Opinion Magazine
Number of visits: 10,257,686
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાખો પુસ્તકોનું ગ્રંથાલય દિલ્હીના વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભોગ બનશે?

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 October 2026

સાડા આઠ લાખ પુસ્તકો ધરાવતાં દિલ્હીના એક સરકારી ગ્રંથાલય માટે જ્ઞાનશત્રુ શાસકોએ જગ્યા ફાળવી નથી, એવા કમનસીબ સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળી રહ્યા છે. દેશના પાટનગરની CSL તરીકે ઓળખાતી 135 વર્ષ પ્રાચીન એવી Central Secretariat Libraryની આ વાત છે. આ કેન્દ્રીય સચિવાલય પુસ્તકાલયને હવે બીજી જગ્યાએ ખસેડવું પડે તેમ છે. બેવકૂફ સરકારી બાબુઓએ અત્યારની કુલ 5,500 ચોરસ મીટર જગ્યા ધરાવતાં ચાર માળના ગ્રંથાલય માટે બે ઓરડા ફાળવ્યા છે જેનું કુલ ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે.

પુસ્તકો ઉપરાંત દુર્લભ દસ્તાવેજો અને સામયિકોનો અહીં સંગ્રહ છે. અહીં ઓગણીસમી સદી પહેલાંના પુસ્તકોનો વિભાગ છે. સહુથી પ્રાચીન પુસ્તક 1702ના વર્ષનું છે, જેમાં એક ફ્રેન્ચ મુસાફરનાં લખાણો છે. વાચનપ્રેમી નાગરિકો અને અભ્યાસીઓ ઉપરાંત યુવાનો અહીં અભ્યાસ કરીને ઉચ્ચ સરકારી હોદ્દે પહોંચ્યા છે. સનદી અધિકારીઓ એક મહત્ત્વના માહિતી સ્રોત  તરીકે આ ગ્રંથાલયનો ઉપયોગ કરતાં આવ્યા છે. 

દેશના સહુથી મોટા ગ્રંથાલયોમાં CSL બીજા ક્રમનું સ્થાન ધરાવે છે. તેની સ્થાપના બ્રિટિશ શાસનની એક સમયની રાજધાની કોલકાતામાં 1883માં થઈ હતી. ત્યાર બાદ આ લાઇબ્રેરીને દિલ્હી લાવવામાં આવી અને બે જગ્યાઓ બદલ્યા બાદ 1969થી અત્યાર સુધી શાસ્ત્રી ભવનમાં સ્થિર છે. 

લાઇબ્રેરીને શાસ્ત્રી ભવનમાંથી અન્યત્ર ખસેડવી પડી રહી છે તેનું કારણ ઠાલી ભભક અને ભવ્યતાના ભૂખ્યા શાસકોએ ચાલવેલી Central Vista Redevelopment Project નામની વિકરાળ વિકાસ યોજના છે, જેના માટે જનતાના પરસેવાના હજારો કરોડ (એક અંદાજ પ્રમાણે વીસ હજાર કરોડ) રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  Central Vistaના ટૂંકા નામે ઓળખાતી આ યોજનામાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો ત્રણ કિલોમીટરના વિસ્તારનો પુનર્વિકાસ કરવાનો છે. ઊલટા કાળજાની શાસકોએ 2020માં મહામારીની પરવા કર્યા વિના શરૂ કરેલી આ યોજનામાં નવું સંસદ ભવન આવ્યું છે. વડા પ્રધાન તેમ જ ઉપરાષ્ટ્રપતિ માટેનાં મહાલયો અને બધાં ખાતાંઓ સાથેનાં નવા કેન્દ્રીય સચિવાલયના ફેરબાંધકામનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. CSL જેમાં છે તે શાસ્ત્રીભવન પર બુલડોઝરના નિશાન પર છે. 

