6 ડિસેમ્બર 2024ના રોજ, શુક્રવારે હું અમદાવાદમાં, SBI શાખામાં ગયો. લાઈફ સર્ટિફિકેટ આપવા. હું જીવતો છું તેની ખાત્રી આપવા. બેન્કના કર્મચારીએ મારી સામે જોયું પછી સોક્રેટિસની જેમ બોલ્યો : “તમે જીવતા છો એની ખાત્રી શું?” હું તો મૂંઝવણમાં પડ્યો ! મને મૌન જોઈને કર્મચારીએ કહ્યું : “તમે જીવિત છો, તેવું નિર્જીવ સર્ટિફિકેટ અમને આપો ! તમે લાલ દરવાજા ટ્રેઝરી ઓફિસે જઈને લઈ આવો !”
આપણે કર્મચારીઓનો / ગુંડાઓનો ત્રાસ સહન કરવો પડે / યૌન શોષણની ફરિયાદ કરીએ તો પોલીસ નોંધે નહીં, યૌન શોષણ સામે આંદોલન કરે તો તમને ઢસડીને લઈ જવામાં આવે / આપણે બાળકોના અભ્યાસ માટે ઊંચી ફી ચૂકવવી પડે / આપણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જઈએ તો બીજી બિમારીઓના ભોગ બનવું પડે અને ખાનગી હોસ્પિટલમાં જઈએ તો વ્યાજે નાણાં લઈ સારવાર કરાવવી પડે / આપણા બાળકોને સાયન્સના બદલે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડે / સમાજમાં જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયના લોકો નફરતી બની હિંસક બની જાય; આ સ્થિતિ થવાનું કારણ શું છે?
આપણો / સમાજનો / દેશનો વિકાસ નક્કી કરવાનું કામ કોણ કરે છે? મંદિર મસ્જિદ કરે છે? ધર્મગુરુઓ કરે છે? જ્ઞાતિ નેતાઓ કરે છે? ના, બિલકુલ નહીં. તેઓ તો રાજકીય એજન્ટ છે. ધર્મ સ્થળોના ઉદ્ઘાટન કોના હસ્તે થાય છે? સત્તાપક્ષના નેતાઓના હસ્તે. તે શું સૂચવે છે? આપણાં બાળકોએ શું ભણવું? શું વિચારવું? આપણે શું ખાવું? શું પીવું? આપણે શું પહેરવું? આ બધી બાબતો કોણ નક્કી કરે છે? રાજનીતિ નક્કી કરે છે. આઝાદીના સમયે સામાજિક સદભાવના માટે ગાંધીજીએ જે પ્રયાસો કર્યા તેનો લાભ મળ્યો; પ્રગતિશીલ નીતિઓ બની; અને દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ સફેદ ક્રાંતિ થઈ. સાયન્સ / ટેકનોલોજીનો વિકાસ થયો. તેના પાયામાં સેક્યુલર મૂલ્યો હતાં. સમાજવાદી / માનવવાદી વિચારધારા હતી. વૈજ્ઞાનિક મિજાજ હતો.
સ્થિતિ કેમ બદલાઈ ગઈ? પરંતુ 2014થી પરિસ્થિતિ બદલાઈ ગઈ. માનવવાદી / સેક્યુલર વિચારધારાના બદલે સંકુચિત વિચારધારાએ પક્કડ જમાવી. શિક્ષણમાંથી ડાર્વિનની થીઅરી કાઢી ધર્મગ્રંથો ઘૂસાડ્યા. ઉદાર મૂલ્યોને બદલે સંકુચિતતા દાખલ કરી. સદભાવનાના બદલે નફરત ફેલાવી. પરિણામ એ આવ્યું કે દેશનું અર્થતંત્ર એક તરફી બની ગયું. ધનિકોની તરફેણ થઈ અને ગરીબ / મધ્યમવર્ગને કચડવામાં આવ્યો. બેરોજગારી / મોંઘવારી ઘટવાને બદલે સતત વધતી ગઈ. સરકારની આકર્ષક નામોવાળી યોજનાઓ નિષ્ફળ ગઈ. સરકારે પોતાની નિષ્ફળતાએ છૂપાવવા માટે વાહવાહી કરવા માટે ગોદી મીડિયાની વ્યવસ્થા કરી. અવાજ ઊઠાવે તેમને અર્બન નક્સલ કહીને જેલમાં પૂર્યા. સ્વતંત્ર મીડિયાને ED દ્વારા ચૂપ કર્યા. કેટલાંકને માન-પુરસ્કારની લાલચથી મૌન કર્યા. વડા પ્રધાન તો નોન બાયોલોજિકલ છે / ગંગાપુત્ર છે / અવતારી છે એટલે દરેક સમસ્યાઓનો ઉકેલ મુમકિન છે, એવું લોકો માનતા થાય તે રીતે આખું પ્રચારતંત્ર ગોઠવાયું. આ પ્રચારતંત્રમાં ધર્મનું અફીણ ઘોળવામાં આવ્યું ! એટલે ‘આદર્શ ભક્તો’નું નિર્માણ થયું.
રાજકીય ભક્તિ શા માટે ખતરનાક છે? લોકશાહીમાં નેતાભક્તિ આપખુદક્ષાહી તરફ લઈ જાય છે, રાજાશાહી તરફ લઈ જાય છે. ધર્મની ભક્તિ માણસની વિવેકશક્તિને ધૂંધળી કરે છે; પણ રાજકીય ભક્તિ તો વિવેકશકિતનો સંપૂર્ણ નાશ કરે છે. એટલે કોઈપણ ભક્ત કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 500 રૂપિયા થઈ જાય તોપણ મત તો ગોડસેવાદીને જ આપીશું !
ધર્મ ભક્તિ અને રાજકીય ભક્તિ વચ્ચે શું તફાવત છે? ધર્મભક્તિ કદાચ માણસને નૈતિક બનાવવામાં સહાયક બની શકે પણ રાજકીય ભક્તિ તો માણસને તદ્દન અનૈતિક બનાવે છે. તમે અવતારીનું સમર્થન કરતા કરતાં મહિલા પહેલવાના યૌન શોષણ સામે ચૂપ રહો છો !મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ / ગેંગ રેપ / હત્યામાં તમને કશું વાંધાજનક લાગતું નથી ! જેમની પર CBI / IT / EDએ કેસો કર્યા છે તે નેતાઓ દેવદૂત લાગે છે ! ગેંગરેપ / સામૂહિક હત્યા કરનારાઓ સંસ્કારી લાગે છે ! 135ના મોત માટે જવાબદાર ઉદ્યોગપતિ સખાવતી લાગે છે ! ક્રિમિનલ / તડિપાર નેતાઓ માનનીય લાગે છે ! સમસ્યાઓનું મૂળ અહીં છે. જે ખુદ ક્રિમિનલ છે તે સુશાસન આપી શકે? જે નફરત / ધૃણા ફેલાવે છે તે સદ્દભાવના સ્થાપી શકે? જે ભ્રષ્ટ નેતાઓથી ઘેરાઈ ગયેલ છે તે ભ્રષ્ટાચાર દૂર કરી શકે?
ધર્મ / સંપ્રદાય ભક્તિથી કદાચ સ્વર્ગ / જન્નત / મોક્ષ / વૈકુંઠ / અક્ષરધામ મળી જાય, પણ આપણે તે અંગે જાણી શકવાના નથી. પરંતુ રાજકીય ભક્તિથી બેરોજગારી / મોંઘવારી / અનૈતિકતા / ભ્રષ્ટાચાર / ગુંડાઓનો ત્રાસ / વ્યાજખોરોનો આતં ક/ મહિલાઓની અસુરક્ષા / બાળકોનું અંધકારમય ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ ! જેનો આપણે સૌ સાક્ષાત્કાર કરી રહ્યા છીએ !
ઉકેલ શું?
