બરસાત મેં હમ સે મિલે મિલે તુમ સજન
તુમ સે મિલે હમ બરસાત મેં
નૈનોં સે ઝાંકી મેરી મસ્ત જવાની
કહતી ફિરે દુનિયા સે દિલ કી કહાની
ઉનકી જો મૈં ઉનસે કૈસી શરમ
પ્રીત ને સિંગાર કિયા મૈં બની દુલ્હન
સપનોં કી રિમઝિમ મેં નાચ ઉઠા મન
આજ મૈં તુમ્હારી હુઈ તુમ મેરે સજન
યે સમા હૈ જા રહે હો કૈસે મનાઉં
મૈં તુમ્હારી રાહ મેં યે નૈન બિછાઉં
જો ન આઓ તુમ તો મેરી જાન કી કસમ
દેર ન કરના કહીં યે આસ ટૂટ જાયે સાંસ છૂટ જાયે
તુમ ન આઓ દિલ કી લગીં
મુઝકો હી જલાયે ખાક મેં મિલાયે
આગ કી લપટો મેં પુકારે યે મેરા મન
મિલ ન સકે હમ મિલ ન સકે હમ
એક ગીત જે પોતાનામાં એક કહાણી છે, જે વર્ષાઋતુમાં દરેક કુદરતપ્રેમી, માનવપ્રેમી અને સંગીતપ્રેમીના દિલમાં એકાદ વાર તો ગુંજી જ જાય છે, જેને પોણી સદીનો કાટ ચડ્યો નથી એ ગીત એટલે રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’નું શીર્ષકગીત. વરસાદની વાત, રોમાન્સની વાત, રાજ-નરગિસના પ્રેમની વાત અને હા, નિમ્મીની વાત જેના વગર અધૂરી રહે એવાં આ ગીતને આજે યાદ કરીએ – આ લેખ વાચકમિત્રોના હાથમાં આવશે ત્યારે તેઓ પણ વરસાદ વિના અધૂરા નહીં રહ્યા હોય તેવી શુભેચ્છા સાથે.
‘બરસાત મેં હમસે મિલે તુમ સજન તુમસે મિલે હમ બરસાત મેં’ આ જ નહીં, અનેક કર્ણમધુર ગીતોથી ભરપૂર ‘બરસાત’ 1949માં રિલિઝ થઈ. ત્યાર પછી ફિલ્મસર્જકોની અને પ્રેક્ષકોની બેત્રણ પેઢી બદલાઈ. ‘બરસાત’ શન્ડ જેમાં હોય તેવાં નામવાળી ઘણીબધી ફિલ્મો બની ગઈ, છતાં જેમ પહેલો પ્રેમ, જેમ પહેલો વરસાદ તેમ આ પહેલી ‘બરસાત’ કદી ભુલાઈ નથી, ઊલટું એને યાદ કરતાં અસ્તિત્વમાં એક તાજગી ફેલાઈ જાય એવી નીવડી છે. પોતાની યુવાવસ્થામાં જેમણે ‘બરસાત’ જોઈ હશે તેમણે આંગણે આજે પૌત્રોદોહિત્રો ખેલતા હશે, પણ ‘બરસાત’ની વાત નીકળતાં એમના ચહેરા કોમળ જરૂર થઈ જશે. આ અસર એમ ને એમ નથી. ‘બરસાત’ની વાર્તા, તેની માવજત, તેનું સંગીત અને તેનો રોમાન્સ એ સમયની ફિલ્મો કરતાં ઘણાં અલગ, ઘણાં આગળ હતાં. પચીસ વર્ષના રાજ કપૂરનું આ બીજું દિગ્દર્શન સાહસ હતું, કાશ્મીર ખીણમાં શુટ થયેલી આ પહેલી ફિલ્મ હતી. પોસ્ટરમાં એક હાથમાં વાયોલિન અને બીજા હાથમાં ઢળેલી નરગિસને લઈ ઊભેલો રાજ કપૂર દેખાડાયો હતો. આ દૃશ્ય પછીથી આર.કે. ફિલ્મ્સનો પ્રખ્યાત લોગો બન્યું. ‘બરસાત’ તેની રિલીઝ સમયે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ હતી. એની કમાણીમાંથી રાજ કપૂરે ચેમ્બુરમાં આર.કે. સ્ટુડિયો બનાવ્યો. સંગીતકાર તરીકે શંકર જયકિશન માટે આ ડેબ્યૂ ફિલ્મ હતી. 10 ગીતોમાંથી ‘બરસાત મેં’ અને પતલી કમર હૈ’ શૈલેન્દ્રનાં, ‘મુઝે કિસીસે પ્યાર હો ગયા’ જલાલ મલિહાબાદીનું, ‘હવા મેં ઉડતા જાયે’ રમેશ શાસ્ત્રીનું અને ‘જીયા બેકરાર હૈ’ ‘બિછડે હુએ પરદેસી’, ‘મેરી આંખોં મેં બસ ગયા કોઈ રે’, ‘અબ મેરા કૌન સહારા’, ‘છોડ ગયે બાલમ’ અને ‘મૈં ઝિંદગી મેં હરદમ’ હસરત જયપુરીનાં હતાં.
બે મિત્રો પ્રાણ (રાજ કપૂર) અને ગોપાલ (પ્રેમ નાથ) રજાઓ ગાળવા પહાડ પર જાય છે ત્યાં બંનેને પહાડની સુંદરીઓ રેશમ (નરગિસ) અને નીલા (નિમ્મી) મળે છે. સંવેદનશીલ પ્રાણ રેશમાને દિલથી ચાહે છે જ્યારે નફકરો ગોપાલ નીલાને થોડી વાર દિલ બહેલાવવાનું સાધન માને છે. અનેક વિઘ્નો પાર કર્યા પછી પ્રાણ અને રેશમા એક થાય છે એ જોઈને ગોપાલને સાચા પ્રેમની કિંમત સમજાય છે અને એ નીલા પાસે પાછો ફરે છે પણ તેને મળે છે નીલાની ચિતાની ધૂમ્રસેરો. ગોપાલને રેશમા સાથે જોઈ ગેરસમજ કરી બેઠેલી નીલાએ આત્મહત્યા કરી લીધી છે.
‘બરસાત મેં’ ગીતની શરૂઆત જ એટલી શાંત અને મધુર છે કે મન આપોઆપ આસપાસના અને અંદરના કોલાહલને સંકેલી એમ મીઠા લયમાં લીન બની જાય છે. ‘નૈનો સે ઝાંકી’ અને ‘પ્રીત ને સિંગાર કિયા’થી ‘મિલ ન સકે હમ’ – નીલાની જિંદગીની આખી કહાણી એમાં છે. ગીત અને નૃત્યથી નીલા પોતાનું ઉત્કટ સમર્પણ વ્યક્ત કરે છે, પણ જેને માટે એ ગાય છે એ ગોપાલ તો પોતાના ચરણોમાં અમસ્તી અમસ્તી ન્યોચ્છાવર થઈ જતી આ પહાડી કન્યાને રમૂજથી જોયા કરે છે. પછી એક દિવસ આ જ ગોપાલ પ્રાણને રેશમા માટે તરફડતો જોઈને કહે છે, ‘મૈં સમઝતા થા મુજહે કિસીકી જરૂરત નહીં હૈ, પર અબ મેરા ભી તુમ્હારી તરહ તડપને કો જી કરતા હૈ’ પ્રેમનાથનો અભિનય ‘બરસાત’નું મોટું જમાપાસું હતો.
એનાથી પણ મોટું જમાપાસું તે નિમ્મી. નિમ્મી મા વહીદન મહેબૂબ ખાનની પત્ની સરદાર અખ્તરની બહેન હતી. ‘અંદાઝ’નું શૂટિંગ જોવા આવતી સત્તર વર્ષની, ભલાભોળા ચહેરા અને વિસ્મયવિસ્ફારિત આંખોવાળી નવાબબાનુ, ‘બરસાત’ માટે નવો ચહેરો શોધી રહેલા રાજ કપૂરના મનમાં વસી ગઈ. પોતાની પહેલી ફિલ્મ ‘આગ’ની નાયિકાના નામ પરથી રાજ કપૂરે તેને નિમ્મી નામ આપ્યું અને ‘બરસાત’માં નાયિકાની સમકક્ષ કહેવાય એવી ભૂમિકા અને ગીતો આપ્યાં. નિમ્મીએ એ ભૂમિકાને જીવી બતાવી. સફળતાનો રાજમાર્ગ ખૂલી ગયો. દેવ આનંદ સાથે ‘સઝા’, દિલિપકુમાર સાથે ‘દીદાર’, ‘આન’, ‘અમર’ ‘ઉડનખટોલા’, અશોકકુમાર-રાજેન્દ્રકુમાર સાથે ‘મેરે મહેબૂબ’ – ફિલ્મો આવતી રહી, નરગિસ ઉપરાંત મીનાકુમારી, મધુબાલા, સાધના જેવી અભિનેત્રીઓ સાથે નિમ્મીએ આત્મવિશ્વાસથી અને સારું કામ કર્યું. કે. આસિફ તેને અને ગુરુ દત્તને લઈને ‘મુગલ-એ-આઝમ’ને ટક્કર મારે એવી ‘લવ એન્ડ ગોડ’ બનાવવા માંગતા હતા – આ બધું છતાં નિમ્મી જોઈએ એવી ઝળકી નહીં.
વર્ષો પછી આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, ‘મને ઘણું મળ્યું છે, પણ … હું હજી ઘણું કરી શકી હોત – ન થયું. થોડા ખોટા નિર્ણય, થોડું અનપ્રોફેશનાલિઝમ, થોડું કમનસીબ અને સરતો જતો સમય – બધું ઝડપથી પૂરું થઈ ગયું. પહેલા ગુરુ દત્ત અને પછી કે. આસિફના અવસાનથી ‘લવ એન્ડ ગોડ’ ગોટાળે ચડી ગઈ. એક ગાનારી-અભિનેત્રીની પુત્રી તરીકે નિમ્મી માટે સ્થિર સંસારનું મહત્ત્વ ઘણું હતું. આર.કે.ની ફિલ્મોના લેખક અલી રઝા સાથેનાં લગ્નથી નિમ્મીનું એ સ્વપ્ન પૂરું થયું. ત્યાર પછી તેને ફિલ્મોમાં બહુ રસ ન રહ્યો હોય એમ પણ બને.
‘બરસાત’માં નિર્માણ, નિર્દેશન અને અભિનય કરતી વખતે રાજ કપૂરની ઉંમર હતી પચીસ વર્ષ. નરગિસ વીસ વર્ષની હતી. ‘બરસાત’થી તેમની ઓનસ્ક્રીન-ઑફસ્ક્રીન જોડી જબરજસ્ત જામી. ‘બરસાત’થી શંકર-જયકિશનની કારકિર્દીની શરૂઆત થઈ. ‘બરસાત’થી ફિલ્મજગતને નિમ્મી નામનો નવો ચહેરો મળ્યો. ‘બરસાત’માં લતા મંગેશકરે નરગિસ અને નિમ્મી બંને માટે ગાયું અને આર.કે.-લતા મંગેશકરનો નવો અનુબંધ શરૂ થયો. ‘બરસાત’ની સફળતા પછી એ આર.કે. સ્ટુડિયો શરૂ થયો જ્યાં નરગિસ-રાજકપૂરનો મેઘધનુષી રોમાન્સ ખીલ્યો અને સંકેલાયો, જ્યાં લોકહૃદય પર રાજ કરનારી અવિસ્મરણીય ફિલ્મો સર્જાઇ. ‘બરસાત’થી ફિલ્મસંગીતને નવો આયામ મળ્યો. ત્યારના પ્રચલિત ડોલ્ડ્રમ્ડ અને બ્રેકડ્રોપ્ડ ઓરકેસ્ટ્રા, જેમાં સંગીત ટુકડે ટુકડે વાગતું હોય એમ લાગે, તેનાથી જુદા પડતાં ‘બરસાત’નાં ગીતોમાં સ્વરોની સળંગસૂત્રતા – કન્ટીન્યુટી હતી, જે ખૂબ વખણાઈ અને તેનાથી એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ.
રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરે થિયેટર માટે ઘર છોડ્યું હતું, પણ પુત્ર રાજ કપૂર બેરિસ્ટર થાય તેવું ઇચ્છતા હતા. શાળા, કેડેટ કોર્પ્સ, નેવી બધે ડેલે હાથ દઈ આવ્યા બાદ રાજ કપૂરે ફિલ્મો બનાવવાની વાત કરી ત્યારે પાપાજી બોલ્યા, ‘એ તારું કામ નહીં.’ ત્યાર પછી પણ રાજ મક્કમ રહ્યા ત્યારે તેમણે પુત્રને કેદાર શર્મા પાસે કઠોર તાલીમ અપાવડાવી અને પોતાના જ જોરે આગળ વધવા પ્રેર્યો. ‘બરસાત’ની સફળતા બાદ રાજ કપૂરે પાપાજીના ચરણસ્પર્શ કરી તેમના હાથમાં કોરો ચેક મૂક્યો. પાપાજીએ રકમની જગ્યાએ ઘણાંબધાં હૃદય દોરી સજલ આંખે ચેક ખિસ્સામાં મૂક્યો. ‘બરસાત’ પછી પાપાજી દીકરામાં એક પ્રતિસ્પરધીને ગૌરવપૂર્વક જોતા થયા.
પણ ‘બરસાત’ દર્શકોના હૃદય પર રાજ કરી ગઈ તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાં રોમાન્સનો પ્રચલિત નહીં, નવો ચહેરો હતો. આ નવા ચહેરાની અને રાજ કપૂર-નરગિસના રીલલાઈફ અને રિયલલાઈફ રોમાન્સની મસ્ત વાતો તો ગમે તેટલી કરીએ, ખૂટે તેમ નથી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 10 જુલાઈ 2026
![]()



વન એન્ડ ઓન્લી દિલિપકુમારની ચિરવિદાયને 6 જુલાઈએ પાંચ વર્ષ પૂરાં થશે. વન એન્ડ ઓન્લી શબ્દો એમના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ માટે વાપરવાનું પણ મન થાય. 2011માં દેવ આનંદનું મૃત્યુ થયું ત્યારે દિલીપકુમારે કહ્યું હતું, ‘હું દેવ આનંદથી એક વર્ષ અને રાજ કપૂરથી બે વર્ષ મોટો. 1940ના દાયકાની મધ્યમાં અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી. રાજ સાથે તો જૂની દોસ્તી. હું અને દેવ લોકલ ટ્રેનમાં સાથે જતા, સ્ટુડિયોમાં ફરતા ને કામ શોધતા. એ દાયકાના અંત સુધીમાં ‘શહીદ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘શબનમ’ ‘ઝિદ્દી’ ‘બાઝી’ આવી. અમે ત્રણે ઊંચકાયા, સફળ થયા, જામી ગયા. અમારી વચ્ચે સુંદર પ્રૉફેશનલ રૅપો હતો. અમે સ્પર્ધકો ખરા, પણ દોસ્ત પણ ખરા. વણબોલ્યા એથિક્સ પાળતા, એકબીજાની પ્રતિભાને આદરથી જોતા, હળતામળતા, મઝા કરતા, એકબીજાના પારિવારિક પ્રસંગે હાજરી આપતા. રાજ મારી અને દેવની નકલ કરી હસાવતો …’ રાજ કપૂરના મૃત્યુ પ્રસંગે પણ તેમણે આ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ત્રણેની ગેરહાજરીથી, એ ત્રણે વડે એક વાર સમૃદ્ધ હતું તે ફિલ્મવિશ્વ અને પ્રેક્ષકવિશ્વ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે.
મહેબૂબ ખાનનું ટાર્ગેટ 1940ના દાયકાનું યંગ ઑડિયન્સ હતું. એમને બતાવવું હતું કે આધુનિકતા ભૂલો કરાવે છે, પરંપરાને વળગી રહો – પણ થયું ઊંધું. એમાં દેખાડાતી, આજે પણ આધુનિક લાગે એવી આધુનિકતાએ જ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા. ફિલ્મમાં બતાવેલી વિજાતીય મૈત્રી ભારતના મૂલ્યોમાં બંધબેસતી નહોતી, પણ નીનાનું પાત્ર ઊંડાણ પામ્યું છે. નીના સ્પષ્ટ છે કે રાજન પ્રેમી છે અને દિલિપ મિત્ર. પણ તેનું મન પોતાની જ સાથે ક્યારેક સંઘર્ષમાં ઊતરે છે. નીનાનો સંઘર્ષ ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે ને ત્રિકોણ ગ્રીક ટ્રેજેડીને આંબી જાય છે.