RTE એક્ટ 2009ની કલમ-16 મુજબ કોઈ પણ બાળકને ધોરણ 1થી 8 સુધીનાં ધોરણમાં રોકી શકાય નહીં, મતલબ કે ધોરણ 1થી 8નાં કોઈ પણ ધોરણમાં નાપાસ કરી શકાય નહીં એવું ઠરાવવામાં આવ્યું. આવું એટલે કરવામાં આવ્યું કે નાપાસ થવાથી વિદ્યાર્થી શાળા છોડી ન જાય કે વાલી પણ ભણવામાં નબળો છે એમ માનીને શાળામાંથી ઉઠાડી ન લે. એથી થયું એવું કે વિદ્યાર્થીઓ ભણ્યા વગર કે ભણીને વર્ષોવર્ષ પાસ થતા રહ્યા ને આઠમાં સુધી પહોંચતા રહ્યા. આઠમાં સુધી બાળક પહોંચ્યું તો ખરું, પણ તેને સરળ ગુજરાતી વાંચવામાં પણ મુશ્કેલી પડતી હતી ને સાદા સરવાળા-બાદબાકીના દાખલા પણ આવડતા ન હતા. બાળક 8 વર્ષ ઘરમાં રહે કે સ્કૂલે જાય એમાં બહુ ફરક રહ્યો નહીં. વારુ, ડ્રોપ આઉટ રેશિયોનાં કારણો જુદાં હતાં, એટલે એમાં તો બહુ ફેર ન પડ્યો, પણ શિક્ષણનો સ્તર ઘટ્યો. એની અસરો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પણ વર્તાઈ.
શિક્ષણ મંત્રાલયો આમ પણ અખતરાઓ કરવામાં નામચીન હોય છે, એટલે પાસ કરવાની ફૉર્મ્યુલાને નાપાસ કરીને, નાપાસ કરવાની ફોર્મ્યુલાને પાસ કરાઈ ને શિક્ષણનો સ્તર સુધારવાની જૂની પોલિસી ગયા ડિસેમ્બર, 2024માં ફરી લાગુ કરવામાં આવી. એ ફોર્મ્યુલા પ્રમાણે હવે ધોરણ 5 અને 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ચડાવવામાં નહીં આવે. એમ કરવાથી ડ્રોપ આઉટ રેશિયોમાં બહુ ફેર નહીં પડે, કારણ ઉપલા વર્ગમાં ચડાવવાની નીતિ અમલમાં હતી એ દરમિયાન પણ વિદ્યાર્થીઓનું શાળા છોડવાનું પ્રમાણ તો વધ્યું જ હતું. એ અત્યંત દુ:ખદ છે કે પરીક્ષાના આટલા અખતરાઓની સામે સરખું ભણાવવાની કોઈ એક સ્પષ્ટ નીતિ સરકાર અમલમાં મૂકતી નથી. વર્ગ શિક્ષણ યોગ્ય રીતે થાય તે જોવાને બદલે પરીક્ષામાં ફેરફારોને જ સરકાર શિક્ષણ માની બેઠી છે. પાસ-નાપાસનું ચાલ્યા કરે ને ભણતર ખાસ થાય જ નહીં તો વાલી પણ બાળકને શાળા છોડાવે એમ બને. શિક્ષણ વિભાગે જ એવી તરકીબો શોધી છે કે ઓછી મહેનતે વિદ્યાર્થી ભણી જાય. પરીક્ષા ન લેવાય, લેવાય તો નાપાસ ન કરાય જેવી વ્યવસ્થાની સામે ભણાવવાનું પણ ઓછામાં પતે ને પ્રાથમિકથી જ વિદ્યાર્થીને ઓછી આવડતે આગળ જવાની ટેવ પડે. એવી રમતોથી શિક્ષણનો દા’ડો વળતો નથી ને પછી ઉચ્ચતર માધ્યમિક સુધીમાં પરીક્ષાઓનો બોજ વધે છે તો તે જીરવાતો નથી ને એ સહન ન થતાં વિદ્યાર્થી આપઘાત સુધી પહોંચે છે અથવા તો ભણવાનું છોડી દે છે.
આખા દેશનું ચિત્ર એવું સામે આવ્યું છે કે 2023-24માં લગભગ 37 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે, જેમાં 16 લાખ છોકરીઓ અને 21 લાખ છોકરાઓ છે. આ આંકડા શિક્ષણ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્ફોર્મેશન સિસ્ટમ(UDISE)ના રિપોર્ટમાં જાહેર થયા છે. 2021-‘22માં 26.52 કરોડ વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા હતા, જ્યારે 2022-23માં એ આંકડો 25.17 કરોડ પર આવી ગયો હતો ને 2023-24માં તે ઑર ઘટીને 24.80 કરોડ પર ઊતરી આવ્યો હતો. ટૂંકમાં, સ્કૂલે જતાં બાળકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ આવે છે ને એ ઘટાડો પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સુધીના 37.45 લાખ વિદ્યાર્થીઓ સુધી નોંધાયો છે. એમાં 26.9 ટકા સામાન્ય વર્ગના, 18 ટકા અનુસૂચિત જાતિના, 9.9 ટકા અનુસૂચિત જનજાતિના અને 45.2 ટકા અન્ય પછાત જાતિના છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને લાગ્યું કે બધાંને પાસ કરવાની ફોર્મ્યુલા નિષ્ફળ જતાં હવે નાપાસને આગળ ન વધવા દેવાની ફોર્મ્યુલા અમલમાં મૂકીએ. બને કે કાલે કોઈ જુદો જ તુક્કો આ તઘલખોને સૂઝે. આમ તો 2010-‘11થી નાપાસ નહીં કરવાની ફોર્મ્યુલા લાગુ હતી. બીજા શબ્દોમાં કહીએ તો નાપાસ થવા છતાં વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં ચડાવાતો હતો. એની અસર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં પણ પડી, એટલે જુલાઈ 2018માં લોકસભામાં શિક્ષણના અધિકારમાં સુધારો કરવા ‘નો ડિટેન્શન પોલિસી’ રદ્દ કરવા બિલ રજૂ કરવામાં આવ્યું. એમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓની નિયમિત પરીક્ષા લેવાની અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની બે મહિના પછી ફરી પરીક્ષા લેવાની વાત હતી. 2019માં રાજ્યસભામાં એ બિલ પાસ થયું, પણ ધોરણ 5 અને 8માં નાપાસ થયેલ વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં ચડાવવો કે એ ને એ જ વર્ગમાં રાખવો એ નક્કી કરવાનો અધિકાર જે તે રાજ્ય માટે અબાધિત રખાયો. ગુજરાતમાં પણ ધોરણ 5 અને 8માં નાપાસ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ન ચડાવવાની ફોર્મ્યુલા લાગુ કરાઈ છે. એ ખરું કે વિદ્યાર્થીને બે મહિને ફરી પરીક્ષા આપવાની તક રહેશે.
સરકાર પરીક્ષાઓને મામલે છાશવારે ફેરફારો કરતી રહે છે. વર્ગમાં શિક્ષણ વ્યવસ્થિત ન થાય કે વર્ગશિક્ષક ભણાવી ન દે એની ભારે કાળજી શિક્ષણ વિભાગ રાખે છે. નવી શિક્ષણ પદ્ધતિ લાગુ તો કરી દેવાઈ છે, પણ સ્કૂલો, શિક્ષકો, વર્ગોની બાબતે સરકાર ગુનાહિત બેદરકારી દાખવતી જણાઈ છે. એની વિગતો પાછી સરકાર જ જાહેર કરે છે ને કશા સંકોચ વગર જાહેર કરે છે, એટલે એવી શંકાને ય કોઈ અવકાશ રહેતો નથી કે આ આંકડાઓ સાચા નથી. વિદ્યાર્થી નાપાસ થાય તો બે મહિનામાં ફરી પરીક્ષા લેવાની વ્યવસ્થા છે, પણ તેને ભણાવવા અંગેનું દારિદ્રય અકબંધ રહ્યું છે. એ અત્યંત દુ:ખદ છે કે શિક્ષણ મંત્રાલય શિક્ષણની કચાશ તો પૂરતા સંકોચ વગર જાહેર કરે છે, પણ તેના ઉપાય શોધવા બાબતે ભયંકર રીતે ઉદાસીન છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય જ તેના રિપોર્ટમાં કહે છે કે એક જ શિક્ષક હોય તેવી દેશમાં એક બે નહીં, 1.11 લાખ શાળાઓ છે. ગુજરાતની વાત કરીએ તો 53,626 શાળાઓમાં કુલ 1.15 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. એ શાળાઓમાં 3.94 લાખ શિક્ષકો છે. એમાં 2.21 લાખ એટલે કે 56 ટકા મહિલા શિક્ષકો છે ને એ પણ છે કે આ શિક્ષકોમાં 70 ટકા એવા છે જેમની પાસે પ્રોફેશનલ લાયકાત નથી. આ હકીકત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલ ‘સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર્સ એજ્યુકેશન રિપોર્ટ 2023’ મુજબ છે. ગુજરાતમાં જ એવી 2,462 શાળાઓ છે જેમાં એક એક જ શિક્ષક છે. એક શિક્ષકવાળી આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 87,000 છે. એક તરફ શિક્ષકોની ઘટનો પ્રશ્ન 2017થી ચર્ચામાં છે, ત્યારે 274 એવી સ્કૂલો છે જેમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં આવી શાળાઓમાં 382 શિક્ષકો નોકરી કરે છે. નોકરીમાં તેઓ શું કરતાં હશે તે સમજી શકાય એવું છે. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ ગુજરાતમાં 29 વિદ્યાર્થીએ એક છે. 25:1ના શિક્ષક પ્રમાણમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ, પણ 3,94,053 શિક્ષકોથી જ કામ ચાલે છે, મતલબ કે 65,814 શિક્ષકોની ઘટ બોલે છે. દેશમાં અને ગુજરાતમાં શાળા દીઠ શિક્ષકોની સરેરાશ 7ની છે. શિક્ષકોની ઘટ દેશમાં ને ગુજરાતમાં વર્ષોથી છે ને ઓછા શિક્ષકોને કારણે બાળકોનો અભ્યાસ બગડે છે, પણ 2017થી એ સરકારની ચિંતાનો વિષય નથી. કેટલા શિક્ષકો હોવા જોઈએ એ બધું નક્કી સરકારમાં જ થાય છે, પણ તે પ્રમાણે ખરેખર છે કે કેમ એ વર્ષોથી જોવાતું નથી. ગુજરાતમાં કાયમી શિક્ષકોને બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકો રાખીને સરકાર કામ કાઢે છે, પણ કાયમી શિક્ષક તરીકે નિમણૂકની રાહ જોઈ રહેલા એવા શિક્ષકો હાજર જ થતા નથી. વિદ્યાર્થીઓનાં શિક્ષણને ભોગે આવા અખતરાઓ સરકાર કરતી રહે છે. સરકાર પોતે જ જો કાયમી શિક્ષકોની ઘટ જાહેર કરતી હોય તો તેની ભરતી કરવાને બદલે તે કામચલાઉ શિક્ષકોનો વેપલો શું કામ કરતી હશે તે સમજાતું નથી.
સરકારને એ કેવી રીતે લાગે છે કે શિક્ષકો વગર, શાળાઓ વગર, વિદ્યાર્થીઓ વગર, વર્ગો વગર, શિક્ષણ વગર નવી શિક્ષણ નીતિનો અસરકારક અમલ થઈ શકશે? કેન્દ્રીય મંત્રાલય પોતે જ મોટે ઉપાડે શિક્ષક અને શિક્ષણની ઘટના આંકડાઓ બહાર પાડે છે, પણ એ ઘટને સરભર કરવા તે ખાસ કૈં કરતું નથી, તો એવા આંકડા બહાર પાડવાથી કયો અર્થ સરે છે તે સરકારે જાહેર કરવું જોઈએ. પોતાની ઊણપને વ્યક્ત કરવાનું ગૌરવ લેતી હોય તેમ સરકાર વર્તે છે ને એનો ભોગ બનનારાઓને તો આટલાં યુનિયનો છતાં, કૈં કહેવાનું જ ન હોય તેમ નિર્જીવની જેમ બધું વેઠે છે. તેમનું તો કદાચ કૈં ઘટતું નથી, પણ ઘટે છે તે પેલાં નિર્દોષ અબૂધ બાળકોનું જે ‘શિક્ષણનો અધિકાર’ છતાં કૈં પામતાં નથી.
સરકાર અને શિક્ષકો એવા વિદ્યાર્થીઓના ગુનેગાર છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2025