Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનીની નિશ્રામાં 

બકુલા ઘાસવાલા|Gandhiana, Opinion - Opinion|9 July 2024

આ પુસ્તકમાં ભદ્રાયુ વછરાજાનીની કસાયેલી કલમે નાની ઉર્ફે નિરંજના, ડો. પ્રજ્ઞાબહેન, ઉત્તમચંદકાકા, સંતોકબહેન, મુકુલભાઈ, પૂ. મોટા, સ્વામીદાદા, સરદારસાહેબ, મોરારિબાપુ અને નાનીની નિશ્રામાં ઉછરેલાં ડો. રામીબહેન એમ સૌનો અરસપરસ ભાવસંબંધ અહીં ઉજાગર થાય છે. તેઓ હીંચકે ઝૂલતાં, સૌને આવકારતાં, મહેમાનગતિ કરતાં, દોહિત્રીઓ જેવી વિદ્યાર્થિનીઓને આંખોથી શિસ્ત શીખવતાં, સૌંદર્ય અને સાદાઈની જીવનદૃષ્ટિનો પરિચય કરાવતાં ‘નાનીમા’નું સચિત્ર જીવનચરિત્ર આલેખે છે, ત્યારે વાચક તરીકે આપણે ‘નાનીમય’ બની રહીએ છીએ. સાચું કહું તો હું નાનીના નામ અને કામથી પરિચિત, પરંતુ રૂબરૂ મળ્યાંનું યાદ નથી. દુરથી જોતાં માયાળુ ચહેરો પોતીકો તો લાગ્યો જ છે. વધારે પરિચિત નામ મુકુલ કલાર્થીનું, જેઓ નાનીનાં દાંપત્યજીવનના સહયાત્રી. પ્રજ્ઞાબહેન પણ નામથી પરિચિત. વધારે પરિચય ડો. કુરેશીનાં કારણે જેમણે આ પુસ્તક વાંચવાની ભલામણ અને પરત કરવાની શરતે નાનીની વધારે નજીક જવાનો મોકો આપ્યો.

ગાંધીજી, સરદારસાહેબ, માતા સંતોકબહેન અને પિતા ઉત્તમચંદભાઈ ઉપરાંત અનેક ઉમદા વ્યક્તિત્વના સંગમાં રહી જીવનને હર્યુભર્યું અને સમૃદ્ધ બનાવનારાં નાની કુટુંબમાં નાનાં એટલે નાની પરંતુ હવે સૌનાં આજી-નાની છે. સામાન્ય રીતે સંબંધોમાં ‘માનાં મા’ હોય તે નજીક લાગે એની પાસે પોતીકાપણાંની લાગણી અકબંધ રહે. ભદ્રાયુભાઈની કલમ ‘નાનીને આજી’ તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ થઈ છે કારણ કે નાની જન્મજાત માતૃતુલ્ય લક્ષણો ધરાવે છે એવી સહજ લાગણી થાય.

લોકો નાનીની નિશ્રામાં જીવે પરંતુ ઉત્તમચંદકાકા, નાની અને એની વાનરસેના સરદારસાહેબની નિશ્રામાં નિશ્ચિંતપણે જીવનલક્ષ્યને સમર્પિત. આ પુસ્તકમાં નાની નાની ક્ષુલ્લક લાગે પરંતુ જીવન ઘડતર માટે અગત્યની અને મહત્ત્વની રસપ્રચુર વિગતોનું વર્ણન ફરી ફરીને વિચારવા પ્રેરે છે કે જીવનલક્ષી શિક્ષણ કોને કહેવાય. પછી તે સફાઈની વાત હોય, સાદાઈનો પાઠ ભણવાનો હોય કે લોકશાહીથી સંસદ સુધી માહિતગાર થવાનું હોય! વળી કેળવણીકાર કોણ તો સરદારસાહેબ, ઉત્તમકાકા અને નાની પોતે! પુસ્તકમાં વર્ણવિત સંસદની ઝલક અને આજની સંસદ વચ્ચે સિત્તેર વર્ષનાં વહાણાં વાયા છે ત્યારે  સરદારસાહેબ સાથે તે સમયે બપોરનું જમણ લઈ આવેલા વાનરસેનાના તરુણો હવે વયોવૃદ્ધ આંખે ટી.વી. પર સંસદસભ્યોને જોતાં હશે ત્યારે શું અનુભવતા હશે એવો અલપઝલપ વિચાર આવી ગયો!

