એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના બનેલા રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે ? ભારતવાસીઆે, યાદ રાખો કે તમારા પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઆે છે. બહારથી આવીને તેઆે તમને આટલા બધાને ગુલામ બનાવી જાય છે – તમે બહાદુર, બુદ્ધિશાળી, સમર્થ અને સ્વાતંત્ર્યપ્રેમી છો, તે છતાં. એવું નથી લાગતું કે અંગ્રેજોએ તમને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ ?
— મહાત્મા ગાંધી
આપણામાંના મોટા ભાગનાએ મહાત્મા ગાંધી વિષે સાંભળ્યું છે ઘણું, વાંચ્યું છે એનાથી ઓછું, જાણ્યું છે એનાથી પણ ઓછું, સમજ્યા છે નહીં જેવું ને આચરણના નામે તો શૂન્ય જ છે. આજે સ્થિતિ એ છે કે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીજીના નામને વટાવી ખાવા સજ્જ છે અને ગણ્યાગાંઠયા સાચા ગાંધીજનો અડફેટે ચડે છે. આવું એટલા માટે થાય છે કે ગાંધીવિચાર અફાટ દરિયો છે. સામાન્ય માણસ ક્યારેક એના કિનારે જઈ થોડું ફરી લે છે, થોડાં છબછબિયાં કરી લે છે અને પછી પોતાની દુનિયામાં પાછો આવી જાય છે. એમાં ઊંડા ઊતરવાનો કે રોજિંદી જિંદગી સાથે એનો મેળ પાડવાનો વિચાર એ કરતો નથી.
માણસ તો દરેક કાળમાં માણસ જ છે: મર્યાદાઓથી બદ્ધ, નબળાઈઓથી ભરેલો, સંકુચિતતાઓથી ઘેરાયેલો ને નાના નાના સ્વાર્થથી પ્રેરાયેલો. ગાંધીજીના સમયમાં, એમના એકંદર પ્રભાવને લીધે લોકોમાં રહેલાં સારાં તત્ત્વોને બહાર આવવામાં વધુ અનુકૂળતા મળી. ગાંધીજી ગયા અને એ અસર ચાલી ગઈ. પણ એમનું જીવન, કાર્યો અને વિચારો અવગણી શકાય તેવાં નહોતાં એટલે એમની અસર ભૂંસવી પણ સહેલી ન બની. એનો એક ભાર, એક ગિલ્ટ પણ રહ્યાં અને એમાંથી એમના ટીકાકારોની એક જમાત ઊભી થઈ.
એવું નથી કે એમની ટીકા ન થાય. એમની દરેક વાતમાં આપણે સહમત ન પણ હોઈએ. પણ એથી એમની સમગ્રતાનો છેદ ઉડાડી દેવો એ યોગ્ય પણ નથી અને આપણા હિતમાં પણ નથી. વિવેકી ટીકા તંદુરસ્ત બૌદ્ધિક વિકાસની નિશાની છે. પણ ઉર્વીશ કોઠારીએ જે ત્રણ પ્રકારના ગાંધીજીના ટીકાકારો જણાવ્યા છે એમાંના એકેમાં આ વિવેક નથી. કેટલાકના વાંધા વાજબી હોય, પણ ઝનૂની અતિઉત્સાહ એમને સાવ અંતિમે પહોંચાડી દે. બીજા પ્રકારમાં ગોડસેપ્રેમીઓ, મુસ્લિમ-દ્વેષીઓ ને હિંદુ ધર્મની વિશાળતાને સમજ્યા વિના એને રાજકીય રંગ આપનારાઓ આવે. ત્રીજો પ્રકાર જ્યાંથી પણ – જે પણ અસત્ય, અર્ધસત્ય કે અધૂરું સત્ય મળે તેને ગટગટાવી જનારાઓનો છે.
આવા વાતાવરણમાં ને આવા લોકોની વચ્ચે ગાંધીજીની વાત કરવી એ પણ એક મુશ્કેલી છે. ગાંધીજી જબરા નીરક્ષીરવિવેકી હતા. જે ત્રણ મહાનુહાવોને ગાંધીજી પોતાના માર્ગદર્શક માનતા એમાંના એક શ્રીમદ્દ રાજચંદ્ર એમને મુંબઈની ઝવેરીબજારમાં મળી ગયા. બીજા રસ્કિન યુરોપના હતા અને ત્રીજા ટોલ્સટોય રશિયાના હતા. આજે વાત કરીએ ગાંધી-ટોલ્સટોય અનુબંધની. ગાંધીજીને અહિંસા અને શ્રમનિષ્ઠા મુખ્યત્વે એમની પાસેથી મળ્યાં. ‘હું કોઈના ખભા પર ચડી બેઠો છું, તેનું ગળું રૂંધી નાખું છું, તેને મારો ભાર ઉપાડવા મજબૂર કરું છું અને છતાં પોતાને અને બીજાઓને ખાતરી આપું છું કે હું તેની દુર્દશા માટે બહુ દુઃખી છું અને તેને આરામ મળે તે માટે તેના ખભા પરથી ઊતરવા સિવાયનું બધું કરી છૂટવા તૈયાર છું.’ શોષકોની વિચારસરણીને આબાદ વ્યક્ત કરતા આ શબ્દો ટોલ્સટોયના છે.
પણ ગાંધીજી અને ટોલ્સટોયનો સંપર્ક કેવી રીતે થયો? વાત રસ પડે એવી છે. ક્રાંતિકારી અને સ્કોલર તારકનાથ દાસે ટોલ્સટોયને બે પત્રો લખી ભારતની સ્વતંત્રતા માટે સમર્થન માગ્યું હતું. ૧૯૦૮ના અંતમાં ટોલ્સટોયે એનો જવાબ આપ્યો, જે ભારતના ‘ફ્રી પ્રેસ હિન્દુસ્તાન’માં ‘અ લેટર ટુ અ હિન્દુ’ શીર્ષકથી પ્રગટ થયો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ એ પત્ર વાંચ્યો અને ટોલ્સટોયની પરવાનગી લઇ એનો ગુજરાતી અનુવાદ પોતાના ‘ઇન્ડિયન ઓપિનીયન’માં પ્રગટ કર્યો.
‘અ લેટર ટુ અ હિન્દુ’માં ટોલ્સટોયે લખ્યું હતું કે ભારતીયોને બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરવાની ચાવી માત્ર પ્રેમના સિદ્ધાંતમાં છે. જગતના તમામ ધર્મોના પાયામાં આ પ્રેમનો સિદ્ધાંત રહેલો છે. જો વ્યક્તિ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અહિંસાત્મક પ્રતિકાર એટલે કે વિરોધ, હડતાળ, અસહકાર કરે તો તે હિંસક ક્રાંતિનો વિકલ્પ બની શકે.
આ પરે પહેલા ગાંધીજી લગભગ 750 શબ્દોની પ્રસ્તાવના લખી હતી જે ગાંધીજીને સજવામાં ખૂબ ઉપયોગી છે. તેમણે લખેલું, ‘જો આપણે ભારતમાં અંગ્રેજો ન જોઈતા હોય તો તેને માટે મૂલ્ય ચૂકવવું પડશે. ટૉલ્સ્ટૉય કહે છે, દુષ્ટ તત્ત્વોનો પ્રતિકાર ન કરો, પણ તેમનામાં સામેલ પણ ન થાઓ – ક્રૂર નીતિઓ, અન્યાય, જુલમી કરવેરા, શોષક અદાલત અને તેમના સૈન્યમાં આપણે સામેલ ન થયાં હોત તો તેઓ આપણને ગુલામ બનાવી શક્ત નહીં.’ અને ‘એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના નેળ રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે? ભારતવાસીઓ, યાદ રાખો કે તમારાં પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઓ છે. બહારથી આવીને તેઓ તમને આટલા બધાને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ’. ‘એ સ્વીકારવું પડશે કે આવું થયું છે. આપણે ગુલામ બન્યા છીએ કારણ કે પ્રેમનો સાચો મહિમા, આત્માની અસીમ શક્તિ ભુલાઈ ગઈ છે. પ્રેમ, જે આત્માનો ગુણ છે, તે શરીરના હિંસાના બાલ સામે ઢંકાઈ જાય છે ત્યારે મન દુષ્ટતાથી ઘેરાય છે, દુષ્ટતાથી દોરવાય છે અને દુષ્ટતાથી ભય પામે છે. ટૉલ્સ્ટૉયના વિચારોમાં નવું કઈં નથી. પણ તેમણે તે વિચારોને આજના સંદર્ભમાં એક નવી ઊર્જા રૂપે મૂકી આપ્યા છે. તેમનો તર્ક અકાટ્ય છે અને તેમણે જે કહ્યું છે તે જ આચર્યું છે તેથી તેમના વિચારોને હૃદય સ્વીકારે છે.’ ગાંધીજીના મનમાં ઊઠેલા આ વિચારો ટૉલ્સ્ટૉયના જ પુસ્તક ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધીન યુ’ના વાંચન પછી દૃઢ બન્યા અને તેના પાયા પર ગાંધીજી પોતાની આગવી રીતે ચલાવેલી લડત 1947માં સફળ થઈ.
‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવનમાં ગાંધીજી નોંધ્યું છે કે તેમણે રસ્કિનની ત્રણ અને ટૉલ્સ્ટૉયની છ ચોપડીઓ વાંચી હતી. ગાંધીજીને પશ્ચિમના વિરોધી માનનારાઓએ જાણવા જેવું છે કે એન્ટની પરલના ‘ગાંધી એન્ડ ટૉલ્સ્ટૉય’ પુસ્તકમાં ગાંધી-ટૉલ્સ્ટૉયના સંબંધને સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય સીમાડાઓને ઓળંગી ગયેલો વર્ણવ્યો છે અને કહ્યું છે, ‘ધેર ઈઝ અ વોર્નિંગ હિયર ટુ ઑલ ધોઝ હું થિંક ધેટ ધેર કેન બી નો સિગ્નિફિકન્ટ મિટિંગ ઑફ માઈન્ડસ બિટવિન ઇન્ડિયા એન્ડ ધ વેસ્ટ.’
શ્રીમદ્દ, રસ્કિન, ગાંધીજી અને ટૉલ્સ્ટૉયમાં એક બાબત સમાન હતી. ઝવેરાતનો ધંધો હોવા છતાં શ્રીમદ્દ સંપત્તિ વિષે અનાસક્ત હતા. રસ્કિને વડવાઓની સંપત્તિનો મોટો હિસ્સો પોતે સ્થાપેલી ‘ગિલ્ડ’માં આપેલો. ગાંધીજી પણ પોતાના આદર્શ પાછળ સંપત્તિનું વિસર્જન કર્યું હતું. ગાંધીજી અને ટૉલ્સ્ટૉય બંનેએ પોતાના આદર્શો પ્રમાણેનું જીવન પોતાની પત્ની પણ જીવે એવો આગ્રહ રાખ્યો હતો. સાઠ વર્ષના સહવાસ પછી ટૉલ્સ્ટૉયનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. કદાચ તેનાથી ત્રાસીને જ તેમણે જૈફ વયે ગૃહત્યાગ કર્યો હતો અને એકલવાઈ અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગાંધીજીના કિસ્સામાં કસ્તૂરબાએ ગાંધી સાથેના જેલવાસ દરમ્યાન તેમના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીમદ્દ પત્ની હોવા છતાં અનાસક્તિમુક્ત હતા અને રસ્કિનનું લગ્નજીવન સુખી ન હતું.
1910માં ટૉલ્સ્ટૉયનું મૃત્યુ થયું. છેવટ સુધી ગંધીજી સાથે તેમનો પત્રવ્યવહાર અને તે દ્વારા વિચારવિનિમય ચાલુ જ હતો. ગાંધીજી ટોલ્સ્ટોયનાં લખાણોમાંથી પોતાના વિચારોને પુષ્ટ કરે તેવી સામગ્રી મેળવતા એ ટૉલ્સ્ટૉય દૂર રહ્યા રહ્યા પોતાના નૉન-વાયોલન્સ અને નૉન-રેઝિસ્ટન્સના વિચારોને આ તરવરિયા હિન્દુ યુવાન દ્વારા અમલમાં મુકાતા આનંદપૂર્વક જોતા. ‘હિન્દ સ્વરાજ’ની નકલ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને મોકલી હતી. તે વાંચીને તેમણે લખ્યું હતું, ‘તમે ચર્ચએલો સત્યાગ્રહ ભારતને માટે જ નહીં, તમામ માનવજાતને મતે અગત્યનો છે. સત્યાગ્રહ એ શુદ્ધ પ્રેમ સિવાય કશું નથી. મૌસહીઓના આત્માને એકત્ર કરી જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ. તે પ્રેમ જ માનવજીવનને દોરવાનો એકમાત્ર કાયદો છે. જૂઠા શિક્ષણમાં ન ફસાયેલો હોય તેઓ દરેક માણસ પોતાના અંતરમાં આ પ્રતીતિ પામે છે.
ટૉલ્સ્ટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્નતા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે.
ટૉલ્સટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્ન્તા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે. ગાંધીજી કહેતા, “સાદગી, સારપ ને સત્ય વિના મહાનતા સંભવતી નથી.”
ગાંધીનિર્વાણ દિને તેમના આ સાદા સૂત્રને તેના મહાન અર્થમાં સમજીએ તો ?
As the Bible says ‘that sometimes good cometh out of evil,’ so also I think that good will come out of the death of Mr Gandhi. It will release people from bondage to a superman. It will make them think for themselves and it will compel them to stand on their own merits.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી 2024