CSLના સ્થાનાંતરણ અંગે આ લાઇબ્રેરીને લગતાં સંસ્કૃતિ મંત્રાલયના પૂર્વ સચિવ ગોવિંદ મોહને 12 સપ્ટેમ્બર 2023ના રોજ  સરકારને લખ્યું હતું કે આ લાઇબ્રેરી ‘ભારતીય અને વિદેશી દસ્તાવેજોના જ્ઞાનનો એક સહુથી મોટો ખજાનો’ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી ‘માત્ર કેન્દ્ર સરકારના મંત્રાલયોની જરૂરિયાત પૂરી પાડે છે, એટલું જ નહીં તે ભારત સરકારના તમામ પ્રકાશનોનો ભંડાર પણ’ છે. એટલે તેમણે સેન્ટ્રલ વિસ્ટાના કૉમન સેન્ટ્રલ સેક્રેટેરિયએટમાં સાડા પાંચ હજાર ચોરસ મીટરની ગ્રંથાલયની મહત્તાને શોભે તેવી theme-based અને બધા મંત્રાલયો માટે સુલભ એવી ઈમારતનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આવી ઉચિત માગણી સામે સરકારે લાઇબ્રેરી માટે ઉપરોક્ત 300 ચોરસ મીટરની જગ્યા ફાળવી, જેનો CSL એ સ્વાભાવિક રીતે જ અસ્વીકાર કર્યો. ત્યાર બાદ સરકારે આ ગ્રંથાલયને 30 સપ્ટેમ્બર સુધીમાં પુસ્તકો, રાચરચીલા અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણો સહિત ઉચાળા ભરવાની નોટિસ આપી ! પ્રોજેક્ટ 2019ના સપ્ટેમ્બરમાં ચાલુ થયો. તેના પ્લાન મુજબ શાસ્ત્રી ભવનને હઠાવવાનું તો હતું જ. પણ લાઇબ્રેરી માટે પર્યાપ્ત જગ્યા મળે તે માટેની કોશિશો છેક સપ્ટેમ્બર 2023માં ચાલુ થઈ અને હજુ સુધી સફળ થઈ નથી !  

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં 30 સપ્ટેમ્બર 2026ની પહેલા પાનાની સ્ટોરીને પગલે સર્વોચ્ચ અદાલતે ગ્રંથાલયના સ્થાનાંતર માટેની નવી જગ્યા સાવ અપૂરતી હોવાનું સ્વ-સંજ્ઞાન (suo moto) લીધું અને 5 ઓક્ટોબરે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. તેમાં તેણે સરકારને પ્રસ્તાવિત સ્થાનાંતરની તમામ વિગતો સોગંધનામા પર જણાવવાનો આદેશ આપ્યો અને હવે પછીની સુનવણી માટે 16 નવેમ્બરની તારીખ આપી. 

આ લાઇબ્રેરીને પંદર વર્ષ પહેલાં થઈ ચૂકેલા નુકસાનની એક અલગ કહાણી છે. આ લાઇબ્રેરીનો 14 ભારતીય ભાષાના બે લાખ પુસ્તકોનો એક વિભાગ હતો. તે નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સંકુલમાં હતો. ‘તુલસી સદન’ નામે વિભાગ 1972માં ‘રામચરિતમાનસ’ની ચારસોમી જયંતી પર શરૂ થયો હતો. આ વિભાગની જગ્યાએ મંડી હાઉસ મેટ્રો સ્ટેશનનું બાંધકામ શરૂ થયું અને લાઇબ્રેરી ‘હંગામી ધોરણે’ બંધ કરવામાં આવી. તેમાંનાં પુસ્તકો ખોખાંમાં ભરીને આર.કે. પુરમ્‌ વિસ્તારની એક ઈમારતના પહેલાં માળે મૂકી દેવામાં આવ્યાં તે આજ સુધી એમ જ છે ! ‘એક્સપ્રેસે’ સંસ્કૃતિ મંત્રાલયના 2011થી ચાલુ વર્ષ સુધીના વાર્ષિક અહવાલોમાંથી આ તુલસી સદનને લગતા હિસ્સા ટાંકીને આ ગ્રંથાલયના સ્થાનાંતરને સરકાર કેવી રીતે અભરાઈએ ચઢાવતી રહી છે તે બતાવ્યું છે. જો કે સાંસ્કૃતિક ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખીના હસ્તક્ષેપથી આસામી અને કન્નડ ભાષાનાં પુસ્તકો CSLમાં પાછા લાવી શકાયાં છે. 