‘સ્વરાજ આશ્રમ’ના બાગમાં પીળાં ફૂલને યાદ કરતા સરદાર અને રજવાડાનાં વિલીનીકરણની પ્રક્રિયા સહજપણે નિભાવતા સરદારની ગતિવિધિનું સહજ વર્ણન વાંચતી વખતે આપણે એ સમયખંડને હિસ્સો છીએ એવું અનુભવીએ જ. ક્યારેક એવું લાગે કે આપણે ગાંધીની જ  સમયખંડને જ વાગોળીએ છીએ કારણ કે સરદારસાહેબ ગાંધીયુગનું જ ફરજંદ અને એમનું સાચું ઘડતર પણ ગાંધીની નિશ્રામાં જ ! સંતોકબા-ઉત્તમદાદા સિવાય સમગ્ર પરિવારને ગુરુ દયાલ મલિક, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, વિનોબાજી, રંગ અવધૂત બાપજી, પૂ. મોટા, જુગતરામ દવે સમેત સૌનો સંગ માણવાની તક તો મળી સાથે રાષ્ટ્રહિત અને સમાજહિતની ખેવનાની વારસાઈ પણ મળી. ઉત્તમચંદદાદાનો મૂળ પરિવાર ગર્ભશ્રીમંત અને લગભગ બારસો એકર જમીનનો માલિક તે કુટુંબના વારસદાર તરીકે પોતાનો હક્ક જતો કરનારાં સંતોકબહેન-ઉત્તમદાદા આપણી નજરે મુઠ્ઠી ઊંચેરા તો સાબિત થાય જ સાથે એ જ સંસ્કારની વારસાઈને ઝળહળ કરતાં નાની, મુકુલભાઈ, પ્રજ્ઞાબહેન માટે પણ અહોભાવ થાય. ખાસ તો રાષ્ટ્રપ્રેમમાં પરિવારવાદની વાત વિશે ફક્ત ગેરસમજ દૃઢ થઈ રહી હોય ત્યારે પૂ. મોટાની સમજ, નાનીને માર્ગદર્શન અને પરિવારની વારસાઈની સાચી વિભાવના કેવી રીતે ઉજાગર થઈ શકે તેનું જ્વલંત ઉદાહરણ નાનીની નિર્ભય અને ક્યાંક સંતુલિત વિદ્રોહી કર્મયાત્રા દ્વારા જડે છે. ખાસ તો નાની અને મુકુલ કલાર્થીનાં લગ્નના મુદ્દે.

નિરંજનાએ સત્યની કેડીએ, પ્રેમ પદારથ પામીને, કરુણાના રાજમાર્ગનો પ્રવાસ જીવનસાથી મુકુલ કલાર્થી સંગ કર્યો એ યાત્રાએ એને ‘બા-નાની-આજી’ બનાવ્યાં. નાની પોતાનાથી વીસ વર્ષ મોટા હરિજન અધ્યાપક મુકુલ કલાર્થીથી પ્રભાવિત. તે સમયની એમની જીવનયાત્રા સંઘર્ષયાત્રા હતી પરંતુ પ્રેમયાત્રા પાવક હતી. પ્રીતમે ગાયું છે તેમ માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને! માતા અને ભાઈના વિરોધને પૂ. મોટાનાં સહયોગનાં કારણે ખાળ્યો. તે સમયે મોટાએ બે પાઠ શીખવ્યા.

(૧) સામે થવું નહીં. (૨) વેર રાખવું નહીં. મોટાએ જ લગ્ન કરાવી આપ્યાં. આ જ પ્રેરણા જીવનભર પથદર્શક રહી. નિરંજનાબહેન-મુકુલભાઈનાં પુત્રી પ્રજ્ઞા માટે પણ મોટા પ્રજ્ઞાદર્શક રહ્યા. એમણે ભાખેલું કે પ્રજ્ઞા ડોક્ટર થશે અને એમ જ બન્યું. મોટાનાં માર્ગદર્શનમાં નાની પણ ભણ્યાં અને એમ.એ. એમ.એડ. થયાં. નાનીને લાગે છે કે મોટા હંમેશાં એમની સાથે છે. નાનીની લગ્નનિધિ મોટાએ જાતે લખેલી. એમના ભાઈએ તો માનો પક્ષ લઈ રિવોલ્વર કાઢેલી, પરંતુ એ જ ભાઈએ વરસો પછી દિલગીરી પણ વ્યક્ત કરેલી. મોટાએ મુકુલભાઈને પણ લગ્નવિધિ માટે અધિકૃત પરવાનગી આપી એમને બ્રાહ્મણ બનાવેલા. (પાનું : ૫૫).

ગિજુભાઈ બધેકા, મોહન પરીખ, નારાયણ દેસાઈ, કવિવર ઉમાશંકર જોશી, પિનાકીન ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટ જેવા અનેક મહાનુભાવોના સાંનિધ્યમાં નાનીનું નક્કર ઘડતર થયું જે એમની અણમોલ સંપદા બની રહ્યું. આ સંપદા કેવી જ્યાં ‘કવિ રાત્રી’, ‘આકાશ દર્શન’, ‘વાર્તાકથન’, ‘અભિનય’ હોય. પુસ્તકિયું ભણતર નહીં પરંતુ કેળવણી આત્મસાત્ કરવાની હોય! શ્રમયજ્ઞ અને વાંચનયજ્ઞનું સમાન મહત્ત્વ એ જુ.કાકાની દેણગી. વાત કૂવો ખોદવાની હોય કે રસ્તો બનાવવાની દરેકનું પ્રદાન અગત્યનું. સાહિત્ય સર્જન જીવનલક્ષી. નાની કહે છે કે નારાયણ દેસાઈ યુવાન તે અદ્દભુત નૃત્ય કરે (પાનું : ૩૭). નારાયણ દેસાઈ નાટકો લખે, ગાંધીનું જીવન ચરિત્ર લખે એ બધું ખબર, પરંતુ નૃત્ય કરે એ વાત વાંચીને હું તો ભારે અચંબિત!

ગુરુ દયાલ મલિકની પ્રેરણાથી નાની ‘સ્વરાજ આશ્રમ’માં શાંતિનિકેતનની પોતાની પરિકલ્પના સાકાર કરે છે. એમની નિશ્રામાં મહેનત કરે છે. એમના વિશે મુકુલ કલાર્થી સાથે મળીને પુસ્તક લખે છે, ‘પ્રભુ કૃપા કિરણ’ જેને ભદ્રાયુભાઈ ‘નાનીની નિશ્રા’માં પુસ્તક માટે પ્રેરકબળ માને છે. પ્રવાસ દરમિયાન સ્વામીદાદા સાથે હિમાલય દર્શન, આકાશ દર્શન, સમાજ દર્શન, પહાડી પ્રદેશમાં શિક્ષણ અને કેળવણી માટે જીવન દર્શનના પાઠ ભણવા, ગાંધી વિચાર દર્શનને સાકાર કરવા પિતા ઉત્તમચંદ શાહની મથામણ સમજવી અને સહભાગી થવામાં જીવનભર મહેનત કરવી, પુત્રી પ્રજ્ઞા સમેત અનેક તરુણી-યુવતીઓનાં શિક્ષણ અને જીવનલક્ષી કેળવણી માટે નિસ્બત અને સમર્પણ રાખવું એવી યાદગાર રહેલી ઘટનાઓને નાની વાગોળતા રહે અને આ પુસ્તકમાં સંકલિત કરાવવાની મહેનત ભદ્રાયુભાઈ કરતાં રહે એ ચિત્ર આ પુસ્તક વાંચતાં નજર સમક્ષ તરવરતું રહે છે. તરુણ-યુવાન વિદ્યાર્થિનીઓ સાથે સતત કામ પાર પાડવું અને તેઓ ધ્યેયથી વિચલિત ન થાય તે માટે સજાગ રહેવું, એમનો સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ સમજતાં રહેવું, જરૂર લાગે ત્યારે એમનાં ઘરની મુલાકાત લેવી અને એ બાલિકાઓ ભણે, કેળવાઈ અને જીવનમાં ગોઠવાઈને બહેતર સમાજનું નિર્માણ કરે એ કાર્ય અવિરતપણે નાની હજી કરે છે, એની ફળશ્રુતિની વાતો પણ અહીં થઈ છે. નાની વાતો વાગોળે છે એટલે સંકલનમાં પુનરાવર્તન પણ થયું છે.

૧૨૧ પાનાંનાં ફલક પર ૨૮ પ્રકરણોમાં ભદ્રાયુભાઈની કલમે શબ્દાંકિત નાનીની જીવનકથા ગાંધી વિચારે સમાજની દશા-દિશા પર કેવી અસરકારક ભૂમિકા ભજવી છે, તેનું યથાર્થ દર્શન કરાવે છે. અલબત્ત, અહીં સરદારસાહેબ અને એમના હનુમાન ઉત્તમચંદ શાહ અને સંતોકબહેન શાહ, નાની અને મુકુલ કલાર્થી પરિવારની કર્મઠતા જે રીતે ઉજાગર થઈ છે તે મને વાચક તરીકે વધારે અસરકારક લાગી છે. પ્રજ્ઞાબહેન, રામીબહેનનાં શિક્ષણ વિશેની વાતો સંયુક્ત કુટુંબનો વિસ્તાર કઈ રીતે નવ્ય વિચારદર્શક અને પ્રેરક બને છે તેમનું દિશાસૂચન કરે છે. ડો. પ્રજ્ઞાબહેન વિશેનો જય વસાવડાનો પૂરક લેખ ખાસ્સો રોચક-મોહક છે.

મારાં પરદેશથી આવેલાં સગાંસંબંધીઓ ખાસ આગ્રહ કરે કે સરદારના વ્યક્તિત્વની ઊંચાઈને સમજવા સ્ટેચ્યુ ઑવ યુનિટીની મુલાકાત લેવી જ જોઈએ! આ પુસ્તક વાંચતાં મને થયું કે હું કદાચ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત કરવાનું ચૂકી જઈશ તો ચાલશે પરંતુ નાનીને મળવાની રહી જાઉં તે તો ન જ ચાલે! 

ફરીથી ભદ્રાયુભાઈની કલમને સલામ સાથે ભલામણ કે આ પુસ્તક દરેક પુસ્તકાલયમાં હોવું તો જોઈએ સાથે વંચાતું પણ રહેવું જોઈએ … 

મૂલ્ય : ₹: ૩૫૦/- 

પ્રાપ્તિ સ્થાન: ZCAD Foundation, 905, Pipla Pole, Near Mahakali Temple, Saraspur, Ahmedabad – 380 018. Gujarat, India.

 Mobile : +919825752437/ 6358852437. 

મુકુલ ટ્રસ્ટ, સરદાર કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ, બારડોલી – ૩૯૪ ૬૦૧, ડિસ્ટિૃક્ટ સુરત, ગુજરાત, ભારત. 

ફોન- મોબાઇલ : +૯૧૯૮૨૪૫૭૫૯૩૯, ૯૫૬૦૭૦૩૯૬૬, ૯૪૨૭૧૨૪૭૬૭

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ–ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 July 2024 બકુલા ઘાસવાલા
← મેલ કરવત પાણીડાંનાં પાણીડાં !
ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved