આપણે જોયું કે કલ્પિત વાર્તાઓથી, ભગવાનો, ચલણી નાણાં કે રાષ્ટ્રો જેવી ઇન્ટરસબ્જેક્ટિવ વસ્તુઓથી અને તે માટે રચાયેલાં નેટવર્ક્સથી લોકો પ્રભાવિત થઈ જતા હોય છે, અને નિરન્તર દોરવાતા રહે છે.
એથી એવા કોઈપણ નેટવર્કને બે ગર્ભિત લાભ થાય છે, હરારી ઉમેરે છે, પણ સત્યને વેઠવું પડે છે. કેમ કે સત્ય સંકુલ હોય છે કેમ કે એ જે વાસ્તવિકતા રજૂ કરે છે તે સંકુલ હોય છે.
નેટવર્ક ઘડનારાઓને પહેલો લાભ એ થાય કે એની વાર્તા સરળ બનાવી શકાય, જેથી લોકને સમજવામાં તકલીફ ન પડે. બીજો લાભ એ કે સત્યને મધમીઠું બનાવી લેવાય, જેથી એ ગમે તેટલું કડવું હોય તો પણ લોકને ગળે ઊતરી જાય. કેમ કે કેટલાં ય સત્ય કડવાં જ હોય છે.
બહુ-સ્વીકાર અને ખુશામત વિસ્તરતાં રહે એ માટેનાં એ નેટવર્ક્સને પરિણામે, સત્ય સત્ય જ નથી રહેતું. હરારી સરસ કહે છે, સત્ય કરતાં તો વાર્તા વધુ સ્થિતિસ્થાપક કે નમનીય હોય છે. મને એમના મનમાં એ ખયાલ રહેલો વરતાય છે કે સત્ય પ્રખર અને અટળ હોય છે.
તેઓ જણાવે છે કે દરેક રાષ્ટ્રના ઇતિહાસમાં કેટલાક ડાર્ક ઍપિસોડ્ઝ હોય છે, એટલે કે, નક્કારભરી કે શરમજનક ઘટનાઓ, જેનો સ્વીકાર કે સ્મરણ પ્રજાજનો માટે સરળ કે શક્ય નથી હોતાં. પોતાના દેશનું દૃષ્ટાન્ત જોડીને તેઓ કહે છે કે ઇઝરાઇલી રાજકારણી પોતાની ઇલેક્શન સ્પીચમાં વીગતે જો એમ કહે કે પૅલેસ્ટાઇન પરના ઇઝરાઇલ ઑક્યુપેશનને કારણે ત્યાંના નાગરિકોને આટઆટલી યાતનાઓ ભોગવવી પડી છે, તો એને ઝાઝા મત નહીં મળે. એને બદલે જે રાજકારણી અસુખકર હકીકતોને બાજુએ મૂકીને, યહૂદી-ભૂતકાળની ઝગમગતી ક્ષણો ગૂંથીને, રાષ્ટ્રીય ગાથા – નેશનલ મિથ – ઘડી કાઢશે, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે વાસ્તવિકતાને અલંકૃત કરશે, તો સત્તા સરળતાથી પામશે.
એવી ગાથાને, મિથને, હું સાચ-જૂઠ-કલ્પનાની ‘સ્મૂધી’ કહું છું. સ્મૂધી જાણીતું પીણું છે, જે સ્ટ્રૉબેરી કે બ્લૂબૅરી જેવાં ફળ, કંઇક ગ્રીક યોગર્ટ અને બરફ નાખીને બનાવાયેલું લોકપ્રિય પીણું છે.
હરારી કહે છે, આવો કેસ માત્ર ઇઝરાઇલમાં જ નહીં પણ બધા જ દેશોમાં જોવા મળે છે. હરારી પૂછે છે : કેટલા ઇટાલિયનો કે ઇન્ડિયનો પોતાના રાષ્ટ્રના લાંછનરહિત સત્યને સુણવા ઇચ્છશે?
હરારીએ અહીં એવા લાંછનરહિત સત્યનો ઉલ્લેખ કર્યો હોત તો સારું કહેવાત. પણ એક ઇન્ડિયન તરીકે હું કહું કે અસ્પૃશ્યતા મારા રાષ્ટ્રનું ઘોર પાતક છે, બલકે માનવતાને કપાળે મહા કલંક છે.
ગાથાઓ રચીને જૂઠને ચલણી બનાવાય છે. એ સંદર્ભમાં પ્લેટોના “Republic”-નો ઉલ્લેખ કરી હરારી જણાવે છે કે એમના ‘યુટોપીયન’ રાજ્યનું કલ્પિત રાજ્યબંધારણ કેવું તો ઉમદા જૂઠ છે, noble lie.
