સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું એ એમનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.
ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે, ‘…હું ભૂત-પ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ મને રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં રામનામનો જપ શરૂ કર્યો. રામનામ આજે મારે સારું અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાએ રોપેલું બીજ ગણું છું.’ પિતા માંદગી દરમ્યાન રામાયણ સાંભળતા, તેનાથી ગાંધીજીને રામાયણ પ્રત્યે પ્રેમપૂર્ણ શ્રદ્ધા જાગી. તુલસીકૃત રામાયણને તેઓ ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણે છે. આધ્યાત્મિક, શારીરિક અને માનસિક ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર છે એવી શ્રદ્ધા ગાંધીજી એમના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમ જ રાજદ્વારી ક્ષેત્રે નવા ચીલાઓ પાડનાર એકાકી રાહદારી તરીકે એમને ભાગે આવેલા આત્મામંથનોમાંથી તેમને રામે જ પાર ઉતાર્યા. છેલ્લે તો તેઓ એમ કહેતા કે શરીરની વ્યાધિઓ મટાડવાનો ઈલાજ પણ રામનામ જ છે.
૧૯૩૬માં ‘હરિજનબંધુ’ના એક અંકમાં ગાંધીજી લખે છે, ‘રામનામના સૂર્યએ મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઇસુનું નામ લેતાં ને મુસાલમાનને અલ્લાના નામમાંથી મળે. માત્ર એ સ્મરણ પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણથી આવવું જોઈએ.’ વળી લખે છે, ‘રામનામ જેવુ રામબાણ ઔષધ લેવામાં સતત જાગૃતિ નહીં હોય તો રામનામ ફોગટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.’ ‘જે રામનામનો પ્રચાર કરવા ઈચ્છે તેને પોતાના હૃદયમાં રામનું સામ્રાજ્ય પહેલું સ્થાપવું. એ વસ્તુને જગત ઝીલી લેશે ને રામનામ જપશે. પણ જ્યાંત્યાં ને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડ ઉમેરીને રામનામને નિંદવાનું થયું.’
વાત હજી વધારે સૂક્ષ્મ બને છે. ૧૯૪૬માં એમણે લખ્યું, ‘મારો રામ આયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે. તે કદી જન્મ લેતો નથી. તેના પર સૌનો સરખો હક છે. કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોઈ શકે. હું બધાં નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી, શુદ્ધ સર્વવ્યાપક ચૈતન્યરૂપ રામને જોઉ છું; જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હૃદયનો મેલ સાફ કરે છે.’
એક તબક્કે ગાંધીજીએ પોતાને મુસલમાન તરીકે ઓળખાવ્યા. કહ્યું કે રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી અને મને કલમા પઢવામાં કશો વાંધો નથી ત્યારે રોષે ભરાયેલા લોકોએ સવાલોનો ધોધ વરસાવ્યો. ત્યારે ગાંધીજીએ શાંતિ અને ધૈર્યથી કહ્યું કે ‘હું સનાતની હિન્દુ છું અને માત્ર હિન્દુ ધર્મનો નહીં, સર્વ ધર્મોનો સાર સર્વધર્મસમભાવ છે. તેથી મારો દાવો છે કે હું એક સારો હિન્દુ છું તેથી એક સારો મુસલમાન છું અને સારો ખ્રિસ્તી પણ છું. બીજા કરતાં આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે.’
૧૯૪૭ના નવેમ્બર મહિનામાં એમણે કહ્યું, ‘આપણે દિવાળીની રોશની જોવા જઈએ છીએ પણ આજે માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. આજની ઘડીએ લાખો લોકો કારમી આફતમાં ઘેરાયા છે. શું તમારામાંથી એકેએક જણ હૃદય પર હાથ મૂકીને કહી શકશે કે આફતમાં મુકાયેલાઓમાં હિન્દુ છે કે શીખ છે કે મુસલમાન છે એ વાતની જરા ય પંચાત ન કરતાં અમે તે બધાને અમારાં ભાઈબહેન માનીએ છીએ? આ તમારી કસોટી છે. રામને છાજે એવી સેવા ન થતી હોય તો રામનામનું રટણ મિથ્યા છે.’
રામનામ કેવી રીતે લેવું એ વિષે તેમણે લખ્યું છે, ‘રામનામ અંતરના ઊંડાણમાંથી લેવું. પણ અંતરના ઊંડાણમાંથી લેવું એટલે શું? દેહ નાશવંત છે એમ જાણતા છતાં આપણે તેને જ પોતાનું સર્વસ્વ સમજીને વળગીએ છીએ અને અંતરમાં રહેલા અમર આત્માને વિસારી મૂકીએ છીએ. રામનામને માનનારો દેહને સર્વસ્વ ન માને, ઈશ્વરની સેવા કરવા માટે મળેલા ઉમદા સાધન લેખે તેને જાળવે. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો ત્યાં સુધી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. ન ભૂલશો કે જે દિલથી રામનું નામ રટે છે તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે.