પેલા ઘાતકી વિસ્ટા પ્રોજેક્ટના નિશાન પર ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના તીર્થો સમાં India’s National Museum, National Archives and National Centre for the Arts પણ છે. આ પ્રોજેક્ટનાં જમા પાસાં દર્શાવતાં લખાણો મળે છે, જે અગ્રતા અને  નુકસાનના પ્રમાણમાં નજીવા જણાય છે. સ્વાભાવિક રીતે જ નિસબત ધરાવતા વિશ્વવિખ્યાત ઇતિહાસકારો. સ્થપતિઓ, પર્યાવરણવિદો,આર્કાઈવિસ્ટો, કલાકારો, ગ્રંથજ્ઞો, અકેડેમિક્સ, પત્રકારો, બૌદ્ધિકો, કર્મશીલો અને જાગૃત નાગરિકોએ કરેલા વિસ્ટા પ્રોજેક્ટના વિરોધને સરકારે ગાંઠ્યો નથી. 

હજારો નાગરિકોને ભરખી જનાર મહામારીની બિલકુલ સમાંતરે મહિનાઓના લૉકડાઉન, લાખો શ્રમજીવીઓની હિજરતો, પીડા-ડર-મોતના ઘેરા વચ્ચે સંવેદનહીન સરકારે વિસ્ટા પ્રોજેક્ટ ચાલુ રાખ્યો હતો, કેમ કે તેની પહેલી અને એકમાત્ર પસંદગી રાક્ષસી મહાત્ત્વાકાંક્ષા હતી. કોરોનામાં પિસાતાં લોકના કરવેરાના કરોડો રૂપિયા તેણે આરોગ્યસેવાને બદલે તોડફોડમાં વેડફ્યા. વિસ્ટા પ્રોજેક્ટને એક અંગ્રેજી અખબારે artless and heartless તરીકે નવાજ્યો. અન્યત્ર એક જગ્યાએ તેને માટે vista of vanity અર્થાત મિથ્યાભિમાનની વિથી એવો શબ્દપ્રયોગ વાપર્યો.

મિથ્યાભિમાનને જ્ઞાનથી છેટું જ હોય, પુસ્તકોથી છેટું હોય, એટલે ભલે ને તુલસી ભવનને પગલે Central Secretariat Library (CSL) / કેન્દ્રીય સચિવાલય પુસ્તકાલય રદેફદે થાય ! કે પછી સંવિધાન બચાવવા માટે ચાલી રહેલી લડતની જેમ આ ગ્રંથાલય બચાવવા માટે પણ લડત થશે ? 

કેટલીક લિન્ક્સમાંથી  બે લિન્ક્સ : 

https://youtu.be/ax5DVlUYi0M?si=8N0Bt40AIqN6ScCm
https://youtu.be/J0lfml-WFqE?si=S0kn0EO5r6O8SuSQ

• આવતી કાલ 7 સપ્ટેમ્બરે ગુજરાતી વિશ્વકોશ ભવનના ઉપક્રમે ‘ગ્રંથાલય સંસ્કૃતિ : આજ અને આવતી કાલ’ વિષય પર એક દિવસના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. એ વિષય સાંભળતાં જ, CSL પર લેખ લખવાના બે-ત્રણ દિવસથી કરેલા મનસૂબાને ધક્કો લાગ્યો. 

આભાર : દર્શન દેસાઈ, આશિષ મહેતા • કોલાજ સૌજન્ય પરીક્ષિત મેઘના મુકેશ 

06 ઑક્ટોબર 2026 
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

7 October 2026 Vipool Kalyani
← નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે. →

Search by

Opinion

  • વિશ્વકોશ ભવનમાં યોજાયો ગ્રંથાલય સંસ્કૃતિ વિશે પરિસંવાદ
  • પ્રતિરોધની રાજનીતિ : દમ બ દમ વિપક્ષ ને જેન ઝી : કદમ બ કદમ 
  • નેપાળનો જળપ્રલય માનવીય ભૂલોનું પરિણામ છે.
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • એક મચ્છરે ‘સ્મિત’ પાછું આણ્યું …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved