરવાની તૈયારી કરી રહ્યો છું. આને કારણે મેં રામચંદ્ર ગુહા લિખિત ગાંધીની જીવન કથા અને ખાસ કરીને કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીનું ખૂબ ઊંડાણથી અધ્યયન કર્યું. મેં પ્યારેલાલ અને સુશીલા નૈયર તેમ જ અન્ય ભારતીય તથા વિદેશી લેખકોનાં લખાણોનો પણ સહારો લીધો છે. એ જ રીતે ગાંધીની સમકાલીન હસ્તીઓ, ભારતના અને વિદેશી વિચારકોના પ્રતિભાવોની પણ નોંધ લીધી છે. ગાંધીની આત્મકથા એક અખૂટ ખજાનો છે.
મારો ગાંધીના જીવન અને કાર્ય વિશેનો અભિગમ સંત તરીકે ચિત્રિત કરવાના ખ્યાલ પર આધારિત નથી, કે નથી સમાલોચનાથી મુક્ત. તેમના વારસાનું સમાલોચના યુક્ત અને વિશ્લેષણાત્મક વિવરણ કર્યું છે, જે મારા મતે વધુ ઉપયોગી છે. સંત ચરિત્રના ખ્યાલ પર આધારિત કે સમાલોચનાથી મુક્ત દૃષ્ટિકોણ ખાસ ઉપયોગી નથી હોતો કેમ કે તેનાથી ગાંધીજીના સંદેશમાં જે લોકોને દિલચસ્પી છે તેઓ તેમના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને પારખી ન શકે. ગાંધીજી આખર એક માનવી હતા, તેમના વિચારોમાં ઘણી જટિલતા હતી, કેટલાક વિરોધાભાસો હતા, શંકાસ્પદ અને ભૂલભરેલા ખ્યાલો પણ હતા. પરંતુ આઈન્સ્ટાઈન અને બીજા અનેક મહાનુભાવોએ પીછાણ્યા છે તેમ, તેઓ એક અસાધારણ નૈતિક અને માનવીય દૃષ્ટિકોણ ધરાવનારા માનવી હતા. તેમનામાં ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવા સકારાત્મક નેતૃત્વની શક્તિ હતી. અનેક રીતે તેઓ આપણે જે ગ્રહ પર વસીએ છીએ તેને વધુ માનવીય, ન્યાયી, સંવાદી અને પરસ્પરને સહાયક બનાવી શકવાના માર્ગ ચીંધે છે. મને લાગે છે કે 21મી સદીમાં જે કટોકટી ભરી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ, તેમાં એમનું પ્રદાન અત્યંત અગત્યનું છે. ગાંધીના વારસા અંગે અભ્યાસ કરવો, સાંપ્રત સમસ્યાઓને હલ કરવા જે પાસાંઓ ફાળો આપી શકે તેવા છે તેનો સાર કાઢીને તેનો પ્રચાર અને પ્રસાર કરવો એ ઘણું મહત્ત્વનું છે.
મારી માન્યતા મુજબ ગાંધીની દેણગીના કેટલાક સહુથી વધુ ઉપયોગી અને મહત્ત્વનાં પાસાંઓ છે તે નીચે દર્શાવ્યા છે :
- તેમના સંદેશનું નૈતિક પાસું, જે સત્ય અને અહિંસા પર આધારિત છે. તમામ સામાજિક, રાજકીય અને આર્થિક નીતિઓ અને કાર્યો નૈતિક ધોરણો દ્વારા જ દોરવાયેલા હોવા જોઈએ.
- તેમનો અહિંસા વિશેનો ખ્યાલ. એક દાર્શનિક વિચાર તરીકે અને જીવનના તદ્દન વ્યક્તિગત સ્તરથી માંડીને સામાજિક અને સમગ્ર માનવજાત સાથેના સંબંધોમાં અહિંસક આચાર-વિચારનો અમલ એ એમની ખૂબી હતી. પ્રકૃતિ પ્રત્યે પણ અહિંસક અભિગમની એમને મન મહત્તા. પરંતુ સહુથી વધુ મહત્ત્વની વાત ન્યાયી અને માનવ વસવાટને યોગ્ય થઈ શકે તેવા જગત માટે બધા પ્રકારના સંઘર્ષો સામે લડવા અહિંસક પ્રયુક્તિઓ અપનાવવાની તેમની નીતિ. તે જ રીતે તેમણે આપણને બે રાજ્યો, બે દેશ અને જુદા જુદા સમાજ સાથે સુમેળભર્યા સંબંધો રાખવા માર્ગ ચીંધ્યો. હિંસા રૂપી મહામારીથી ઘેરાઈ ગયેલા વિશ્વ સામે આ સહુથી મોટો ચર્ચાનો મુદ્દો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં થયેલી અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળના અનુભવ પરથી દુનિયાના ઘણા દેશોએ શીખ લીધી છે. કેટેલોનિયામાં અહિંસક સવિનય કાનૂન ભંગના સંદેશની બહુ મોટી અસર થઈ, અને તેના પરથી શીખેલા મહત્ત્વના સબકનો અમલ 2017માં થયેલ ચળવળમાં કરવામાં આવ્યો હતો. નવી પેઢી, કે જેને દુનિયાનું સાચી દિશામાં રૂપાંતર કરવાની આકાંક્ષા છે તેમને માટે આ દેણગી ઘણી ઉપયોગી થઈ શકે.
- જીવ માત્રના પારસ્પરિક સંબંધો વિશેની ગાંધીની દૃષ્ટિ પ્રકૃતિ માટેનો આદર, કોઈ પણ પ્રકારના વ્યયનો અને લૂંટ તથા વિનાશક આર્થિક વિકાસ તથા થોડી સંખ્યાના આર્થિક વર્ચસ્વ ધરાવનાર વ્યવસ્થા પ્રત્યેના વિરોધ પર આધારિત છે. આ વિચાર હાલમાં ઊભી થયેલી પર્યાવરણની કટોકટીનો સામનો કરવાની હિલચાલ સાથે સંપૂર્ણ રીતે સુમેળ ધરાવે છે. ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મુકવાની નીતિના સમર્થકો ગાંધીના મતનો ઉલ્લેખ કરે છે.
- ગાંધીના સામાજિક ઉત્થાનના વિચારો તદ્દન ગરીબ અને વંચિત લોકોને સહાય કરવા પ્રેરે છે. ભારતમાં અસ્પૃશ્યતા સામે અને સાથોસાથ કિસાનો તથા મઝદૂરોના શોષણ, મહિલાઓના સમાન અધિકારો અને વિવિધ આદિવાસી જાતિઓના હક માટે લડવા તેમને પ્રતિબદ્ધ કર્યા. આ કાર્યપદ્ધતિને ‘સર્વોદય’ અને ‘ગાંધીયન સમાજવાદ’ની વ્યાખ્યા અપાઈ છે. રૂઢિચુસ્ત માર્ક્સવાદ સાથે તેમની અસહમતિ હિંસાનો ઉપયોગ, નિરીશ્વરવાદ અને વર્ગવિગ્રહની બાબતમાં હતી, કે જેનો ગાંધીને અન્ય વિભાવનાઓ સાથે તુલનાત્મક ભેદ દેખાતો હતો.
- ગાંધીની લોકશાહીની અને વિકેંદ્રીકરણની વિભાવના એવી હતી કે સમાજ સ્થાનિક વહીવટી માળખામાં નિર્ણયો લઇ શકે જેથી રાજ્ય, દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવાય તેના પર નિર્ભર ન રહે. વિવિધ સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ ધરાવનારા સમૂહો વચ્ચે પરસ્પર વાટાઘાટો કરીને સહઅસ્તિત્વ સાધવાના તેમના માર્ગોનું અમલીકરણનું દૃષ્ટાંત તેમણે પોતાના જીવન દ્વારા પૂરું પાડ્યું.
- ન્યાય અને અધિકારોની જાળવણી માટે સત્યાગ્રહ, અહિંસક સવિનય કાનૂન ભંગ અને અસહકાર વગેરે જેવી અસરકારક પદ્ધતિઓ આપણને આપી. તેમણે બિન સત્તાવાહી અને ગ્રહણશીલ નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જે તેમના જીવન અને કાર્યનું અનુકરણ કરવા અને સાદગીભરી માર્ગ બતાવવાની રીત પર આધારિત હતી જેને માટે તેઓએ રાજકીય સત્તા કે પદ મેળવવાની ખેવના ન કરી, માત્ર સકારાત્મક પ્રભાવ પૂરો પાડ્યો.
- અને અંતે, વ્યક્તિ અને સમાજમાં આવતું પરિવર્તન ઘનિષ્ઠ અને અભિન્ન રીતે જોડાયેલા છે એવો એમનો દૃષ્ટિકોણ બહુમૂલ્ય છે. મારા મતે ગાંધીનો આ સહુથી વધુ રસપ્રદ અને મૌલિક ફાળો છે.
અલબત્ત ભારતમાં અને દુનિયામાં અન્ય સ્થળોએ વ્યક્ત થયેલા ગાંધીના વિચારો, પ્રસ્તાવો અને વર્તનના વિવાદાસ્પદ પાસાં છે, જેમ કે તેમનો નૈતિકતાનો વધુ પડતો આગ્રહ, અથવા તેમના જીવન દરમિયાન ઊભા થયેલા સંયોગો વિશે કરેલાં કેટલાંક વિધાનો, કે જેનું વિશ્લેષણ થવું જોઈએ અને ધ્યાનમાં રાખવા જોઈએ. ગાંધીએ જે કઇં કહ્યું કે કર્યું તે બધું જ આપણે સ્વીકારવું જરૂરી નથી. પણ તેનાથી તેમના મોટા ભાગના સંદેશાઓની મહત્તા જરા પણ ઘટતી નથી.
મારા મત પ્રમાણે મહાત્મા ગાંધીનો વારસો અંધવિશ્વાસથી પ્રેરાઈને કે નિર્વિવાદ સત્ય તરીકે ન સ્વીકારવો જોઈએ. 21મી સદીમાં તેની અસરકારકતા તો જ વધુ અનુભવાશે જો બીજી તત્ત્વજ્ઞાનની, આર્થિક અને રાજકીય વિચારધારાઓ સાથે સંવાદ રચવામાં આવે. આપણા યુગની અન્ય ચળવળો જેવી કે પર્યાવરણવાદ, શાંતિવાદ, નારીવાદ અને સહુથી વધુ તો માર્ક્સવાદ જેવા પારંપરિક વિચારો ધરાવતા સમૂહો સાથે વાર્તાલાપ રચવો જરૂરી છે. તે ઉપરાંત માર્ક્સવાદના માનવીય અને પ્રજાતંત્રીય સ્વરૂપ સમાજવાદ તેમ જ આ દુનિયાને વધુ માનવીય, પરસ્પરને સહાયક બનાવે તેવી બનાવવા મથતા વિચાર પ્રવાહો, ફિલસૂફી અને નૂતન આદર્શો ધરાવનારાઓ સાથે પણ સહભાગી થવાથી ગાંધીની દેણગી વધુ અસરકારક બનાવી શકાશે.
e.mail : 71abuch@gmail.com