હિમાંશી શેલતની નવી નવલકથા ‘ભૂમિસૂક્ત’ દેશકાળના સાંપ્રત માટે નિસબત ધરાવતા વાચક પર છવાઈ જાય તેવી સાહિત્યકૃતિ છે.
કર્મશીલ અને કર્મશીલતા – activist and activism વિષય પરની આ સંભવત: પહેલી ગુજરાતી નવલકથા છે. જનમાનસમાં એકંદરે ઓછા જાણીતા, ઉપેક્ષિત એવા મૂલ્યવાન ક્ષેત્ર activismના સાંગોપાંગ દર્શન હિમાંશીબહેન પ્રવાહી શૈલીમાં વેધક દૃષ્ટિ અને સંવેદનાથી કરાવે છે.
લેખિકાનો વ્યાપ, તેમની લાક્ષણિક ઉત્કટતા અને દેશમાં માનવઅધિકારભંગના બનતા સંખ્યાબંધ બનાવોની તેમની સતત સભાનતાનો અહીં સમન્વય છે.
નર્મદા વિસ્થાપિતોની દુર્દશા, પૂર્વાંચલનાં આસામ અને છત્તીસગઢનાં બસ્તર જેવી જગ્યાએ રાજ્યના અત્યાચાર, જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ પર દમન, જસ્ટીસ લોયની હત્યા, કઠુઆ અને હાથરસમાં બળાત્કાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ જેવી અનેક ઘટનાઓ(જેમને બહુ ઓછા ગુજરાતી સાહિત્યકારો સ્પર્શ્યા છે)નો નવલકથામાં સીધો કે આડકતરો સંદર્ભ છે.
આ બધાંની વચ્ચે કાર્યરત એવી કર્મશીલ નામની મોંઘેરી જણસને હિમાંશીબહેન પુસ્તકમાં ચોટદાર ગદ્યાંશો થકી વારંવાર ઉપસાવે છે. આ દોહ્યલાં કુળનાં મૂળ, તેમની પ્રેરણા, તેમનાં આધાર અને ઊર્જા, તેમની વિમાસણો અને વેદના, તેમને મદદ કરનારા પત્રકારો, કાનૂનવિદો અને ક્વચિત સંપન્ન નાગરિકો એવી અનેક બાબતો આપણી સામે આવતી રહે છે.
આ એવાં સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓ છે કે જે ઘણું કરીને દેશના દુર્ગમ ખૂણામાં અથવા શહેરોના વખોડાયેલા વિસ્તારોમાં ન્યાય અને સમાનતાભર્યા સમાજ માટે અહિંસક તેમ જ રચનાત્મક માર્ગે સંઘર્ષમાં જાત આખી ખરચી કાઢે છે. તેમાં લોકઆંદોલનો, અદાલતી લડત, ટૉર્ચર, જેલ અને ક્યારેક મોત પણ આવી જાય.
આ કુળના ઘણાં તેજસ્વી બુદ્ધિવાળાં હોય છે. દેશની ઉત્તમોત્તમ સંસ્થામાં ભણતરને પગલે મળવાપાત્ર તગડા પગાર અને સુખી જીવનને જતાં કરીને સમાજકાર્યમાં લાગે છે. સેવાબેવાનું નામ આપ્યા વિના, અધ્યાત્મિકતાના લેશમાત્ર સ્પર્શ વિના, રાજકીય સભાનતા સાથે અદમ્ય પૅશનથી નક્કર કામ કરતાં હોય છે. પગ ખોડીને આ ભૂમિમાં ઊભાં તે લેખે લાગે એવું કશુંક કરતાં રહેતાં હોય છે.
આ ભૂમિપ્રેમીઓના સમાંતરે હિમાંશીબહેન વિદેશ જતાં અને ત્યાં કાયમી વસવાટ કરતાં હજારો પરિવારોને મૂકે છે. આ બિનનિવાસી ગુજરાતી / ભારતીય NRG / NRI બનવાની પ્રક્રિયાના અનેક પાસાં લેખિકા આલેખે છે.
આખાં ને આખાં કુટુંબો વડવાઓની મિલકતો વેચીને, પેઢીઓના ઇતિહાસને ભૂલીને પરદેશ ચાલ્યાં જાય છે. ઘણા પરિવારોમાં યુવક-યુવતીઓ વિદેશમાં સંપન્ન બને છે. તેમના વડીલોની પેઢી ભારતમાં સંપત્તિ અને સગવડો વચ્ચે સંતાનવછોયાં હોવાની પીડા સાથે દા’ડા ટૂંકાવે છે.
દેશ છોડી ચૂકેલા ભારતીયો દ્વારા દેશના માવતરની મોબાઇલી ચિંતા, વિદેશમાં દેશભક્તિ અને સંસ્કૃતિસંવર્ધન, વાર્ષિક વતનમુલાકાતો જેવી બાબતો લેખિકાના અચૂક યથાર્થ અણગમા સાથે વ્યક્ત થઈ છે.
નવલકથાનું દરેક મુખ્ય પાત્ર હાડોહાડ કર્મશીલ છે. નાયિકા લતિકા સાપને પોતાનાં સગાંવહાલાં ગણીને બચાવે છે. એક પર્યાવરણ કેન્દ્ર વતી કામ કરવામાં તે પ્રદૂષણ કરતી ફૅક્ટરીઓ સામે સર્વેક્ષણ અહેવાલો લખે છે.
શાહીનબાગ અને ખેડૂત આંદોલનમાં જઈને ફોટા અને લેખો અખબારોને મોકલે છે. નર્મદા બંધના વિસ્થાપિતો સાથે કામ કરે છે. લતિકાના પિતા પણ ધરણાં-દેખાવોમાં જોડાતા રહેનારામાં છે.
દેવાંગના સર્વેક્ષણ અને દસ્તાવેજીકરણમાં માહેર છે. તે મહિલા સંગઠન છોડીને હોનહાર યુવાન અમોલ સાથે જોડાય છે. અમોલ આસામમાં સુરક્ષાદળોના અત્યાચારોના ભોગ બનેલાના પરિવારોને ન્યાય મળે તે માટે દૂરદૂરના વિસ્તારોમાં મોટાં જોખમો ખેડે છે. મનોરમાની હત્યા અને બીજા બનાવો સાથે પૂર્વાંચલની ઝાંકી મળે છે.
મદન ક્રાન્તિનો સંદેશો ફેલાવતા શેરી નાટકો કરે છે. સુજૉય તીર્થસ્થાનોની ભીડને કારણે તેના ‘બાપ’ હિમાલયના થતા નાશને રોકવા માટે ફોટો પ્રદર્શનો દ્વારા જાગૃતિ ઝુંબેશ ચલાવે છે.
ચાલીસની આસપાસની વયના આ ચારેય છત્તીસગઢના બસ્તરના જંગલોમાંનાં દુર્લભ પતંગિયાં અને ક્લાયમેટ ચેન્જની તેમની પર થઈ રહેલી અસરના અભ્યાસ માટે ભેગાં થાય છે.
આ બધાંએ વ્યક્તિગત જીવનામાં વેઠ્યું છે, ગુમાવ્યું છે, પરિવાર સાથે ઝગડીને, તેને છોડીને, કારકિર્દીને તરછોડીને માણસાઈ માટેના માર્ગે ચાલ્યાં છે, પણ પરિવારના સ્નેહબંધનો મનમાંથી નીકળતાં નથી, ટોટલ કમિટમેન્ટ અને આજિવિકા વચ્ચેની અવઢવ છે.
તેમની આજુબાજુના હિંસક, ધર્મઝનૂની, સ્વકેન્દ્રી,ઐયાષ સમાજનું, અને આપખુદ, બેપરવા, બેરહેમ, મૂલ્યહીન શાસક વર્ગનું ચિત્ર પણ આલેખાતું રહે છે.
બસ્તરમાં પ્રભાસ ધૂણી ધખાવીને બેઠો છે. પાંત્રીસની આસપાસનો આ પાણીદાર કર્મશીલ, બીજાં જ્યાં માંડ પહોંચી શકે તેવી અઘરી જગ્યાએ બાળકો માટેની શાળા અને સ્વાસ્થ્યકેન્દ્ર ચલાવે છે.
તેની સાથે કારર્કિર્દીની ઉત્તમ તકો જતી કરનાર યુવાઓનું જૂથ છે. નિર્ધાર, સ્પષ્ટતા અને આશાવાદ સાથે કામ કરનાર પ્રભાસને ‘અર્બન નક્સલ’ ઠરવવાની કોશિશો ચાલુ હોય છે.
પ્રભાસ જેવા, બે પેઢી પહેલાંના, એંશીએક વર્ષના દુર્ગાપ્રસાદ અનેક કાર્યકર્તાઓના રોલ મૉડેલ છે. ગાંધી-વિનોબાને પગલે ચાલનારા દુર્ગાપ્રસાદના જીવનના આ છેડે કંઈક એવું બને છે કે તેમને હતાશા અને તેને પગલે શારીરિક નાદુરસ્તી ઘેરી વળે છે.
ગાંધી-વિનોબા ઉપરાંત અહીં અનેકના ઉલ્લેખો છે : ભગતસિંહ અને ખુદીરામ બોઝ, રવિશંકર મહારાજ અને સ્વામી આનંદ, સુંદરલાલ બહુગુણા, પંજાબી કવિ પાશ, નરેન્દ્ર દાભોલકર અને ગૌરી લંકેશ, અત્યારનાં અરુણા રૉય.
એક્ટિવિઝમમાં રસ ધરાવનારને કેટલાંક પાત્રોમાં ગુજરાત અને દેશના એક કે વધુ સમકાલીન કર્મશીલોની રેખાઓ દેખાવાની.
એકસો સાઠ પાનાંના પુસ્તકમાં હિમાંશીબહેન કેટલું ય આવરી લે છે : વહાલ વરસાવતાં વૃક્ષો અને તેમનો વિનાશ, બુલેટ ટ્રેન અને તેના માટે આપી દીધેલી જમીનને કારણે આવેલી કુંટુંબો-ગામો ભાંગનારી સમૃદ્ધિ, માટીનો નાશ, પરદેશ જવા માટે છળકપટ અને ગુનાખોરી,
માઓવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેનો સંઘર્ષ, હિમાલયનાં ભૂસ્ખલનો, એન.આર.આઈ. વર્ગનો ભારત માટે અણગમો અને વિદેશમાં તેમની ફરજપરસ્તી, વૃદ્ધાશ્રમના નિવાસીઓ માટે અૅનિમલ થેરાપી, લવ જેહાદ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એક્ટિવિઝમના વિરોધમાં અને પરદેશ-વસવાટની તરફેણના વ્યવહારુ દૃષ્ટિબિંદુઓ, કર્મશીલનો કલાકાર સમકક્ષ (પણ પીડ પરાઈ માટેનો) ઉન્માદ, સામાજિક નિસબત અને કલા, જ્યુડિશિયલ અૅક્ટિવિઝમ, વિકાસયાત્રાનું મૃગજળ, લોકશિક્ષણની ભાંગી રહેલી સંસ્થાઓ, શેરીનાટકનો પ્રભાવ, ટુરિઝમની મધલાળે સર્જેલું દોજખ, કર્મશીલ અને બુદ્ધિજીવી વચ્ચેનો તફાવત … આ યાદી ઘણી લાંબી થઈ શકે.
હિમાંશીબહેનની શૈલીના સૌંદર્યસ્થાનો અને કૃતિના ઉજળાં પાસાં અનેક છે. અલબત્ત, વિવેચકોને આ નવલકથામાં વસ્તુસંકલના, કથનપદ્ધતિ, પ્રચારપરસ્તી જેવા પ્રશ્નો નડી શકે.
પણ દેશકાળ સાથેની નિસબત ધરાવતાં વાચકને આ નવલકથા અત્યારના સમયમાં ખૂબ અસરકારક અને પ્રસ્તુત લાગવાની. પુસ્તકનું બહુ સૂચક મુખપૃષ્ઠ અરુણોદય પ્રકાશનનાં અનામી કલાકારે તૈયાર કર્યું છે.
નવલકથામાંથી થોડાંક હૃદયસ્પર્શી અંશો જોઈએ :
*ફાયર વિધીન, અંદરની આગ, પોતાના સમાજ માટે, ચોક્કસ ધ્યેય માટે, દેશને બહેતર બનાવવા માટે, ન્યાય માટે, પ્રકૃતિ માટે, આખી પૃથ્વી માટે. પણ બળવું જોઈએ હૃદય. અંગત મહત્ત્વાકાંક્ષા માટે નહીં, બીજાં માટે, જાતમાંથી નીકળી જઈને, પોતે શું મેળવવું તેની પરવા રાખ્યા વગર.
*પોતાને માટે કે બીજાંઓને માટે ન્યાય ક્યારે ય સહેલાઈથી મળી નથી જતો. જાતને સાચવી રાખવાની દાનત હોય તેમણે આવા સંઘર્ષમાં પડવું જ નહીં, અને જો પડવાનું કબૂલ કરવું હોય તો ગભરાવું નહીં.
*એમને [કર્મશીલોને] પોતાની ભૂમિ જોઈએ. ઑન સૉઇલ ફૉર રૂટ્સ ટુ ગ્રો અૅન્ડ બ્રાન્ચ આઉટ. એ ખાસ જાતનું વૃક્ષ, જે પોતાની માટીમાં પાંગરે, વિકસે ઘટાદાર થાય.
*ભાગને સે કુછ નહીં બદલતા, થોડી બહોત કોશિશ કરની પડેગી, ઔર માનોં કુછ નહીં બદલા, તો ભી કમ સે કમ હાથ પૈર તો મારે ! ડૂબના તય હો તો વો ભી સહી, બટ ડ્રીમ વી મસ્ટ, ફૉર અ જસ્ટ અૅન્ડ કાઇન્ડ સોસાયટી. હર કોઈ ગાંધી નહીં બન સકતા, ના હી ભગતસિંહ, મગર અપને હાથમેં જીતના હો ઉતના તો કરના હી ચાહિયે, લાઇફ ઇઝ મેન્ટ ફૉર ધૅટ …
પુસ્તકનું અર્પણ છે :
‘પોતાની ભોંયમાં પગ રોપીને
અંકુરની પ્રતીક્ષાને
આખું આયખું સોંપી દેતાં ઉમદા ચરિત્રોને ‘
વિરલ નવલકથાના સર્જક હિમાંશીબહેનને વંદન !
——————————————————-
અરુણોદય પ્રકાશન, અમદાવાદ – 079- 22114108 – પાનાં160, રૂ.225/-
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર 9898762263 – ફોટો કોલાજ : પાર્થ ત્રિવેદી
e.mail : sanjaysbhave@yahoo.com