
રવીન્દ્ર પારેખ
નવી શિક્ષા નીતિ-2020 લાગુ થઈ, તેમાં માતૃભાષા, અંગ્રેજી, ઉપરાંત અન્ય એક ભાષા, ત્રીજી ભાષા તરીકે શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો, તો એનો તમિલનાડુ સરકારને વાંધો પડ્યો. તેને એવો ડર છે કે ત્રીજી ભાષા તરીકે હિન્દી દાખલ પડી જશે. એમ થશે તો હિન્દી ભાષા અને સંસ્કૃતિનું વર્ચસ્વ વધશે અને તમિલની મૂળ સંસ્કૃતિ ઝાંખી પડશે. જો કે, નવી શિક્ષા નીતિમાં એવો આગ્રહ નથી કે ત્રીજી ભાષા હિન્દી જ હોય, પણ હિન્દી માટેનો પૂર્વગ્રહ તમિલનાડુ સરકારને એવો છે કે ઉત્તર ભારતના હિન્દી બહુલ પ્રદેશોમાં ત્રીજી ભાષા તરીકે દક્ષિણની ભાષાઓ શીખવાતી ન હોય તો દક્ષિણના રાજ્યો હિન્દીનો મહિમા શું કામ થવા દે? એ પણ છે કે તમિલનાડુ હિન્દી સિવાય અન્ય પ્રાદેશિક ભાષા જેવી કે બંગાળી, ગુજરાતી પણ નહીં અપનાવે, કારણ કે એ રાજ્યોમાં પણ દક્ષિણની ભાષાઓ શીખવાતી નથી. આમ ત્રીજી ભાષાનું ગાડું ઘોંચમાં પડ્યું હોવાથી કેન્દ્ર સરકારે તમિલનાડુને મળવાપાત્ર સમગ્ર શિક્ષા અભિયાનનું 2,152 કરોડનું ફંડ ફાળવ્યું નથી.
થોડા વખત પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા સુરેશ ભૈયાજી મુંબઇમાં એવું બોલ્યા કે મુંબઇમાં રહેનારે મરાઠી શીખવી અનિવાર્ય નથી. નેતાઓ વિચારીને બોલે એવું અપવાદોમાં બનતું હોય તો પણ, પ્રજા તો પ્રતિક્રિયા આપતી જ હોય છે. મુંબઈની મરાઠી પ્રજા ભૈયાજીની ભાષા ટિપ્પણીથી એવી દુભાઈ કે ઠેર ઠેર વિરોધ શરૂ થયો ને વાત મહારાષ્ટ્ર વિધાનસભા સુધી પહોંચતાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરવી પડી કે મરાઠી શીખવી દરેક મુંબઈગરાની ફરજ છે. બીજી તરફ મરાઠીનો જ મહિમા કરવા એક અરજી અકોલા જિલ્લાની પાતુર નગમ નિગમની પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાંગડેએ કરી હતી. તેમણે સાઇન બોર્ડ પરની ઉર્દૂ ભાષાના ઉપયોગ સામે વાંધો લેતા ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી (સત્તાવાર ભાષા) એક્ટ, 2022 હેઠળ ફક્ત મરાઠીનો જ ઉપયોગ થવો જોઈએ. મુંબઈ હાઇકોર્ટે એ અરજી કાઢી નાખી, તો વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને સુપ્રીમની જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની બેન્ચે પણ અરજી ફગાવી દેતાં કહ્યું કે ભાષા કોઈ ધર્મની ન હોઈ શકે, તે સમુદાય કે ક્ષેત્ર કે લોકોની હોય છે. ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે. તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા ન હોય. કોર્ટે એવું પણ ઉમેર્યું કે ઉર્દૂ ‘ગંગા-જમની તહેજીબ’નું શ્રેષ્ઠ ઉદાહરણ છે ને તેનો જન્મ ભારતમાં જ થયો છે. ઉર્દૂ અને મરાઠી બંનેને બંધારણ હેઠળ સમાન દરજ્જો પ્રાપ્ત છે. સુપ્રીમે એ સ્પષ્ટતા પણ કરી કે જો સ્થાનિકો ઉર્દૂ ભાષાથી પરિચિત છે, તો સાઇન બોર્ડ પર આ ભાષાના પ્રયોગ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.
બીજા રાજ્યોને પણ માતૃભાષાનું મમત્વ હશે, પણ તમિલ અને મહારાષ્ટ્ર, માતૃભાષા પરત્વે વધુ સંવેદનશીલ છે. બીજી ભાષા માતૃભાષા પર વર્ચસ્વ ન ભોગવે એટલે હિન્દી કે ઉર્દૂના પ્રભાવને આ રાજ્યો વધવા નથી દેતા. એ ખરું કે ત્રીજી ભાષા તરીકે હિન્દીનો આગ્રહ કેન્દ્ર સરકારનો નથી જ, છતાં તેનો આગ્રહ થવાના ભયે તમિલનાડુ સરકારને મળવા પાત્ર 2,152 કરોડનું ફંડ લેવાની પણ ઉતાવળ નથી. એ પણ છે કે મરાઠી વિરુદ્ધ કોઈ હિલચાલ મહારાષ્ટ્ર રાજ્ય કે પ્રજા સહન કરી શકતી નથી, એટલે જ તો ભૈયાજી જેવા નેતાની વિરુદ્ધ પડીને પણ પ્રજા સરકારમાં પોતાનો કક્કો ખરો કરાવે છે કે પાતુર નગમ નિગમના પૂર્વ કાઉન્સિલર પણ મરાઠીનો જ મહિમા થાય એટલે ઉર્દૂ સાઇન બોર્ડનો પ્રભાવ ન રહે એની ચિંતા કરે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણનાં રાજ્યો ભાષા બાબતે આંદોલન કરે છે, એવું એક આંદોલન ગુજરાતી માટે ગુજરાતમાં થયાનું યાદ આવતું નથી.
અંગ્રેજોનું શાસન હતું ત્યારે સુરતમાં 1836માં ઘણું ખરું ખ્રિસ્તી મિશનરી દ્વારા ગુજરાતી શાળા શરૂ થઈ. મતલબ કે ગુજરાતી શાળા અંગ્રેજોએ શરૂ કરી ને કમાલ જુઓ કે ગુજરાત સરકાર ગુજરાતી સ્કૂલો બંધ કરે છે ને અંગ્રેજી સ્કૂલોનું લાઇસન્સ આપે છે. ગુજરાતી સ્કૂલો બંધ થાય છે તેનું કારણ એમ અપાય છે કે વિદ્યાર્થીઓ નથી મળતા. સવાલ એ થાય કે સાત કરોડ ગુજરાતીઓ જન્મે અંગ્રેજ છે કે અંગ્રેજી સ્કૂલો ખૂલે ને ગુજરાતી સ્કૂલો બંધ કરવી પડે? સાત કરોડની વસ્તી ગુજરાતની હોય ને વિદ્યાર્થીઓ ન મળે એ વાત ગળે ઊતરે એમ નથી. વિદ્યાર્થીઓ મળતા નથી કે વિદ્યાર્થીઓ મળે જ નહીં તેવા પ્રયત્નો થાય છે? એવું તો નથી ને કે ગુજરાતી પ્રજાનો ટેક્સ સરકારને ખપે છે, પણ ગુજરાતી સ્કૂલોનું બર્ડન ખપતું નથી, એટલે ગુજરાતી સ્કૂલો ઓવારીને ચકલે નાખી દેવાઈ છે?
– ને આ ગુજરાતી પ્રજા વિષે શું કહેવું? ગુજરાતીઓને નર્મદે ‘ઠંડા લોહીના, વિદ્યા વિનાના, હઠીલા, ખુશામતિયા, બીકણ, મર્દાઈ વિનાના’ કહ્યા જ છે. એમાં આટલે વર્ષે પણ બહુ ફેર પડ્યો નથી. સ્વમાન, ભાષાપ્રીતિ, આત્મગૌરવ જેવું ગુજરાતીઓમાં ઓછું જ છે. સંસ્કાર વારસો જાળવવાને બદલે, ગુજરાતીને બીજાની નકલ કરવાથી ચાલી જાય છે, એટલે વિદેશ જવાના લોભમાં તે અંગ્રેજીની કરે છે એટલી ચિંતા ગુજરાતીની કરતો નથી. અંગ્રેજીનો કે બીજી કોઈ પણ ભાષાનો અનાદર ન જ હોય, પણ ભૂમિભાષાનો આદર તો હોયને ! અંગ્રેજીનો ‘એ’ ન જાણતો વાલી, દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવે તો છે, પણ મોંઘી ફી ન પરવડતાં સ્કૂલેથી ઉઠાડીને હીરાની ઘંટીએ કે બેંકમાં પટાવાળામાં ગોઠવી દે છે.
જે વિદેશ જવા માંગે છે, તે ભલે અંગ્રેજીમાં નિપુણતા મેળવે, પણ 7 કરોડ ગુજરાતીઓ વિદેશમાં ઠલવાવાના નથી ને અહીં જ રોટલો રળવાના છે, તો, તેઓ ગુજરાતી શીખવા સુધારવાના પ્રમાણિક પ્રયત્નો તો કરે ને ! કોઈ ગુજરાતી ભાષા સાચી બોલતો સંભળાય તો આનંદ થાય, પણ હવે તો વર્તમાનપત્રોની ભાષા પણ શરમાવે એવી છે. માતૃભાષાનું મહત્ત્વ હવે માતૃભાષા દિને પણ નથી જળવાતું. સંસ્થાઓ એ દિવસે ખરુંખોટું ગુજરાતી લખી, બોલી, વાંચીને ખુશ થાય છે ને તે સિવાય રાજકીય હેતુ પાર પાડવાના દાખલા ગણાય છે.