સામાજિક વ્યવસ્થા અથવા સુગ્રથિત સમાજના મૂળ વિશે કાલ્પનિક વાર્તા રજૂ કરીને પ્લેટો દર્શાવે છે કે એ બંધારણથી નગરજનોની વફાદારી સુદૃઢ થાય છે, સાથોસાથ, રાજ્યબંધારણ વિશે તેઓએ કશા પ્રશ્નો પણ નહીં કરવા પડે. પ્લેટોએ લખ્યું કે નગરજનોએ જાણવું જોઈશે કે તેઓ પૃથ્વીનાં સન્તાન છે, ધરતી તેમની માતા છે, અને તેને વફાદાર રહેવું તે તેમનું કર્તવ્ય છે. નગરજનોએ એ પણ સમજવું જોઈશે કે તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે દેવોએ તેમાં સોનું રૂપું કાંસુ લોહ મિશ્રિત કરી દીધેલાં, અને તેને પ્રતાપે, સુવર્ણ રાજાઓ અને કાંસ્ય સેવકો વચ્ચે જે ઉચ્ચાવચતા છે તેને પ્રાકૃતિક સમજવી.
હરારી કહે છે કે પ્લેટોનું એ યુટોપીયન રાજ્ય વાસ્તવમાં કદી આકારિત થયેલું જ નહીં, પણ સદીઓ દરમ્યાન રાજકારણીઓએ પોતાના રહેવાસીઓને આ ઉમદા જૂઠ જુદા જુદા શબ્દોમાં કહ્યે રાખેલું.
કાલ્પનિક કે દેવોથી સમર્થિત ‘ડિવાઇન ઓરિજિન’ ધરાવતા રાજ્યબંધારણમાં નહીં, પણ હરારીને જેનો મૂળાધાર માણસ હોય એવા ‘હ્યુમન ઓરિજિન’ રાજ્યબંધારણમાં શ્રદ્ધા છે. એટલા માટે કે હ્યુમન ઓરિજિન ધરાવતા રાજ્યબંધારણમાં સુધારા-વધારાની – ઍમેન્ડમૅન્ટ્સની – શક્યતા ખુલ્લી રહે છે. એમણે યુ.ઍસ.એ.-નો દાખલો ટાંકીને કહ્યું છે કે એ હ્યુમન ઓરિજિન છે, એનો પ્રારમ્ભ જ ‘We the people’ -થી થાય છે. જ્યારે, ‘ટેન કમાન્ડમૅન્ટ્સ’-નો પ્રારમ્ભ ‘I am the Lord your God’ -થી થાય છે. માનવ વડે થનારા સુધારા-વધારાને એ રોકે છે.
૨૦૨૪-ના સપ્ટેમ્બર સુધીમાં ભારતના રાજ્યબંધારણમાં ૧૦૬ સુધારા-વધારા થયા છે. એમાં પ્રારમ્ભે શબ્દો છે, ‘We the people of India’.
+ +
હરારીનાં મન્તવ્યો પરથી મને એક પ્રશ્ન થાય છે કે સ્ટોરી તો હિસ્ટરીના પેટમાં વસી હોય છે અથવા સ્ટોરી હતી તો હિસ્ટરી છે; તેથી, હિસ્ટોરિકલ ફૅક્ટ્સને સ્થાને એ વાર્તાઓ પણ હરતીફરતી થઈને પ્રભાવક બની જાય કે કેમ. આમે ય, ટ્રુથ, અન્ટ્રુથ, મૅમરી, ઇમેજિનેશન, હિસ્ટરી, સ્ટોરી અને મિથની પ્રજાજીવનમાં ભેળસેળ થતી જ હોય છે.
નાનપણમાં આપણે સૌએ રાજાઓની વાર્તાઓ બહુ સાંભળી હોય છે, માનીતી-અણમાનીતીની કે એક રાજાને સોળ રાણીઓ હતી, વગેરે. ઉપરાન્ત, ભારતવાસીના જીવનમાં, નાના રાજવીઓ ઠાકોરો રાજાઓ મહારાજાઓ સમ્રાટો પ્રકારે વાસ્તવિક રાજાશાહીનો પહેલેથી પ્રભાવ રહ્યો છે. રાજા માટે, રાજ્ય માટે, માણસને અહોભાવ હોય છે, પોતે ત્યાંનો રહેવાસી હોય તો એ અહોભાવ વિભૂતિપૂજામાં પરિણમતો હોય છે.
ગાયકવાડી રાજ્યના વડોદરા-ડભોઇમાં જનમેલા અને ઊછરેલા એવા મને રાજાઓ વિશે સ્વાભાવિકપણે ચાહતભર્યો સદ્ભાવ હતો. પિતાજી કહેતા કે દશેરાએ વડોદરામાં એમની સવારી નીકળે છે, આપણા રાજા હાથી પર સોનાની અંબાડીમાં બેઠા હોય છે, સેવકો સિક્કા ઉછાળતા હોય છે, લોક ઝીલી લે છે કે વીણી લે છે … મને એ સવારી જોવાની ઘણી ઇચ્છા હતી પણ શક્ય નહીં બનેલું. જો કે, 1964-માં, ઍમ. ઍસ.યુનિવર્સિટી વડોદરામાં, ઍમ.એ.-ના મારા કૉન્વોકેશન વખતે, મેં સાક્ષાત્ ફત્તેસિંહરાવને જોયા, એમના હાથે સ-નમસ્કાર સર્ટિફિકેટ સ્વીકાર્યું, ત્યારે મને એવું લાગેલું કે એમના રાજ્યનો હું એક ઉપયોગી આશાસ્પદ યુવાન છું.