ગાંધીજી હંમેશાં પ્રાર્થના પછી ધૂન ગવડાવતા : રઘુપતિ રાઘવ રાજારામ. આ ધૂનમાં ગાંધીજીએ ‘ઈશ્વર-અલ્લા તેરો નામ’ શબ્દો શા માટે ઘુસાડ્યા એવો પ્રશ્ન પૂછાય છે, પણ આ શબ્દો મનુબહેને દિલ્હીના એક મંદિરમાં ગવાતા સાંભળેલા અને નોઆખાલીમાં થતી પ્રાર્થનામાં એ શબ્દો ઉમેર્યા હતા. ગાંધીજીને આ ઉમેરો ગમી ગયો અને એનો ઉપયોગ ચાલુ રહ્યો.
૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ નવજીવનમાં ‘સ્વરાજ્ય અને રામરાજ્ય’ શીર્ષક સાથે લેખ લખ્યો હતો. તેમણે લખેલું, ‘સ્વરાજ્યના ગમે તેટલા અર્થ થતા હોય તો પણ મારા માટે સૌથી નજીકનો અર્થ એક જ છે. તે છે રામરાજ્ય. જો કોઈને રામરાજ્ય શબ્દ યોગ્ય ન લાગે તો હું કહીશ ધર્મરાજ્ય – સત્ય અને ન્યાયના પાયા પર રચાયેલું રાજ્ય. તેમાં ગરીબોની સંપૂર્ણ રક્ષા થશે, બધું જ કામ ધર્મપૂર્વક કરવામાં આવશે અને લોકમતનો હંમેશાં આદર સેવવામાં આવશે. રામરાજ્ય સ્થાપિત કરવા માટે પાંડિત્યની કોઈ આવશ્યકતા નથી. જે ગુણોની આવશ્યકતા છે તે છે સત્ય, અહિંસા, મર્યાદાપાલન, વીરતા, ક્ષમા, ધૈર્ય. જનતા ધર્મનિષ્ઠ અને વીર્યવાન બને ત્યારે જ એવું રાજ્ય સંભવ છે.’ તુલસીદાસે લખ્યું છે, ‘દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામરાજ્ય નહીં કાહુહિ વ્યાપા; સબ નર કરહિ પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.’
૧૬ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ એક વિશેષ સભામાં તેમણે કહ્યું, ‘હું હંમેશાં કહેતો આવ્યો છું કે જ્યાં સુધી તન અને મનથી શુદ્ધ સ્ત્રીઓ સાર્વજનિક જીવનને પવિત્ર નહીં કરે ત્યાં સુધી રામરાજ્ય અથવા સ્વરાજ્ય સંભવ નથી.’ વેદાંતીઓએ ગાંધીજીને કહ્યું કે, ‘તમારો દાવો સનાતની હિંદુ હોવાનો છે તો તમે વેદોને માનતા જ હશો, અને વેદોએ જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કર્યું છે.’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘વેદોના મારા અધ્યયન પ્રમાણે હું નથી માનતો કે તેમાં જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ જો જ્ઞાતિ-પ્રથાને વેદોનું સમર્થન હોય તો હું એ વેદોને માનવાનો ઇન્કાર કરું છું.’ ૨૬ ફેબુ્આરી ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં બાપુએ કહેલું, ‘જે માણસ માત્ર પોતાના સંપ્રદાય માટે જ કુરબાન થવા માગે છે તે પોતે તો સ્વાર્થી છે જ, સાથોસાથ પોતાના સંપ્રદાયને પણ સ્વાર્થી બનાવે છે.’
‘હરિજન યાત્રા’ દરમ્યાન દક્ષિણ ભારતમાં લોકોએ ગાંધીને ઘેરી લીધા, ‘હરિજનોને મંદિરમાં પ્રવેશ અપાય? આ પ્રકારની હરકતથી તો હિંદુ ધર્મનો નાશ થઈ જશે.’ ગાંધીએ જવાબ આપ્યો, ‘હું જે કરી રહ્યો છું, તેનાથી તમારા હિંદુ ધર્મનો નાશ થતો હોય તો થાય. મને કોઈ ચિંતા નથી. હું હિંદુ ધર્મને બચાવવા નહીં, તેનો ચહેરો બદલવા આવ્યો છું.’ સામાજિક – ધાર્મિક કુરીતિઓ પર ભગવાન બુદ્ધ બાદ જો કોઈએ સૌથી ઊંડો, ઘાતક પણ રચનાત્મક પ્રહાર કર્યો હોય તો તે ગાંધી જ છે. અને આ બધું કરતા તેમણે ન તો કોઈ ધાર્મિક જમાત ઊભી કરી, ન તો કોઈ મતવાદ ઊભો કર્યો અને ન સ્વતંત્રતાનો સંગ્રામ શાંત પડવા દીધો.
એમણે કહ્યું હતું, ‘પોતપોતાના ઇશ્વરને સર્વોચ્ચ પ્રતિષ્ઠિત કરવાના દ્વંદ્વમાંથી જ યુદ્ધનો જન્મ થાય છે. મનુષ્યને મારીને અપમાનિત કરીને, તેને હીનતાના અંતિમ કિનારા સુધી પહોંચાડવાનું પાપ ઈશ્વરના નામે જ તો થાય છે.’ અને કહ્યું, ‘સત્ય જ ઇશ્વર છે. ધર્મ નહીં, ગ્રંથ નહીં, માન્યતાઓ – પરંપરાઓ નહીં, સ્વામી-ગુરુ-મહંત-મહાત્મા નહીં, સત્ય અને માત્ર સત્ય જ ઈશ્વર છે.’
સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું આ ગાંધીનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જાન્યુઆરી 2024