આવી પરિસ્થિતિમાં સરકાર ભાષા બચાવનું એક સાચું અભિયાન શરૂ કરી શકે તે અપેક્ષિત છે, પણ તે માટે ગુજરાતીનો મહિમા કરવાનું અંતરથી સ્વીકારવું પડે. એવું એટલે થાય એમ નથી કે સરકાર સોગંદપૂર્વક ગુજરાતીના હિતમાં વિચારતી નથી. એનો વધારે નહીં તો એક જ દાખલો જોઈએ. ગુજરાતી વાર્તાકાર અને સંપાદક કિરીટ દૂધાતે ‘પરબ’ના એપ્રિલ, 2025ના સંપાદકીયમાં એક વાત નોંધી છે કે ગુજરાતની જી.પી.એસ.સી. (GPSC)ની સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1 અને વર્ગ 2માંથી ગુજરાતી ભાષાનું સ્થાન મેરિટમાંથી ખસેડી દેવાયું છે અને પાસ થવા માટે 25 ટકા માર્કસ પણ પૂરતા છે, એવું 3 માર્ચ, 2025ના ગુજરાત સરકારના એકસ્ટ્રા ઓર્ડિનરી ગેજેટથી નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો 2025ની જોગવાઇઓ મુજબ સેકશન 3માં પેપર નંબર 1 અને 2, અનુક્રમે ગુજરાતી અને અંગ્રેજીમાં, 300માંથી 25 ટકા માર્કસ મેળવ્યા હશે તો પણ ચાલશે. સીધો સવાલ એ છે કે ગુજરાતીને મેરિટમાંથી કાઢવાની જીવદયા દાખવવાની જરૂર કેમ પડી? અન્ય વિષયોની જેમ જ ગુજરાતી મેરિટમાં ગણાય તો ભાષાનું કે સરકારનું કયું અહિત થાય તેમ છે? બીજા વિષયો માટે મેરિટ અનિવાર્ય હોય તો ગુજરાતી માટે જ આવી આભડછેટ કેમ?
25 ટકાના આ ફરમાનનાં દૂરગામી પરિણામો એવાં હશે કે ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોની ભાષા બાબતે ગંભીરતા ઘટશે, કારણ ગુજરાતી તો જી.પી.એસ.સી.માં મેરિટમાં પણ નથી, એટલે 25 ટકાથી વધુ માર્કસ મેળવવા તરફ વિદ્યાર્થી શરૂથી જ બેફિકર રહેશે. એક તરફ 1961થી ગુજરાતમાં THE GUJARAT OFFICIAL LANGUAGE ACT અમલમાં છે. એની કલમ 2 મુજબ ગુજરાતના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતીનો આગ્રહ, મેરિટમાંથી ગુજરાતી કાઢવાની વાતે અસરકારક નહીં રહે. ગુજરાતી લેંગ્વેજ બિલ, 2023 અમલમાં છે ને તે મુજબ બાળકોને ગુજરાતી ભણાવવાનું ફરજિયાત છે. આ વાત જી.પી.એસ.સી.ના 25 ટકા પાસિંગ જોડે સુસંગત છે? 2023ના ગુજરાતી બિલ મુજબ અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ બે વર્ષથી ગુજરાતી ભણાવતી થઈ હતી, તે જી.પી.એસ.સી.ના 25 ટકાવાળા નવા કન્સેશનથી પીછેહઠ કરે એવું, ખરું કે કેમ?
સાદી વાત એ છે કે 25 ટકાવાળી સગવડ આવી મળતાં બીજી રીતે હોંશિયાર અધિકારીઓ ગુજરાતીમાં સરળતાથી વહીવટ કરી શકશે એવું સરકારને કઈ રીતે લાગે છે? એક તરફ ગુજરાતીનો પ્રભાવ પરીક્ષામાંથી ઘટાડવાની વાત છે, તો બીજી તરફ ગુજરાત બહારથી આવતા આઇ.એ.એસ. અધિકારીઓને ગુજરાતી શીખવવાની વાત છે. વાહ ! છે તે ગુજરાતીઓ માટે ગુજરાતી મેરિટમાંથી કઢાય છે ને બહારથી આવે છે તેને ગુજરાતી માથે મરાય છે કે પછી ઑફિસોમાંથી પણ ગુજરાતીને કાઢવાનો ઇરાદો છે? નથી ખબર …
સરકાર જ ઊઠીને માતૃભાષાનું મહત્ત્વ ઘટાડવાનું ને અંગ્રેજીનો મહિમા વધારવાનું કરતી હોય તો પ્રજા ભાષા બાબતે ઉદાસીન રહે તો તેનો શો વાંક કાઢીશું? એટલું આશ્વાસન છે કે ગુજરાતી ભાષાને ખતમ કરવા અન્ય ભાષીઓની જરૂર નહીં પડે, એને માટે ગુજરાતીઓ જ પૂરતા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,18 ઍપ્રિલ 2025