પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ–સે પલ્લવ ટૂટ ગયે, મરકત–સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન–ડાલી કો થામ, સખે.. હૈ પતઝડ કી યહ શામ, સખે!’
‘મિટ્ટી કા તન મિટ્ટી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય’ આવી સાદી શાશ્વત અને સાર્વત્રિક પંક્તિ લખનાર ભવ્ય કવિનો જન્મદિન 27 નવેમ્બરે છે. આ ભવ્ય કવિ એટલે હિંદી કવિતાના માઈલસ્ટોન સમા હરિવંશરાય બચ્ચન. ‘મધુશાલા’ની રુબાઈઓ જેનો પર્યાય છે એવા આ કવિએ જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી અન્ય રચનાઓ પણ આપી છે એટલું જ નહીં, ગદ્ય અને પદ્ય બંનેમાં સુંદર કામ કર્યું છે. ભર્યું ભર્યું જીવન જીવ્યા છે, પણ સભાઓના નહીં, એકાંતના કવિ રહ્યા છે. કહે છે, જ્યાં કોઈ નથી, પંથ નથી, દિશા નથી, શબ્દ પણ નથી, એવા ગાઢ અને ગૂઢ એકાંતમાં જ નવપ્રસ્થાનનો સંકેત મળે છે ‘શબ્દ કહાં જો તુજકો ટોકે, હાથ કહાં જો તુજકો રોકે, રાહ નહીં હૈ, દિશા નહીં, તૂ જિધર કરે પ્રસ્થાન; અકેલેપન કા બલ પહચાન.’
યુરોપમાં ચૌદમી-પંદરમી સદીથી શરૂ થઈ ગયેલી રેનેસાં ભારતમાં ઘણી મોડી આવી; પણ એ પછી અંગત અનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પના, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મય, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમ – આ બધી એની અસરો ભારતના સર્જકોએ મોટા પ્રમાણમાં ઝીલી. આ રોમેન્ટિસિઝમ, જેને હિંદીમાં છાયાવાદ કહે છે તેની વિશેષતાઓ બચ્ચનજીમાં ભરપૂર ઝળકી. એમણે રોમેન્ટિસિઝમનાં શિખરો સર કર્યાં. પછી એની અસરમાંથી નીકળી પણ ગયા અને પોતીકા બળથી પોતાના શબ્દો અને ભાવોને માંજ્યા અને કંડાર્યા. એમને છાયાવાદોત્તર યુગના હાલાવાદી કવિ પણ ગણવામાં આવે છે. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં બચ્ચનજીને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે, ‘નીલમ-સે પલ્લવ ટૂટ ગયે, મરકત-સે સાથી છૂટ ગયે, અટકે ફિર ભી દો પીત પાત, જીવન-ડાલી કો થામ, સખે .. હૈ પતઝડ કી યહ શામ, સખે!’
બચ્ચનજી, કવિઓ માટે જેવી છાપ છે એવા સીધાસાદા કે ધૂની બિલકુલ નહીં. પ્રયાગના એમ.એ., અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સ પર કેમ્બ્રિજમાં પીએચ.ડી., 10 વર્ષ સુધી અંગ્રેજીના અધ્યાપક, સાથે આકાશવાણીમાં સક્રિય, ત્યાર પછી ભારતના વિદેશ મંત્રાલયના હિંદી ભાષાના વિશેષજ્ઞ. પૂરા સોફેસ્ટિકેટેડ. અને છતાં પારકાનું દુ:ખ જોઈ પોતાને એવું દુ:ખ નથી એથી અંદરથી આનંદિત થતાં અને બહારથી સાંત્વના આપતા લોકોના દંભથી વ્યથિત થાય એવા સંવેદનશીલ અને એમને ‘ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?’ કહી શકે તેવા સ્પષ્ટ.
‘તેરા હાર’ બચ્ચનજીનું પહેલું પ્રકાશન. 1935માં આવેલી ‘મધુશાલા’એ તેમને શિખરે બેસાડ્યા. અદ્દભુત ‘મધુશાલા’ને મન્ના ડેએ અદ્દભુત કંઠે અને જયદેવના એવા જ અદ્દભુત સંગીત નિર્દેશનમાં ગાઈ છે. એવી જ અદ્દભુત અસર એમના પુત્ર અમિતાભ બચ્ચન જ્યારે ‘મધુશાલા’નો પાઠ કરે ત્યારે ઊભી થાય છે. ‘મધુશાલા’ પછી આવ્યા ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ અને બચ્ચનજી હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક બન્યા. હાલા એટલે મદિરા. તેને જ વર્ણ્યવિષય માનીને થતી રચનાઓ એ હાલાવાદ. બચ્ચનજી લખે છે, ‘કભી ન કણભર ખાલી હોગા, લાખ પિયે દો લાખ પિયે; પાઠકગણ હૈ પીનેવાલે, પુસ્તક મેરી મધુશાલા’. મધુશાલા ફક્ત સુરાલય નથી. મધુશાલા પ્રતીક છે – પ્રણયનું, જિંદગીનું, ડૂબી જવાય એવી મસ્તીનું અને તરી જવાય એવી વિરક્તિનું – ‘જગતી કી શીતલ હાલા સી પથિક, નહીં મેરી હાલા; જગતી કે ઠંડે પ્યાલે સા પથિક, નહીં મેરા પ્યાલા; જ્વાલ સુરા જલતે પ્યાલે મેં દગ્ધ હૃદય કી કવિતા હૈ; જલને સે ભયભીત ન હો જો, આયે મેરી મધુશાલા’ કવિના તેજોમય ચૈતન્ય-અગ્નિની નજીક જવું એ કાચાપોચાનું કામ નથી. જેનામાં સાહસ હોય, જેને સળગવાનો ડર ન હોય તે જ પોતાના સર્જનવિશ્વમાં પ્રવેશે એવું કહેનાર કવિ સર્જન અને ભાવનનાં રહસ્યો પ્રત્યે કેટલા સજાગ હશે! અગ્નિ એમના કાવ્યોમાં વારંવાર આવે છે, ‘અગ્નિદેશ સે આયા હૂં મૈં .. ઝુલસ ગયા તન, ઝુલસ ગયા મન, ઝુલસ ગયા કવિ-કોમલ જીવન, કિંતુ અગ્નિવીણા પર અપને દગ્ધ કંઠ સે ગાતા હૂં મૈં; કંચન તો લૂટા ચૂકા, પથિક, અબ લૂટો ભસ્મ લુટાતા હૂં મૈં …’ ‘જગ મેં અંધિયારા છાયા થા, મૈં જ્વાલા લેકર આયા થા, મૈંને જલકર દી આયુ બિતા, પર જગતી કા તમ હર ન સકા, મૈં જીવન મેં કુછ કર ન સકા …’ અને ‘અગ્નિપથ’ તો ખરું જ, જેને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘અગ્નિપથ’માં લેવામાં આવ્યું હતું, પછી એની રિમેકમાં પણ લેવાયું હતું.
કવિ તરીકે સમકાલીનોમાં ઉપેક્ષિત પણ રહ્યા. પણ તેના પરિણામે તેમનું સર્જનાત્મક પાસું વધુ સશક્ત બન્યું અને તેમની રચનાઓને, પરંપરામુક્ત અભિવ્યક્તિ હોવાને કારણે, સારી એવી પ્રસિદ્ધિ પણ મળી. લેખન અને જીવનમાં આડંબરને તેમણે પ્રવેશવા નથી દીધો માટે જ તેઓ ટોળાવાદી નહિ પણ એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. ‘કવિ કી વાસના’ કાવ્ય આખું જ વાંચવા-માણવા જેવું છે, પણ એમાં બે પંક્તિઓ ખાસ ધ્યાન ખેંચે છે, ‘પ્રાણ પ્રાણોં સે મિલેં કિસ તરહ, દીવાર હૈ તન’ અને ‘મૈં છુપાના જાનતા તો જગ મુઝે સાધુ સમજતા, શત્રુ મેરા બન ગયા હૈ છલરહિત વ્યવહાર મેરા’
ઉમર ખય્યામની રુબાઈઓથી પ્રભાવિત ‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ ઉપરાંત કાવ્યસંગ્રહો ‘નિશાનિમંત્રણ’, એકાન્તસંગીત’, ‘સતરંગિની’ અને ‘મિલનયામિની’, અંગત વ્યથાકથા સાથે ત્યારના દેશકાળની હૃદયસ્પર્શી વાતો કહેતા ચાર આત્મકથાનકો – ‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરૂં?’ ‘નીડ કા નિર્માણ ફિર’ ‘બસેરે સે દૂર’ અને ‘દશદ્વાર સે સોપાન’ અને ગંભીર અધ્યયનના પરિણામસ્વરૂપ ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો, અનેક સમીક્ષાત્મક નિબંધો આ છે કવિ હરિવંશરાય બચ્ચનનું સર્જન-વિશ્વ. એમણે પોતા વિશે અત્યંત સાહસ અને નિખાલસતાથી લખ્યું છે. સંઘર્ષ અને વ્યથા, મસ્તી અને ફિલોસોફી બંને તેમાં જોવા મળે, ‘અગણિત ઉન્માદોં કે ક્ષણ હૈં, અગણિત અવસાદોં કે ક્ષણ હૈં, રજની કી સૂની ઘડિયોં કો કિન કિન સે આબાદ કરું, ક્યા ભૂલું ક્યા યાદ કરું’ અને રોબર્ટ ફ્રોસ્ટની ‘ધ વૂડસ આર લવલી’નો બચ્ચનજીએ કરેલો અનુવાદ, ‘ગહન સઘન મનમોહક તરુગણ મુજકો આજ બુલાતે હૈં, કિંતુ કિયે જો વાદે મૈંને યાદ મુજે આ જાતે હૈં, અભી કહાં આરામ બદા યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુજકો મીલોં ચલના હૈ …’ છે ને ખડી બોલીની સહજ તાકાત સાથે સંવેદનાની મુલાયમ ઊર્જાનો સુરુચિસંપન્ન સુમેળ?
બચ્ચનજી મુખ્યત્વે પ્રબળ માનવભાવો, પ્રાણને પ્રજ્વલિત રાખતી પ્રેમઅગન અને જીવનસંઘર્ષના આત્મનિષ્ઠ કવિ છે. તેમને સાહિત્યના સરસ્વતી સન્માન અને પદ્મભૂષણ જેવા નાગરિક સન્માન સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યાં હતાં, પણ સૌથી મોટું સન્માન તો એમની ‘નીડ કા નિર્માણ ફિર ફિર’, ‘ઈસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો’ કે ‘જો બીત ગઈ સો બાત ગઈ’ને રસિકોના હૃદયમાં મળેલું સ્થાન છે. એમના ‘નિશા નિમંત્રણ’ સંગ્રહની ત્યારના અમુક દિગ્ગજોએ આલોચના કરી હતી, એમ કહીને કે દુનિયા યુદ્ધગ્રસ્ત છે અને આ કવિને નિશાનિમંત્રણ સૂઝે છે. પણ એની 20 આવૃત્તિ થઈ છે! ‘દો ચટ્ટાનેં’ માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. આવી હસ્તી જ કહી શકે કે ‘બૈઠ જાતા હૂં મિટ્ટી મેં અક્સર, ક્યોં કિ મુઝે મેરી ઔકાત અચ્છી લગતી હૈ’, ‘મૈં પથ્થર પે લિખી ઈબારત હૂં, શીશે સે કબ તક તોડોગે, મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો કબ તક રોકોગે’ અને ‘હૈ અંધેરી રાત પર દીપક જલાના કબ મના હૈ?’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 નવેમ્બર 2023