[1] સ્વજાગૃતિ. આપણે વિચારવું જોઈએ કે આપણું ધાર્મિક નેતૃત્વ / સામાજિક નેતૃત્વ / રાજકીય નેતૃત્વ કેવું છે? શું ધર્મગુરુઓ અન્યાય સામે અવાજ ઊઠાવે છે? શું સમાજના નેતાઓ અન્યાય સામે અવાજ ઊઠાવે છે? જો તેઓ ચૂપ રહેતા હોય તો ચેતો; તે નથી ધર્મગુરુ કે નથી સમાજના નેતા ! કોઈ પણ નેતા પ્રથમ પોતાના સમાજનો ઉપયોગ કરે છે, પોતાના કાળા નાણાંનો ઉપયોગ કરે છે. સામાજિક નેતૃત્વ તરફ દૃષ્ટિ કરો, કોણ નેતૃત્વ કરે છે? જેની પાસે પૈસા છે. 25/50 લાખ આપે તેને ટ્રસ્ટી બનાવવામાં આવે છે. પછી તે રાજકીય નેતૃત્વમાં ઝંપલાવે છે.
[2] રાજકીય નેતૃત્વ તરફ નજર કરો, હત્યારા / બળાત્કારી / કૌભાંડીઓ / તડિપાર નેતૃત્વ કરે છે. શું તેઓ આપણાં બાળકો માટે આદર્શ બની શકે? શું તેઓ સમાનતા / ન્યાય / બંધુત્વના આદર્શોમાં માને છે? શું તેઓ અન્યાય વેળાએ પીડિતોની બાજુ ઊભા રહે છે?
[3] દંભી સામાજિક / ધાર્મિક / રાજકીય નેતૃત્વને ઓળખવું પડશે ! તે માટે સામૂહિક અવાજ ઊઠાવવો પડે. શું આપણે અમેરિકન મોડલ ન અપનાવી શકીએ? ત્યાં ગમે તેટલો મહાન નેતા પણ બે ટર્મથી વધુ એટલે કે 8 વરસથી વધુ હોદ્દા પર રહી શકતો નથી ! આપણે પણ કોઈ પણ રાજકીય નેતા / MLA / MP / મિનિસ્ટર / વડા પ્રધાન બે ટર્મથી વધુ એટલે કે 8 વરસથી વધુ ન રહી શકે, એવી જોગવાઈ કરવાની જરૂર છે ! જો આવી જોગવાઈ થાય તો લોકશાહી બચે, લોકોના અધિકારો બચે, અને કોઈને અવતારી થવાનો દંભ પણ ન કરવો પડે ! વળી પાંચ વરસને બદલે ચાર વરસની ટર્મ કરો. દર ટર્મમાં અલગ પક્ષની સરકાર બને તેની કાળજી લો. એકની એક સરકાર / ડબલ એન્જિનની સરકાર બિલકુલ વાહિયાત ખ્યાલ છે. તે લોક કલ્યાણનો ખ્યાલ નથી, સ્થાપિતહિતોનું કાવતરું છે.
[4] તાત્કાલિક ઉપાય શું? ગાંધીજીએ કહ્યું હતું ક્વિટ ઇન્ડિયા ! ભારત છોડો ! મારો આગ્રહ છે કે ભક્તિ છોડો ! ધર્મભક્તિ ન છૂટે તો વાંધો નહીં, ધર્મભક્તિને ઘરમાં રાખો, તેને સામાજિકદંભમાં ન ફેરવો. ધર્મભક્તિ અને ધર્મગુરુભક્તિ વચ્ચેનો તફાવત સમજો. સામાજિક નેતા / રાજકીય નેતા / ધાર્મિક ગુરુની ભક્તિ છોડો ! તેઓ આપણી સમસ્યાઓ માટે જવાબદાર છે ! તેઓ આપણા પ્રશ્નો પરત્વે ધ્યાન આપવાને બદલે સ્થાપિત હિતોના ચોકીદાર બની ગયા છે. તેઓ આપણી સમસ્યાઓના ઉકેલ માટે નહીં, પરંતુ સમસ્યાઓને ઢાંકવા માટે સતત આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેઓ તમારી સમસ્યાઓ સાથે નથી તેઓ સામાજિક / રાજકીય નેતા ન હોઈ શકે, તેઓ ધર્મગુરુ પણ ન હોઈ શકે. તેઓ આપણા વાસ્તવિક દુ:શ્મનો છે, તેમને ઓળખો. આ કામ આ ક્ષણથી આપણે કરી શકીએ છીએ. ઊઠો, જાગો અને સ્વહિતની રક્ષા કરો. જાગૃત સ્વહિત થકી જ સમાજહિત / દેશહિતની રક્ષા થઈ શકે.
[સુરત, 8 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર