ગાંધી ફાઉન્ડેશન ને કિંગ્સલી હૉલમાં ‘મ્યુરીએલ લેસ્ટર, ગાંધી એન્ડ કિંગ્સલી હૉલ’ નામે નાની પરિચય પુસ્તિકા મુલાકાતીઓ માટે રાખી છે. એ વાંચતાં થયું કે તેમાં મ્યુરીએલ, તેના પરિવાર, એ લોકોના આદર્શો અને કાર્યોનો ખૂબ સારો પરિચય મળે છે એટલે મેં તેનો અનુવાદ કરવાની પરવાનગી માર્ક હોડા પાસેથી મેળવી.
આ 17 પાનની પુસ્તિકા છે એટલે લેખની દૃષ્ટિએ લંબાણ વધુ ગણાય, પરંતુ એ વહેતું રહે તો તેનો હેતુ સિદ્ધ થશે તેમ માનું છું. આથી અહીં સાદર …
− આશા બૂચ
1931માં ગાંધીએ શા માટે કિંગ્સ્લી હોલમાં રહેવાનું પસંદ કર્યું હતું?
(સ્વ. ડેવિડ મેક્સવેલનો જન્મ ચીનમાં ઇંગ્લિશ માતા-પિતાના ઘરમાં થયો હતો. જ્યારે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, ત્યારે મ્યુરીએલ અને ડોરીસને કિંગ્સલી હૉલમાં રંગરોગાન કરવા માટે સ્વેચ્છાએ મદદ કરવા ગયેલા, જ્યાં તેમની ભાવિ પત્નીનો મેળાપ થયો. ડેવિડ આફ્રિકામાં ઇંગ્લિશ શિક્ષક તરીકે કામ કરતા હતા, ત્યારે તેમના બે બાળકોનો જન્મ થયો. 1980માં પીસ પ્લેજ યુનિયન સંગઠનમાં શાંતિ વિશે શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી. 1990ના દાયકામાં તેઓએ શિક્ષકોને અને અન્ય લોકોને લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન મારફત સંઘર્ષનો અહિંસક માર્ગે ઉકેલ (કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનની) લાવવાની તાલીમ આપી. તેઓ ગાંધી ફાઉન્ડેશન અને કિંગ્સલી હૉલના ટ્રસ્ટી હતા.)
1931માં મહાત્મા ગાંધી ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે, સેન્ટ જેમ્સ પેલેસ ખાતે, ભારતના ભાવિ વિશે, ચર્ચા કરવા લંડન આવેલા. 12 અઠવાડિયા ચાલેલી એ પરિષદમાં હાજરી આપવા આવ્યા તે દરમિયાન ઘણા લોકોએ પોતાના નિવાસસ્થાને રહેવા આવવા આમંત્રણ આપેલું, પરંતુ ગાંધીની પ્રથમ પસંદગી પરિષદના કેન્દ્રથી પાંચ માઈલ પૂર્વમાં આવેલ કિંગ્સ્લી હોલમાં રહેવાની હતી. આ પુસ્તિકામાં ગાંધીએ આ સ્થળની પસંદગી કેવી રીતે કરી તેની કહાણી છે. એ નિર્ણય લેવા પાછળ એક અસાધારણ મહિલા મ્યુરીએલ લેસ્ટર કારણભૂત હતાં.
મ્યુરીએલ લેસ્ટરની પૂર્વભૂમિકા
મ્યુરીએલ લેસ્ટરનો જન્મ 1883માં થયેલો. તેમના પિતા વહાણવટાનો વ્યવસાય કરતા હતા. મ્યુરીએલ લેસ્ટરના જન્મના પાંચ વર્ષ પહેલાં તેમના પિતાને ઇજિપ્તથી એક અતિશય વજનદાર સ્મારક લાવવાની અસાધારણ જવાબદારી સોંપવામાં આવી હતી. ક્લિઓપેટ્રાની નીડલ તરીકે પ્રખ્યાત થયેલું એ સ્મારક ચિહ્ન 86 ફૂટ લાંબું હતું અને 160 ટન વજન ધરાવતું હતું. બીસ્કેની ખાડીમાં આવેલા ઝંઝાવાતમાં એ વહાણનું સુકાન કાબૂમાં ન રહ્યું, તે વખતે મિ. લેસ્ટરની ખાસ બનાવટનું સુકાન મદદે આવ્યું. તેના વિના આજે ક્લિઓપેટ્રાની નીડલ લંડનમાં એમબેન્કમેન્ટની બદલે દરિયાને તળિયે જઈ પડી હોત. મિસ્ટર લેસ્ટર વહાણવટાને લગતાં કેટલાંક સાધનોના ઉત્પાદનનો વિશેષાધિકાર મેળવી શક્યા હતા અને તેથી ધનવાન બન્યા હતા, જો કે તેઓ મોટા ભાગની કમાઈ દાનમાં આપી દેતા. એક પ્રબળ બાપ્ટિસ્ટ હોવાને નાતે તેમનામાં ન્યાયની ભાવના ઘણી ઉત્કટ હતી અને એવી માન્યતા ધરાવતા હતા કે દીકરા જેટલું જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા દીકરી હકદાર છે. આથી આખા બ્રિટનમાં માત્ર બે છાત્રાવાસી કન્યા શાળાઓ હતી તેમાંની એક શાળામાં પોતાની બંને પુત્રીઓ મ્યુરીએલ અને ડોરિસને ભણવા મોકલેલાં. જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા બ્લેકવેલ ટનલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મ્યુરીએલને લઇ ગયા હતા. કુમારાવસ્થાના અંતિમ વર્ષોમાં મ્યુરીએલનાં માતા પિતા તેમને ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટલીનાં જોવાંલાયક સ્થળો જોવાં લઇ ગયાં અને જ્યારે તેમણે ગરીબ લોકો માટે સખાવતી કામ કરવાનું કામ પસંદ કર્યું, ત્યારે ખુશ થયાં હતાં. મ્યુરીએલ શાળાકીય અભ્યાસમાં ઘણી સફળતા મેળવતાં અને બે મહિલા કોલેજોમાંની એક કેમ્બ્રિજમાં આગળ અભ્યાસ કરવા જશે તેવી અપેક્ષા હતી. પરંતુ એ નિર્માયું નહોતું. એમાં નીચેની ઘટના નિમિત્ત બની.
જ્યારે તેઓ નાના હતાં ત્યારે લાલ સિગ્નલ હોવાને કારણે ટ્રેઈન બૉ (Bow) સ્ટેશન પાસે ઊભી રહી. જેવી ટ્રેઈન ઊભી રહી કે તરત મ્યુરીએલ રંગરોગાન વિનાના હારબંધ મકાનો અને સાબુ બનાવવાની ફેક્ટરી તરફ જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યાં અને ગેસના મથક તેમ જ સાબુ બનાવવા ઓગાળવામાં આવતી ચરબીની દુર્ગંધથી નાક સંકોડ્યું. આવી જગ્યાએ રહેવાથી લોકોને કેવી લાગણી થતી હશે? એવો વિચાર તેમના મનનો કબજો જમાવી બેઠો.
સંજોગવશાત બૉમાં ફેક્ટરી ગર્લ્સ ડાન્સમાં જવાનું મ્યુરીએલને આમંત્રણ મળ્યું, એ પ્રસંગ તેમના માટે જીવનની દિશા બદલી નાખનાર નીવડ્યો. એ ખૂબ આનંદદાયક અનુભવ બની રહ્યો. તેમને કોકની વિસ્તારના કર્મચારી વર્ગના ઉત્તેજના પેદા કરે તેવા નવા વિશ્વની ભાળ મળી. તેઓ પોતે એક ઘોડા જેટલી શક્તિ ધરાવનાર હતાં અને ખર્ચાળ ખાનગી શાળામાં અભ્યાસ કરેલી વ્યક્તિ હતાં; જ્યારે ફેકટરીમાં કામ કરતી બહેનો દેખાવે ફિક્કી હતી, પણ તેમની કોકની ઢબની ઝડપી વિનોદ – મશ્કરી વિનોદ કરવાની ઢબ મ્યુરીએલને જે પરિચિત હતું એ મધ્યમ વર્ગની પાર્ટીઓમાં જવાના દોર કરતાં વધુ રસપ્રદ સાબિત થયું. તેઓ જીવનસાથીની શોધમાં નહોતાં. હકીકતમાં તેમણે લગ્ન નહોતાં કર્યાં. બૉની ક્લબમાં ક્યારેક મદદ કરવા જવાની શરૂઆત કરેલી, પછીથી તેઓ વધુ ને વધુ સમય ત્યાં વિતાવવા લાગ્યાં, સાથોસાથ તેમની એ સમાજ માટેની સદ્દભાવના વિકસતી રહી. તેમણે ટોલ્સટોયનું ‘ધ કિંગડમ ઓફ ગોડ વિધિન યુ’ પુસ્તક વાંચ્યું અને બિયટ્રિસ તથા સિડની વેબ જેવા વક્તાઓનાં ભાષણો સાંભળ્યાં. તેમના બહેને શિક્ષિકા તરીકે તાલીમ મેળવી. બંને બહેનોએ બૉમાં એક ઘર ભાડે લીધું અને સ્થાનિક લોકો સાથે સહજ મૈત્રી કેળવી. પોતાના ઘરની નજીક તે સમયે નવીન ગણાતી એવી મોન્ટેસોરી પદ્ધતિથી ચાલતીએક નર્સરી સ્કૂલ શરૂ કરી. એ સ્કૂલ હજુ સારી રીતે ચાલે છે.
મ્યુરીએલ અને ડોરિસના નાના ભાઈ, જે પાદરી તરીકે દીક્ષા લેવાનું વિચારતા હતા, તેમણે પણ મદદ કરી. તેમનું નામ કિંગ્સલી હતું. 1914માં બહુ નાની વયે તેમનું એપેન્ડીસાઇટિસને કારણે કરુણ મૃત્યુ થયું.
પ્રથમ કિંગ્સલી હોલ – 1915
કિંગ્સલીની સ્મૃતિમાં મ્યુરીએલના પિતાએ એક ખાલી પડેલું બાપ્ટિસ્ટ ચેપલ ખરીદ્યું અને તેમાં ફેરફાર કરાવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોવા છતાં ચાર મહિના બાદ કિંગ્સલી હોલ એક મદ્યપાનનો નિષેધ ધરાવતી ક્લબ અને શિક્ષણ કેન્દ્ર તરીકે શરૂ થયું અને રવિવારે સાંજે ચર્ચ સર્વિસ પૂરી થયા બાદ સર્વ સાંપ્રદાયિક પ્રાર્થના યોજવા લાગ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધના કાળમાં ઉત્કટ અને ઉગ્ર દેશદાઝની લાગણી પ્રવર્તતી હતી, તેવામાં મ્યુરીએલ સાંજના બાઈબલનાં શિક્ષણના વર્ગોમાં સરમન ઓન ધ માઉન્ટ શાંતિવાદનું પ્રણેતા હતું એમ સ્પષ્ટપણે કહેતાં, છતાં તેમને બહિષ્કૃત નહોતા કરવામાં આવ્યા કે એ સ્થળને આગ નહોતી ચાંપવામાં આવી તેનું આશ્ચર્ય થાય. યુદ્ધ દરમિયાન પ્રાર્થના માત્ર ઇંગ્લિશ પ્રજાની તરફેણમાં જ થવી જોઈએ એવું તેઓ હરગીઝ ન સ્વીકારતાં. જર્મન પ્રજા પણ પ્રભુના સંતાન છે, માટે પ્રાર્થના બધા માટે થવી જોઈએ તેમ માનતાં. જેમને જરૂર હોય તેવા તમામને તેઓ મદદરૂપ થવા તત્પર રહેતાં, ચાહે તેઓના મત પોતાની સાથે મળતા હોય કે નહીં. કિંગ્સલી હોલમાં યુદ્ધસામગ્રી બનાવતી ફેકટરીમાં કામ કરતી મહિલાઓને સસ્તા દરે ભોજન પૂરું પાડવામાં આવતું હતું, કેમ કે તેઓને ખોરાકની જરૂરિયાત હતી, અને મ્યુરીએલના વિચારો જાણતા હોવા છતાં ત્યાંના મહિલા કામદારોને એ ભોજન સ્વીકારવામાં હરકત નહોતી. જો કે મ્યુરીએલને જર્મન લોકો પ્રત્યેના તેમના વલણના સંદર્ભમાં ધમકી આપતા પત્રો મળેલા, ખાસ કરીને તેઓ એકલા બારણા બહાર પગ મૂકશે તો શું થશે તે માટે ચેતવણી મળતી. તેમણે એવી ચેતવણી અને ધમકીઓને અવગણી કાઢી, અને જ્યારે એ પત્રો કોણે લખ્યા છે તેની જાણ થઈ કે, ત્યારે શાંતિથી એ વ્યક્તિ સાથે મૈત્રી કેળવવા પ્રયાસ કર્યો.
મ્યુરીએલ અનેક પ્રસંગે બહાદુરી દર્શાવતાં. એક વખત એક જગ્યાએ જમા થયેલા લોકોએ તેમના માથા પરની હેટ ઉતારી નાખી, છતાં તેમણે એક જર્મન મહિલાને એ ટોળાના ત્રાસમાંથી બચાવી હતી. જ્યારે એ ટોળું તેમની સામે મુઠ્ઠી ઉગામીને શોર મચાવવા લાગ્યું, ત્યારે તેમણે શાંતિપૂર્વક કહ્યું, “તમે મારા ટુકડે ટુકડા કરી નાખી શકો, પણ તમે મને ઇજા નહીં પહોંચાડી શકો.” એ તબક્કે પોલીસ દળ આવી પહોંચ્યું અને ટોળાને બદલે મ્યુરીએલ અને પેલી જર્મન મહિલાની ધરપકડ કરીને લઇ ગયા. એથી તેઓ ટોળાના હિંસક પ્રહારમાંથી બચી ગયાં.
યુદ્ધના બીજા વર્ષની શરૂઆતમાં એક ઇંગ્લિશ અને એક જર્મન સૈનિક કોલોન સ્ટેશન પર જુદા પડ્યા ત્યારે એકબીજાને વચન આપ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાધાન કરાવવાનું કાર્ય કરવા એકઠા મળશે. તેમના દ્વારા સ્થપાયેલા શાંતિપ્રિય સંગઠન ‘ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન’ સાથે મ્યુરીએલ જોડાયાં. તેમનામાં જન્મજાત નેતાગીરીના ગુણો હતા અને બહુ જ થોડાં વર્ષોમાં ‘ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન’ના શાંતિના રાજદૂત બન્યાં અને દુનિયાના અનેક દેશોની સફર કરી.
પરંતુ સહુ પ્રથમ તેમને પોતાના જીવનને કઈ રીતે સંભાળવું એ શીખવાનું હતું. વધુ પડતા કામના દબાણથી તેમને હૃદયની તકલીફ થઇ, જે જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાથી દૂર થઇ. એ ફેરફારમાં પ્રાર્થના અને ધ્યાન માટે અંગત સમય ફાળવવાનો ઉમેરો કર્યો, જેમાં તેઓ પ્રયત્નપૂર્વક પોતાના સર્જનહાર સાથે એકરાગ થઈને શાંતિથી સ્વીકારતાં કે અંતે સહુ સારું થઈ જશે અને એ રીતે વિશ્રાંતિ મેળવતાં. પોતાનાથી બનતા બધા પ્રયાસ કરી છૂટે અને ફળ ઈશ્વરના હાથમાં સોંપી દે એટલું જ તેઓ કરી શકે એવો તેમને અહેસાસ થયો.
1918માં ફ્લ્યુનો રોગચાળો વ્યાપકપણે ફેલાયો. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત જોઈને બધા ખુશ થયા. પરંતુ મ્યુરીએલને બૉમાં રહેતી મહિલાઓ પાસેથી ચિંતાજનક સમાચાર સાંભળવા મળ્યા કે તેઓના પતિએ યુરોપમાં ભૂખમરો નજરે નિહાળ્યો હતો – જે ખબર ઇંગ્લિશ અખબારો નહોતા આપતા. મ્યુરીએલ આ વિશે અનેક મિટિંગમાં બોલ્યાં, પણ છતાં અખબારો કોઈ અહેવાલ નહોતા આપતા. એ પરિસ્થિતિનો એક જ ઉકેલ હતો, પંચ નામના સામાયિકને યુરોપને ભૂખમરો વેઠવાની યાતના દર્શાવતું એક કાર્ટૂન છાપવા કબૂલ કરવું. અંતે અખબારો જે સમાચારોની અવગણના કરતા હતા એની જાણ કરવા મ્યુરીએલે કિંગ્સલી હોલના સભ્યોને સંસદ ભવન સુધી કૂચ કરવા અને યુરોપમાં બાળકો ભૂખે મરે છે એ વિશે સરકારને ચેતવણી આપવા સમજાવ્યા. સભ્યો થોડા ગભરાયેલા હતા, પણ, સરઘસને મોખરે એક કામચલાઉ ક્રોસ રાખીને ચાલ્યા અને એ રીતે હિંમત જાળવી રાખી. એ ક્રોસ લાકડાની બે પટ્ટીને ખીલ્લી મારીને બનાવવામાં આવ્યો હતો. વર્ષને અંતે પ્રજામાં આ મુદ્દા વિશે યુરોપની પ્રજા માટેની નિસબતમાં વધારો થયો. ‘સેવ ધ ચિલ્ડ્રન ફંડ’ 1919માં શરૂ થયું, તેમાં મ્યુરીએલનો લોકોમાં જાગૃતિ વધારવાના પ્રયત્નોનો ફાળો હતો.
ગાંધી સાથે મેળાપ
મ્યુરીએલના જીવનનાં ચિત્રમાં ગાંધીનો પ્રવેશ ક્યારે થયો? 1919માં ‘ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન’ અને ટ્રેડ યુનિયનના મિત્રો પાસેથી મ્યુરીએલને પહેલી વખત ગાંધી વિશે જાણકારી મળી. તેમણે ગાંધીનું સામયિક ‘યંગ ઇન્ડિયા’ અને રોમાં રોલાંએ લખેલી ગાંધીની જીવન કથા ખૂબ રસપૂર્વક વાંચી, જેનાથી તેમને પ્રતીત થયું કે ગાંધીની અહિંસક પ્રતિકારની રીત ક્રિશ્ચિયન શાંતિવાદ અંતર્ગત જોવા મળે છે.
1926ની શરૂઆતમાં ગાંધી અને ટાગોરના મિત્ર પ્રોફેસર ગાંગુલી કિંગ્સલી હૉલની મુલાકાતે આવેલા અને તેમને એ સ્થળ આદર્શોને સાકાર કરવા માટે અને શાંતિ મેળવવા માટે યોગ્ય લાગ્યું હતું. તેમણે જ્યારે ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે મ્યુરીએલના મનમાં તેમના વિશે જે રસ જાગૃત થયો એ જોઈને તેઓ એક મહિનો ગાંધી આશ્રમમાં અને એક મહિનો ટાગોરના વિશ્વ વિદ્યાલયમાં ગાળે તેવું સૂચન ગાંગુલીએ કર્યું. મ્યુરીએલને હંમેશ ભારત વિશે જાણવામાં રસ હતો, તેથી આ સૂચનનો તરત સ્વીકાર કર્યો. ગાંગુલીએ એ માટે વ્યવસ્થા કરવાનું વચન આપ્યું.
1926ની સાલમાં પ્રથમ કિંગ્સલી હૉલનો ઉપયોગ કરનારાઓને એમ લાગ્યું કે એ હૉલ પૂરતો વિશાળ નથી અને તેમની પ્રવૃત્તિઓને યોગ્ય રીતે સમાવી શકાય તેટલા મોટા હૉલનું બાંધકામ કરવું જરૂરી છે. મ્યુરીએલના પિતાએ નવા હૉલના બાંધકામ માટે જમીન ખરીદી આપવાની બાંહેધરી આપી. મ્યુરીએલ, કે જેમને નીચેથી ઉપર તરફ ગતિ કરતી કાર્ય પદ્ધતિ માટે અભિરુચિ હતી, તેમણે કહ્યું કે જો લોકોને નવા કિંગ્સલી હૉલની જરૂર જણાતી હોય તો એ લોકોએ જ કેવો હૉલ જોઈએ છે અને તેને માટે ધન કેવી રીતે મેળવવું એ પણ જાતે નક્કી કરવું રહ્યું. તે દરમિયાન તેઓ ત્રણ મહિના માટે ભારત ગયાં, લોકો સંભાળી લેશે તેવા વિશ્વાસ સાથે તેમના પર બધી જવાબદારી નાખી – જો કે તદ્દન એવું નહોતું : એક કમિટી નીમી અને તેમની બહેન ડોરિસ રોજ બ રોજનાં કામ પર નજર રાખતાં.
મ્યુરીએલ અને યુનિવર્સિટીનો અભ્યાસ તાજેતરમાં જ પૂરો કરીને આવેલ તેમના ભત્રીજા અમદાવાદ શહેરની બહાર આવેલા ગાંધીના સાબરમતી આશ્રમમાં રહેવા માટે 1926ના ઓક્ટોબરમાં ગયાં. તે વખતે આશ્રમમાં ભારતને સ્વતંત્રતા મળવાની હિલચાલની ગતિમાં જે મંદી આવી હતી એ બધાને પસંદ નહોતી. કેટલાકને ગાંધીએ જે દિશા પકડેલી તે મૂંઝવણમાં નાખી દેનારી લગતી હતી. 1920ની શરૂઆતમાં તેમણે એકાદ વર્ષમાં સ્વરાજ મળી જવાની વાત કરી હતી. ગાંધીએ 1922માં ચૌરીચૌરામાં હિંસા ફાટી નીકળી તેથી સવિનય કાનૂનભંગની ચળવળ મોકૂફ રાખી. તેમનો આગ્રહ હતો કે સવિનય કાનૂનભંગની ચળવળ અહિંસક માર્ગે જ ચાલવી જોઈએ. બ્રિટિશ શાસનકર્તાઓને આ વાત સમજમાં ન આવી. એ લોકોએ એમ ધારેલું કે આમ ચળવળને મોકૂફ રાખવાથી ગાંધી પોતાના સાથીદારોથી અળગા પડી જશે, એટલે તેમના પર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. ગાંધી પર કાયદેસર કામ ચલાવવામાં આવ્યું, તેથી મળેલી ખ્યાતિને કારણે તેમણે ટૂંકા ગાળા માટે સરકારને ચાલાકીથી પરાસ્ત કરી દીધી (ત્યાર બાદની ચળવળોમાં બ્રિટિશ સરકારે તેમના પર કાનૂની ધોરણે ભાગ્યે જ કામ લીધેલું, તેમની ધરપકડ કરીને સીધા જેલમાં જ ધકેલી દેતા – એને ભાગ્યે જ ન્યાય કહેવાય!) તેમને છ વર્ષની કેદની સજા થઇ, પરંતુ એપેન્ડીસાઇટિસની વ્યાધિને કારણે વહેલા છોડી મુકવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ સ્વસ્થ થયા પછી પહેલાની માફક બ્રિટિશ રાજ્યની આકરી ટીકા કરવાને બદલે તેમણે યુક્તિ બદલી. ગાંધીએ પોતાની બધી શક્તિ એવાં કામ તરફ વાળી જેને બ્રિટિશ સત્તાને ભારતમાંથી કાઢવા સાથે ભાગ્યે જ કઇં લેવાદેવા હોય. એમણે લોકોને હાથે કાંતેલાં અને વણેલાં કાપડની પેદાશ કરવા પ્રોત્સાહિત કર્યા. ખરેખર, 1925માં કાઁગ્રેસના બધા સભ્યો ખાદી પહેરે અને રોજ કાંતે એ શરતે ગાંધીએ કાઁગ્રેસના પ્રમુખ થવાનું કબૂલ કર્યું. આશ્રમના કેટલાક સભ્યો તેમના આ પગલાંથી મૂંઝાઈ ગયા તેમાં નવાઈ નથી, જો કે તેમણે એ લોકોને સમજાવવાની કોશિશ કરી કે 150 વર્ષ પહેલા પોતાની પ્રજાની જરૂરિયાતને પહોંચી વળે તેટલું તમામ કાપડ ભારતમાં જ પેદા થતું અને એમ કરવાથી આ દેશની અર્થવ્યવસ્થાને લાભ થાય અને તેના ચારિત્ર્યબળને મજબૂત કરવામાં ફાયદો થાય.
જ્યારે મ્યુરીએલ 1926ના ઓક્ટોબર માસમાં ગાંધીના આશ્રમમાં રહેવા આવ્યાં, ત્યારે ત્યાં શું ચાલી રહ્યું હતું? એક કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી, એથી ગાંધી પાસે મ્યુરીએલને ‘હેલો’ કહેવા સિવાય વધુ સમય નહોતો. બીજે દિવસે સોમવાર હતો, ગાંધીનો મૌનવાર. મ્યુરીએલને એક ચિઠ્ઠી આપવામાં આવી, જેમાં લખ્યું હતું કે ગાંધી આશા રાખે છે કે તેઓ વધુ એક દિવસ રોકાશે કેમ કે ગાંધી તેમની સાથે વાત કરવા ઈચ્છે છે. મ્યુરીએલ આશ્ચર્યચકિત થઈ ગયાં. “બે દિવસ? હું તો આખો મહિનો રહેવા આવી છું!” તેમણે કહ્યું. “હું આશા રાખું છું કે આપને કોઈ હરકત નહીં હોય, પણ હું તો અહીં એટલી મુદ્દત સુધી રહેવાની છું.” પ્રોફેસર ગાંગુલીએ આ વ્યવસ્થા કરેલી એ પત્ર ત્યાં પહોંચ્યો જ નહોતો.
મ્યુરીએલ ત્યાં એક મહિનો રહ્યાં એ દરમિયાન એમને જેની અપેક્ષા હતી તેવો ગાંધી સાથે વાર્તાલાપ કરવાનો મોકો જ ન મળ્યો. તેમના ભત્રીજા પુરુષો માટેના શૌચાલય સાફ કરવાના કામમાં મદદ કરતી વખતે ગાંધી સાથે ઘણી વખત વાત કરી શક્યા, પરંતુ પોતાના ફોઈ વતી તેમની સાથે મુલાકાત ગોઠવવાની તક તેમને ન મળી. આપણે એ યાદ રાખવું ઘટે કે આશ્રમમાં આશરે 200 જેટલા લોકો રહેતા હતા અને ગાંધી એ બધા સાથે સંપર્ક સાધવામાં વ્યસ્ત રહેતા હતા. તેમના મંત્રીઓ દ્વારા રોજના લગભગ 100 જેટલા પત્રોના જવાબ લખાવતા હતા. આમ છતાં બીજા સાથે મ્યુરીએલે યુદ્ધ દરમિયાન કેટલાક ઇંગ્લિશ લોકોએ અહિંસક પગલાંને કેટલી મક્ક્મતાથી ટેકો આપ્યો હતો એ વાત કરી જેનાથી તેઓને આશ્ચર્ય થયું હતું. તેમાંની એક વ્યક્તિએ કહ્યું, “અલબત્ત અમને બાપુમાં વિશ્વાસ છે, પણ જ્યારે અમે હતાશ થઇ જઈએ છીએ ત્યારે અમારી જાતને પૂછીએ છીએ, શું અહિંસા આટલી અસરકારક હોઈ શકે એ વાત સાચી છે? માત્ર અમે જ સાચા છીએ અને બાકીનું જગત જુઠ્ઠું છે એ વિચાર શું સાચો છે?” મ્યુરીએલની વાતોથી તેમને પ્રેરણા મળી અને એ લોકોને ખાતરી હતી કે ગાંધીને પણ આ વાત જાણવામાં રસ પડશે. એ લોકોએ મ્યુરીએલને ગાંધીને મળવા માટે અરજ કરી.
રોકાણના છેલ્લા દિવસે મ્યુરીએલ ગાંધીને મળ્યાં. એ સમયે તેઓ કાંતતા હતા. તેઓ એકદમ ઝડપથી બોલી ઉઠ્યાં, “મિ. ગાંધી, તમે મહેરબાની કરીને ઇંગ્લેન્ડ આવશો? મને એમ લાગે છે કે તમે આવો એ બહુ જરૂરી છે.” મોઢા પર હાસ્ય, પણ નજર કાંતેલા તાર પર રાખીને તેમણે પૂછ્યું, “મારા આવવાથી શું ફાયદો થશે? અમે અહિંસક પદ્ધતિથી પૂરતી સફળતા નથી મેળવી શક્યા કે જેથી તમારા ફેલોશીપ ઓફ રીકન્સીલિએશનના ભલા સભ્યોને હું શું શીખવી શકું?” પણ મ્યુરીએલે શીઘ્ર સામો જવાબ આપ્યો, “તમે અમને કંઈ શીખવવા માટે ઇંગ્લેન્ડ આવો એમ હું નથી ઇચ્છતી; તમે અમારી પાસેથી કંઈ શીખવા આવો તેમ ઈચ્છું છું.” ગાંધીને આશ્ચર્ય પમાડે તેવું કહેવું એ એક સિદ્ધિ હતી, પણ મ્યુરીએલે તે કરી બતાવ્યું. તેમણે પછીથી કહેલું, “હું તેમના રક્ષા કવચને વીંધી શકી. એનાથી વધુ સારું તો એ છે કે હું તેમને હસાવી શકી – અને તે પણ લાંબા સમય સુધી ખડખડાટ હાસ્ય! અમે બંને મિત્રો બની ગયાં.”
મ્યુરીએલે પોતાનું આમંત્રણ દોહરાવ્યું. ગાંધી ભારત છોડવા આનાકાની કરતા હતા. ફિનલેન્ડમાં તે વર્ષે યોજાનારી YMCA પરિષદમાં અને તે પછીને વર્ષે ચીનની સફર કરવાના પ્રસ્તાવને તેમણે નકાર્યો હતો. તેમને ભારત પર ધ્યાન આપીને કામ કરવાની જરૂર જાણતી હતી. તેમણે હસતાં હસતાં કહ્યું, તેઓ અમુક શરતે ઇંગ્લેન્ડની મુલાકાતે આવવા તૈયાર થશે : જો મ્યુરીએલ તેની સરકારને ભારતને સ્થાનિક સ્વરાજ આપવા આગ્રહપૂર્વક કબૂલ કરાવી શકે, અથવા એ લેન્કેશાયરના મોટા કાપડ ઉદ્યોગના માલિકોને પોતાની પેદાશ ભારત નિકાસ કરતા અટકાવવા સમજાવી શકે. સામે હાસ્ય સાથે જવાબ આપતાં મ્યુરીએલે પૂછ્યું, “તમારી પાસે આનાથી વધુ સહેલી શરત છે?” ગાંધીએ પલભર વિચાર કરીને કહ્યું, તેઓ ઇંગ્લેન્ડ આવશે, જો મ્યુરીએલ નશીલાં પીણાં અને અફીણની નીતિ વિષે બ્રિટનની પ્રજાને જાગૃત કરવા પ્રયાસ કરે અને આમ સભાના સભ્યોમાં તેનો અસરકારક પ્રચાર કરે તો. તેમણે આ શરત પાછળનું કારણ સમજાવતા કહ્યું કે આ બંને ચીજો ભારતના નશાબંધીના પ્રયાસોમાં વિઘ્નરૂપ બને છે. મ્યુરીએલે કહ્યું, “હું વિચાર કરીશ. આ શરત મને મંજૂર છે.”
ગાંધી માટે કામ કરવાનો પ્રારંભ
ગાંધીએ સરકારના હોદ્દેદારો પોતાનો મત ન દર્શાવે ત્યાં સુધી મ્યુરીએલને આ બાબતમાં પૂરી તપાસ કરવા અને તત્કાલીન વ્યવસ્થાની વિરુદ્ધ એક પણ શબ્દ ન કહેવાની ભલામણ કરી. તેમણે મ્યુરીએલને ભારતમાં વ્યાપકપણે પ્રવાસ કરીને આ સમસ્યાઓનો ભોગ બનેલા અને ત્યાં કામ કરતા ઓફિસરોને મળવાની વ્યવસ્થા કરી આપી. બે મહિના સુધી આ સંશોધન કરવાની તક મળવાથી તેઓ ખુશ થયાં, કેમ કે ઇંગ્લેન્ડ પાછા જાય ત્યારે તેમને જો પડકારવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ કર્યા વિના તેઓ સત્ય હકીકત દર્શાવવા શક્તિમાન બને. એક આઘાતજનક માહિતી એ મળી આવી કે ભારતમાં શિક્ષણ માટે ફાળવવામાં આવતી રકમના 20% નશીલાં પીણાં અને અફીણના વેચાણમાંથી મળતી હતી, એનો અર્થ એ કે આ બંને પદાર્થોનાં વેચાણ પણ બંધી લાદવાથી શિક્ષણ પર ભારે બૂરી અસર થાય. બીજી એ હકીકત જાણવા મળી કે પોણા ભાગનું અફીણ નાના બાળકોને આપવામાં આવે છે જેથી તેમની માતાઓ પોતાના બાળકોની પજવણી વિના કામ કરી શકે. વ્યસનનું બંધાણ તદ્દન નાના બાળકોના ઉછેરનો ભાગ બની ગયું હતું જેથી તેની મા રોજી કમાઈ શકે – એ આવક વિના મા અને બાળક બંને ભૂખ્યાં રહે તેમાં શંકા નથી.
મ્યુરીએલે પોતાની ઝુંબેશ યુસ્ટન સ્ટેશન સામે આવેલ રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સના મુખ્ય મથક ફ્રેન્ડ્સ હાઉસમાં શરૂ કરી. ત્યાં એમણે ઇંગ્લિશ પ્રજા સામે આ પડકાર ફેંક્યો : “તમે કદી ભારતના લોકોનાં ભાવિ માટે તમારી જવાબદારીનો વિચાર કર્યો છે? પોતાના દેશને નશીલાં પીણાં અને અફીણ જેવા પદાર્થોના સેવનમાંથી મુક્ત કરવા માટે કરેલા આ પ્રસ્તાવમાં આર્થિક બાબતોમાં સુધારા કરવા એ દેશના લોકોએ જે સૂચનો કર્યાં છે તેના પર કદી ધ્યાન આપ્યું છે?” પોતાના વક્તવ્યની 20,000 જેટલી નકલો સાથે લઈને તેમને જ્યાં પણ બોલવા માટે આમંત્રણ મળ્યું તેનો સ્વીકાર કરીને જવા લાગ્યાં – છેવટે ચર્ચ ઓફ સ્કોટલેન્ડ અને વેસલિન મેથોડિસ્ટ કોન્ફરન્સમાં પૂર્ણાહુતિ કરી. છેલ્લી પરિષદમાં હાજર રહેલા તમામ સભ્યોએ આ ઝુંબેશમાં સાથ આપવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે પોતાનું વક્તવ્ય છપાવીને બહોળા સમુદાયમાં વહેંચ્યું. તેમના લેખ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’માં (જે હવે ગાર્ડિયન તરીકે ઓળખાય છે), ‘ધ ક્રિશ્ચિયન વર્લ્ડ’ અને ‘બાપ્ટિસ્ટ ટાઈમ્સ’માં છપાયા.
કિંગ્સલી હોલમાં પરત થયા પછી તેમણે એક વિગતવાર ઠરાવ ઘડ્યો, અને પોતાના ટેકેદારોને પોતપોતાના સંસદ સભ્યોને પહોંચાડવા કહ્યું. આ ઠરાવમાં હવે એ સૂચન કરવામાં આવ્યું કે નશાબંધીને કારણે થતી આવકની ખોટ લશ્કર ઉપર થતા ખર્ચને ઘટાડવામાંથી પૂરી કરવામાં આવે. લશ્કરી ખર્ચમાં ઘટાડો કરવાના સૂચનનો લશ્કરી ખાતાના અધિકારીઓ અને શસ્ત્રો બનવનારા અને વેંચનારા લોકો તરફથી વિરોધ કરવામાં આવ્યો એ વધારામાં.
હાલના કિંગ્સલી હૉલનું બાંધકામ
બીજા કિંગ્સલી હૉલ માટે ફંડ ઊભું કરવાનું કાર્ય કેવું ચાલી રહ્યું હતું? બૉ વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો ગરીબ હતા, પણ એ લોકો લગાતાર ફાળો એકઠો કરતા રહ્યા, અને તેને કારણે વધુ ધનવાન લોકોને ફાળો આપવાનું પ્રોત્સાહન મળવા લાગ્યું. 1927માં મે અને જુલાઈ માસમાં યોજાયેલ બે ઉત્સવોને કારણે આ કામને ગતિ મળી. જ્યાં નવા મકાનનું બાંધકામ થવાનું હતું ત્યાં અવાવરુ પડેલા વેરહાઉસનો ઉપયોગ કરવાનો મે મહિનામાં પ્રારંભ થયો. સૂકા ઘાસની પરાળમાંથી બનેલાં ત્રણ આદમ કદના પૂતળાંને સૂટ અને કદરૂપા મહોરાં પહેરાવીને ખડા કરવામાં આવ્યા. એ પૂતળાંઓ પર ‘લોભ’, ‘પ્રમાદ’ અને ‘બદનક્ષી’ એવી કાપલી ચોડવામાં આવી હતી. એ કાર્યક્રમમાં એકઠા થયેલા લોકો આ પૂતળાંઓ જોઈને વેરહાઉસના બારણામાંથી બહાર ધસી આવે દર્શકો એમને પકડી પાડે અને એ પૂતળાંઓને તોડી નાખે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચાર ફાળો એકઠો કરનારા લોકો તરફથી જ આવ્યો હતો. કદાચ મ્યુરીએલને ગમે તેટલું અહિંસક પગલું એ નહોતું, પણ આપણા દરેકમાં રહેલી બુરાઈનું પ્રતીક એ ઘાસનાં પૂતળાંઓ છે, જેને સ્વયં શિસ્ત સ્થાપવા માટે દૂર કરવા અનિવાર્ય છે એવું પ્રસ્થાપિત કરવાનો હેતુ આ કાર્યક્રમનો હતો. હૉલના ચણતર માટે સ્વાર્પણ, સખ્ત મહેનત અને સહુ સાથે મળીને એકબીજાને સહી લઈને કામ કરવાની પ્રબળ ઈચ્છા કેળવે એ બાબતની જરૂર હતી.
જુલાઈ માસમાં જાણીતા પ્રખ્યાત લોકો દ્વારા 20 પાયાના પથ્થર મુકવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્હોન ગાલ્સવર્ધીએ (John Gaslworthy) સાહિત્યના નામનો પાયાનો પથ્થર મુક્યો, સિબિલ થોમડાઈકે (Sybil Thomdike) નાટ્યકલાના અને સર વોલ્ફર્ડ ડેવિસે (Walford Davies) સંગીતના નામનો પાયાનો પથ્થર મુક્યો. ભાવિ પેઢીના લોકો માટે એક સંદેશ, છ પેનીનો એક સિક્કો, એક ટિકિટ, થોડા કિંગ્સલી હૉલના સભ્યપદના કાર્ડ્સ અને સેન્ટ માર્ક્સના ગોસ્પેલને પાયો ખોદીને તેની અંદર મૂકવામાં આવ્યા. એક બંધ શીશીમાં મુકેલો સંદેશ હતો : “અમે જે મેળવવા સખ્ત મહેનત કરી, એ તમને સહુને મળશે તેવો વિશ્વાસ રાખીએ છીએ અને તે છે : મિત્રોની સંગત, સ્વતંત્રતા અને સહુને માટે ઈશ્વરનો એક અંશ.”
આ વિધિ સમાપ્ત થયા બાદ એક વર્ષે જ્યારે હૉલનું ઉદ્ઘાટન થયું ત્યારે મ્યુરીએલ અને ડોરિસના પિતાનું અવસાન થઇ ચૂકયું હતું. તેમણે મ્યુરીએલને ભારતથી પાછા આવીને કિંગ્સલી હૉલ માટેના બાંધકામની ઝુંબેશ ઉપાડતાં રસપૂર્વક નિહાળી હતી, પરંતુ હૉલનું ઉદ્ઘાટન થતું જોવા જીવિત નહોતા રહ્યા. તેમણે પોતાના વસિયતનામામાં તે સમયે એક સ્નાતક શિક્ષિકાની વાર્ષિક આવક, એટલે કે વર્ષે £400 જેટલી રકમ મ્યુરીએલના નામે લખી આપી હતી. પરંતુ મ્યુરીએલે ગરીબીમાં જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી તેથી તેમાંથી એક પણ પેની ન લેવાના નિર્ધારમાં મક્કમ હતી. તેમણે કહેલું, “આ રીતે મિલકતનો ભાગ સ્વીકારવો એ ઘણો મોટો અને કાળગ્રસ્ત થયેલો ખ્યાલ હતો, ખાસ કરીને જ્યારે સમાજનો એક નાનો વર્ગ સુખ સગવડ ભોગવે જ્યારે મોટા ભાગના લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષાતી ન હોય.” તેમણે બૉમાં રહેતી મહિલાઓની મિટિંગ યોજી. નવ સભ્યોની એક કમિટી રચવામાં આવી, જે આ ધન પોપલર વિસ્તારના લોકોના સુખ સગવડમાં કેવી રીતે વધારો કરવામાં ઉપયોગી થાય તેનો નિર્ણય લે; અને એ માટે સહુ સહમત થયા. બે વકીલોનો એવો મત હતો કે કાયદેસર રીતે આવો નિર્ણય મ્યુરીએલ ન લઈ શકે માટે મ્યુરીએલ માટે તેમણે કામ કરવાની ના પાડી, પરંતુ આખર એક વકીલે મિત્રતા નિભાવીને એક અનોખા પ્રકારના ટ્રસ્ટના દસ્તાવેજ તૈયાર કરી આપ્યા. મ્યુરીએલનું જીવનચરિત્ર લખનારે કહ્યું છે કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં આ પ્રકારનું ટ્રસ્ટ ઘડવાનો આ પ્રથમ દાખલો છે.
મ્યુરીએલને પિતા તરફથી મળનારી રકમ કઈ રીતે વાપરવી એ નિર્ણય લેવો આસાન નહોતો. અંતે પરિવારોને મદદ કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરી, જેમાં અનુભવી અને મધ્ય વયસ્ક બહેનોને ખંડ સમયનું મહેનતાણું આપવામાં આવે અને એ બહેનો જે કુટુંબમાં બીમારી કે અન્ય આપાતકાલીન પરિસ્થિતિમાં હોય તેમને મદદ પહોંચાડે એમ નક્કી કરવામાં આવ્યું. બે વર્ષ અગાઉ જ્યારે મ્યુરીએલ સ્થાનિક ઉપનગરની અધ્યક્ષા નિમાઈ હતી ત્યારે આવી એક યોજના નાણાંના અભાવે પડતી મુકાઈ હતી એ જોયું હતું. કમિટીએ આ યોજના પ્રમાણે કામ કરવાનો નિર્ણય લીધો તેથી તેઓ ખુશ હતા. સ્થાનિક અખબારોએ આ સમાચારને ખૂબ સનસનાટીભર્યા શબ્દોમાં છાપ્યા : એક આદર્શવાદી મહિલા – વાર્ષિક £400ના વારસાનો ઇન્કાર કર્યો અને હવે ઓરડાની ભોંય સાફ કરે છે. ‘ઇસ્ટ લંડન એડવર્ડટાઇઝર’માં 22 સપ્ટેમ્બર 1928માં આ સમાચાર પ્રગટ થયા. (આ ભોંય સાફ કરવાની વાત જરા નાટકીય ઢબે રજૂ કરવામાં આવી હતી. મ્યુરીએલને કિંગ્સલી હૉલની સફાઈનો આગ્રહ હતો, અને એ બીજા લોકોની સાથે સફાઈ કરવા લાગતાં હતાં.)
કિંગ્સલી હૉલનો ત્રીજો કાર્યક્રમ 15 સપ્ટેમ્બર 1928ને દિવસે યોજવામાં આવ્યો હતો. વિસ્કાઉન્ટ નેબવર્થે તે દિવસે તેનું વિધિપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગને કારણે 1919માં યુરોપમાં ભૂખે મરતાં લોકો વતી પાર્લામેન્ટ સુધી કૂચ કરી તેની યાદ તાજી થઇ. એ કૂચ કિંગ્સલી હૉલના સભ્યોમાં એકતા લાવવા માટે અત્યંત મહત્ત્વની પુરવાર થઇ હતી. એ હૉલમાં સૌપ્રથમ પ્રવેશ કરનારા હતા ક્લબના સભ્ય ટોમ મકાર્થી, જેમના હાથમાં એ કૂચની મોખરે લઇ ગયા હતા એ ક્રોસ હતો. એમની પાછળ યુવાન વિસ્કાઉન્ટ, પછી મ્યુરીએલ અને ડોરિસ અને બાકીના કિંગ્સલી હૉલના ટ્રસ્ટીઓ અને તેમની પાછળ ઉદ્ઘાટનમાં હજાર રહેલા આશરે હજાર લોકો હતા.
કિંગ્સલી હૉલ, ડેગનહામ
મ્યુરીએલ જ્યારે કટોકટીભરી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવે ત્યારે ‘હવે આટલું પૂરતું થઇ રહેશે’ એમ કહે તેવી વ્યક્તિ નહોતાં. 1929માં ફોર્ડ મોટર કંપનીએ ડેગનહામમાં કાર બનાવવાની મોટી ફેક્ટરી ખોલી અને બૉ વિસ્તારમાંથી ઘણા લોકો પોતાના કામના સ્થળથી નજીક રહેવા માટે સ્થળાંતર કરી ગયા. ક્લબમાં કેટલીક સગવડતાઓનો અભાવ હતો અને ડેગનહામમાં બીજો કિંગ્સલી હૉલ બાંધવા માટે વિનંતી કરવામાં આવતી હતી. મ્યુરીએલે સભ્યોને આ વિશે ઉતાવળ ન કરવા વિનંતી કરી. પરંતુ આખરે તેઓ લોકોના ઉત્સાહને ખાળી ન શક્યાં. એક કેરેવાન અને મોટો શામિયાણો કામચલાઉ હૉલ તરીકે ખરીદવામાં આવ્યો. 1930 સુધીમાં એ સ્થળે નાનો કિંગ્સલી હૉલ બાંધવા નાણાં એકઠાં થઈ ગયાં.
હૉલનું બાંધકામ તો થઇ ગયું, પરંતુ મ્યુરીએલ, તેની બહેન અને કમિટીના સભ્યોએ શું મર્યાદા બહાર ખર્ચ કરી નાખ્યું હતું? તેમના પિતા જે ધન મૂકી ગયા હતા એ નવો હૉલ બાંધવા માટે જ અંકિત કરવામાં આવ્યા હતા, તેના રોજ બ રોજના સંચાલન માટે નહીં. મ્યુરીએલને સલાહ આપવામાં આવી કે ફાળો એકઠો કરવાનો એક રસ્તો હતો, એ અમેરિકામાં પ્રવચનોની શૃંખલાનું આયોજન કરે. તેને ભારત જવાનો જેટલો ઉત્સાહ હતો તેટલો રાજીપો અમેરિકાની સફર માટે નહોતો. તેનાં પ્રવચનના વિષયો હતા : ‘પૂર્વ લંડનમાં ગાળેલા 30 વર્ષ’, ‘ફૅલોશિપમાં કરેલા સાહસો’, ‘પ્રાર્થના કરવાના અલગ અલગ તરીકા’ અને ‘મારા હિન્દુ યજમાન’. અમેરિકામાં તેઓ જેન એડમ્સ, કે જેઓ રશિયામાં ટોલ્સટોયને મળેલાં અને મ્યુરીએલ જેવું જ કામ શિકાગોમાં કરતાં હતાં તેમને અને અન્ય પોતાના જેવા વિચારો ધરાવતા લોકોને મળ્યાં. એમના શ્રોતા વૃંદમાં અમેરિકાના પ્રમુખ પણ એક વખત હાજર રહેલા. ચાર મહિનાની સફર દરમિયાન મ્યુરીએલે કિંગ્સલી હૉલનું એક વર્ષ સુધી સંચાલન કરી શકાય તેટલું ધન મેળવ્યું.
આ દરમિયાન મ્યુરીએલ અને ગાંધીજી એકબીજાં સાથે સંપર્કમાં રહેતાં હતાં. ભારતમાં નશીલા પદાર્થો વેચવા પર પ્રતિબંધ લાવવા તેમણે ઉઠાવેલી ઝુંબેશ માટે પ્રોત્સાહન આપવા ગાંધીજીએ પત્ર લખેલો અને પોતાના ‘યંગ ઇન્ડિયા’ સામયિકમાં તેનું વર્ણન પર કરેલું. પ્રખ્યાત મીઠા સત્યાગ્રહના આગલા દિવસે તેમણે મ્યુરીએલને એક પોસ્ટકાર્ડ લખ્યું જેમાં એ સત્યાગ્રહને ‘મારી જીવન-મરણની આકરી લડત’ તરીકે વર્ણવ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ મીઠાના સત્યાગ્રહનું સાહસ ઘણું સફળ સાબિત થયેલું. ગાંધીજીએ આવી અનૌપચારિક ભાષામાં આ વાત અગાઉથી વર્ણવી એ જાણીને આશ્ચર્ય થાય.
ગાંધી કિંગ્સલી હૉલમાં રહેશે?
મીઠાના સત્યાગ્રહમાં સફળતા મળ્યા બાદ લંડનમાં મળનારી ગોળમેજી પરિષદમાં કાઁગ્રેસનું પ્રતિનિધિત્વ કરવા ગાંધીની પસંદગી કરવામાં આવે એ તદ્દન સ્વાભાવિક હતું. લોર્ડ ઇરવિન બાદ પદ ગ્રહણ કરનારા નવા વાઇસરોયે જે શરતો મૂકી તે કાઁગ્રસને માન્ય નહોતી તેથી ગાંધીજીનું લંડન જવાનું લગભગ મુલતવી રહ્યું હતું. તેઓ સ્ટીમરમાં રવાના થવાના હતા તે સમયે જ વાઇસરોય અને કાઁગ્રેસ વચ્ચે સહમતિ સધાઈ હતી.
મ્યુરીએલને સમાચાર મળ્યા કે ગાંધી લંડન આવવાના છે, કે તરત તેમણે પોતાને આપેલ વચનની યાદ અપાવી અને કિંગ્સલી હૉલમાં પોતાનું આતિથ્ય સ્વીકારવા પ્રસ્તાવ મુક્યો. ગાંધીએ બહુ સંભાળીને જવાબ આપેલો. તેઓ લંડન ખાતેના તેમના રોકાણની વ્યવસ્થા કરનાર કમિટીના નિર્ણયની ઉપરવટ જવા નહોતા માંગતા, પરંતુ તેમણે છેવટ આ શબ્દોમાં જવાબ આપ્યો : “અલબત્ત હું લંડનમાં બીજે ક્યાં ય રહેવા કરતાં કિંગ્સલી હૉલમાં રહેવાનું વધુ પસંદ કરું, કેમ કે હું ત્યાં એવા લોકોની વચ્ચે રહી શકું જેવા લોકોની સેવા માટે મેં મારુ જીવન સમર્પિત કર્યું છે.”
મ્યુરીએલ એ પત્ર ગૌરવભેર હેન્રી પોલક પાસે લઇ ગયા, જેઓ ચાર્લી એન્ડ્રુઝ સાથે મળીને ગાંધીજીની મુલાકાતની વ્યવસ્થા સંભાળતા હતા. પોલકને આ પ્રસ્તાવની સંભાવના વિશે ખાતરી નહોતી. બૉ વિસ્તારમાં રહેવાનું સ્વીકારવું એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સલામત નહોતું. ગોળમેજી પરિષદનો કાર્યક્રમ ભરચક્ક હતો અને મુસાફરીનો વધારાનો સમય થાક અપાવનારો હતો. એ વ્યવહારુ સૂચન નહોતું. અને સલામતીનું શું? એવા સંદેહ ઊભા થતા જ રહ્યા.
મ્યુરીએલ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યાં. જેવો ગાંધીજીનો હતો તેવો જ કિંગ્સલી હૉલમાં પ્રાર્થનાનો એક ચોક્કસ ક્રમ હતો. બધાને તેમના ગરીબી અને ગરીબો વિશેના વિચારોની જાણ હતી. તેઓ જે ખાસ હેતુ લઈને આવ્યાં હતા તેને સિદ્ધ કરવા માટે બૉમાં રહેવું વધુ લાભદાયી હતું. એનાથી તેમનો મુદ્દો વધુ સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. તે પછીના બે અઠવાડિયા સુધી અફસરોએ આવીને એ સ્થળની ઝીણવટભરી તપાસ કરી. જ્યારે બૉની એક મહિલા હેન્ડનમાં થયેલા લશ્કરી એરોપ્લેનની કવાયત સામે વિરોધ દર્શાવવા એક મિટિંગમાં વક્તવ્ય આપી રહ્યાં હતાં, ત્યારે એ મિટિંગમાં ભારતના એક ઉચ્ચ કક્ષાના ઓફિસરે અચાનક આવીને બેઠક ગ્રહણ કરી, ત્યારે મ્યુરીએલ આશંકિત થયેલાં. તેમણે એ વિશે ચિંતા કરવાની જરૂર નહોતી. ભારતીય લોકોએ રોયલ એર ફોર્સનું પ્રદર્શન જાતે નિહાળ્યું હતું અને કિંગ્સલી હૉલના સભ્યો તેના વિરોધમાં ચોપાનિયાં વહેંચી રહ્યા હતા એ જોઈને એ લોકો ખુશ થયા હતા.
છેવટ સમાધાન કરવામાં આવ્યું. પરિષદના સ્થળની નજીક એક નાનું મકાન ભાડે રાખવામાં આવ્યું, જ્યાં ગાંધીજી મધ્યાહન ભોજન લઇ શકે અને બે બેઠકો વચ્ચે મુલાકાતીઓને મળી શકે. પણ ગાંધીજી સાંજે કિંગ્સલી હૉલ પાછા આવે, સાંજની પ્રાર્થનામાં હાજર રહે, રાત્રે ત્યાં શયન કરે અને વહેલી સવારે ફરવા જાય તેમ નક્કી થયું. એ રીતે તેમને મ્યુરીએલનું કામ જોવાની અને બૉ વિસ્તારના રહેવાસીઓને મળવાની તક મળે.
ગાંધીજી એક અચ્છા વ્યૂહરચના કરનાર હતા, તેમને આ પરિષદની ફલશ્રુતિ વિશે બહુ ઓછી આશા હતી, કેમ કે સરકારે પ્રતિનિધિઓ ખૂબ જ સાવધાનીપૂર્વક પસંદ કરેલા. પરિષદની કાર્યસૂચિ એકતા સાધવા માટે નહીં પણ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, અસ્પૃશ્ય અને ભારતીય ઇંગ્લિશ લોકોના જૂથો વચ્ચે એકબીજા વચ્ચે સ્પર્ધા કરાવવા અને બીજા જૂથ કરતાં પોતાને વધુ લાભ મળે તેવો પ્રયાસ કરાવવા ઘડાયેલી હતી. ગાંધીનો એ બધાના વિરોધમાં એક પ્રતીકાત્મક તેમ જ એકાકી અવાજ હતો. પરંતુ પરિષદ તેમને બાકાત નહોતા રાખી શકી એ પૂરતું મહત્ત્વનું હતું. તેમને પરિષદની બહાર તેમને મળેલા સમય દરમિયાન બને તેટલા વધુ બુદ્ધિજીવીઓ અને સાધારણ લોકો પાસે પોતાના મુદ્દા રજૂ કરીને તેમના દિલ-દિમાગને જીતવાની આશા હતી.
ગાંધીની ઇંગ્લેંડની મુલાકાત
ઇંગ્લેન્ડ આવા ગાંધીએ મુંબઈ બંદર છોડ્યું ત્યારે વિદાય આપતાં એક કવિતા રચવામાં આવી હતી : (રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ લખેલું પ્રખ્યાત કાવ્ય ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ની પાંચમી કડી)
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો!
બોસ દઈશું – ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંએ જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ!
ગાંધી ઇંગ્લેન્ડ પહોંચ્યા પહેલાં તેમના વિશે અસાધારણ અહેવાલો પહોંચી ગયા હતા. ‘માન્ચેસ્ટર ગાર્ડિય’ને 2જી સપ્ટેમ્બરના અહેવાલમાં નોંધ્યું હતું કે જ્યારે ગાંધીનો કિંગ્સલી હૉલમાં રહેવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સામ્રાજ્યવાદી વિરોધી લીગે કિંગ્સલી હૉલ પાસે કૂચ કરીને ચોપાનિયાં વહેંચ્યાં જેમાં ગાંધી ભારતના રાજકુમારો, જમીનદારો અને મૂડીવાદીઓના દલાલી કરનાર એક શઠ છે એવી સખત ટીકા કરવામાં આવી હતી. આ સામ્રાજ્યવાદ વિરોધીઓ પ્રજાને ઉશ્કેરનારા હતા? કે ખરા અર્થમાં સામ્યવાદીઓ હતા જેઓ ગાંધી કામદાર વર્ગનું મૂલ્ય આંકતા હતા, પણ તેમના ઉદ્ધાર માટે સામ્યવાદની હિંસાની નીતિ નહોતા સ્વીકારતા તે કારણે તેમના પ્રત્યે રોષ અનુભવતા હતા? એક વખત ગાંધીને પૂછવામાં આવ્યું હતું, “ખેડૂતો અને મઝદૂરો જો રાજા, જમીનદારો અને મૂડીપતિઓ સામે અને તેની સહભાગીદાર એવી બ્રિટિશ સરકાર સામે બળવો કરે તો તમારું એ લોકો પ્રત્યે કેવું વલણ રહેશે?” તેમણે ઉત્તર આપ્યો, “જેમની પાસે ધન દોલત છે તેમને ટ્રસ્ટીમાં પરિવર્તિત કરો. એટલે કે તેઓ પોતાના ધનના માલિક રહે, પરંતુ તેમને માટે એ ધન-દોલત ઊભી કરનારા લોકોના હિતમાં એ લોકોએ પોતાની મિલકત વાપરવાની રહેશે.”
‘માન્ચેસ્ટર ગાર્ડિયને’ તેનાથી પણ વધુ અસાધારણ અને અસંભવ હોય તેવો અહેવાલ છાપેલો, જેમાં કહેલું, “ગાંધીના કાફલામાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ એકાદ ટન જેટલી ગંગા નદીની માટી લાવી રહ્યા છે જેથી એ રોજિંદી પૂજા માટે તેમાંથી મૂર્તિ બનાવી શકે.” પણ મોટે ભાગે ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ ગાંધી પ્રત્યે સહાનુભૂતિપૂર્વકનું વલણ દાખવતું હતું, અને ગાંધીને તેમના રોકાણ દરમિયાન તેના તંત્રીએ મળવાનું આમંત્રણ આપેલું. એ નોંધપાત્ર હકીકત છે કે એ વર્ષે ગાંધી અને ભારત વિશે સાત પુસ્તકો બહાર પડ્યાં, જેમાંનું એક જ તેમના વિરુદ્ધ લખાયેલું : સર હાર્કોર્ટ બટલર લિખિત ‘ઇન્ડિયા ઇંસિસ્ટન્ટ’.
ગાંધીની સ્ટીમર Marseille બંદરે લાંગરી. તેમણે ફ્રાન્સમાં ટ્રેન દ્વારા સફર કરી ફોકસ્ટન પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા ફેનર બ્રોકવે (સ્વતંત્ર મજૂર પક્ષના નેતા), હ્યુવલેટ જોહન્સન, કેન્ટરબરી ચર્ચના ડીન, લૉરેન્સ હાઉસમેન (જેમણે કિંગ્સલી હૉલમાં સાહિત્યનો પાયાનો પથ્થર મુક્યો હતો), રેજીનાલ્ડ રેનોલ્ડ (કવેકર, જેમણે મીઠાના સત્યાગ્રહ પહેલાં લોર્ડ ઇરવિનને ગાંધીની ચેતવણી હાથોહાથ પહોંચાડી આપેલી) અને ન્યુ યોર્ક ચર્ચના રેવરન્ડ હેયન્સ હોમ્સ હાજર રહ્યા હતા. ગાંધીના ટેકેદારોમાંના કેટલાક ઇચ્છતા હતા કે તેઓ એક સામૂહિક દેખાવ કરવા માટે કબૂલ થાય, પરંતુ બ્રિટિશ સરકારના મહેમાન હોવાને કારણે ગાંધીએ વિચાર્યું કે એમ કરવાથી તેમણે મહેમાનગતિનો દુરુપયોગ કર્યો ગણાશે. ફ્રેન્ડ્સ હાઉસ ખાતે ચિક્કાર મેદનીએ કરેલા સ્વાગતમાં હાજરી આપવા તેમને લંડન લઈ જવામાં આવ્યા. ત્યાં ફેનરની પુત્રી, કે જેણે ખાદીની ટોપી પહેરેલી, તેણે પુષ્પ ગુચ્છ અર્પણ કર્યો.
પોતાના સ્વાગત પ્રવચનમાં ગાંધીએ શાંત અવાજમાં કહ્યું, “મૂંગા અને ભૂખ્યા એવા કરોડો ભારતીયો માટે કાઁગ્રેસ સ્વતંત્રતા ઈચ્છે છે. કાઁગ્રેસે સ્વતંત્રતા મેળવવા માટે સત્ય અને અહિંસાને હથિયાર તરીકે સમર્થન આપ્યું છે.” ફ્રેન્ડ્સ હાઉસની બહાર 5,000ની મેદની વરસતા વરસાદમાં ગાંધીને કિંગ્સલી હૉલ જતા જોવા માટે ઊભી હતી. તેમના બે મંત્રીઓ અને પુત્ર નાઈટ્સબ્રિજ હાઉસ ગયા. ગાંધી સાથે માત્ર બે છૂપી પોલીસના માણસો અને મીરાંબહેન (મેડલિન સ્લેઇડ) હતાં, જેઓ તેમના અંગત સહાયક તરીકે જોડે રહ્યાં.
ગાંધી અને કિંગ્સલી હૉલ
ગાંધી કિંગ્સલી હોલ ખાતે રહ્યા તે દરમિયાન અલગ અલગ અખબારોએ છાપેલા અહેવાલો અહીં આપેલ છે.
એક સ્થાનિક અખબારે પહેલા દિવસે શું બન્યું તેનું આ રીતે વર્ણન કર્યું :
વરસાદમાં આપનું ભવ્ય સ્વાગત
Devons અને Bruce રોડ પર મિ. ગાંધીને આવકારવા માટે હજારો લોકો કતારબંધ ઊભા હતા અને કિંગ્સલી હૉલ – બૉ પાસે મોટી મેદની જમા થઇ હતી.
વરસાદ આખી બપોર વરસ્યા જ કર્યો, છતાં લોકો ત્યાં ઊભા રહ્યા. કેટલાક લોકો ભારતના આ નેતાની ઝાંખી મેળવવા કલાકો સુધી રાહ જોતા ઊભા રહ્યા. ગાંધી છ વાગ્યાની થોડી મિનિટો પહેલાં પહોંચ્યા અને સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી એ આકૃતિ કારમાંથી નીકળીને હૉલમાં ઝડપથી પહોંચી એટલી ક્ષણો જ તેમને જોઈ શક્યા, છતાં લોકોએ હર્ષની ચીચીયારીઓથી વધાવી લીધા. જો કે થોડા સમય બાદ એ મેદનીએ દર્શાવેલ આવકારના પ્રતિભાવ રૂપે તેઓ થોડી મિનિટો માટે નીચે ઉભેલી જનતાની શુભેચ્છાનો પ્રતિસાદ આપવા બાલ્કનીમાં આવ્યા. ત્યાં આશરે 200 જેટલા પોલીસ કોન્સ્ટેબલ વ્યવસ્થા જાળવવા હાજર હતા. હૉલની અંદર પોપ્લરની જનતાના પ્રતિનિધિ તરીકે કાઉન્સિલર અને મેયર ટી.જે. બ્લૅકેટર ગાંધીને આવકારવા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ એ વિસ્તારની જનતા વતી ગાંધીનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને આશા રાખે છે કે તેમનું રોકાણ સુખદ રહેશે. ભારતની પ્રજાનો તેમના પ્રયાસોમાં ‘વિજય’ થાય તેવું ઈચ્છે છે તેમ પણ કહ્યું અને ગોળમેજી પરિષદ સફળ થાય એવી આશા રાખે છે. ગાંધીએ ટૂંકમાં પ્રત્યુત્તર આપતા કહ્યું કે તેઓ ભારતની જનતાનું પ્રતિનિધિત્વ કરતાં હર્ષ અનુભવે છે. એમને ખાતરી હતી કે તેઓ મિત્રોના સહવાસમાં છે.
એક બાળક, કે જેણે સ્વપ્ન જોયું
ગાંધી બાલ્કનીમાં જનતાને ઉદ્દબોધન કર્યા બાદ મકાનના ઉપલા માળે ગયા, જ્યાં ક્લબના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું. તેઓએ ભારતીય ઢબે તેમનું અભિવાદન કર્યું. ત્યાર બાદ તેઓ કિંગ્સલી હૉલમાં એકઠા થયેલાં બાળકો પાસે ગયા અને ફ્રાંકી આડમ્સ નામના બાળકે તેમનું સ્વાગત કર્યું. આ ઘટના પાછળ એક કહાણી છે. જ્યારે કિંગ્સલી હૉલના કાર્યકર્તાઓ કઈ બાલિકા અથવા બાળક ભારતથી આવેલા આ ખાસ મહેમાનનું સ્વાગત કરે તેની ચર્ચા કરતા હતા ત્યારે ફ્રાંકીની બહેને તેમને કશું કહેવાની કોશિશ કરી. “ઓહ, તમે મારા ફ્રાંકીની પસંદગી કરો. એ આખો દિવસ ગાંધી વિશે વાત કર્યા કરે છે અને એક રાત્રે તેને ગાંધીનું સ્વપ્ન આવ્યું અને જાગીને બોલી ઉઠ્યો, ‘મિ. ગાંધી ક્યાં છે?’”
આમ શનિવારે ફ્રાંકીને તેના નાના નાના મિત્રો વતી ગાંધીનું સ્વાગત કરવાનું બહુમાન મળ્યું.
ડોકલેન્ડનું દૃશ્ય
ગાંધીનો નાનો કમરો કિંગ્સલી હૉલના દક્ષિણ ભાગે આવેલી ચાર ઇમારતોમાંનો એક હતો અને ત્યાંથી નીચેના ભાગમાં ડોકલેન્ડ દૃષ્ટિગોચર થતું હતું. શનિવારે સવારે ધુમ્મસ દૂર થતા ગેસની બત્તીના થાંભલા, કોક કંપની અને ઑલ હેલોઝ – બ્રોમલીનું મકાન અને સેંકડો રહેણાંક ઘરના છાપરાં તેમ જ બગીચા તરત નજરે પડ્યાં.
સ્વાગત વિધિ પૂરી થયા બાદ ગાંધીને તેમનો કમરો બતાવવામાં આવ્યો, જ્યાં તેમને અર્ધો કલાક પ્રાર્થના કરવામાં વિતાવ્યો. ત્યાર બાદ તેમણે રાહ જોઈ રહેલા અખબારના ખબરપત્રીઓને મળવા અનુમતિ આપી. કિંગ્સલી હૉલના એ નાના હુંગલા કમરામાં બેસીને તેમના ઉપર જેટલા સવાલોની ઝડી વરસાવવામાં આવી તે બધાના ઉત્તર આપ્યા.
એક ભારતીય ખબરપત્રીએ આતુરતાથી પૂછ્યું, “ભારતના લોકો માટે તમારી પાસે કોઈ સંદેશ છે?”
ગાંધીએ કહ્યું, “હા, એ લોકોને કહો કે પોતાના આચાર અને વિચારમાં અહિંસાનું પાલન કરીને તેઓ મને સહુથી સારી રીતે મદદરૂપ થઈ શકશે.”
કિંગ્સલી હૉલ આજે જેવો છે તેવો એ સમયે નહોતો. પોતાના પુસ્તક ‘ગાંધી ઈન લંડન’માં જેમ્સ હંટ આ રીતે વર્ણન કરે છે : “એ હૉલ ભંગાર હાલત થઇ ગયેલાં હારબંધ ઘરોની વચ્ચે આવેલો હતો, જ્યાં બૉનું દુર્ગંધ મારતું ગેસનું કારખાનું અને સાબુ બનાવવાની ફેકટરીઓ હતી.” મ્યુરીએલ લેસ્ટર તેમના પુસ્તક ‘એન્ટરટેઈનીંગ મિ. ગાંધી’માં એ સ્થળનું વર્ણન કરતાં લખે છે, કિંગ્સલી હૉલનું સંચાલન મોટે ભાગે ત્યાં વસતા લોકો દ્વારા પોતાનો શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક ઉદ્ધાર કઈ રીતે થાય એ વિચારને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું હતું. દસ સ્વયંસેવકો પૂરા સમયની સેવા પૂરી પાડતા હતા, જેના બદલામાં તેઓને ભોજન, અઠવાડિયાના સાત શિલિંગ મહેનતાણું, અને પહેલા માળે બધા વચ્ચે એક કમરો રહેવા માટે મળતો, જેમાં રસોઈ, સફાઈ, ભણાવવું, અને પ્રાર્થના વગેરે સાથે મળીને કરવાના રહેતા. મ્યુરીએલની દૃષ્ટિએ : “કિંગ્સલી હૉલનું સામર્થ્ય જીસસ ક્રાઈસ્ટે બોધ આપેલો એ રીતે પ્રભુની હાજરી છે એમ માનીને જીવન જીવવામાં છે. પૃથ્વી પર ઈશનું રાજ્ય સ્થાપવાની દિશામાં એ પ્રયાસ છે.”
બીજે દિવસે રવિવારે બપોરે એ મકાનની છત પરથી ગાંધીએ અમેરિકાના શ્રોતાઓ માટે અર્ધો કલાક આકાશવાણી પર પ્રસારણ કર્યું. યાદ રહે કે રેડિયો પ્રસારણ સેવા હજુ તેના વિકાસના આરંભકાળમાં હતી. ગાંધી માઈક્રોફોન વિશે જે બોલ્યા તે અમેરિકા વાસીઓ સાંભળી રહ્યા હતા : “હું આ વસ્તુમાં બોલું?” એમને ખ્યાલ નહોતો કે તેઓને બીજા સાંભળી શકે છે. પછી એક ક્ષણ મૌન રહી, મસ્તક નમાવી, આંખો બંધ કરીને તેઓ બોલ્યા. રેડિયો પ્રસારણ બાદ ગાંધી હૉલના મુખ્ય ખંડમાં કિંગ્સલી હૉલની સાયં પ્રાર્થનામાં જોડાયા. સ્ટેજ પર આસન્ન થયા, ચાર મીણબત્તી મોટા હોલ્ડરમાં બળતી હતી અને પૂર્વ પીઠિકામાં લાકડાની તકતી શોભતી હતી. તેમની સફેદ શાલથી ગોઠણ ઢંકાઈ ગયા હતા. તેમની આસપાસ ફૂલો ગોઠવેલા હતા. લંડનના ઇસ્ટ એન્ડ(પૂર્વ ભાગ)નાં સ્ત્રી-પુરુષો ઉપાસના માટે એકઠા મળ્યાં હતા. મિ. ગાંધી ભજન ગાવા માટે ઊભા થયા પરંતુ પ્રાર્થનાનું તેમના જીવનમાં શું સ્થાન છે એ વિશે વક્તવ્ય નીચે બેસીને આપ્યું. રાત્રે 8.30 વાગે તેમને વેસ્ટ એન્ડમાં આવેલી ડોરચેસ્ટર હોટેલમાં વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડ અને લોર્ડ સાંકીને મળવા લઇ જવામાં આવ્યા.
ગોળમેજી પરિષદ ખાતે પરિસંવાદ
બાર અઠવાડિયાનો ગાંધીનો કાર્યક્રમ ભરચક્ક હતો. મીરાંબહેન પ્રાર્થના કરવા માટે તેમને ત્રણ વાગે જગાડતાં. મીરાંબહેન, મ્યુરીએલ અને બે અંગરક્ષકો સાથે ગાંધી વહેલી પરોઢે થ્રી મિલ્સ બ્રિજની બીજી બાજુએ આવેલી નહેરને કિનારે એક કલાક ફરવા જતા. જે લોકોને ખ્યાલ આવ્યો કે માત્ર આ સમય જ ગાંધી સાથે વાત કરવાનું સંભવ છે તેઓ વહેલી સવારનો સમય હોવા છતાં એમની સાથે જોડાતા અને પોતાને સ્પર્શતી બાબતોની ચર્ચા કરતા, જે ગાંધી ચાલતા ચાલતા સાંભળતા.
ત્યાર બાદ પોપ્લરના મેયરે આપેલી કારમાં નાઈટસ બ્રિજ નંબર 88 જઈ પહોંચતા. ત્યાં પહોંચતા જ તેઓ પોતાની કારમાંથી સ્ફૂર્તિથી નીકળીને નિશ્ચિત કરાયેલા કમરામાં તાપણા પાસે કાંતવા બેસી જતા. પરિષદ ખંડમાં જતા પહેલાં પત્રોના જવાબ લખાવતા અને મુલાકાતીઓના સવાલોના જવાબો આપતા ગાંધીની ઝલક લેવા પ્રખ્યાત શિલ્પકારો અને ચિત્રકારો કોશિશ કરતા. સેન્ટ જેમ્સ પેલેસ જવાનો સમય થતાં જ તેઓ ઝડપથી પોતાની કાર તરફ જતા અને તેમની પાછળ હાંફતા ગુપ્તચરો અને તેમના કર્મચારીઓ ગાંધીનો ચરખો અને એમના ખોરાકની સામગ્રી ભરેલ ટોપલી લઈને દોડતા.
ગોળમેજી પરિષદની ચર્ચા દરમિયાન જે રાજકીય બદલાવ આવ્યો તેનાથી તો ભારતને સ્વતંત્રતા આપવાની બાબતમાં કઇં પણ ફળપ્રદ પરિણામ આવે તેવી શક્યતા નહીંવત થઈ ગઈ. ઈંગ્લેન્ડમાં ચૂંટણી જાહેર થતાં 7મી ઓક્ટોબરને દિવસે આમ સભા બરખાસ્ત થઈ ગઈ અને ગાંધીની માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હતો તે મજૂર પક્ષ હારી ગયો. ગઠબંધનથી રચાયેલી સરકારમાં મેકડોનાલ્ડ વડા પ્રધાન પદે રહ્યા, પરંતુ એ મિશ્ર સરકારમાં 551માંથી 470 સંસદ સભ્યો કન્ઝર્વેટિવ પક્ષના હતા. દરેક રીતે જોતાં એ ખરેખર તો ટોરી સરકાર હતી અને ભારત પ્રત્યેનું ટોરી પક્ષનું વલણ સ્પષ્ટ થવા લાગ્યું. ગાંધી-ઈરવીન વચ્ચે થયેલા કરાર વિશે ચર્ચિલે કરેલ ઉગ્ર ટીકા આપણે સહુ જાણીએ છીએ જેને કારણે ગાંધીને ગોળમેજી પરિષદમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું : “મિ. ગાંધી – મિડલ ટેમ્પલમાં ભણેલો વકીલ, બંડખોર, ફિતૂર કરનારો અને પૂર્વીય દેશોમાં જાણીતો ગણાય તેવો પોતાની જાતને ફકીર ગણાવતો હોય એવો માણસ હજુ અસહકારની ચળવળ ચાલુ હોવા છતાં બ્રિટનના સમ્રાટના પ્રતિનિધિનિધિઓ સાથે સમાન કક્ષાએ મંત્રણા કરવા અર્ધનગ્ન અવસ્થામાં વાઇસરૉયના મહેલના પગથિયાં ચડતો હોય એ દૃશ્ય ભયજનક અને સુરુચિનો ભંગ કરનારું છે.” ચર્ચિલ પોતાના અને ભારત વિશે કેવા વિચારો ધરાવે છે એ ગાંધી જાણતા હતા, પરંતુ છતાં પણ પોતાના રોકાણ દરમિયાન તેમણે વાર્તાલાપ કરવાની કોશિશ કરી. ચર્ચિલને તેમાં જરા પણ રસ નહોતો.
પરિષદમાં હાજરી આપવાનો પ્રથમ દિવસ 14મી સપ્ટેમ્બર, સોમવાર હતો. એ તેમનો મૌનવાર હોવાથી તેમણે એક પણ વિધાન નહોતું કર્યું. મંગળવારે તેઓ શું કહેવાના છે એ સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું, “મારા દિમાગમાં તદ્દન શૂન્યાવકાશ છે. યોગ્ય સમયે મારા મનમાં વિચારો સંગઠિત કરવામાં મને ઈશ્વર કદાચ સહાય કરશે. મને વધુ પડતા બુદ્ધિમાન દેખાવાની કોઈ ઈચ્છા નથી. એક સાદા ગ્રામવાસી તરીકે મારે એટલું જ કહેવાનું છે, ‘અમારે સ્વતંત્રતા જોઈએ છે.’” સ્વતંત્ર ભારત અને અને બ્રિટનની બે સમાન દેશો વચ્ચે હોય તેવી ભાગીદારીની તેમની ઈચ્છા હતી. તેમણે કહ્યું, “મેં ઘણાં વર્ષોથી મારી જાતને બ્રિટનના પ્રજાજન તરીકે ઓળખાવવાનું બંધ કર્યું છે. મારી મનોકામના નાગરિક બનવાની છે, સામ્રાજ્યના નહીં, પરંતુ કોમનવેલ્થના નાગરિક. જો ઈશ્વરની ઈચ્છા હશે તો એવી ભાગીદારી હશે જે એક દેશે બીજા દેશ પર ઠોકી બેસાડેલી નહીં હોય.”
બે દિવસ બાદ ગાંધીએ જાહેરમાં કહ્યું કે તેમને એવી અકળાવનારી અનુભૂતિ થાય છે કે આ પરિષદ અવાસ્તવિક છે. “અમે જે દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તે એ દેશના લોકોએ પસંદ કરેલા ઉમેદવારો નથી, અમે સરકારના પસંદ કરેલા પ્રતિનિધિઓ છીએ.” ત્યાં હાજર રહેલા અલગ અલગ જૂથના પ્રતિનિધિઓની માફક તેઓ કાઁગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાસ પ્રતિનિધત્વ મેળવવાના વિરોધમાં હતા. ખાસ પ્રતિનિધત્વ લોકોને વિભાજીત કરે. તેઓ બધા પ્રતિનિધિઓને સંગઠિત થતા જોવા ઇચ્છતા હતા. મોટા ભાગની બેઠકોમાં ગાંધી આંખ મીંચીને બેઠેલા જોવા મળતા. તેઓ ઊંઘની ઝપકી લેતા હતા? પહેલી ડિસેંબરે તેમણે કહ્યું, “આપણે વિભાજક રેખા પર આવી ઊભા છીએ.” પોતાના આસન પર બેઠેલા મેકડોનાલ્ડે તેમને વિનંતી કરી, “મારા પ્રિય મહાત્મા, ચાલો આપણે આ માર્ગે જઈએ, આ જ ઉત્તમ માર્ગ છે, આપને અહેસાસ થશે કે આ જ માત્ર એક માર્ગ છે.”
પરિષદની બહાર ગાંધીનો અનુભવ
પરિષદની બહારના માહોલમાં ગાંધીને અનોખી જ અનુભૂતિ થઈ. તેમણે કહેલું, “હું ચિરકાળ સુધી ટકી રહે તેવા માત્ર પરમ આનંદનો અનુભવ કરી રહ્યો છું.” તેમની શક્તિ હેરત પમાડે તેવી હતી. 12 અઠવાડિયા દરમિયાન તેમણે નવ વખત લંડનની બહાર સફર કરી. તેઓ બૉ વિસ્તારના ગરીબ લોકો વચ્ચે રહ્યા, અને છતાં બકિંગહામ પેલેસમાં પંચમ જ્યોર્જ સાથે અલ્પાહાર પણ લીધો. તેઓ બેકાર તેમ જ મિલ માલિકોને પણ મળ્યા અને ઓક્સફર્ડ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીના સદ્દગૃહસ્થોને તેમના નિવાસસ્થાને પણ મળ્યા. મ્યુરીએલે તેમને લેડી એસ્ટરનો (બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ મહિલા ધારાસભ્ય) પરિચય કરાવ્યો.
તો આમાં કિંગ્સલી હૉલનો ક્યાં સમાવેશ થયો? ગાંધી ક્યારેક સાંજે પ્રાર્થના કરવા અને ઝડપથી વાળુ લેવા જ આવતા, અને તરત સાંજની મિટિંગમાં હાજરી આપવા જતા, ત્યાંથી મધરાતે પાછા ફરતા અને વહેલી પરોઢે ત્રણ વાગે ઊઠી જતા. સવારે ફરવા જતા ત્યારે નાનાં બાળકો તેમની સાથે ચાલતાં અને તેઓ એમની સાથે મજાક કરતા.
જો કે એક દિવસ મ્યુરીએલ લેસ્ટરે બાળકોની પાર્ટીમાં ગાંધીનો મેળાપ સ્થાનિક લોકો સાથે કરાવી આપ્યો, જ્યાં એક અંધ સભ્ય સાથે ઓળખાણ કરાવી. નવેમ્બર મહિનાની એક યાદગાર સવારે હોલની બહારની સડક પર આવેલા મકાનોમાં લોકોએ તેમને પોતાના ઘરમાં આમંત્રિત કર્યા. મહિલાઓને જરા પણ અણસાર નહોતો કે ગાંધી તેમના ઘરમાં આવશે, પણ તેઓ પોતાના નાનકડા આવાસનો ખૂણેખૂણો એમને બતાવવા તૈયાર હતા. ગાંધીને જાણવું હતું : એ ઘરના પુરુષો કયો વ્યવસાય કરતા હતા, મકાનનું કેટલું ભાડું આપતા હતા, ગંદાં પાણીના નિકાલ માટે ગટરની શી વ્યવસ્થા હતી, બેરોજગાર લોકો માટે કશી જોગવાઈ હતી કે કેમ, વગેરે. એ લોકોએ સસલાં અને મરઘી જેવાં પોતાના પાલતુ પ્રાણીઓ ગૌરવ સાથે બતાવ્યાં અને કેટલાકે તો અભિમાન સાથે પોતાના ઘરમાં પિયાનો પણ બતાવ્યો. કિંગ્સલી હૉલના એક કે બે સભ્યોને પોતાની માએ ગાંધી વિશે શું કહેલું તે હજુ પણ યાદ છે.
ગાંધીએ મ્યુરીએલને પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું, “હું લંડનમાં અભ્યાસ અર્થે આવેલો તેના 40 વર્ષ બાદ હું ઘણા બદલાવ આવેલા જોઉં છું. લંડનમાં દેખાય છે તે ગરીબી ભારતની ગરીબીની સરખામણીમાં ઘણી ઓછી છે. મેં દરેક ઘરની બહાર દૂધની બાટલી જોઈ, ઘરની અંદર જાજમ હતી અને કેટલાક ઘરમાં પિયાનો પણ હતા.”
જ્યારે ડેગનહામનો કિંગ્સલી હૉલ છોડ્યો ત્યારે મુલાકાતીઓ માટેની નોંધપોથીમાં ગાંધીએ લખ્યું, “હું પ્રેમથી ઘેરાયેલો હતો.” ભારતમાં પોતાનો આશ્રમ હતો તેવો જ 1931ની સાલમાં બૉમાં આવેલ કિંગ્સલી હૉલ ગાંધીને પ્રાર્થના કરવા માટે, અને ગરીબ લોકોના કલ્યાણ અર્થે, તેમની સેવા કરવા તથા રાજકીય પગલાં ભરવા એકઠા થવા માટેનો આશ્રમ હોય એવું એમણે અનુભવ્યું. જો ગાંધી બકિંગહામ પેલેસમાં રહ્યા હોત તો તેમણે આ વિધાન ન લખ્યું હોત. બકિંગહામ પેલેસની મુલાકાતે જવા વખતે ગાંધીએ ઔપચારિક પ્રસંગે પહેરવાનો સૂટ ભાડે લેવાનું સૂચન નકારી કાઢ્યું, જેને કારણે એક મૈત્રીભરી સરખામણી થઇ. રાજાએ ગાંધીના ગોઠણ સુધીના ઉઘાડા પગ સામે ધારીને જોયું અને ત્યાર બાદ પૂછ્યું, જયારે તેમના રાજકુંવર ભારતની મુલાકાતે ગયા ત્યારે ગાંધીએ ભારતવાસીઓને તેનો બહિષ્કાર કરવાનું શા માટે સૂચવ્યું હતું? ગાંધીને ઉત્તર વાળ્યો, તેમના રાજકુંવર સામે કોઈ વિરોધ નહોતો, પણ તેઓ સામ્રાજ્યના શહેનશાહના એક પ્રજાજન તરીકે આવ્યા હતા તેની સામે વિરોધ હતો. સમ્રાટે પોતાની પ્રજાને (એટલે કે ભારતની પ્રજાને) સામ્રાજ્ય સામે બળવો પોકારવા ઉશ્કેરવા સામે ચેતવણી ઉચ્ચારી. ગાંધીએ બાહોશીપૂર્વક ઉત્તર આપ્યો, ટી પાર્ટી જેવા મિલન સમયે સમ્રાટ સાથે અસહમત થવું એ અવિવેક ગણાશે. ત્યાર બાદ વાતચીત ફરીથી વિવેક ભરી રમૂજમાં બદલાઈ ગઈ. એ મુલાકાત વિશે પૂછવામાં આવતાં ગાંધીએ રમૂજ કરતાં કહ્યું, કે રાજાને એમના બંનેને પૂરતાં થઇ રહે તેટલાં વસ્ત્રો પહેર્યાં હતા.
ગાંધીનો આભાર દર્શાવતો પત્ર
ભારત પાછા ફરતાં જ તરત ગાંધીને કારાવાસમાં બંદી બનાવવામાં આવ્યા. ત્યાંથી તેમણે બૉના બાળકોને આ પત્ર લખ્યો :-
“મારાં વહાલાં નાનકડા મિત્રો,
એક દિવસ બપોરે તમારી સાથે સમય વિતાવ્યો ત્યારે મારા સવાલોના તમે જે હોશિયારીથી ઉત્તર આપેલા એ હું ઘણી વખત યાદ કરું છું. હું જ્યારે કિંગ્સલી હૉલમાં હતો ત્યારે તમે મને આપેલી પ્રેમની ભેટ માટે આભાર આપતો પત્ર લખી ન શક્યો. એ હવે હું આ જેલમાંથી લખી રહ્યો છું. મારી એવી આશા હતી કે એ બધી ભેટ હું મારા આશ્રમના બાળકોને આપી શકું. એ બાળકો વિશે આંટી મ્યુરીએલને પૂછશો તો તેઓ તમને વાત કહેશે. પણ હું આશ્રમ જઈ જ ન શક્યો. જેલમાંથી કોઈનો પત્ર મળે એ તમારે માટે નવાઈ પમાડે તેવું નથી શું? અલબત્ત હું જેલમાં બંદી છું, પણ હું કેદી હોઉં તેવું મને નથી લાગતું. મેં કંઈ ખોટું કામ કર્યું હોય તેવું હું નથી માનતો.
તમને સહુને મારા પ્યાર.
તમારો અંકલ ગાંધી.”
દસ વર્ષ બાદ મ્યુરીએલના પુસ્તક ટ્રેનિંગમાંથી લીધેલું નીચેનું અવતરણ દર્શાવે છે કે તેમના દૃષ્ટિકોણ ગાંધીના વિચારોથી કેટલા નિકટ આવી ગયા હતા : આપણે જેને અહિંસાના નામે ઓળખીએ છીએ એ તેની ખરી સમજ આપવા પૂરતું નથી. એ હજુ પણ છદ્મ વેશમાં કાયરતા પણ હોઈ શકે. અહિંસાને અસરકારક બનાવવા માટે તેને સત્યની પ્રતિજ્ઞા સાથે જોડી દેવી જોઈએ. આક્રમણ કરનાર આક્રમણ નથી કરતો એમ કહેવું એ પોતાના ચારિત્ર્યને બિનઅસરકારક બનાવી દેવા જેવું છે. એ સીધી રીતે વિચાર કરવાની શક્તિ ખતમ કરી નાખીને નીતિમત્તાનો હ્રાસ કરીને ભવિષ્યને જોખમમાં નાખવા બરાબર છે. ગાંધીના અનુયાયીઓ ભય પામ્યા વિના અને અતિશયોક્તિ કર્યા વિના સત્ય બોલવા માટે પોતાની જાતને કેળવે છે. ગાંધીએ જ્યારે કહ્યું કે બ્રિટિશ સરકાર ‘શેતાની’ છે, પરંતુ બ્રિટિશ પ્રજા તરફ પ્રેમ દાખવવો જોઇએ અને કેટલીક બાબતો તેમની પાસેથી શીખવી પણ જોઈએ કેમ કે તેમનામાં કેટલાક એવા ગુણો છે જે ભારતીય લોકોમાં ખૂટે છે, જેમ ભારતીય પ્રજામાં કેટલીક ખૂબીઓ છે જે બ્રિટિશ લોકોમાં નથી ત્યારે તેઓ સત્યની પ્રતિજ્ઞાનું પાલન કરતા હતા.”
મ્યુરીએલે કહ્યું, “શાંતિ સ્થાપનારનું કર્તવ્ય છે, યુદ્ધ અટકાવવું, જગતને વિશુદ્ધ કરવું, દુનિયાને ગરીબી અને ધનસંપત્તિથી બચાવવી, બિમારોને સાજા કરવા અને દુઃખીને આશ્વાસન આપવું, જ્યાં જઈએ ત્યાં આનંદ અને સુંદરતાનું વાતાવરણ ખડું કરતા જઈએ, દરેક વસ્તુમાં અને દરેક વ્યક્તિમાં ઈશ્વરનું દૃશ્ય કરીએ.”
[7,178 શબ્દો]
e.mail : 71abuch@gmail.com