મુદ્દાની વાત એ છે કે જનતાએ ક્યારેક જેમને લોકશાહી વિકલ્પ તરીકે પસંદ કર્યા હશે હવે ધરાર લોકશાહીના વિકલ્પે આગળ વધવાની ફિરાકમાં છે

પ્રકાશ ન. શાહ
આજે સત્તરમીએ સંજવારી વેળાએ અને ઊતરતી રાત્રિએ દિલ્હીથી માંડી દેશ આખો દીવડે ઝળહળાવવાનો પક્ષના સરનશીનનો આદેશ છે; કેમ કે વડા પ્રધાનનો જન્મદિવસ છે અને ગુજરાતથી એ હોદ્દે ચઢ્યા એ વિશ્વઘટનાને અધધધ પચીસ વરસનાં વહાણાં તરતનાં અઠવાડિયાંમાં વાશે એના શોરઉજવણાં ખાસા મહિનો માસ ચાલશે. જશનને ઝભલું પણ રૂડું ચઢાવ્યું છે – સેવા સંકલ્પ અભિયાન. એમનાં મોમાં સાકરશેલડી, સાહેબો, સાકરશેલડી.
સવાલ કમબખ્ત એ છે કે દોમ દોમ દીવડાના ઝગ ઝગ ઝગારામાં જરી અંજપો ઓસરતે શું શું દેખાશે. પાછળ નજર કરતાં શરૂના ગાળાનું પ્રચારધુમ્મસ હટતાં જૂન 2024ની વિજયહાંફ અને એથી પણ સવિશેષ તો હમણેની જંતરમંતર ઝંઝા વરતાશે. એ ઝંઝામાં બને કે પેલા દીવડા બુઝાતા પણ માલુમ પડે. જો કે એ ઓર બુઝાય તે પહેલાં જેન ઝી અને ઝેન આલ્ફાની મશાલો પ્રજ્વલિત થતી દેખાય અને ધનુષ્યભંગ સાથે પરશુરામને બદલે રામનું સ્થાપિત થવું એ વાલ્મીકિનું રામાયણ દર્શન પણ જુદેસર અંગડાઇ લઇ ઉઠે. ભાઈ, યે તો અંગડાઇ હૈ, આગે ઓર લડાઈ હૈ એ મતલબનો નેહા બોરાનો ટંકાર બલકે રાહુલનો રંગ રણકાર પણ છાત્રોંકી ગુંજ સાથે સહસા સ્ફોટ કરતો વરતાય.
મુદ્દે એક નવી જ નસલ આવી છે ચિત્રમાં : ખરાખોટા જૂના જખ્મો બાબતે ટાંકાતોડ ટેભામરોડ વિચારધારાકીય આથા અમળાટના કળણમાં નહીં ખૂંપતા એ વાસ્તવિક સવાલોનાં, એ સવાલો બાબતે હુક્મરાનોની કામગીરીનાં લેખાંજોખાં લેવા ચહે છે. દેશભક્તિનાં ગર્જનતર્જનની રાજનીતિની આરપાર દેશ માટેની સાચુકલી પ્રીતિપૂર્વક એ કથિત વિકાસનો વાંસો જોયો નહીં જોયો નથી કરતી. કોક્રોચ કર્મશીલોએ શાળાઓની તપાસ હાથ ધરી તે એમના રચનાત્મક અભિગમની એક સાહેદી આપતી બીના છે, સરસ તો એ બન્યું કે એમણે વિપક્ષી હાથા તરીકે ભા.જ.પ. શાસિત રાજ્યોમાં પોતાની તપાસ સીમિત નહીં રાખતાં કૉંગ્રેસ, ઝામુમો, આપ રાજ્યોમાં પણ પ્રયાસ કર્યો. રાતવરત રીલ ઉતારી પ્રતિસાદ આપવાની કોશિશ પછી અને છતાં ભા.જ.પ. નેતૃત્વે પોતાનાં રાજ્યોમાં તપાસકોશિશને ધુત્કારી કાઢી જ્યારે ઈતર રાજ્યોએ ટીકા સહિતનાં તપાસતારણો વિશે કોક્રોચ ટીમ સાથે દિલખુલાસ વાતચીતનો રવૈયો અપનાવ્યો.
ભા.જ.પી. પૉર્ન પૅડલર અમિત માલવિયાના ખેલને ખતમ કરી ડિજિટલ દુનિયામાં સુવાંગ સ્વતંત્ર અખત્યાર ધરાવવા લાગેલ જેન ઝી અને જેન આલ્ફા 2029ની લોકસભા ચૂંટણીમાં ખાસો મોટો મતદારસમૂહ હોવાનો છે. 2014 અને 2019ની વિકાસવાર્તા કે કોમી પેચપવિત્રાની કરી પૂર્વવત ચાલવાની નથી. સંઘસ્થાનોમાં ઉછરેલી પેઢીઓ ઘરઆંગણે જેન ઝી અને જેન આલ્ફા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરવાની સ્થિતિમાં નથી.
ઘડીભર થાય છે કે હું આ ચર્ચા શીદ લંબાવું છું. લોકશાહી વિકલ્પની આપણી શોધમથામણ આજે ખુદ લોકશાહીના વિકલ્પ ભણી ધસમસી રહેલ છે. 1974-75માં એક તબક્કે આવો ભય વરતાયો હતો અને જે.પી. પ્રતાપે દેશજનતાએ એનો જવાબ પણ રૂડો આપી જાણ્યો હતો. પણ ત્યારે એક સુખ હતું એમ આજના અનુભવે સમજાય છે. એ સુખ નામકે વાસ્તે પણ બંધારણીય સુધારાની રીતે અંજીરપાંદ ચેષ્ટાનું હતું. એની સામે લડીને આજે વારસાઇનો ખેલ પાડતા હાકેમોએ અઘોષિત કટોકટીનો ઘોર બંધારણીય અંચળો અસ્ત્રીબંધ રાખવાની મહારત હાંસલ કરી છે.
લોકમાં સત્તાનું સ્થાપન ને સંગોપન એ લોકશાહીનો સહજ ધર્મ છે. જેન ઝી અને જેન આલ્ફા એની ઉપાસના કાલીઘેલી પણ ઝંખે છે. આજના હાકેમો ‘પાવર ઈન પીપલ’ને બદલે ‘પીપલ ઈન પાવર’ની ધરાર ફિરાકમાં છે. મતાંકન (સર), સીમાંકન (ડિલીમીટેશન) અને વન નેશન-વન ઇલેકશન એ પદ્ધતિએ હાથ ધરાયેલ કારવાઈ એ જ દિશામાં છે. દીવાઓના અંજાપા અને એથી અંધાપામાં આ ન દેખાય તો પણ જંતરમંતરદીધી ઇતિહાસમશાલ તો છે.
16 સપ્ટેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()


ખાલીદ હુસૈનીની નવલકથા ‘થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ’ ત્રીસ વર્ષની લડાઈ અને અફઘાનિસ્તાનમાં એ દરમિયાન આવેલાં મોટાં પરિવર્તનો વચ્ચે જીવતી બે અફઘાન સ્ત્રીઓ મરિયમ અને લયલાની વાત છે. મરિયમની કુંવારી મા આત્મહત્યા કરે છે, પિતા અપનાવતો તો નથી, પણ તેનાથી ઘણા મોટા રશીદ સાથે પરણાવી દે છે. રશીદ તેને ખૂબ ત્રાસ આપે છે. લયલા લડાઈમાં ઘર-પરિવાર-પ્રેમી તારીક બધું ગુમાવી લાચાર થઈ રશીદ સાથે નિકાહ કરી લે છે. તાલિબાન કાયદાથી વધારે હિંસક બનેલા રશીદ સામે ટકવામાં બંને એકમેકને મદદ કરે છે. તારીક પાછો આવ્યો છે એ ખબર પડતાં રશીદ લયલા પર તૂટી પડે છે. તેને બચાવવાની કોશિશમાં મરિયમ રશીદને મારી નાખે છે, ફાંસીની સજા વહોરી લે છે અને લયલા અને તારીકને ભાગી જવાનો મોકો આપે છે. તાલિબાન શાસનનું પતન થતાં તારીક અને લયલા દેશના નવનિર્માણ માટે પાછાં ફરે છે. નવલકથાના શીર્ષકમાં ઈરાની કવિ સૈબ તબ્રિજીના શબ્દો છે – ‘કાબુલની સ્ત્રીઓ … દીવાલો પાછળ ઢંકાયેલા હજારો ભવ્ય સૂર્યો.’
આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ડેઝર્ટ ફ્લાવર’ પ્રખ્યાત સુપરમોડેલ, લેખક અને માનવ અધિકાર કર્મશીલ વારિસ ડીરીની કેથલીન મિલર સાથે લખાયેલી આત્મકથા છે. વારીસનો અર્થ થાય રણનું ફૂલ. સોમાલિયાના રણમાં ભટકતા એક પરિવારમાં જન્મેલી વારીસ દસ વર્ષની થતાં પહેલાં ભૂખમરો, બળાત્કાર અને ફિમેલ જેનિટલ મ્યુટિલેશન – નાની છોકરીઓનાં જનનાંગને, જીવતી ચામડી અણઘડ રીતે કાપી-સીવી દેવાની પ્રથા – નો ભોગ બની. એક મોજણી મુજબ આ પ્રથાનો ભોગ બનેલી સવા બે કરોડ જેટલી સ્ત્રીઓ આજે હયાત છે. 13 વર્ષની ઉંમરે 60 વર્ષના માણસ સાથે લગ્ન નક્કી થતાં વારીસ ઘર છોડી રણમાં સેંકડો માઈલ ચાલી મહામુશ્કેલીએ લંડન પહોંચી. નોકરાણી, સફાઇ કામદાર, વેઇટ્રેસ જેવાં કામો કરતી વારીસને એક ફોટોગ્રાફરે આકસ્મિક રીતે શોધી. જોતજોતામાં તે સુપર મોડેલ બની, પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે કામ કર્યું, થોડો અભિનય પણ કર્યો. 1997માં તે એફ.જી.એમ. વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે યુનાઈટેડ નેશન્સનની વિશેષ રાજદૂત બની અને ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશનની સ્થાપના કરી.
જીન સેસનની ‘લવ ઇન અ ટોર્ન લેન્ડ’ પણ સત્યઘટનાત્મક આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર છે. તેમાં ઇરાકમાં સદ્દામ હુસેન દ્વારા કુર્દિશ લોકોdesert પર થયેલા અત્યાચાર અને અનફાલ અભિયાન દરમિયાન પાંગરેલા પ્રેમની સંઘર્ષગાથા છે. આરબ પિતા અને કુર્દિશ માની દીકરી જોન્ના અને સ્વાતંત્ર્યસેનાની પેશ્મેર્ગા પ્રેમ કરી પરણ્યાં. આખી વાત અત્યંત ખતરનાક પરિસ્થિતિઓ, ઊડતાં પક્ષીઓ ટપોટપ આકાશમાંથી પડે – લોકો કામચલાઉ અંધ થઈ જાય એવા રાસાયણિક બોમ્બમારા ને વિકટ પહાડો પર ટકવા મથતા પ્રેમીઓની છે. કુર્દિશ પરંપરાઓ, જીવનશૈલી અને એ પ્રદેશની સુંદરતા પણ સાથે વણાતી આવે છે.
ડૉ. ક્વાન્તા અહેમદનું પુસ્તક ‘ઇન ધ લેન્ડ ઓફ ઇનવિઝિબલ વિમેન’ એક પાકિસ્તાની મૂળનાં બ્રિટિશ-મુસ્લિમ મહિલા ડૉક્ટરની સાઉદી અરેબિયાની સફર અને ત્યાંના વાસ્તવિક અનુભવોની સત્યકથા છે. અમેરિકાના વિઝા ન મળવાને કારણે સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં કરેલી નોકરી દરમ્યાન વિદેશીઓ પર અવિશ્વાસ અને નારીદ્વેષના વાતાવરણમાં એક મહિલા ડૉક્ટર તરીકેના પોતાના અનુભવના વર્ણન સાથે તેણે ત્યાંની ‘અદૃશ્ય’ મહિલાઓની કઠોર વાસ્તવિકતા અને એની વચ્ચે પણ પાંગરતા આનંદ અને હિંમતને બિરદાવ્યાં છે.
‘કાબુલીવાલાર બંગાલી બહુ’ એ સુશ્મિતા બેનર્જીનું સંસ્મરણ પુસ્તક છે. બંગાળી બ્રાહ્મણ પરિવારની સુશ્મિતા અફઘાન ઉદ્યોગપતિ જાંબાઝ ખાન સાથે લગ્ન કરી અફઘાનિસ્તાન ગઈ. ત્યાં જઈને જાણ્યું કે જાંબાઝને પહેલેથી જ એક પત્ની હતી. આઘાતને પચાવી તે જાંબાઝના બહોળા કુટુંબ સાથે રહી, પણ જાંબાઝ તેને ત્યાં જ મૂકીને કોલકાતા ચાલ્યો ગયો. ભાગવાના બે નિષ્ફળ પ્રયાસો પછી દેહાંતદંડનો ફતવો બહાર પડ્યો. ગામના વડાની મદદથી છેવટે એ કાબુલ થઈને મહામહેનતે ભારત આવી. દસેક વર્ષ પછી અફઘાનિસ્તાન જઈ સ્થાનિક મહિલાઓના જીવન અને આરોગ્ય માટે કામ કરતાં સુશ્મિતા પર તાલિબાન આતંકવાદીઓએ જાસૂસીનો આરોપ મૂક્યો અને હત્યા કરી. બોલીવુડ ફિલ્મ ‘એસ્કેપ ફ્રોમ તાલિબાન’ આ કથની પરથી બની હતી.
અફઘાન-અમેરિકન લેખિકા નાદિયા હાશ્મીની નવલકથા ‘અ હાઉસ વિધાઉટ વિન્ડોઝ’ની નાયિકા ઝેબા ક્રોધી પતિ અને ચાર બાળકો સાથે ગામડામાં રહે છે. એક દિવસ પતિ ઘરના આંગણામાં અત્યંત ક્રૂર રીતે મૃત્યુ પામેલો મળી આવે છે, ઝેબાનાં કપડાં તેના લોહીથી ખરડાયેલાં છે. પોલીસ તેને કાબુલની હાઉસ વિધાઉટ વિન્ડોઝ તરીકે ઓળખાતી મહિલા જેલમાં પૂરી દે છે. જેલ એના નામ પ્રમાણે અંધારી, બંધિયાર અને ત્રાસદાયક છે, પણ પુરુષપ્રધાન સમાજથી કચડાયેલી સ્ત્રીઓ માટે તે સલામત અને મોકળાશ આપતી જગ્યા છે. અનેક સ્ત્રીઓ ઓનર કિલિંગ, ઘરેલુ હિંસા, જાતીય આક્રમણથી બચવા પણ જેલમાં આવી છે. આ સ્ત્રીઓ જેલમાં એકબીજાનો સહારો બને છે. માનવઅધિકારમાં માનતો એક અફઘાન-અમેરિકન વકીલ યુસૂફ હેરાનગતિ વહોરીને પણ ઝેબાને ન્યાય અપાવવા મથે છે. ઝેબાની માતા ગુલનાઝને ગામલોકો જાદુગરણી ગણે છે. તે પણ પોતાની રીતે ઝેબાને બચાવવાનો પ્રયત્ન કરે છે.
અને ‘આઈ.એમ. નુજૂદ, એજ 10 એન્ડ ડિવોર્સ્ડ’ – યેમેનની નુજૂદ અલી નામની બાળકીનું હચમચાવી મૂકતું આત્મકથન છે. નુજૂદ માત્ર દસ વર્ષની હતી, ત્યારે તેના પિતાએ તેનાથી ત્રણ ગણી મોટી ઉંમરના પુરુષ સાથે તેનાં લગ્ન કરાવી દીધાં. ભારે માનસિક અને શારીરિક અત્યાચારથી ત્રાસી તે સીધી યેમેનની કોર્ટમાં પહોંચી ગઈ અને ન્યાયાધીશ સમક્ષ તલાકની માગણી કરી. સ્થાનિક વકીલો અને પત્રકારોની મદદથી તેણે છૂટાછેડા મેળવવામાં સફળતા મેળવી. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે બાળલગ્નો સામે મોટો અવાજ ઉઠાવ્યો. પુસ્તક અહીં અટકે છે. અરુણોદય પ્રકાશન અને મીનલબહેન દવેએ આ પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યું છે.
ડોકટરેટની ડિગ્રી છતાં આઈન્સ્ટાઈનને પ્રોફેસરની નોકરી મળી નહોતી અને તેઓ બર્નમાં આવેલ સ્વિસ પેટેન્ટ ઓફિસમાં સામાન્ય નોકરી કરવા લાગ્યા. આખરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વચ્ચેની હરીફાઈમાં તેમને વતન જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ પ્રાધ્યાપકની નોકરીની ઓફર કરી, જે તેમણે સ્વીકારી. ૧૯૧૪માં તે પ્રોફેસરી કરવા જર્મની ગયા ત્યારે જ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. જર્મની તેમાં મોખરે હતું. આઈન્સ્ટાઈન શાંતિવાદી અને યુદ્ધવિરોધી હતા.પરંતુ તેઓ એટલા તો પ્રસિદ્દ હતા કે તેમની પ્રતિભા અને પ્રસિદ્ધિના ડરે સરકારે તેમનો વિરોધ ચલાવી લીધો. તેઓ મુખર પરિવર્તનકામી તો હતા જ સ્પષ્ટ રાજકીય વિચારો પણ ધરાવતા હતા.