હું માધ્યમિકમાં ભણતો’તો ત્યાંલગી એમ જ માનતો હતો કે અકબર તો એકદમ સારો મુઘલ સમ્રાટ હતો. કેમ કે મેં ‘દિને-ઇલાહી’, હાસ્યકાર બિરબલ સહિતનો એનો ‘નવરત્ન દરબાર’, ‘અકબર ધ ગ્રેટ’ જેવો બઝવર્ડ, વગેરે રસિક સ્ટોરીઝ સાંભળેલી. પણ જ્યારે જાણ્યું કે એક રાજા તરીકે અકબરે જાતે કેટલીયે હત્યાઓ કરેલી અને કેટલીયે કરાવેલી — ઇતિહાસકારો લખે છે કે 1568-માં ચિત્તોડગઢ કબજે કર્યા પછી એણે ૩૦ હજાર રાજપૂતોના general massacre-નો, કત્લેઆમનો, હુકમ કરેલો, મારું મન દુ:ખી થઇ ગયેલું. મારા માટે એ પ્રશ્ન વિચારણીય બની ગયેલો કે એ હત્યાઓ સામ્રાજ્યના વિકાસ માટે હતી કે પ્રજાના કલ્યાણ માટે.
એમ ધીમે ધીમે હું નિર્ભાન્ત થવા લાગેલો. હિસ્ટરી મારા માટે સ્ટોરીને સ્થાને હિંસ્ર ઘટનાઓના આઘાતક સમાચારો બનવા લાગેલી. અને હિંસાના કરનારા સત્તાધીશો જ હતા જેઓ પ્રજાકલ્યાણ અને ન્યાયસંગત શાસનનાં બણગાં ફૂંકતા’તા! ક્રમે ક્રમે હું કાન્ટ, સાર્ત્ર અને કામૂનાં દર્શનોમાં તેમ જ આધુનિક સંવેદનાનાં સાહિત્યસર્જનોમાં પ્રવેશ્યો હતો, ને ઊડો ઊતરેલો.
ઍમ.એ.ના અભ્યાસ પછી અને આધુનિક સાહિત્યના અધ્યયન દરમ્યાન મેં બન્ને વિશ્વયુદ્ધો વિશે વાંચ્યું. અનેક કત્લેઆમ વિશે પણ વાંચ્યું. 1919-ની ‘જલિયાનવાલા બાગ’-ની કત્લેઆમ; 1915-થી 1917 દરમ્યાન ઓટોમન ઍમ્પાયરે લાખથી પણ વધુ અમેરિકનોને વધેરી નાખેલા એ ‘ધ અમેરિકન જેનોસાઇડ’; બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી જર્મનીએ ૬૦ લાખ યહૂદીઓને ખતમ કરી નાખેલા એ ‘ધ હોલોકાસ્ટ’; 1994 -નો હુટુ અન્તિમવાદીઓ દ્વારા થયેલી આશરે ૮ લાખ લોકોની હત્યાનો ‘ર્-વાન્ડાન્ જેનોસાઇડ’; વગેરે જાણ્યું ત્યારે મનુષ્યજીવનના નેતૃત્વ વિશેનું મારું દૃષ્ટિબિન્દુ બદલાઇ ગયેલું.
એ જુદી વાત છે કે હિંસાને હું રાજશાસનના જરૂરી સત્ય તરીકે આજે પણ નથી સ્વીકારી શકતો. પરન્તુ એટલે મને મન:સમાધાન રહે છે કે લોકશાસનમાં ભલા એ તો નથી થતું!
સત્યની ઉપર ઓછામાં ઓછું એક સત્ય હમેશાં હોય છે. ઇતિહાસ પૂર્વગ્રહદૂષિત, ખોટા અને અવિશ્સનીય હોય છે. ખાસ તો, ઘણા પાછળથી લખાયેલા અથવા અમુક સ્થાને અટકી જતા ઇતિહાસો અધૂરા હોય છે.
એટલે, હરારી ‘સ્ટોન એજ’-નાં દૃષ્ટાન્તો આપે ત્યારે મને એમની વિદ્વત્તા વિશે કશો જ પ્રશ્ન થતો નથી, પણ એવાં દૂરવર્તી દૃષ્ટાન્તો મને બહુ અસરકારક નથી લાગતાં. એથી એમની દલીલ મને પૂરેપૂરી વસતી નથી.
અફકોર્સ, આઈ નીડ ટુ લિસન ટુ હિમ ક્લૉઝલિ ઍન્ડ પે ઍટેન્શન ટુ ઍવરીથિન્ગ હી સેઝ.
ક્રમશ:
(14Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર