દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે
‘દિન અભી પાની મેં હો, રાત કિનારે કે કરીબ, ન અંધેરા ન ઉજાલા હો, ન રાત ન દિન, જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે, મુઝ સે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝ કો … મૌત તૂ એક કવિતા હૈ’ ગુલઝરની આ પંક્તિઓ મૃત્યુનું વર્ણન એવી ખૂબસૂરતીથી, એવી નજાકતથી કરે છે કે કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જવાય. એમને જ્ઞાનપીઠ ઍવોર્ડ મળ્યાની જાહેરાત થઈ છે. ગુલઝાર એવાં કવિ છે, એવું વ્યક્તિત્વ છે કે ઍવોર્ડ એમને શોભાવે એ કરતાં તેઓ ઍવોર્ડને વધુ શોભાવે. આ સમાચારથી થોડી ક્ષણોમાં એમનો આખો બાયોડેટા નજર સામેથી પસાર થઈ ગયો. નામ – સંપૂર્ણસિંહ કાલરા, ઉપનામ – ગુલઝાર, વતન દીના, જિલ્લો જેલમ, હાલ પાકિસ્તાનમાં, ‘લખવામાં શું મળે?’ એવા પિતાના યક્ષપ્રશ્નનો જવાબ ન મળવાથી મોટરમિકેનિક તરીકે કામ કરતો આ દીકરો પ્રોગ્રેસિવ રાઇટર થવાના છાનાં સ્વપ્ન જોતો અને ટાગોરને આખા ગટગટાવી ગયેલો. રાખી તરફ ખેંચાવાનું એક મહત્ત્વનું કારણ એ પણ ખરું કે તે ટાગોરના દેશની હતી!
‘ટાગોર’ કાવ્યમાં ગુલઝાર લખે છે, ‘એક ગ્રામીણ માથા પર ગોળનું ભીલું લઈ ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, મીઠાં ટીપાં પડે છે અને ગ્રામીણ તે ચાટતો જાય છે. મીઠી સુગંધથી ખેંચાઇ આવેલી એક ભિનભિન કરતી છત્રી પણ સાથે ચાલે છે : મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રાખ દી?’ ખેતરમાં પાકેલા ગોળનો અન્ય એક સુંદર સંદર્ભ આવો પણ છે, ‘વહેલી સવારે એક સ્વપ્નના ટકોરાથી બારણું ખોલ્યું. સરહદપારથી થોડા લોકો આવ્યા હતા, આંખો બોલતી હતી, ચહેરા સાંભળતા હતા … મેં તંદુરમાં મકાઈના જાડા રોટલા શેક્યા, મારા મહેમાનો પોટલીમાં ગયા વરસનો ગોળ લાવ્યા હતા’ કાવ્ય આગળ વેદનાભર્યો વળાંક લે છે, ‘સરહદ પે કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પે કલ રાત સુના હૈ કુછ ખ્વાબો કા ખૂન હુઆ હૈ’ વતનની માટી પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝપે દિલ કુરબાન’, ‘કૌન તુઝે પાની પૂછેગા ફસલેં સિંચેગા, કૌન તેરી માટી મેં ઠંડી છાંવ ભીંજેગા, વતના વે, ઓ મેરેયા વતના વે’ અને ‘હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, યે ફાંસલે તેરી ગાલિયોં કે હમસે તય ન હુએ, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નઝર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે. ભારત-પાકિસ્તાનને ‘અ પૅર ઑફ ટ્વિન્સ બોર્ન અ ડે અપાર્ટ’ બીજું કોણ કહી શકે?
1963માં બિમલ રૉયની ફિલ્મ ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઈ લે’થી શરૂઆત કરનાર ગુલઝારે કારકિર્દીની અડધી સદીથી વધુ લાંબી મજલમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાઈને ‘કિરદાર’, ‘મિર્ઝા ગાલિબ’ જેવી ટેલિવિઝન સિરિયલો આપી છે અને ગૈરફિલ્મી સર્જક તરીકે પણ ગજું બતાવ્યું છે. તમામ સર્જનોને ગુલઝારે નિજી સ્પર્શ આપ્યો છે. તેમણે 50 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં છે, જેમાં ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહકતી ખુશબૂ’ જેવી નખશિખ કવિતાથી માંડી ‘જય હો’, ‘કજરારે’ અને ‘બીડી જલાઈ દે’ જેવાં ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટમ-સોંગ્સ છે. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે ચાર ફિલ્મફેર ઍવોર્ડ ઉપરાંત ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી અને એક ગ્રામી ઍવોર્ડ સાથે પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ પરિચય જરૂરી હતો એટલે દોડતે ઘોડે આપી દીધો, આપણું રસકેન્દ્ર તો છે ગુલઝારનું હૃદય એટલે કે તેમનાં કાવ્યો.
ટાગોર બહુવિધ પ્રતિભા ધરાવતા, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું પસંદ કરતા. ગુલઝાર પણ બહુવિધ પ્રતિભા ધરાવે છે, છતાં પોતાને કવિ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. એમણે ટાગોરનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ કરી એક મ્યુઝિક-આલ્બમ બનાવ્યું છે, ‘ગુલઝાર-ઇન કન્વરઝેશન વિથ ટાગોર’. ‘હુતુતુ’(1999) નિષ્ફળ ગયા પછી તેઓ ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઈ સર્જનાત્મક લેખન પર કેન્દ્રિત થયા છે. દરેક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પ્રિય હોય છે. કદાચ એટલા માટે કે કવિતા માણસની અંદર જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, ખૂલીને કહેવાની અને બધું ખંખેરીને મુક્ત થઈ જવાની તમામ શક્યતાઓને ઊઘડવા દે છે.
‘આદતન તુમને કર દિયે વાદે, આદતન હમને એતબાર કિયા; તેરી રાહોં મેં હર એક બાર રૂક કે, હમને ખુદ અપના ઇન્તઝાર કિયા; અબ ન માંગેંગે જિંદગી યા રબ, યે ગુનાહ હમને એક બાર કિયા’ શું છુપાયું છે ગુલઝરના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગી અને સંબંધોનાં રૂપ, ફૂલની પાંખડી પર નજાકતથી ચમકતી ઝાકળ જેવો રોમાન્સ, આકુળ હૃદયમાંથી વહેતું લોહી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર તેને સ્પર્શે એટલે બધું ખાસ થઈ જાય છે. તેમનાં 14થી વધારે પુસ્તકોમાંના છ કાવ્યસંગ્રહ અને 250થી વધારે ફિલ્મી ગીતો આની પ્રતીતિ આપે છે.
‘હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છૂટા કરતે, વક્ત કી શાખ સે લમહે નહીં ટૂટા કરતે; જિસને પૈરોં કે નિશાં ભી નહીં છોડે અપને, ઉસ મુસાફિર કા પતા ભી નહીં પૂછા કરતે’ – તેમની પંક્તિઓમાં સંબંધોના જુદા જુદા ચહેરા છે – ‘ખામોશી કા હાંસિલ ભી એક લંબી સી ખામોશી હૈ, ઉનકી બાત સુની ભી મૈંને, અપની બાત સુનાઈ ભી’, ‘શામિયાનેં શામોં કે રોજ હી સજાયે થે, કિતને ઉમ્મીદોં કે મહેમાં બુલાયે થે, આ કે દરવાજે સે લૌટ ગયે વો, યું ભી કોઈ આયેગા સોચા તો નહીં થા’, ‘રત્તી રત્તી સચ્ચી મૈંને જાન ગંવાઈ હૈ, અખિયોં કી નીંદ મૈંને ફૂંકો સે ઉડાઈ હૈ, ગિન ગિન તારે મૈંને ઉંગલી જલાઈ હૈ’
‘ચરખા ચલાતી માં, ધાગા બનાતી માં, બુનતી હૈ સપનોં કે ખેસ રી; બેટોં કો દેતી મહલઅટરિયાં બેટી કો દેતી પરદેસ રી; જગ મેં જનમ ક્યોં લેતી હૈ બેટી, આયે ક્યોં બિદાઇવાલી રાત રી’ સાંભળીને કોઇની આંખ કોરી ન રહી શકે અને ‘યે સુબહ સાંસ લેગી ઔર બાદબાં ખુલેગા, પલકેં ઉઠાઓ જાનમ યે આસમાં ખુલેગા’ એવી નજાકતથી પ્રિયતમાને ગુલઝાર સિવાય કોણ જગાડી શકે? શબ્દના સ્વામીને શબ્દ મૂંઝવે પણ ખરો : નઝમ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠોં પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લફઝ કાગઝ પે બૈઠતે હી નહીં’
‘હર એક રોજ નયા આસમાન ખુલતા હૈ, ખબર નહીં હૈ કિ કલ દિન કા રંગ ક્યા હોગા’, ‘કૌન ઢૂંઢે જવાબ દર્દો કે, લોગ તો બસ સવાલ કરતે હૈં’, ‘રાહોં સે રાહી કા રિશ્તા કિતને જનમ પુરાના, એક કો ચલતે જાના આગે, એક કો પીછે જાના; મોડ પે મત રૂક જાના બંધુ દો રાહો મેં ફંસ કે’ જિંદગીની જદ્દોજહદનું આ આકલન કેટલું સચોટ છે, ‘ન સમંદર નિગલ સકા ન તવારીખ તોડ પાઇ હૈ; વક્ત કી મૌજ પર સદા બહતા, આદમી બુલબુલા હૈ પાની કા’ – ગુલઝારના શબ્દો એટલે સંવેદનશીલ મનની ભીનાશ અને જિંદગીના જટિલ અનુભવોની ઇબારત …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 માર્ચ 2024